કીડિયારું Himanshu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીડિયારું

“કીડીયારું”

ગામ નું પાદર સાંજે ચારો ચરી ને પાછી ફરી રહેલી ગાયો ની “ગોધૂલી” અને આથમતા સુરજ ના કેસરિયા રંગ ના મિશ્રણ થી એક “નવોઢા” ના ચહેરા પર પડતા શરમ નાં શેરડા ની જેમ દીસી રહ્યું હતું.પાદર ના શીવાલાય માંથી સંભળાતો “ઘંટારવ” અને “શંખનાદ” જાણે હરખઘેલા જાનૈયા ઓ ની હાજરી પુરાવતો હતો.

ગામ ના ઝાંપા માં થી લાકડીના ટેકે ડગુમગુ કરતા એક ઘરડા ડોશી હાથ માં નાનકડી થેલી લઇ ને પાદર તરફ આવી રહ્યા હતા,તેમના ચહેરા પર ની કરચલીઓ ની ઊંડાઈ ઓ માં “સંવેદના” અને “લાગણીઓ” ના ઝરણાં જાણે સમય ના વહેણો ની સાથે સુકાઈ ગયા હતા.માજી મંદિર ની પાછલી ભીંતે આવેલા નાનકડા મેદાન માં પહોચ્યા.અને વાંકા વળી થેલી માં થી લોટ કાઢી કીડીયારા પુરવા લાગ્યા.

મંદિર ના ચોગાન માં બેઠેલો હમણાં જ અમેરિકા થી આવેલો ગામ ના મુખી નો દીકરો પાર્થ એકીટશે માજી ની ગતિવિધિઓ ને જોઈ રહ્યો હતો.એને અચાનક સ્મૃતિપટ માં વર્ષો પહેલા એમના બાજુ ના જ મકાન માં રહેતો “દિવાળીબા” નો હસતો ખેલતો પરિવાર તાદ્રશ્ય થઇ ગયો.આ ડોશી તો દિવાળીબા જ હતા.એ મંદિર માં થી ફટાફટ બહાર આવ્યો અને દિવાળીબા ના પગે અડી ને પ્રણામ કર્યા.અને કહ્યું,”બા,જે શ્રી કૃષ્ણ,મને ઓળખ્યો કે નહિ?”

દિવાળીબા એ સામું તો જોયું પણ કાંઈ બોલ્યા નહિ.પાર્થ ને થયું કે,”હશે,કદાચ દિવાળીબા ની સ્મૃતિ કદાચ ઉંમર ની સાથે નબળી પડી ગઈ હોય.”

પાર્થે કહ્યું,”ચાલો બા તમને ઘેર સુધી પહોચાડી દઉં.”

એમ કહી એને દિવાળીબા નો હાથ પકડ્યો અને ચાલવા લાગ્યા ગામ તરફ,પણ ગામ ના ઝાંપા માં પ્રવેશતા જ દિવાળીબા એ પાર્થ નો હાથ છોડી દીધો અને જમણી બાજુ પીપળા ના ઝાડ ની નીચે આવેલી એક ઓરડી ખોલી અને અંદર ચાલ્યા ગયા.પાર્થ ને એટલું યાદ હતું કે આ ઓરડી માં એ જયારે નાનો હતો ત્યારે એક અલગારી બાવો રહેતો હતો.પાર્થ ના મન માં અનેક સવાલો દોડવા લાગ્યા.પણ એને અત્યારે સવાલો ને થોડો વિરામ આપી ને ઘર ભણી ચાલવા માંડ્યું.

ઘેર પહોચી ને ઘર ના ચોગાન માં આવેલી ચોકડી માં હાથ પગ ધોઈ,ખાટલા પર ફસડાઈ પડ્યો.

રસોડા માં થી માં નો અવાજ આવ્યો,”બેટા દર્શન કરી આવ્યો,ચલ તારી થાળી લગાવી દઉં છું,તારા માટે તારો ભાવતો રીંગણ નો ઓળો અને રોટલા બનાવ્યા છે ચલ બેસી જા ગરમ ગરમ ખાઈ લે.”

પાર્થ બોલ્યો,”માં પણ બાપુજી હજુ નથી આવ્યા.”

માં એ કહ્યું,”બેટા એ કોક કામ થી શહેર માં ગયા છે,એમને આવતા હજુ વાર લાગશે,તું ખાઈ લે બેટા.”

પાર્થે કહ્યું,”સારું માં,આપી દે.”

પાર્થ જમી-પરવારી ને પાછો બહાર ખાટલા માં આડો પડ્યો.એના મગજ માં હજુ દિવાળીબા અંગે ના વિચારો રમખાણ મચાવી રહ્યા હતા.જયારે એ નાનો હતો ત્યારે બાજુ ના જ ઘર માં દિવાળીબા નો પરિવાર રહેતો હતો.દિવાળીબા ના પતિ જયારે એમનો સૌથી નાનો દીકરો “ઓમ” જયારે પેટ માં હતો ત્યારે જ ખેતર માં સર્પદંશ થી મૃત્યુ પામ્યા હતા.પાર્થ પણ લગભગ ઓમ ની ઉંમર નો જ હતો.એટલે એને પણ દિવાળીબા ના પતિ “સોમાભાઈ” ક્યારેય જોયા નહોતા.એમનો મોટો દીકરો “આશિષ” લગભગ પાર્થ અને ઓમ કરતા ૩ વર્ષ મોટો હતો.પણ દિવાળીબા એ એમને ક્યારેય બાપ ની ખોટ વરતાવા નહોતી દીધી.બંને ને ખુબ લાડકોડ થી ઉછેર્યા હતા.અને આ વાત નો પાર્થ મૂક સાક્ષી હતો. દિવાળીબા ની ગામ માં છાપ એક “મુછ વગર ના મરદ” તરીકે ની હતી.દિવાળીબા ની પરિસ્થિતિ આવી કઈ રીતે થઇ હશે? આ વિચારતા વિચારતા જ એ ઊંઘી ગયો.રાત્રે લગભગ ૧૦ વાગ્યે પાર્થ ના બાપા આવ્યા એમને જોયું કે પાર્થ બહાર પ્રાંગણ માં જ સુઈ ગયો છે એમને રજાઈ લાવી ને પાર્થ ને ઓઢાડી અને માથે હાથ પસવાર્યો.

સવારે ઉઠતાવેંત જ પાર્થે નક્કી કર્યું કે આજે બાપા ની ની પાસે થી દિવાળીબા વિષે બધું જાણી ને જ રહીશ.માં એ ચા અને માખણ ચોપડેલા રોટલા નાસ્તા માં આપ્યા.પાર્થ ના બાપા શિવુભાઈ અને પાર્થ સાથે ચા પાણી કરવા બેઠા.

પાર્થે બેસતાવેંત જ શિવુભાઈ પર સવાલો નો મારો ચલાવવા નું શરુ કરી દીધું.

“બાપા,આ દિવાળીબા ને શું થયું છે?

“એ કેમ ગામ ના ઝાંપે પેલી અંધારી ઓરડી માં કેમ રહે છે?”

“આપણી બાજુવાળું મકાન એમનું હતું તો એનું શું થયું?”

“ઓમ અને આશિષ ક્યાં છે? એ લોકો શું દિવાળીબા ની સંભાળ નથી રાખતા?”

શિવુભાઈ એકીટશે પાર્થ ની સામે જોઈ રહ્યા અને થોડું હસી ને બોલ્યા,”તું પહેલા ખાઈ લે પછી આપણે ખેતરે જઈએ અને હું તને બધા સવાલો ના જવાબ આપું.”

ખેતર જતા રસ્તા માં શિવુભાઈ એ ખોંખારો ખાઈ ને વાત ની શરૂઆત કરી.

“પાર્થ તું અમેરિકા ગયો ત્યારે આશિષ તો મોટા શહેર માં પરણી ને કોઈ મોટી કંપની માં ઊંચા હોદ્દા પર સ્થાઈ થઇ ગયો હતો.અને ઓમ પણ કઈક ઈજનેરી નું ભણી કેનેડા જવાનો પ્રયત્ન કરતો હતો,એ તો તને યાદ હશે જ ને?”

પાર્થે કહ્યું,”હા બાપા,હું અને ઓમ સાથે જ વિદેશ જવા ની પરીક્ષાઓ ની તૈયારીઓ કરતા હતા,અને મારા ગયા પછી લગભગ ઓમ પણ મહિના પછી કેનેડા સેટલ થઇ ગયો હતો,મારે એ પછી એની સાથે ઘણીવાર વાત થઇ છે પણ દિવાળીબા વિષે કઈ એને ક્યારે પણ કહ્યું નથી.એને ત્યાં જી લગન પણ કરી લીધા છે.”

શિવુભાઈ એ કહ્યું,”હા એને પણ તારી જેમ ત્યાં જઈ લગન કરી લીધા.”

“પણ થોડા વર્ષો કોઈ મોટી કંપની માં કામ કર્યા પછી એને કેનેડા માં પોતાનો કોઈ કોમ્પ્યુટર નો ધંધો કરવા નું વિચાર્યું,અને ત્યાના કોઈ સ્થાનિક સાથે ભાગીદારી માં ધંધો કર્યો,પણ એ ભાગીદાર લેભાગુ નીકળ્યો અને ઓમ ૩ જ વરસ માં રસ્તા પર આવી ગયો.”

“અને આવી જ કઈક હાલત આશિષ ની પણ થઇ એ જે કંપની માં કામ કરતો હતો,એ કંપની એ મંદી ના કારણે મોટા પદ પર રહેલા ઘણા બધા કર્મચારીઓ ને નોકરી માંથી રજા આપી દીધી,અને મંદી ને કારને બીજે નોકરી મળવી પણ અસંભવ હતી.હવે એને શહેર ના ખુબજ શ્રીમંત વિસ્તાર માં ૨ કરોડ ની કિંમત નો એક ફ્લેટ હમણાં એક જ વરસ પહેલા જ ખુબ મોટી લોન પર લીધો હતો,હવે નોકરી ગુમાવવા થી છેલ્લા ૫ મહિના થી હપ્તા ભરી શકતો નહોતો એટલે એ ફ્લેટ હરાજી માં જાય એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.”

એક દિવસ બંને ભાઈઓ ઓ ગામ માં આવ્યા અને દિવાળીબા ને પોતાની પરિસ્થિતિ સમજાવી.અને બીજા દિવસે દિવાળીબા આપણા ઘેર બંને ને લઇ ને આવ્યા.

અને મને કહ્યું કે,”શિવુભાઈ,તમે મારા પાડોશી જ નહિ પણ ભાઈ જેવા છો.આ છોકરાઓ ઓ ને એમના ધંધા માં નુકસાન આવ્યું છે.અત્યાર સુધી મેં એમને એકલા હાથે ઉછેર્યા છે,અને હવે આવી ઘડી એ હું પાણી માં બેસી જાઉં તો મારી મમતા લાજે.”

મેં એમને કહ્યું,”કે દિવાળીબેન જે હોય તે માંડી ને કહો”

દિવાળીબેન બોલ્યા,”ભાઈ,હવે આ બંને છોકરાઓ ને આ પરિસ્થિતિ માં થી કાઢવા લગભગ દોઢેક કરોડ રૂપિયા ની જરૂર પડે એવું છે,તો હું વિચારું છું કે મારા ખેતર તમે વેચાવી આપો તો અમારી મદદ થઇ જાય.હવે આપ પણ ખેડવાવાળા વરસ જતા કાઈ આવક બતાવતા નથી,છોકરાઓ તો પાછા આવવાના નથી તો પછી આ જમીન ને શું ધોઈ પીવાની?”

શિવુભાઈ એ પાર્થ ને કહ્યું,”આ સાંભળી હું ઘડીક તો સમસમી ગયો અને બંને ને એક એક અડબોથ છોડવા નું મન થઇ ગયું,પણ દિવાળીબેન ની લાચારી જોઈ હું થોડો શાંત થઇ ગયો અને છોકરાઓ ને કહ્યું,કે ભાઈ આ જમીન વેચવા સિવાય બીજો કોઈ રસ્તો તમારા ધ્યાન માં નથી?”

બંને છોકરાઓ એક સાથે બોલ્યા,”ના અંકલ છેલો રસ્તો આ જ છે”

શિવુભાઈ એ પાર્થ ને કહ્યું,”એ પછી લગભગ ૭ દિવસ માં મેં એમની જમીન એક કરોડ સાઈઠ લાખ માં બાજુ ના ગામ ના જમનાભાઈ પટેલ ને વેચાવી આપી.અને બંને છોકરાઓ ૮૦-૮૦ લાખ લઈ ને એમના ઠેકાણે પહોચી ગયા.એ વાત ને આજે ૨ વરસ થઇ ગયા આજ ની ઘડી ને કાલ નો દી નાતો બંને માં થી એકેય નો ફોને આવ્યો છે,કે નાતો બંને માંથી એકેયે ગામ તરફ ડોકું કર્યું છે.દિવાળીબેન ૨ વર્ષ થી દિવાળી પર એમની રાહ જોવે છે,અને મને પણ ઘણીવાર આવી ને પૂછે છે કે તમે પાર્થ ને કહો ને ને કે “ઓમ” નું બધું ઠેકાણે પડી ગયું એની જાણકારી મેળવે.હું પણ એમને ખાલી ખાલી કહી દઉં છું કે મારે પાર્થ જોડે વાત થઇ “ઓમ” હવે સરસ રીતે સ્થાઈ થઇ ગયો છે અને ધંધો પણ ખુબ સારો ચાલે છે.”

પાર્થ બોલ્યો,”પણ,બાપા તમે શા માટે જુઠું બોલો છો,તમને પણ ખબર નથી કે સેટ થઇ ગયો છે કે નહિ.”

શિવુભાઈ હસી ને બોલ્યા,”દીકરા તું ભોળો છે,આવા નપાવટ દીકરાઓ નું સારું ભવિષ્ય જોઈ ને એ બિચારી ડોશી ખુશ રહેતી હોય તો રેહવા દેવા માં શું વાંધો છે,ભલે એ સત્ય પણ ના હોય.આમ પણ એ લોકો ક્યાં હવે ગામ તરફ આવવા ના છે.”

વાતો કરતા કરતા શિવુભાઈ અને પાર્થ ખેતર ક્યારે પહોચી ગયા એમને ખ્યાલ પણ ના રહ્યો.
શિવુભાઈ એ પાર્થ ને કહ્યું,”આ વખતે થોડા મગ ની સિંગુ ના છોડવાં નાખ્યા છે થોડીક કૂણી તોડી ને ખા,આ વખતે તું આવીશ એવો મને અંદર થી અંદેશો હતો એટલે જ વાવ્યા છે,નાનપણ માં તે બહુ ખાધી છે.”

પાર્થે શિવુભાઈ ને રહી ગયેલો સવાલ પૂછ્યો,”બાપા,દિવાળીબા પેલી બાવાવાળી ઓરડી માં કેમ રહે છે,બાજુવાળું આવડું મોટું મકાન છોડી ને?”

શિવુભાઈ એ કહ્યું,”બેટા દિવાળીબેન કોક દૈવી આત્મા છે,ગયા વરસે શંકર ના મંદિર નો જીર્ણોદ્ધાર કરવા નો હતો,ફાળો ઉઘરાવવા માટે ગામ માં ઘણી મીટીંગો થઇ,ગામ ની બહાર રહેતા ગામ ના લોકો પાસે પણ ગુહાર લગાવવા માં આવી,પણ મંદિર બની શકે એટલા રૂપિયા તો પણ ભેગા ના થયા,આ ડોશી ને વાત ની ખબર પડી તો એણે ઘર વેચી ને ૨૫ લાખ રૂપિયા મંદિર માં લખાવી દીધા અને એ પણ એના પેલા બંને કપાતર ના નામે.એટલે ગામ ની પંચાયતે ભેગા થઇ ડોશી ને પેલી બાવા વાળી ઓરડી દિવાળીબા ને રહેવા માટે આપી દીધી.જેથી ડોશી ને મંદિર પણ નજીક પડે અને કીડીયારું ભરવા માં પણ આસાની રહે.ગામ ના લોકો એમને ૨ ટાંક નું જમવા નું આપી જાય છે.બાકી આખો દિવસ એ માળા કરતા રહે છે અને મગજ પણ અસ્થિર થી ગયું છે,કોઈ ની જોડે વાત પણ કરતા નથી એકલા એકલા બબડ્યા કરે છે.”

પાર્થ ના મગજ માં સન્નાટો છવાઈ ગયો.થોડી વાર તો વિચારશૂન્ય જ બની ગયો.એના મગજ માં ભારત આવતી વખતે એની પત્ની એ કહેલા શબ્દો તીર ની જેમ ખૂંચવા લાગ્યા,”જમીન વેચી ને પણ પૈસા લઇ ને આવજો.”

અમેરિકા માં મકાન લેવા માટે એને ૨ કરોડ ની જરૂર હતી,એને તો વિચાર્યું હતું કે થોડા વર્ષ કમાઈ ને પછી પગભર થઇ ને પોતાનું ઘર ખરીદીશ,પણ પત્ની માનવા તૈયાર નહોતી.એની જીદ ના કારણે એ ભારત આવ્યો હતો, દિવસ થયા હોવા છતાં એ શિવુભાઈ ને હજુ આ વાત કરી શક્યો નહોતો.પણ હવે એને બીજું જ કઈક વિચાર્યું હતું.

સાંજે સંધ્યા સમયે એ મંદિર તરફ ઉપડ્યો.મંદિર ની પરસાળ માં બેસી ને દિવાળીબા ની રાહ જોવા લાગ્યો.દિવાળીબા રોજ ની જેમ આવ્યા અને કીડીયારું પૂરવા લાગ્યા.પાર્થ ઝડપભેર એમની પાસે પહોચી ગયો,અને કહ્યું,”દિવાળીબા ચાલો મારી સાથે બેસો.”

એમ કહી એમનો હાથ પકડી મંદિર ની પરસાળ માં આવેલા બાંકડા પર લઇ આવ્યો.અને પૂછ્યું,”દિવાળીબા તમે કેમ છો?”

દિવાળીબા બોલ્યા,”મારું કામ તો કીડીયારું પુરવાનું છે,મારે કીડીયારું પૂરવું છે.” એમ બબડતા રહ્યા.

પાર્થ કઈ પણ પૂછે એમનો જવાબ આ જ રહેતો, ,”મારું કામ તો કીડીયારું પુરવાનું છે,મારે કીડીયારું પૂરવું છે.”.

પાર્થ તો આભો જ રહી ગયો.દિવાળીબા ઉભા થઇ ને ચાલવા લાગ્યા.પાર્થ લાકડીના ટેકે ચાલતા દિવાળી બા ને છેક સુધી જતા જોઈ રહ્યો.એના મગજ માં વીજળી ના ચમકારા થવા લાગ્યા.મંદિર માં થઇ રહેલી આરતી નું પણ એને ભાન ના રહ્યું,એ તો બાંકડે સુનમુન બની ને બેસી રહ્યો.થોડી વાર પછી એને જાણે એવું લાગ્યું કે,મંદિર માં બેઠેલો નીલકંઠ જાણે એના મન માં ભરેલું બધું વિશ પી ગયો.”

થોડી વાર માં સ્વસ્થ થઇ ને ઉભો થયો અને ઘર ભણી પગ માંડ્યા.

ઘેર પહોચી ને ફળિયા માં ખાટલા પર બેઠો,માં એ લોટો ભાઈ ને પાણી આપ્યું.એને ખિસ્સા માં થી મોબાઈલ કાઢ્યો અને અને વિધિ નો નંબર લગાડ્યો અને ખોંખારો ખાઈ ને બોલ્યો,”વિધિ મારી વાત શાંતિ થી સંભાળ,હું હવે અમેરિકા પાછો નથી આવવાનો,જો તું પણ ઇન્ડિયા માં રહેવા માંગતી હોય તો પછી આવી જ.”

વિધિ આ સાંભળી ને બેશુદ્ધ જેવી બની ગઈ,અને બોલી,”આ તું શું કહે છે,તને ભાન છે?”

પાર્થ બોલ્યો,”વિધિ જેમ વધારે લોટ નાખો ને એમ વધારે કીડીયારું ઉભરાય,અને મારે હવે કીડી બની ને નથી રહેવું.”

વિધિ બોલી,”અરે પાર્થ,તું કઈક સમજાય એવું બોલ,મને કાંઈજ સમજાતું નથી.”

પાર્થ બોલ્યો,”વિધિ,તું ઇન્ડિયા આવી જા બસ,આપને અહી ગામડા માં જ રહીશું અને હું નજીક ના શહેર માં મારો સોફ્ટવેર નો ધંધો કરીશ.”

આટલું બોલી ને પાર્થે ફોન કટ કરી નાખ્યો.એને ખબર પણ ના પડી કે શિવુભાઈ ક્યારે પાછળ આવી ને ઉભા હતા અને એની વાત સંભાળતા હતા.પાર્થે એમની સામે જોયું તો એમની આંખો માંથી અશ્રુધારા વહી રહી હતી.પાર્થ પણ ગદગદ થઇ ગયો.અને બાપા ને ભેટી પડ્યો.

~સમાપ્ત~

@અદ્વૈત

૧૮/૧૧/૨૦૨૧