શાળાએ જવાનો સમય
પૃથ્વી પર માનવ તરીકે અવતર્યા પછી જીવનના મુખ્ય હેતુઓમાંથી પ્રથમ કાર્ય ભણવાનું રહેતું હોય છે, એટલે જ શાળાએ જવું પડે. આથી જ, વૃંદા માટે પણ પ્રથમ કાર્ય એ જ હતું. બાળપણના દિવસો વડીલોની સુરક્ષા હેઠળ જ પસાર થયા હતા. કપડવંજની શેરીઓમાં થતી મસ્તી શાળાના ચોગાન સુધી જ રહી હતી. જીવનના ચાર ચરણોમાંનું પ્રથમ ચરણ શરૂ થવાનું હતું. પ્રથમ ચરણ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં વ્યક્તિ વિદ્યાર્થી તરીકે બધું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનના આ તબક્કે શરીર, મન અને બુદ્ધિનો વિકાસ થાય છે. આજ દિવસો વિદ્યાર્થીજીવન અથવા બેચલરહૂડ તરીકે ઓળખાય છે.
વૃંદા માટે આ ચરણની શરૂઆત થઇ, શ્રી માણેકલાલ દેસાઇ કિશોર મંદિર શાળાએથી. મસમોટાં મેદાનમાં કેસરી છાંટવાળા પીળા રંગથી રંગાયેલી દિવાલો ધરાવતી શાળા કે જેના ત્રણ માળ એકતરફ વાદળી રંગના નળાકાર સ્તંભોના ટેકે ઊભેલા હતા. ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલી હતી. પ્રવેશવા માટે ડાબી તરફ ત્રણ દાદરાનું ચડાણ, અને તે પૂરૂ થતાં જ પરસાળ, તેમજ ઉપરના માળે જવા માટે નિસરણી ર્દશ્યમાન બનતી હતી. દરેક ઓરડાના પ્રવેશદ્વાર ઉપર શ્યામ રંગનું ગોળ બનાવેલ હતું, અને તેમાં મધ્યમાં શ્વેત રંગ વડે ઓરડાને ક્રમ આપેલ હતો. ભૂલકાંઓને તકલીફ ન પડે તે માટે બાળવર્ગો ભોંયતળિયા પર જ હતા.
શાળાપ્રવેશના દિવસે સામાન્ય રીતે બાળકોનો કોલાહલ ગૂંજતો હોય છે. શાળાના પટાંગણમાં પણ એવું જ વાતાવરણ હતું. બાળકોના હૈયાફાટ રૂદન, જાણે સ્કુલ નહિ પરંતુ કતલખાનામાં લઇ જવામાં આવતા હોય. શોરબકોર, ‘નથી જવું,’ વારંવાર કર્ણપટલ સાથે અથડાતું રહે, પરંતુ વાલી આ સમય માટે બાલી બની જાય, અને દિકરા-દિકરીને શાળાએ ઘસડીને પણ લઇ તો જાય જ. યુદ્ધ મેદાનમાં લડતા સૈનિકોની માફક જ બાળકો સ્કુલના મેદાનમાં પોતાના મા-બાપ સાથે લડી રહ્યા હતા. એક જ સૈનિક શાંત હતો. ના કોઇ અવાજ, ના હાથ-પગ પછાડવા, અને ના કોઇ વિરોધ...જાણે શહાદત વહોરવાનું નક્કી જ કર્યું હોય તેમ વર્ગખંડ તરફ મક્કમ ડગલાં ભરાઇ રહ્યા હતા. તે ઢીંચણ સુધીના સફેદ મોજાં ધરાવતા, અને કેનવાસના સફેદ શુઝમાં સમાયેલા નાના કુમળાં પગ હતા, વૃંદાના.
ઘેરા વાદળી રંગથી રંગાયેલ લાકડાના દરવાજાની બીજી તરફ વર્ગખંડમાં દાખલ થતાં જ વૃંદાએ જોયું કે સીમેન્ટનું લીંપણ કરીને તૈયાર કરેલા ભોંયતળિયા પર લાલ અને નારંગી રંગના દોરાઓના ઉપયોગથી ગૂંથેલ પાથરણું પાથરેલ હતું. જેમાં ચોક્કસ અંતરે વિદ્યાર્થીઓને બેસવાનું રહેતું. નાની કાપડની બનેલી ખભાના આશરે લટકી રહે તેવી બેગમાં એક સ્લેટ અને બે પાટીપેન લઇને વિદ્યાર્થીઓ આવતા. જેમાંથી એક પાટીપેન તો ખાવામાં વપરાઇ જતી. બીજી સ્કુલનો સમય પૂરો થતાં સુધીમાં ટુકડાઓમાં વહેંચાઇ જતી. વૃંદાએ પણ શિક્ષક દ્વારા સૂચિત તેના માટે રક્ષિત જગા પર સ્થાન લીધું. ચૂપચાપ વર્ગમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને નિહાળતી. રડતા, કકળાટ કરતા, શોરબકોર કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ દરવાજાની હદ પાર કરી ઓરડામાં પ્રવેશતાં જ શાંત થઇ જતા. કદાચ શિક્ષકનો દેખાવ જવાબદાર હશે. હોવો જ જોઇએ, નહીંતર વાનરસેના નિયત્રંણમાં ક્યાંથી રહે? આમ છતાં, બે-ચાર તો એવા નીકળે જ જેના રેકર્ડને બંધ કરવા માટે કોઇ સ્વીચ જ ન હોય.
જેમ દિવસો પસાર થતા ગયા. શિક્ષકને સૌથી શાંત બેસનાર વૃંદા વિષે જાણવાની ઉત્સુકતા વધવા લાગી. પરંતુ ભૂલકાઓના વર્ગમાં કોઇ એક ચોક્કસ પર ધ્યાન આપવું કે તેના વિષે જાણવું અઘરૂ હતું. પ્રતિદિન આંકડાઓ અને કક્કાના મૂળાક્ષરો, સ્લેટમાં ઘુંટવાના, જેથી હાથ અક્ષરો મુજબ વળાંક લેવા માંડે. શિક્ષકો દ્વારા શીખવાડવા માટેની સૌથી સરળ પદ્ધતિની શોધ આ જ હતી. બસ ઘુંટ્યા કરવાનું. શિષ્ય ઊંઘમાં હોય તોય તેનો હાથ તો અક્ષર મુજબ જ વળવો જોઇએ. એક દિવસ એવો આવે કે પહેલા પ્રયત્ને જ સાચું લખી નાંખે. આમ, જ અક્ષરોને ઘુંટતા ઘુંટતા દિવસો વીતવા લાગ્યા. કક્કો, આંકડાઓ, તેમજ પ્રાણીઓ, પક્ષીઓ, રંગો વિગેરેની ઓળખ, અને સ્કુલેથી છુટતાં પહેલા હળવો નાસ્તો નિત્યક્રમ બની ગયો હતો. વૃંદા વર્ગખંડમાં ત્રણેક તેના જેવી જ નાનકડી છોકરીઓ સાથે ભળી ચૂકેલી. ચારેય જણા એક જ પાથરણા પર એકબીજાની સાથે બેસવા લાગ્યા હતા. ભણવાનું સાથે, રમવાનું સાથે, સ્કુલમાંથી આપવામાં આવતો નાસ્તો સાથે, અને ઘરે જવા પણ સાથે જ નીકળવાનું. ચારેયને વાલી લેવા તો આવી જ ગયા હોય, અને ના આવ્યા હોય તો નાનકડા કપડવંજમાં એકબીજા સાથે ઘરોબો જ એવો રહેતો કે દીકરો કે દીકરી ઘરે પહોંચી જ જાય.
એક દિવસ કાળા રંગની જાડી પ્લાસ્ટિકની ફ્રેમ ચહેરા પર ચડાવી રાખતા શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્નોત્તરી ચાલુ કરી. તેમણે અનુક્રમે વિવિધ સવાલો કરવાનું શરૂ કર્યું. પહેલો સવાલ હતો કે પ્રત્યેક વિદ્યાર્થીના પિતા શું કરે છે? શિક્ષકે આજ દિન સુધીમાં પૂછેલો સૌથી સહેલો સવાલ.
વિદ્યાર્થીઓના જવાબ શરૂ થયા, ‘રિક્ષા ચલાવે છે, કપડા સીવે છે, મકાન બાંધે છે, ગેરેજ છે, પેટ્રોલ પંપ પર છે...’, નાના બાળકોના જવાબ પણ નાના જ હતા.
શિક્ષકે બીજો સવાલ કર્યો કે તમારે કેટલા ભાઇ-બહેન? પહેલા સહેલા સવાલ પછીનો બીજો ઐતિહાસીક પ્રશ્ન પૂછાઇ ગયો.
ફરીથી જવાબોની હારમાળા રચાઇ, ‘બે… ત્રણ… ‘, એક સાથે અવાજો આવતા હોવાને લીધે કોણ જવાબ આપતું હતું, તે જાણવું થોડું મુશ્કેલ હતું. અમુકને તો ખબર જ નહોતી કે વર્ગમાં શું ચાલી રહ્યું હતું.
આ વખતે શિક્ષકે વૃંદા સામે જોયું, ‘તમને શું ગમે?’, ત્રીજો અને બાળકો માટે સૌથી અઘરો પ્રશ્ન હતો. કેમ કે બાળકોની પસંદ બદલાતી રહેતી હોય છે.
બાળકો તો ચાલુ પડી ગયા, ‘જલેબી..., શ્રીખંડ..., રસ..., બાસુંદી...’, સામાન્ય રીતે ભૂલકાંઓની પસંદ આરોગવાની વાનગીઓ જ વધુ રહેતી હોય છે. જોવાની વાત એ હતી કે કોઇના પણ મોંઢેથી “ભણવું”, શબ્દ પસંદગી તરીકે નીકળ્યો નહીં.
આખરે શિક્ષક વૃંદાની નજીક આવ્યા, ‘તને શું ગમે છે, બેટા?’
વૃંદાનો જવાબ સાંભળી શિક્ષકના ચહેરા પર સ્મિત ફરી વળ્યું, તેમણે હાથ વૃંદાના માથા પર મૂક્યો, ‘મને પણ...’
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏