અછાંદસ Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અછાંદસ


મનમાં રહેલાં શબ્દોને જ્યારે ઝાંકળની ભીનાશ સ્પર્શે ત્યારે
કઈ કેટલાય કાવ્યો રચાય.

" સ્પૃહા" ડો.ચાંદની અગ્રાવત
...................................................
બુલડોઝર


બુલડોઝર ફેરવી દીધું મેં,

મનમાં તારી વસાહતો પર.
શું કરુ?
શમણાનો રસ્તો રોકાતો હતો,
ને,
આવતું 'તું પુર વારે વારે
મારી પાંપણના કિનારે.
આમ તો,
તરતાંય આવડે ,ને ડૂબતાં પણ,
કિંતું,
ભીંજાયેલા રૂ જેવો
સપનાનો ભાર ,
કેમ મુજને તારે.

. " સ્પૃહા" ચાંદની અગ્રાવત

...........................................

પ્રિય મિત્ર સ્વ.ડો.સ્નેહલ ગોસ્વામીને

આઘાત

ખખડધજ યાદોની ડેલીમાં,
પુરાણી પરસાળ થઈને ઉભી.

દર્પણનાં દરેક ખૂબસૂરત પ્રતિબિંબમાં,
છુપો દાગ થઈને ઉભી.

ખુશીના હર એક પ્રસંગમાં,
રુદનનો વ્યવહાર થઈને ઉભી.

કુમાશ ભર્યા ફૂલોમાં
કંટકોની હાર થઈને ઉભી.

પ્રથમ વરસાદમાં પલળ્યા પછી,
ભીનાશનો ભાર લઈને ઉભી.

જિંદગીએ આપ્યા અવસર અનેક વસંતના,
પણ,બાવળનું હું ઝાડ થઈને ઉભી.

એવો તો શો આઘાત તારા ગયાનો,
હું મુર્તિવંત પથ્થર સમ એજ વળાંક પર ઉભી.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત

...........................................

હશે

નખ જો કપાય આંગળીને શી વ્યથા પણ,
જીવારુ ચીરાઈ તો દર્દ ટેરવાનેય થાતું હશે.

સ્મીતનાં છળમાં આવી જાય છે દુનિયા પણ,
આંખનાં ડબ્બામાં કેદ એકલું આશું હીજરાતું હશે.

ઊનાળામાં ય નીતરે તો અચંબો શાનો
મજબૂત ઘરની દિવાલો કરવા કોઈનું તો સ્વાભિમાન નેવે મુકાતું હશે.

નહીતો ક્યાંય ન ટકે એકેય નાતો
લાગણીનું પંખી જરૂર ફીનીક્સ ની જેમ રાખથી બેઠું થતું હશે.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત

....................................................

સ્વ સાથે સંવાદ

પ્રકરણ

ચહેરો મારો યાદ તો જરૂર આવશે,
જ્યારે નિતરતી આંખે કોઈ મલકી જશે

ઝાંઝવાંની જેમ સરકી જઈશ હાથથી,
પછી ગળે પડતો શોષ કનડી જશે.

વણથંભ્યા વીતી જશે વર્ષો મુજ વીના,
ને કોઈ બોઝીલ સાંજે સ્તબ્ધતા દિલ ચીરી જશે.

ક્યાંય નહી હોય મારુ અસ્તિત્વ, તોય યાદ
હસતાં હસતાં ગળે ડૂમો બની થીજી જશે.

સાંભળવા જો માંગીશ તો શૂન્યાવકાશ જ હશે,
ને નિરવ શાંતિમાં મારા પડઘા ગુંજશે

અને પછી ડૂબી જશે પડઘા પણ,
મારી વિખરાયેલ રાખ જેમ,
અસાધારણ શા લાગતા મુજ પ્રકરણનો
એજ સાધારણ અંત હશે.

.... " સ્પૃહા" ચાંદની અગ્રાવત

.......................................

મિત્ર સ્વ..ડો.સ્નેહલ ગોસ્વામીને

તારા ગયા પછી

ક્યાં કનડે છે,કોઈ અજંપો મને

મીઠી નિંદર હુ માણી લઉ છુ,કેમકે
આંખના અધુરા સપનાઓનો વીટો વાળી
સુપેરે પોપચાની ચાદર તાણી જાઉ છુ.

છે સુખની છોળો આસપાસ
દુઃખનો જરાય નથી અહેસાસ ..તોય
જિંદગી તે આપ્યા એટલા ઘસરકા
કે જરા અડે ખારાશ ને જલી જાઉ છું.

તારા ગયા પછી એ જ છે રફ્તાર જીવનની
તુ નથી કે,નથી તારી યાદ....તોય
જરા ઉંડો લઉ છુ શ્ર્વાસ,
ને ...તને સ્પર્શી જાઉ છું.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત

........................................

સદીઓ

ઉંબર થી બસ ડેલા સુધી,

ટુંકો જ હતો રસ્તો સ્વાભિમાનનો

કરતા એને પાર સદીઓ લાગી.


લોહીતો વહેતું એની નસોમાંય ક્ષત્રિયનું,

સામે હતા સ્વજન હજાર, તેથી પાર્થ ને

ઉઠાવતા હથિયાર સદીઓ લાગી.


રોજ થતી'તી હત્યા,

જીવ જતોતો રોજેરોજ, તોય

પહોંચતા પે'લેપાર સદીઓ લાગી.


કડકડાટ હતાં હૈયે,

અઢારે અઢાર અધ્યાય,

કિંતુ સમજતા એનો સાર સદીઓ લાગી.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત

...............................................

છળ

બધુ પોકળ પોકળ

બધુ છળ,

મનની નગ્નતાને

છુપાવાય

એવું ક્યાંય નથી

કાપડ


રચ્યું ભલે રેત શુ

આવરણ ,

કાચિંડો,જીહ્ વા થકી ,

ઓળખાય,

રણ મહી,

ભલે લપાય.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત

.........................................

ગુજરાત ની સૌપ્રથમ ડાઈવીંગ ખેલાડી

ચિ..આશના છેવલી ને.

પ્રતિભા

કદ તારૂ અબ્ધિથી વિશાળ ,શી રીતે મપાય.

સૂર્યનું પ્રતિબિંબ આયનામાં કદી ઝીલાય?


પ્રથા છે ગણવી હવાની ગતિ,

સુગંધ ની ગતિ કદી ગણાય?


સરળ છે જાણવું,ભેજ હવા મહી.

આંખનો ભેજ કદી જણાય?


પરખે છે ઝવેરી હીરાની પ્રતિભા,

હીરાકણીની પ્રતિભા ક્યાં કદી પરખાય.

" સ્પૃહા" ચાંદની અગ્રાવત