થોડા સમય પહેલા મે એક એવી સફર કરીકે જેના વિષે જે સંભાળ્યું હતું , લોકો ના જે ફોટા જોયા હતા, જે ગૂગલે બતાવ્યુ હતું તેમાં અને મે જે અનુભવ્યું એ કઈક અદ્ભુત જ હતું . આમ તો મે સ્કૂલ ના બે-ચાર પ્રવાસ છોડીને હંમેશા પરિવાર સાથે જ જે થોડીક યાત્રા કરી છે એ કરી છે બાકી કાંઇ ખાસ પ્રવાસ મે કર્યા નથી પરંતુ આ મારો પહેલો પરિવાર વિના એકલા પ્રવાસ હતો આમ તો એવું ના જ કહેવાય કારણ કે મારી બહેન તો મારી સાથે જ હતી છતાં પણ અમુક અંશે આ મારો સ્વતંત્ર પ્રવાસ હતો. પ્રવાસ નું સ્થાન હતું ગુજરાત નું સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ જેને આપડે અંગ્રેજી માં હિલસ્ટેશન કહીયે છીયે એવું સાપુતારા.
સાપુતારા માટે ઘણી ઉપમાઓ આપવામાં આવી છે જેમાની વધારે જાણીતી છે તે એટલે “ગુજરાત કી આંખો કા તારા સાપુતારા” . સાપુતારા પહોંચ્યા પછી આ વાક્ય ખરેખર તેની સુંદરતા ને ચરિતાર્થ કરે છે એવું લાગ્યું. સાપુતારા એ ગુજરાત ના ડાંગ જિલ્લામાં સ્થિત અતિ રમણીય એક વાર તેની મુલાકાત ચોમાસાની ઋતુમાં લો તો અવિસ્મરણીય સ્થળ છે. સદનસીબે મને ત્યાં જવાનો મોકો વર્ષાઋતુ માં મળ્યો . અમે અમદાવાદ થી એક ટ્રાવેલ્સ કંપનીની ટુર માં ગયા હતા. લગભગ રાત્રિના અગિયાર-સાડા અગિયાર ના સુમારે અમે આ પ્રવાસ ની શરૂઆત કરી હતી.
રાત્રિ ના ચારેય પ્રહોર અમે બસમાં જ વિતાવ્યા હતા વચ્ચે એક-બે વખત ફ્રેશ થવા માટે હોટલ પર બસ ઉભી રાખી હતી એ હોટલ પરથી અમારી સફર ની શરૂઆત કેટલાક સાથીદારો સાથે થોડીક વાત-ચીત થી આરંભાઇ હતી. એવા લોકો કે જેને પેહલા ક્યારેય જોયા પણ નહોતા કે ઓળખાતા પણ નહોતા અને આજે આ સફર ના લીધે સારા મિત્રો બની ગયા છે.
સવારના આશરે સાડા પાંચ વાગ્યે અમે ડાંગ જીલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે થોડુક અંધારું હતું હજુ સૂર્યોદયના દર્શન થયા નહોતા પણ વરસાદે જાણે અમારું સ્વાગત કર્યું હોય તેમ ધીમી ધારે બધાના તનમાં એક અલગ જ ટાઢક નો અનુભવ કરાવ્યો અને ભીની માટી ની સોડમ તો દરેક ના નાક થી મસ્તિક સુધી તરબતર થઈ ગઈ હતી જેમ આપડે કોઈના લગ્ન પ્રસંગે જઈએ ત્યારે થોડીક પુષ્પવર્ષા અને અત્તર થી સ્વાગત કરવામાં આવે છે તેમ અમારું વર્ષા અને ભીની માટી ની સુગંધ થી અનોખુ સ્વાગત થયું હતું. થોડુંક અજવાળું થતાં આશરે 6 વાગ્યે અમે આહવા ગામે પહોચ્યાં. આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્યમથક છે.
આહવા અને વઘઇ ના જંગલો એ ડાંગ ની ઓળખ સમાન છે. આ જંગલના વૃક્ષોમાં ઘણી વિવિધાતાઓ છે કેટલાક ખૂબ ઊંચા તો કેટલાક સાવ નાના છોડ જેવા ત્યાં વૃક્ષોની આસપાસ માં ઊગી નીકળેલા નીંદામણ માં પણ વિવિધતા જોવા મળે છે. દરેક ના પાન, ફૂલ, ફળ બધામાં કઈક અલગ જોવા મળી રહે છે છતાં પણ બધામાં એક સામ્યતા છે તે એટલે લીલાશ... અને દરેક વૃક્ષના પાંદડાં પર સરકતા તો ક્યાંક સરકી ને તેની કોરમાં કે ઝાડ ની ડાળીઓ પર ચોંટેલાં અથવા લટકતા કાચ જેવા વર્ષનાં અમીબિંદુઓ... તે દ્રશ્ય કઈંક અનેરું જ હતું. આવા મનમોહક દ્રશ્યો માત્ર આહવા સુધી જ સીમિત નથી આતો સમગ્ર ડાંગ ની ઓળખ સમા છે. તેમાં પણ ચાર ચાંદ ઉમેરે તેવા ત્યાં થોડા-થોડા અંતરે આવેલા કુદરતી ઝરણાઓ , ક્યાંક ચેક ડેમ અને ક્યાંક-કયાંક બોરી બંધો અને તેમાં વહેતા પાણી નો ખળખળ અવાજ જોડે પક્ષીઓનો મધુર કલરવ , ત્યાંના સર્પાકાર રસ્તાઓ , લીલાછમ ખેતરો અને નાના મોટા એકદમ હરિયાળા ડુંગરો એજ સુંદરતાની ખાણ સમી ડાંગ ની ઓળખાણ છે.
આહવાથી નીકળ્યા બાદ અમારી બસ આશરે સાત સાડા સાત વાગ્યે ગીરા ધોધ થી 1 km દૂર ઊભી રહી ત્યાંથી અમારે ચાલીને ગીરા ધોધ પહોંચવાનું હતું . અમને 10:30 વાગ્યા સુધી પાછા આવી જવાની સૂચના અપાઇ હતી એટલે અમે ફટાફટ બસમાંથી ઉતરીને ધોધ તરફ જવા નિકળ્યા. ત્યાં થોડીક જ ક્ષણો પહેલા વરસાદ પડેલો હતો એટલે રોડ- રસ્તા લપસણ હતા કયાંક -ક્યાંક ગારો ને કિચ્ચડ પણ હતા. અમે ગીરા ધોધ જવા માટે એટલા ઉત્સુક હતા કે રેઇનકોટ કે છત્રી સાથે લેવાનું ભૂલી ગયા ને એમનેમ જ નીકળી પડયાં હતા. હજુ માંડ પચાસેક મીટર આગળ પહોંચ્યા ને ત્યાંતો વરસાદે પુરજોશ માં વાજતે-ગાજતે આગમન કર્યું અમે બધા દોડીને એક નાની ઝુંપડી ની બહાર કંતાન બાંધેલી પરસાળ માં જઈને ઊભા રહ્યા. પંદર-વીસ મિનિટ ઊભા રહ્યા પણ વરસાદ રોકાયો નહીં એટલે આખરે અમે ધોધ ને માણવા મળેલા સમય ને વિસરતો જોઇને વરસાદ માં પલળતા ગીરા ધોધ જવા નીકળી જ પડ્યા. ધોધ સુધી પહોંચતા પહેલાજ બધાના કપડાં પર ચાલતા-ચાલતા ઉછળેલા ગારાંની ભાત બની ગઈ હતી બધા પૂરેપૂરા વર્ષામય બની ગયા હતા એમાં પણ ગરમા-ગરમ મકાઇડોડા સાથે હોય પછી મજા કઈંક ઓર જ હોયને; ત્યાં વધુ વરસાદ ના લીધે ગીરા ધોધ માં નાહવાની મનાઈ ના પાટિયા આખા રસ્તે થોડાં થોડાં અંતરે મૂકેલા હતાં. ધોધ માં નાહવા નહીં મળે તેનું અમને દુખ હતું પણ વરસાદે અમને પહેલાથી જ ભીંજવી દીધા હતાં એટલે ઝાઝો ગમ નહોતો.
ગીરા ધોધ નજીક પહોંચતાં જ ધોધ નો સિંહબાળ ની ગર્જના જેવો ઘૂઘવતો પ્રવાહ તેને પાસે જઈને માણવા દરેક ને મજબૂર કરતો હતો. કિનારે આવેલા કાળા-ભૂખરા ચીકણા પથ્થરો પરથી પડતાં આખડતા, વરસાદમાં ઝૂમતા એક બીજાને ટેકે અમે ધોધ પાસે આખરે પહોંચી જ ગયા એ ક્ષણ મારા માટે થંભી ગયી હતી કલ્પના કરેલ ગીરા કરતાં પણ એ વધુ આકર્ષક અને મનભાવક છે. ચીકણી કથ્થાઇ માટી સાથે ભળેલું પાણી સફેદ ઘોઘ(ફીણ) સાથે આઠ-દસ નાની મોટી ધારાઓથી વહેતું ખળ ખળ નીચે પડેને નાના તળાવ જેવા ભાગમાં વહીને આગળ વધતું જાય આ દ્રશ્ય ‘ચા’ રસિકો માટે તો જાણે કીટલીમાંથી ગરમાગરમ વરાળ નીકળતી ચા રકાબી કે કપમાં ઠલવાતી હોય તેવું લાગે , થોડીક ઊંચાઈએ થી જોઈએ તો ગીરાનું રૂપ આછી આરપાર દેખાતી સાડી માં ઘુંઘટ ઓઢેલ સુંદર કન્યા જેવુ લાગે. ધુમ્મસના શ્વેત આચ્છાદનમાં લીલાછમ પહાડોની વચ્ચેથી કાળા પથ્થરો પર માટીમાં મળીને પાણીનો પ્રવાહ વળાંકોમાંથી ભીની આહ્લાદક સોડમ સાથે જ્યારે ધોધરૂપે નીચે ખાબકે ત્યારે પ્રકૃતિપ્રેમીઓના દિલ છલકાઈ આવે.
આ નજારો માણીને જ્યારે વળતાં થાઓ ત્યારે ત્યાંના સ્થાનિક ડાંગી લોકો ડાંગની પ્રખ્યાત એવી બામ્બૂમાંથી બનાવેલી વિવિધ વસ્તુ વેચતા જોવા મળે નીત-નવા રમકડાં, તીર-કામઠાં અને સુશોભનની વસ્તુઓ પણ જોવા મળે. આ બધું નિહાળી ને અમે બપોરે ગીરા ધોધ થી સાપુતારા અમારી કેમ્પ્સાઇટ પર પહોંચ્યા. કેમ્પ્સાઇટ પર પોતાને મળેલા ટેન્ટ(તંબુ) માં પોતાનો સામાન ગોઠવીને નાહી-ધોઈને બધાએ પહેલું ભોજન લીધું. બધાનું જમવાનું પત્યું ત્યાં તો અમારા ઇન્સ્ટ્રક્ટર નું એલાન આવી ગયું કે ચાર વાગ્યે સન સેટ પોઈન્ટના ટ્રેક પર જવાનું છે એટલે થોડીકવાર આરામ કરીને સૂચના મુજબ બધા ટ્રેકિંગ માટે સજ્જ થઈને ચારનાં ટકોરે કહયા પ્રમાણે ગ્રુપમાં લાઇનમાં ગોઠવાઈ ગયા ને પછી ટ્રેક માટે ઇન્સ્ટ્રક્ટરની પાછળ પાછળ નીકળી પડ્યા.
ક્રમશ: