ગયા પ્રકરણમાં આપણે જોયું કે કેવી રીતે ગામમાં પૂર આવે છે અને જીવરાજભાઈ કેવી રીતે સંઘર્ષ કરીને બચે છે.ત્યાર બાદ પોતાનું સામાન્ય જીવન કઈ રીતે જીવે છે.બીજી બાજુ છોકરાઓના ઉચ્ચ ભણતરના ખર્ચને પહોંચી વળવા નરેશભાઈ ધંધાર્થે શહેર જવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ શું થાય છે.....
વિરહના દિવસો:-
નરેશભાઈ બીજા દિવસે સવારે પહોંચી ગયાનો ફોન આવે છે. નરેશભાઈ એકલા રૂમ રાખીને રહે તો કમાણીનું અડધું તો ભાડામાં જ જતું રહે. એટલે તેઓ હીરાના કારખાનામાં જ રહેવાનું નક્કી કરે છે.પોતે ઘરેથી જરૂર પૂરતી સામાન જ લઈ ગયેલા.એક પાથરવા માટેની ગોદડી અને એક ઓઢવા માટેની સાલ. પોતાની સાથે ઘણા ભાઈઓ પણ ત્યાં રહે.અને જમવા માટે બપોર અને સાંજે ટિફિન બંધાવેલ.જેમાં કાચી પાકી રોટલી હોય અને ક્યારેક ન ભાવતું શાક પણ હોય.પણ કરવું શું, ન છૂટકે પેટ ભરવા ખાવું જ પડે. સવારે તો ભૂખ્યું રહેવું પડે.
નયનાબેને આવું દુઃખ ક્યારેય વિચાર્યું જ નહોતું.પણ કરમની કઠણાઈ હશે કે ભાગ્યમાં આવું જ લખાવીને આવ્યા હશે. શું ઈશ્વર પણ આંધળો થઈ ગયો હશે.સાંભળ્યું હતું કે ઈશ્વર જ્યારે દેય છે ત્યારે છપ્પર ફાડીને દેય છે કદાચ આ વખતે આ સાબિત પણ થઈ ગયું!
આટલા વર્ષો સાથે રહ્યા હોય અને અચાનક આમ જુદું રહેવાનું થાય એટલે કોને ગમે! નયનાબેન ના એક એક દિવસો જાણે તડફડી તડફડીને જતા હોય.દિવસ તો જેમ તેમ બાળકો સાથે અને વાડીએ કામ કરીને જતો પણ રાત કંઈ રીતે કાઢવી.
માણસનો સૌથી મોટો દુશ્મન હોય તો તે છે એકલતા! એકલતામાં હજારો નેગેટીવ વિચારો આવે છે.મારા પતિ શું કરતા હશે.ખાધું હશે કે કેમ? શું અહીંયા જેવું ખાવાનું મળતું હશે કે કેમ?સૂવાની કેવી વ્યવસ્થા હશે? આખો દિવસ આવા વિચારો આવ્યા કરે.અને એ પણ છે કે આપણે આખો દિવસ જે વિચારીએ એવું સપનામાં આવે.એટલે ક્યારેક સપનામાં પણ આવું બધું આવે એટલે અચાનક જગાય જાય.અને આંખમાં આંસુ આવી જાય. અને પછી ઊંઘ પણ ઉડી જાય. જો એકલા પડ્યા એટલે મુંજવારો આવવા લાગે કઈ ચેન ન પડે. ઘણીવાર તેના લીધે છાતીમાં પણ દુખવા લાગે.
પિતા જીવરાજભાઈ અને માતા રાણી માં પણ ટેન્શનમાં રહે. આખરે તો માં નું હ્રદય છે ને! આમ બહારથી ભલે ખુશ દેખાતા હોય પણ અંદરથી તો બળતરા થતી જ હોય ને! પોતે વડીલ છે એટલે પોતાના પૌત્ર અને અને નયનાબેન ને સાંત્વના આપ્યા કરે. જો કે ત્રણેય બાળકો ખૂબ જ સમજુ એટલે તોફાન પણ ન કરે.
આ બાજુ નરેશભાઈ પોતે આખો દિવસ હીરા ઘસે અને રાત્રે છૂટા થાય એટલે આખો દિવસ તો યાદ ન આવે પણ રાત્રે આવે એટલે ફોન કરી લે.આ હવે રોજનું થઈ ગયું કે રાત્રે દરરોજ ફોન કરીને ખબર અંતર પૂછવાના એટલે ઘરનાને પણ સારું લાગે.
આમ થોડા દિવસો વીત્યા. હવે નયનાબેન ને થોડુંક ઓછું અઘરું લાગતું.વળી ઘણીવાર પડોશમાં બેસવા નીકળી જાય એટલે એ બધું ભૂલાય જાય.એમ ધીમે ધીમે રાગે પડે છે.ત્રણેય છોકરાઓ ભણવા જાય છે.દાદી રાણી માં ઘર સંભાળે છે દાદા જીવરાજભાઈ અને માતા નયનાબેન ખેતી સંભાળે છે.
નરેશભાઈ કોઈ સગા વ્હાલાઓને ત્યાં પ્રસંગ કે કોઈ તહેવાર હોય ત્યારે ગામડે આવે.સમય ત્યારે નાનો હતો એટલે જ્યારે નરેશભાઈ પહેલી વાર ઘરે આવવાના હોય ત્યારે તેની વાટે સવારથી જ સમય તેની વાટ જોતો બજારે બેસે છે.હમણાં આવશે હમણાં આવશે એમ કરીને બપોર સુધી વાટ જોઈ.અને છેવટે તેના પપ્પાને જોતા રાજીના રેડ થઈ જાય છે.સમય તો નાનો હતો એટલે એને તો એજ લેવા દેવા હોય કે પપ્પા મારે માટે કૈંક લાવ્યા હશે અને નરેશભાઈ પણ એવા કે પોતે ભલે બે જોડી કપડાં ઓછા લે છે પોતાના છોકરા માટે ગમે તેમ કરીને ખુશ રાખશે.એટલે નરેશભાઈ પોતાના બાળકો માટે નવા નવા કપડાં, નાસ્તો લાવે અને બાળકોને ખુશ કરતા.
હવે પ્રસંગ કે તહેવાર પૂરો થાય એટલે હતા એવા ને એવા. ફરી નરેશભાઈ ને શહેર જવું પડે. એમ લાગે કે થોડા દિવસ રોકાઇને આખા પરિવારને માયા લગાડીને ચાલ્યા જાય.થોડા દિવસ ના ગમે પણ પછી ચાલ્યા રાખે.
આમ નરેશભાઈ અને નયનાબેન વિરહમાં દિવસો કાઢે છે.પોતે કરકસર પૂર્વક જીવન જીવે છે પણ છોકરાને કાઈ ઘટવું ના જોઈએ એવું વિચારતા.પોતે ભલે ભણ્યા નહિ પણ પોતાના બાળકો તો ભણવા જ જોઈએ.કોઈ મુશ્કેલી ન પડે એનું ખાસ ધ્યાન રાખે છે. જો કે પોતે ભણ્યા નહિ એનો અફસોસ આજે થાય છે.જો કદાચ તેઓ ભણ્યા હોત તો આજે કદાચ સરકારી નોકરી કરતા હોત. તો આ બધા દુઃખ જોવા ન પડત.
અલબત્ત, જે થતું હોય એ સારા માટે જ થતું હોય છે
હવે જોવાનું એ છે કે છોકરાઓ તેમના માતા પિતાની ઈચ્છાઓ અને મહેનતનું વળતર કઈ રીતે ચૂકવે છે!
હવે નિરાલી સાયન્સ પુરુ કર્યુ અને 12th માં સારા એવા માર્કસ થી પાસ થાય છે અને તેનો ફોટો સ્કૂલ ની જાહેરાતમાં છાપવામાં આવે છે. આ જાણી તેમના મમ્મી પપ્પા ખૂબ ખુશ થાય છે.પ્રણય પણ 10th માં સારા માર્કસ લાવે છે હવે તેને પણ સાયન્સ લેવાનું થાય છે અને હોસ્ટેલમાં જવાનું થાય છે. અને સાથે સાથે સમય પણ 9th માં આવે છે એટલે તેને પણ હવે પ્રાઈવેટ માં મૂકવાનો હોય છે. માટે નિરાલીને હવે કૉલેજ કરાવવી કે કેમ એ નક્કી થતું નહોતું.
ઘણાં સંબંધીઓ એ સૂચન કર્યા કે હવે 12th ભણાવી એટલે બસ એટલું તો ઘણું ભણી કે'વાય. હવે છોકરાઓને ભણાવવાના છે એટલે એમાં પણ ધ્યાન આપો. જો કે સંબંધીઓનો આ કહેવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર નરેશભાઈ ની આર્થિક પરિસ્થિતિ હતી.હજુ છોકરાઓ પણ ભણાવવાના છે એટલે પોતે ખર્ચમાં પહોંચી શકશે નહિ. નિરાલી પણ સમજુ હતી કે મારા પપ્પા બધે પહોંચી વળશે નહિ એટલે તે પણ ભણવાની ના પાડે છે.પણ નરેશભાઈ ને ભણાવવી જ છે.ગમે તેમ થાય પણ ભણાવવી તો ખરી જ.
હવે થાય છે એવું કે કોલેજ માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે માટે કોમ્પ્યુટર તો ઘરે ન હોય એટલે સાઇબર કાફે માં ફોર્મ ભરવા જવું પડે અને ત્યારે એડમિશન માટેની પ્રક્રિયા માટે પૂરતી માહિતી હતી નહિ. કારણ કે પરિવાર માં કોઈ એટલા સુધી ભણેલા નહોતું એટલે કોઈ પાસે માહિતી નહોતી. ફોર્મ ભરવામાં કૈંક ભૂલ થઈ હશે માટે સારા માર્કસ હોવા છતાં સરકારી કૉલેજમાં એડમિશન ન મળ્યું.તેથી હવે પ્રાઈવેટમાં જ ભણવું પડે અને એ પણ હોસ્ટેલમાં.એક દિવસ નિરાલી અને તેના પપ્પા બાજુના એક શહેરમાં કૉલેજ જોવા જાય છે.પછી તે કોલેજ પસંદ કરે છે અને ફાર્મસીમાં એડમીશન લે છે. પણ અહીં કૉલેજ ચાલુ થયાનો એક મહિનો થઈ ગયો હતો એટલે એક મહિનો મોડી બેસાડવામાં આવે છે.હોસ્ટેલનો પહેલી વખત અનુભવ એટલે થોડું અઘરું તો લાગે.રાતે રડવું આવી જાય.ત્યાં જુદા જુદા પ્રદેશની છોકરીઓ હોય એટલે તેની સાથે મિત્રતા બાંધતા થોડી વાર લાગે.બધી છોકરીઓ પાસે ફોન અને લેપટોપ જોવા મળે પણ નિરાલી પડે કશુંજ નહિ. એટલે તે સંકોચ તો અનુભવે એમાં પણ ઘરે ફોન કરવો હોય એટલે દરરોજ કોઈ પાસે ફોન માંગવો પડે. છતાં તે ચલાવી લે છે કારણ કે તેને ખબર છે પપ્પાની હાલત એવી નથી કે ફોન લઈ દઈ શકે.
હવે પ્રણયને પણ સાયન્સ લેવડાવ્યું અને હોસ્ટેલમાં બેસાડ્યો.તેથી હવે ખર્ચ પણ ડબલ થયા.ખેતીમાં બોવ કંઈ વળે નહિ માત્ર ઘરનો ખર્ચો નીકળે.ભણવાનો ખર્ચ તો પોતાની કમાણી માંથી જ નીકળે. નરેશભાઈ કે જે પેલા પ્રસંગોપાત કે તહેવારમાં ગામડે આવતા હવે તે કોઈ ખાસ પ્રસંગમાં જરૂર હોય તો જ આવે બાકી સીધા દિવાળીમાં જ ઘરે આવે.કારણ કે જો એમ ન કરે તો ફી ક્યાંથી ભરવી.કોઈ પાસે પૈસા માંગવા પણ કેમ! છતાં ક્યારેક જો જરૂર પડે તો સગા વહાલા મદદ કરતા.
સમયને પણ 9th હતું એટલે બાજુના ગામની પ્રાઈવેટ સ્કૂલમાં ભણે છે. પોતાના સ્કૂલનો ટાઈમ 7:30 થી 12:30 નો છે.પોતાના ગામથી સ્કૂલ 4 km દૂર થાય છે અને ગામમાં ST બસ આવે એટલે એમાં પાસ કઢાવીને તેમાં દરરોજ જાય છે.જેથી પ્રાઈવેટ બસનો એટલે ખર્ચો ઓછો. બસ સવારના 6 વાગ્યામાં આવી જાય એટલે ખૂબ વહેલું ઉઠવું પડે.અને સ્કૂલના છૂટવાના ટાઈમે બસ મોડી આવે એટલે 1 કે 1:30 વાગી જાય અને ક્યારેક તો 2 પણ વાગે એટલે ઘરે પહોંચતા મોડું થાય.જેથી બપોરે ખાવાનું પણ મોડું થાય.ક્યારેક તો એવું પણ બનતું કે બસ આવે જ નહિ એટલે સવારના પહોરમાં ચાલીને છેક સ્ટેશને જવું પડે ત્યાંથી મળે તેમાં બેસી જવાનું.
હવે ઘરે તો માત્ર ચાર જ સભ્યો રહ્યા.દાદા,દાદી,સમય અને નયનાબેન કારણ કે નિરાલી અને પ્રણય તો હોસ્ટેલમાં હતા અને પપ્પા તો પરદેશ રહે.
મમ્મી સમયને ખૂબ લાડથી રાખે અને સમય પણ એમની મમ્મી ખૂબ સાચવે.આખો દિવસ વાડીએ જતા રહે અને જો વાડીમાં કામ ન હોય તો મજૂરીએ પણ જતા રે છે એમ કરીને પોતાના પતિ નરેશભાઈ ને થોડો ઘણો સપોર્ટ કરે છે.રાત્રે ઘરે થાકીને આવે તો સમય પગ દબાવી દે. મમ્મી પણ ખુશ થાય કે પોતાનો દીકરો કેટલો સમજુ છે.
હવે આગળ નરેશભાઈના બાળકો શું વળતર આપે છે તે જોઈએ આવતા પ્રકરણમાં.......
આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.
(ક્રમશઃ)