ભૂતાવળ Himanshu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

શ્રેણી
શેયર કરો

ભૂતાવળ

“ભૂતાવળ”

દુર થી હવા ની સાથે વહી આવતા “રામ બોલો ભાઈ,રામ” ના અવાજો એ સુકો રોટલો અને ડુંગળી ને મોઢાં માં ઓળી રહેલા ભીખા ના કાને અથડાયા,અને ભીખો કોઈ રાની પ્રાણી ની જેમ અવાજ ની દિશા માં કાન ફેરવવા લાગ્યો.અવાજ થોડો નજીક આવતા જ ભીખા ના ચહેરા પર એક અજાણી સુખદ લાગણી ની રેખાઓ નો ઓપ વરતાવવા લાગ્યો.ભીખા ના ચહેરા પર આવેલી આ ચમક ચુલા પાસે બેસી ને ડુંગળી ને હાથ થી ફોડી રહેલી તેની પત્ની રૂખી પામી ગઈ,અને તેની આંખો માં થી આ જ ચમક દેખાવા લાગી.

રૂખી એ વિચારી ને આનંદિત થઇ ગઈ કે આજે એક મહિના પછી ઘર માં “તેલ” અને “લીલું શાક” આવશે.મોટી દીકરી કાળી જેનું ઉંમર આશરે બારેક વર્ષ હશે,એ માં બાપ ના મન માં રમી રહેલી આ લાગણી ઓ ના પ્રવાહ ને પારખી ગઈ.કાળી એની ઉંમર ના પ્રમાણ માં ખુબ જ સમજદાર હતી.બે નાના ભાઈ ઓ માંથી મોટો “રાજુ” જે લગભગ દસેક વર્ષ નો હતો અને નાનો “સુંદર” ચારેક વર્ષ નો હશે.આ બંને ભાઈઓ ને કાળી માં ની જેમ ઉછેરતી હતી.જેથી એની માં રૂખી ને ઘરકામ માં અગવડ ના પડે.કાળી એ ૬ધોરણ ભણ્યા પછી નિશાળ છોડી દીધી હતી,જેથી કરી ને એ માં ને ઘરકામ માં અને ભાઈ ઓ ની સંભાળ માં મદદ કરી શકે.

જેવા પેલા અવાજ એકદમ સ્પષ્ટ થયા,ભીખો એકદમ ભાણું પડતું મૂકી “મસાણ” ની છાપરી તરફ ભાગ્યો અને સાવરણો લઇ ને એવી રીતે સાફસૂફી કરવા લાગ્યો,કે જાણે દુકાન નો માલિક પોતાની દુકાન સાફ કરી રહ્યો હોય.એની પાછળ રૂખી પણ આવી અને અસ્તવ્યસ્ત પડેલા લાકડાઓ અને પૂળા ને એક તરફ કરવા લાગી.ડાઘુઓ ની ટોળી સ્મશાન માં પ્રવેશ કરી ચુકી હતી.

ભીખો અને રૂખી હાથ જોડી ને ઉભા રહી ગયા.ગામ ના મુખી આગળ આવ્યા અને ભીખને એક તરફ આવવા માટે ઈશારો કર્યો.ભીખો માથે ફેટીયું સરખું કરતો મુખી ની જોડે ચાલ્યો.

સ્મશાન ના ખૂણા માં જઈ ને મુખી એ ભીખા ને કહ્યું,

“ભાઈ ભીખા,ગામ ના વડીલ એવા કરશન પટેલ ધામ માં ગયા છે,લાકડા પૂળા નો કોઈ ખપ તો નથી ને?”

ભીખો હાથ જોડતો બોલ્યો,

“અરે હોતું હશે મુખીકાકા,હું ઈમ થોડો ખપ પડવા દઉં,તમતમારે ચંત્યા ના કરો હું થોડા ટેમ માં જ લાકડા ચડાઈ દઉં સું”..

મુખી માર્મિક સ્મિત કરી ને પાછા ડાઘુઓ ની ટોળી માં ભળી ગયા.ભીખો મસાણ ની અંદર ગયો ત્યાં સુધી માં તો અડધા ઉપર લાકડા રૂખી અને કાળી એ ચઢાવી દીધા હતા.બાકી ના કામ માં ભીખા એ મદદ કરી થોડી વાર માં હકડેઠઠ લાકડ જમાવી “ચિતા” તૈયાર કરી દીધી.આજ દિન સુધી રેકોર્ડ હતો કે ભીખા એ તૈયાર કરેલી ચિતા માં કોઈ દોષ કાઢી શકે.પણ ગામ ના મોટેરાઓ એમના સ્વભાવ મુજબ ક્યારેય સલાહ સૂચનો આપવા નું ચુકતા નહિ.

કરશન પટેલ ના પાર્થિવ શરીર ને અર્થી પર થી ઉતારી ચિતા પર સુવડાવા માં આવ્યો.અને વિધિવત અગ્નિસંસ્કાર કરવા માં આવ્યા.ભીખો મસાણ ના ખૂણે ઉભો ઉભો અત્યંત વ્યાકુળતા થી સ્મશાન ના ખૂણા માં રહેલા એના ઝુંપડા તરફ જોઈ રહ્યો હતો.એટલા માં જ રાજુ ને હાથ માં સફેદ કપડું લઇ ને આવતા જોયો અને એની વ્યાકુળતા ખતમ થઇ.

રાજુ સ્મશાન ના બહાર જવા ના દરવાજા ની પાસે કપડું પાથરી ને ઉભડક પગે બેસી ગયો.ભીખા એ સ્મશાન માં આવેલા ડાઘુઓ ની સંખ્યા પર થી આજ ના વકરા નો અંદાજ લગાવી દીધો હતો.એને અંદાજ આવી ગયો હતો કે બસો જેટલા જન છે એટલે ૧૨૦૦-૧૫૦૦ તો ક્યાંય જવાના નથી.

હજુ જે રકમ હાથ માં પણ નથી આવી એના અંદાજીત બજેટ નો પણ એ મન માં ક્યાસ કાઢવા લાગ્યો હતો,જેમકે કરીયાણાવાળા ખોજા નો હિસાબ ૧૭૦૦ જેટલો બાકી છે એમાં થી ૮૦૦-૧૦૦૦ જેટલા આપી એની સીધી આત્મા પર વાર કરતી ગાળો થી થોડા સમય માટે મુક્તિ લઇ લેવી.અને નવી મુદત લઇ થોડું “તેલ” અને જરીક કરીયાણા નો સામાન લેવો.આમ કરતા કદાચ મન નો અને ભૂખ નો બંને નો ભાર હળવો થાય.

હવે સ્મશાન માં નજીક ના સગા સિવાય ના બીજા ડાઘુઓ એ ધીમે ધીમે પગ ઉપાડ્યાં.એવું લાગતું હતું કે કેટલાક લોકો ને સ્મશાન માં સદ્ગત ને અંતિમ વિદાય આપવા કરતા ગામ ના ઝાંપે આવેલા બોર ના ગરમ પાણી માં નહાવા માં વધારે રસ હતો.વર્ષો પહેલા રોજ બોર ના ચકલા માં સવારે અને સાંજે બે કલાક નહાવા માટે છૂટ હતી,પણ ગત કેટલાક વર્ષો થી વરસાદ ની કમી ને કારણે પાણી ના તળ નીચે ઉતરતા નવી પંચાયત ની કમિટી એ નિર્ણય લીધો હતો કે માત્ર મરણપ્રસંગે જ ખપ પુરતી આ સુવિધા આપવી.

હવે લગભગ સીતેરેક જેટલા સ્મશાન માં વધ્ય હતા.એક ફૂટડો નવજુવાન પણ એમાં હતો.ભીખો એને ઓળખી ના શક્યો એટલે એને ટોળી માં ઉભેલા કરશનભાઈ ના મજુર “જેરામ” ને ઈશારો કરી એની તરફ બોલાવ્યો.અને પૂછ્યું,

“હેં જેરામ,ઓલો જવાન કુણ સે?”

જેરામ બોલ્યો,”કરશનકાકા ના નોના ભઈ પ્રાગજીભાઈ ને તું ઓરખે સે ને? ઈમનો સોકરો સે ઈ,ઈનું નામ રાહુલ સે ?”

ભીખો બોલ્યો,”હોવે, પરાગજીભઈ જેવા ભગવાન ના મોણા ને કુણ ના ઓરખે?,ઈમને ગામ હાટુ ચેટલું બધું કર્યું સે,ઈમના જેવો દેવ મોણા આખાય પંથક માં ગોત્યો ના જડે.”

જેરામે સહમતીસૂચક માથું હલાવ્યું.

હવે બાકી વધેલા ડાઘુઓ માં પણ થોડો સળવળાટ શરુ થવા લાગ્યો.બધા ધીમી ચાલે નીકળવા લાગ્યા.ભીખો પણ દોડી ને હવે રાજુ ની પાછળ જઈ ને ઉભો રહી ગયો.પેલાં પાથરેલા સફેદ કપડા પડતી દસ ની દરેક નોટ ની “ચમક” એની આંખ માં પણ ચમકી જતી હતી.એટલા માં અચાનક એ કપડા માં “સો” ની નોટ નો ઝબકારો થયો.ભીખા નું એક એક અંગ એ ઝબકારા થી ઝંકૃત થઇ ગયું.પણ અચાનક પાછળ ઉભેલા કરશન મુખી ના દીકરા એ સો ની નોટ ઉઠાવી લીધી અને મુકવાવાળા પેલા પ્રાગજીભાઈ ના દીકરા રાહુલ જે એનો પિત્રાઈ હતો એના ખિસ્સા માં પાછી સરકાવી દીધી.અને એક દસ ની નોટ કપડા માં નાખી.

અને મફત ની સલાહ પણ આપી,

“ભઈ આયાં લગન નો ચાંલ્લો થોડો લખાવવા નો સે,મયણા માં આટલા રૂપિયા નો નાખવા ના હોય.”

આમ કહી બધા ડાઘુ ઓ સાથે સ્મશાન ની બહાર નીકળી ગયા.

હજુ પેલી સો ની નોટ ના ચમકારા ને હજુ ભીખા એ સરખો માણ્યો પણ નહોતો, અને ઓલો કરશન પટેલ નો મહેશ એ ઝબકારા ને જાણે ઝુંટવી ને લઇ ગયો.ભીખા ને ગુસ્સો તો બહુ આવ્યો,પણ પેલી દસ ની નોટો ના ઢગ ને જોઈ ગુસ્સો થોડો ઠંડો થઇ ગયો.એને અંદાજ આવી ગયો હતો કે એને જે હિસાબ માંડ્યો હતો કદાચ એના કરતા વધારે વકરો થયો હતો.લગભગ ૧૭૫૦ રૂપિયા ભેગા થયા હતા.

પણ,ત્યાં પાછું એને નકારાત્મક વિચારો આવવા લાગ્યા કે,”ડાઘુઓ તો ૨૦૦ થી થોડાક વધારે જ હશે,તો પછી પૈસા નહિ મુકવાવાળા ૨૦-૨૫ જણાં કુણ હશે?”

મનમાં ને મનમાં એ સ્મશાન માં આવેલા માણસો માંથી ગામ ના કંજૂસ લોકો ની યાદી ગોઠવવા લાગ્યો.

એટલા માં જ રૂખી નો સાદ સંભળાયો,”ચિતા ઠરે એટલે,વધેલા લાકડા અને પૂળા ભેગા કરી ખૂણા માં મેલતા આવજો,તાં હુધીમાં હું બાકી ના રોટલા ગરમ કરી દઉં સુ.”

ભીખો બોલ્યો,”એ હારું”

ભીખા એ રાજુ ને કહ્યું,”રાજિયા,આ દહ ની નોટ્યું ની બે ગડિયું બનાવી દેજે,એક બંડલ હજાર નું કરજે.”

રાજુ હકાર માં માથું હલાવી દોડી ને ઝુંપડા માં ગયો.કાળી અને રાજુ એ મળી ને નોટો સરખી કરી બે થપ્પી બનાવી દીધી.એક હજાર ની અને એક સાતસો ને પચાસ ની.

રૂખી ચૂલો ફૂંકી રહી હતી.નાનકડો સુંદર એક નાના હાડકા વડે રમી રહ્યો હતો.એના માટે એ હાડકું કોઈ રમકડા થી કમ નહોતું.ભીખા એ સ્મશાન ના હાડકા ને ઘસી ઘસી એને મુલાયામ બનાવી સુંદર માટે રમકડું બનાવ્યું હતું.સહુ પોતપોતાના કામ માં વ્યસ્ત હતા.ભીખો કામ પતાવી ને ઝુંપડા માં પ્રવેશ્યો.બધા એ બેસી ને બાકી નું જમવા નું પૂરું કર્યું.કાળી એક તાંસળી માં બકરી નું દૂધ લઇ સુંદર ના મોઢે માંડ્યું.સ્મશાન ની આજુબાજુ થોડી હરિયાળી અને ઘાસ ઉગેલું રહેતું.એટલે ગામ ના પાલતું પશુઓ મોટા ભાગે બકરીઓ આ બાજુ ચરવા આવી જતી.રાજુ અને કાળી કોઈ બકરી ને પકડી એનું દૂધ દોહી લેતા સુંદર માટે.

લગભગ દોઢ વાગ્યા આજુબાજુ બધા જમી પરવારી ને સુવા લાગ્યા.ભીખો ઝુંપડી ની પાછળ ના પીપળા ના ઝાડ ની નીચે અડધા તૂટેલા ખાટલા પર આડો પડ્યો.અને સ્મશાન માં છેલ્લા ધુમાડા કાઢી રહેલી કરશન પટેલ ની ચિતા ને તાકતો તાકતો નિંદ્રા માં સરી પડ્યો.

ઉઠી ને બકરી ના દૂધ ની ચા પી ને,ખીંટી એ થી કપડા ની થેલી લેતો બોલ્યો ,”હું જરીક ગામ માં જઈ ને આવું સું.”

રાજુ પણ જીદ કરી ને બાપા ની પાછળ થયો.

ગામ માં પહોચતા જ ભીખો સીધો કરીમ ખોજા ની દુકાને ગયો.એને દુર થી આવતો જોઈ ને જ ખોજા એ મોઢું બગાડ્યું અને બબડ્યો,”ક્યાં થી આવી ગઈ આ પનોતી?”

ભીખો સલામી ની મુદ્રા કરી બોલ્યો,”સલામ શેઠ.”

ખોજા એ કહ્યું,”ચમ ભાઈ આજ આ બાજુ?”

ભીખો બોલ્યો,”શેઠ આજ થ્યું કે શેઠ નો થોડો હિસાબ પતાવતો આવું અને થોડોક સામાન પણ લેવો તો.”

ખોજો બોલ્યો,”બોલ ચેટલાં જમા કરાવવા સે?”

ભીખા એ કીધું,”શેઠ હમણાં કપરો ટેમ ચાલે સે એટલે તમને હજાર આલું સુ અને થોડોક સામાન લેવો સે.”

ખોજો મોઢું બગાડી બોલ્યો,”તું ચ્યા ડી બધો હિસાબ ચૂકતે કરીશ લય,હારું લાય હાજર ને બોલ સુ સુ લેવું સે?”

ભીખા એ થોડુંક તેલ,મરચું,મીઠું,ગોળ અને બીજો સામાન લીધો,૧૧૦૦ નો હિસાબ બાકી રાખ્યો,અને શેઠ નો બાકી ના ચૂકતે કરવા એક મહિના નો વાયદો કર્યો.

ભીખા એ રાજુ ની સામે જોય વગર કહ્યું,”હાલ એય”

રાજુ ની નજર દુકાન માં આગળ પડેલી “ટોપરાવાળી” ગોળી ઉપર માખી ની જેમ ચોંટી હતી.એને એના બાપા નો સાદ પણ ના સંભળાયો.

ભીખા નું ધ્યાન પડ્યું તો એને કહ્યું,”ખાવી સે?”

રાજુ એ દયામણું મોઢું કરી હકાર માં માથું હલાવ્યું.

ભીખો બરણી ઉપાડી ખોલવા જતો હતો ત્યાં ખોજા એ બુમ પાડી,”ઉભો રે લ્યા,હું આલુ સું?

એમ કહી ભીખા ના હાથ માં થી બરણી ઝુંટવી લીધી અને એક ગોળી કાઢતા બબડ્યો,”આજ ખબર પડી કે ભૂતાવળું ને ય ચોકલેટુ ભાવે સે.”ભીખો અપમાન નો ગળફો ગળી ગયો,અને ચાલતી પકડી.આગળ જઈ એને દુદા ભરવાડ ની દુકાને થી ભેંસ નું પાશેર દૂધ સુંદર માટે લીધું,અને કાછીયા ની દુકાને થી થોડાક રીંગણ,બટેટા,ભીંડા,મરચા ને એવું બધું લીધું અને ઘર તરફ ચલવા માંડ્યું.

ચારેક દિવસ સુધી ઘર માં તહેવાર જેવું વાતાવરણ રહ્યું.એક ટાઈમ લીલું શાક અને તાજા રોટલા જમી ને બધા ના ચહેરા પર એક લાલી છવાઈ ગઈ.૪-૫ દિવસ સુધી કોઈ ચિતા સળગી નહોતી પણ ઘર માં વધેલા પેલા ૩૦૦ રૂપિયા ભીખા ને “શ્રીમંતાઈ” નો એહસાસ કરાવતા હતા.રૂખી પણ બેવડા ઉત્સાહ થી રાંધી રહી હતી.એને ચુલા નો ધુમાડો અત્યારે પહેલા જેટલો તકલીફ નહોતો આપતો.સુંદર પણ ભેંસ નું દૂધ પી ને જાણે બકરી ના દૂધ ના સ્વાદ ને ભૂલી જ ગયો હતો.

કરશનકાકા ના બારમાં ના જમણવાર માં વધેલું ખાવા નું રૂખી આજે તાસક માં ભરી ને આવી હતી.બધા એ મોહનથાળ,દાળભાત બટેકા નું શાક ને બધું સાથે બેસી ને ખાધું.હવે ઘર માં ફક્ત ૫૦ રૂપિયા વધ્યા હતા.કરશન કાકા પછી ગામ માં એક પણ મરણ નહોતું થયું.હવે ઘર માં ઠાલાં વાસણ ખખડવા લાગ્યા હતા.આ વર્ષે ગામ માં કોઈ રોગચાળા એ ઘર નહોતું કર્યું.એટલે મરણ પણ ઓછા થતા હતા.ગામ ના એમ માત્ર ડોક્ટર પરમાર સાહેબ પણ ગામ માં થી ઉચાળા ભરી ગયા હતા.ભીખો વિચારવા લાગ્યો કે,”ડોક્ટર તો બીજા ગામ જઈ પોતાનો ધંધો જમાવી દેશે,આવું ને આવું રહ્યું તો હું ક્યાં જઈશ?”

બે દિવસ સુધી ઘર માં સુકો રોટલો અને ડુંગળી નું જ ભોજન થયું.છોકરાઓ પણ ભૂખ ના માર્યા સુકાવા લાગ્યા.ભવિષ્ય ના ઈંધણ વિષે વિચારી ભીખા ની આંખો માં પણ અંધારા આવવા લાગ્યા.રૂખી પણ પતિ ની આ વેદના સમજી શક્તિ હતી.

એને ઝુંપડી માં સવારની ફેરવતા ફેરવતા ભીખા ને કહ્યું,”ભોળો નાથ સંધુય સારું કરશે,તમે નાહીધોઈ ને દરસન કરી આવો.”

ભીખા ને કોઈ આશા દેખાતી નહોતી પણ એને રૂખી નું માન રાખવા મંદિર જવાનું નક્કી કર્યું.અને નાહી ને ઉપડ્યો ગામ તરફ.ભીખો જેવો સ્મશાન ની બહાર નીકળ્યો.ત્યાં પાછળ રાજુ અને કાળી પણ દોડી ને આવ્યા.કાળી એ સુંદર ને કાખ માં તેડયો હતો.

ભીખો બોલ્યો,”અલ્યા તમે ચ્યમ આયા?”

કાળી બોલી,”બાપા અમારેય મંદિરે આવવું સે.”

ભીખો બોલ્યો,”હારું હેંડો તમે મોર્ય થાઓ.”

બધા ગામ ના ઝાંપે આવેલા મંદિરે પહોચ્યા.ભીખા એ મંદિર ની બહાર જ ચપ્પલ કાઢી ને હાથ જોડ્યા.એમને મંદિર માં પ્રવેશ નિષેધ હતો.

ભીખો મન માં પ્રાર્થના કરવા લાગ્યો,”હે ભોળિયા,તું તો જગત નો તાત છે,રાજા અને રંક સહુ તારે મન સરખા છે,હેં કૈલાસપતિ મારા પરિવાર ને હવે તારો આશરો છે,બચાઈ લે.” આટલું કહી ને હાથ જોડી માથું નમાવ્યું.

ચપ્પલ પહેરતા બોલ્યો,”હાલો અલ્યા”

રાજુ હજુ હાથ જોડી આંખો બંધ કરી કઈક બબડતો હતો.

રાજુ ને પ્રાર્થના કરતો જોઈ ભીખા ને સંતોષમિશ્રિત બાપસહજ લાગણી ઉભરાઈ આવી.

રાજુ એ આંખો ખોલી અને કહ્યું,”હાલો બાપા.”

ભીખા એ રાજુ ને પૂછ્યું,”અલ્યા એય,તેં સું માંગ્યું ભોળા જોડે?”

રાજુ બોલ્યો,”હાચું કઉ બાપા?”

ભીખો ગુસ્સે થઇ બોલ્યો,”ભહ ને હવે.”

રાજુ એકદમ સરળતા થી બાળસહજ રીતે બોલ્યો,”ભોલાનાથ ની જોડે મેં એવું માગ્યું કે,તું મને એવું વરદાન દે કે ગામ માં રોજ કોઈ એક જણ નું મરણ થાય.”

ભીખા ના પગ થાંભલા ની જેમ જમીન સાથે ચોંટી ગયા.શરીર માં થી જાણે વીજળી પસાર થઇ ગઈ હોય એમ પગ થી માથા સુધી એ સુન્ન થઇ ગયો.

નાનપણ થી મસાણ માં મોટો થયો હોવા છતાં એને આજ સુધી ભૂત જોયું નહોતું કે ક્યારેય ડર પણ નહોતો લાગ્યો.પણ આજે રાજુ ની આંખો માં નાચી રહેલી “ભૂતાવળ” જોઈ આજે બીક નો માર્યો ધ્રુજી ગયો...

~અદ્વૈત

(હિમાંશુ પટેલ)

૧૮/૦૯/૨૦૨૧