એક હરિયાળો પ્રવાસ - 2 Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

એક હરિયાળો પ્રવાસ - 2

આ નજારો માણીને જ્યારે વળતાં થાઓ ત્યારે ત્યાંના સ્થાનિક ડાંગી લોકો ડાંગની પ્રખ્યાત એવી બામ્બૂમાંથી બનાવેલી વિવિધ વસ્તુ વેચતા જોવા મળે નીત-નવા રમકડાં, તીર-કામઠાં અને સુશોભનની વસ્તુઓ પણ જોવા મળે. આ બધું નિહાળી ને અમે બપોરે ગીરા ધોધ થી સાપુતારા અમારી કેમ્પ્સાઇટ પર પહોંચ્યા. કેમ્પ્સાઇટ પર પોતાને મળેલા ટેન્ટ(તંબુ) માં પોતાનો સામાન ગોઠવીને નાહી-ધોઈને બધાએ પહેલું ભોજન લીધું. બધાનું જમવાનું પત્યું ત્યાં તો અમારા ઇન્સ્ટ્રક્ટર નું એલાન આવી ગયું કે ચાર વાગ્યે સન સેટ પોઈન્ટના ટ્રેક પર જવાનું છે એટલે થોડીકવાર આરામ કરીને સૂચના મુજબ બધા ટ્રેકિંગ માટે સજ્જ થઈને ચારનાં ટકોરે કહયા પ્રમાણે ગ્રુપમાં લાઇનમાં ગોઠવાઈ ગયા ને પછી ટ્રેક માટે ઇન્સ્ટ્રક્ટરની પાછળ પાછળ નીકળી પડ્યા.
સન સેટ પોઈન્ટ ના ટ્રેક માટે અમે જે રસ્તેથી ગયા હતા એ રસ્તો વરસાદના લીધે અતિશય લપસણો હતો માંડ-માંડ ચડી શકાય એમાં પણ સાવ નાનકડી કેડી, કેડીની બંને બાજુ કાંટાળી ઝાડી અને જો પગ લપસ્યો તો સીધા ઝાડીમાં ફસાતા નીચે. અમારી સાથે ઘણાં લોકો પડતાં પડતાં ઉપર ટોચ સુધી પહોંચ્યા હતા. કેટલાકે તો અધવચ્ચે જ માંડી વાળયું હતું પણ બધાના સાથથી તેમને આટલું જ છે, પેલા પથ્થર સુધી જ છે તેમ કહીને ઉપર સુધી લઈ આવ્યા હતા. કેટલાકના કાંટાળી ઝાડી માંથી આવતા કપડાં ચીરાયા તો કેટલાકના લપસવાથી કપડાં ગારાવાળા થયા, કેટલાક ના પડવાથી કપડાં ફાટયા પણ ખરા છતાં બધા પહોચી ગયા. સન સેટ પોઈન્ટ પહોંચ્યા પછી જે જોયું તે દ્રશ્ય ત્યાં સુધી પહોંચવા કરેલી જહેમતના અતિમધુર ફળ સ્વરૂપ હતું તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. વાદળાઓની વચ્ચે અમે પ્રવેશ કરી ચૂક્યા હતા પોતાનાથી 5 ફૂટ દૂર ઊભેલી વ્યક્તિ પણ દેખાતી નહોતી અને ઝરમર વરસાદનો સાથ તો હતો જ. ખેર,વાદળો ના લીધે અમને સન સેટ જોવા નહોતો મળ્યો પણ એ હવામાં અલગ જ પ્રકારની મજા હતી. ત્યાં બાજુમાં આવેલી ખાઈ તો જાણે કપાસના કાલાં ફોલીને દબાઈને ભરેલી રૂની બોરીમાંથી બહાર નીકળતા રૂ ના ગોટા જેવુ લાગતું હતું. વાદળો થી ચિક્કાર ભરેલી ખાઈમાંથી વાદળાં ઉભરાઈને બહાર આવતા હોય તેવું લાગતું હતું. ત્યાં જ થોડેક આગળ ગરમાગરમ બાફેલી અને શેકેલી મકાઇના સ્ટોલ હતા સાથે સાથે એક નાનકડા ઢાબા જેવુ હતું જ્યાં મેગી, ભજીયા, સમોસા અને અમુક નમકીન વેચાતા હતા. આ બધુ જોતાં જ ત્યાં લોકોની ભીડ જામી ગઈ હતી આ વાતમાં કઈ નવાઈ હતી જ નહીં; ગુજરાતી પ્રજા હોય, વરસાદ હોય અને ગરમાગરમ નાસ્તા હોય પછી બાકી જ શું રહે? આ રમણીય નજારાને કેદ કરવા સૌ કોઈએ ત્યાં ફોટા પડાવ્યા, વિડીયો ઉતાર્યા કેટલાકે અલગ-અલગ ગીતો પર રિલ પણ બનાવી આટલું બધુ થાય પછી ગરબા બાકી થોડી રહી જાય? અમે ચાલુ વરસાદે ગરબાની મોજ ઉઠાવી. પછી ત્યાંથી અમે સીધા પાકા રસ્તે નીચે ઉતર્યા અને કેમ્પસાઇટ પર પહોંચ્યા ત્યાં સુધી અમારું રાતનું જમવાનું ચાલુ થઈ ચૂક્યું હતું અને ઠંડીએ પણ તેનો પ્રકોપ દેખાડી દીધો હતો એટલે સત્વરે બધાએ ફ્રેશ થઈ ને જમી લીધું.
જમ્યા પછી બધા સૌ-સૌ ના ટેન્ટ માં જઇને પૂરાયા પરંતુ ત્યાં એ સમયે આશરે 500 મીટર ની ગોળાઈ માં 150-200 ટેન્ટ જોડે-જોડે ગોઠવેલા હતા કોઈ ટુ સેરિંગ કોઈ થ્રી સેરિંગ અને થોડાક વીઆઇપી ટેન્ટ પણ હતા ટેન્ટ એટલા નજીક નજીક હતા કે એક ટેન્ટ માં શું વાત કરો છો તે ચારેય બાજુના ટેન્ટમાં સંભળાય. જેમ કોઈ ગામની પોળ કે શેરીમાં ઓટલે બેસીને સ્ત્રીઓ વાત કરે તો આજુબાજુ બધાને સંભળાય. બધાને આ વાત નો અહેસાસ થયો એટલે એક પછી એક બધા ટેન્ટના લોકો ટેન્ટની બહાર આવીને ખુરશીઓ ઢાળીને બેઠા. ટેન્ટ એકતો નાના, ઉપરથી કઈ વાત કરો તો બાજુવાળને સંભળાય એના કરતાં બહારે તો જગ્યા પણ વધુ અને મસ્ત ઠંડો પવન પણ એટલે વધારે મજા આવે. બધા બહાર આવીને બેઠા એટલે સ્વાભાવિક છે ઓળખાણ તો નીકળે જ બધાએ પોત-પોતાનો પરિચય આપ્યો અને પછી અંતાક્ષરી, ડમસરાત, એટોમ બોમ્બ જેવી રમતો રમવાનું ચાલુ કર્યું અડધા કલાક પછી તો એવું લાગતું જ નહોતું કે અમે એક બીજાને જાણતા નથી જેમ સોસાયટીના લોકો રાત પડે ને ખુરશીઓ ઢાળીને બેસે તેમ જ વરસો થી એક બીજા ને જાણતા હોઈએ તેમ સૌ વાતો કરતાં હતા. રાતના સાડા અગિયાર બાર વાગ્યા એટલે ઠંડી વધવા લાગી પણ રમત અને વાતોની ગરમી પણ સાથે હવે વધવા લાગી હતી એટલે કોઈને ઉઠવાનું મન નહોતું થતું બધા ટેન્ટ માંથી ધાબળા, ચોરસા ને બ્લેંકેટ લઈ આવ્યા ને ઓઢીને બેઠા પણ વરસાદથી અમારી આ મજા જોવાઈ નહીં એટલે એ ફરી પધાર્યા અને બધાને નાછુટકે ટેન્ટમાં ભાગવું પડ્યું.
મધરાત્રિ તો થઈ જ ચૂકી હતી પણ નીંદર આવતી નહોતી ઉપરથી મેઘો વરસી રહયો હતો એટલે વૉટરપ્રુફ રેક્ઝિનના ટેન્ટ પર પડતાં વરસાદ નો ટપાટપ ટપાટપ અવાજ ઊંઘ ઉડાડવામાં સૂર પુરાવી રહ્યો હતો અને અધૂરામાં પૂરું ત્યાં મોબાઈલ નેટવર્ક પણ નહીં એટલે મોબાઈલ પણ સમય પસાર કરવામાં સાથ ના આપે તેમ છતાં ઠંડી, વરસાદ અને સંકળાશ ના કારણે એક જ પડખે હલ્યા વિના આખી રાત ક્યાં વીતી ગઈ તેનું ધ્યાન જ ના રહ્યું અને સવારે 5:30 વાગ્યે પક્ષીઓના મધુર કલરવથી આંખ ઉઘડી ગઈ. ઊઠીને ટેન્ટની બહાર નીકળવા જેવી ટેન્ટની ચેઇન ખોલી કે ઠંડકથી શરીરમાં એક અલગ જ તાજગીનો અહેસાસ થયો. આખી રાત વરસાદ વરસ્યો હતો એટલે બધે ગારો થઈ ગયો હતો સ્લીપર તો કિચ્ચડમાં ફસાઇ જતાં હતા છતાં અમે બીજા કરતાં વહેલા જાગ્યા તાં તેનો ફાયદો ઉઠાવવા ઝડપથી બાથરૂમ આગળ લાઇન લગાવી દીધી જેથી કરીને પછી ભીડમાં નાહવા -ધોવા માટે રાહ જોવી ના પડે. ખેર, પાણી એટલુ ઠંડુ હતું કે નાહવાની તો કોઇની હીંમત જ નહોતી પણ હાથપગ મોઢું ધોઈ, બ્રશ કરીને બધા ચા-નાસ્તો કરવા પહોંચી ગયા.
તે દિવસે અમારે સન રાઇઝ પોઈન્ટ પર જવાનું હતું પણ અમારી સાથે આવેલ ઘણા લોકો તૈયાર નહોતા એટલે અમે સન રાઇઝ પોઈન્ટ ના ટ્રેકિંગ માટે સવારે 10 વાગ્યે નીકળ્યા. સન રાઇઝ પોઈન્ટ સુધી પહોંચવા માટે અડધે સુધી તો સરસ RCC રોડ હતો પણ, તેના પછી જે ચઢાણ હતું એ થોડું અઘરું હતું સીધું ચઢાણ અને વરસાદ ધીમી ધારે ચાલુ ને ચાલુ જ હતો, અતિશય ઘૂઘવતાં પવન ના લીધે કેટલાયના રેઇનકોટ પવનના લીધે ફાટી ગયા હતા. છત્રીના કાગડા થઈ જતાં હતા વધારા માં ધુમ્મસ પણ એટલુ બધુ કે તમને બધુ ધૂંધળું જ દેખાય visibility સાવ ઓછી થઈ ગઈ હતી. અમને ટ્રેક કરીને ટોચ પર પહોંચતા લગભગ બપોર ના 12 વાગી ગયા હતા પણ વાતાવરણ પરોડિયાના 5 વાગ્યા હોય તેવું હતું. તડકો તો અમે જોયો જ નથી. તે પહાડ ની ટોચ પર થોડું સમતલ મેદાન જેવો ભાગ છે ત્યાંથી નીચે જોતાં એવું લાગે જાણે નાના બાળકે જેને રંગ કરતાં નથી આવડતું તેને આમતેમ આછા-ઘાટા લીલા રંગોને જમીન પર ઢોળી દીધા હોય તેમ ચારેય કોર લીલોતરી જ લીલોતરી અને તેના માથે વહેતા વાદળનું ઝરણું એક અનેરું દ્રશ્ય હતું. ત્યાં બધા એ ખૂબ ફોટોગ્રાફી કરી પોતાની અને પ્રકૃતિ બેઉની. જગ્યા અતિસુંદર અને સમતલ હતી અને વરસાદ પણ તે સમયે બંદ થયો એટલે થોડી ઘડી ત્યાં પણ અમે ગરબા રમી જ લીધા. ત્યાં મોજ કર્યા બાદ અમે નીચે ઉતરવાનું ચાલુ કર્યું ત્યાં અમને ચઢતા જેટલી તકલીફ પડી એટલી જ ઉતરતા પણ પડી પથ્થર પર રહેલી કાંકરીઓ વરસાદ ના લીધે પગ મુક્તા જ સરકી જતી હતી એટલે પડવાની બહુ બીક લાગતી હતી છતાં જેમ-તેમ કરીને નીચે આવી ગયા પછી એક-બે કિલોમીટર ચાલીને કેમ્પસાઇટ પર પહોંચ્યા. કેમ્પ પર પહોંચતા પહોંચતા અમને 2-2:30 વાગી ગયા હતાં, પેટમાં બિલાડા પણ બોલતા હતા એટલે કપડાં બદલીને બધાએ જમવા માટે દોટ મૂકી જમવાનું એટલુ સ્વાદે સારું નહોતું પણ ભૂખ સારી એવી હતી એટલે બધા રોજ કરતાં બમણું ઝાપટી ગયા.
જમ્યા પછી અમને રાતસુધી સાપુતારા સાઇટસીન નો સમય આપ્યો હતો જેને જવું હોય તે જાય બાકી આરામ કરે પણ અમે તો યેહ જવાની હૈ દીવાની ની અદિતિની જેમ નક્કી કરીને ગયેલા કે સાપુતારા કા ચપ્પા ચ્પ્પા છાન મારેંગે એટલે વહેલા માં વહેલી તકે કેમ્પસાઇટ પરથી સાત-આઠ જણા ભેગા નીકળી પડ્યા નીકળતા પહેલા એકવાર ઇન્સ્ટ્રક્ટર ને પૂછી લીધું હતું કે કયા રસ્તેથી ક્યાં જવાય છે અને કઈ કઈ જગ્યા જોવા જેવી છે કારણ કે સાપુતારામાં મોબાઈલ નેટવર્ક તો છે જ નહીં એટલે ગૂગલબાબા ત્યાં મદદરૂપ નહોતા થવાના જો ભૂલા પડ્યા તો હરી હરી...

ક્રમશ: