2.
શ્રી. અનુપમ બુચ દ્વારા લખેલ પ્રવાસ વર્ણન તેમના શબ્દો માં
તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૨)©
અમારી યાત્રા આગળ ચાલી. અટકવાનું મન ન થાય એ જ યાત્રા સાચી. એક પછી એક સામે આવતી શાહી ઈમારતો કંઈ ને કંઈ બોલતી'તી. અમે સ્થાપત્યકલાનું વૈવિધ્ય, બાંધકામની શૈલી, એક એક ઈમારતનું અપ્રતિમ સૌંદર્ય અને ખાસિયતો સમજવામાં મશગુલ હતાં. કેટલીક મહત્વની અને મૂલ્યવાન ઈમારતો નજીકથી નિહાળવાનો લાભ લીધો અને ફોટાઓ પણ પાડી શક્યા. કેટલીક ઈમારતો પસાર થતાં ઓળખી. આવો સમૃધ્ધ વારસો કોલકોતાને મળ્યો એ વાતનું ગૌરવ લેવું કે ઈર્ષા કરવી?
નેશનલ લાયબ્રેરીની વિશાળતા(લાયબ્રેરીનું સાચું સૌંદર્ય અંદર હોય), જબરજસ્ત સેન્ટ પોલ કેથેડ્રલ (અમે દૂરથી જ જોઈ શક્યાં), માર્બલ પેલેસ મેન્શન અને ટાઉન હોલનાં અદભૂત પિલર સ્ટ્રક્ચર, બધું સંગેમરમર! રાજસ્થાની લાલ-આઈવરી પથ્થરની બનેલી અને બેલ્જીયમ સ્થાપત્યની દેશની સૌથી પહેલી અને જૂની કોલકતા હાઈકૉર્ટની ઈમારત આજે પણ અડીખમ ઊભી છે, જાણે ગઈ કાલે બંધાઈ ન હોય! ગવર્નર હાઉસ, જીપીઓ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા, રાઈટર્સ બિલ્ડિંગ, વિધાન સભાની ઈમારત, ફૉર્ટ વિલિયમ્સ, ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ, ઇસ્ટર્ન રેલવેનું વડાં મથક, બિરલા હાઉસ, બિરલા પ્લેનેટોરિયમ, બિરલા મ્યૂઝિયમ...લગભગ બધી ઈમારતો નજીકથી નિહાળવાનો અનુભવ એટલે જાણે શિવરાત્રીનાં મેળામાં "....યે કુતુબ મિનાર દેખો, યે તાજ મહાલ દેખો...યે જંતરમંતર દેખો..." લાકડાની ઘોડી ઊપર ગોઠવેલા બોક્સ(વ્યૂ માસ્ટર)નાં ગોળ કાચમાંથી એક પછી એક બદલાતાં પૂઠાંનાં દ્રષ્યો. વાસ્તવમાં અહીં બધું સાક્ષાત હતુ, સન્મુખ હતું.
સફેદ, બદામી અને લાલ રંગની કેટલીયે આકર્ષક ઇમારતોમાં આજે સરકારી ઑફિસો બેસે છે. હાવરા બ્રીજના એક તરફનાં છેડે એક વિશાળ ઈમારત પર લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈ મેં એક રાહદારીને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ રાજ્ય સરકારની વહીવટી કચેરી હતી. કોલકોતાની બેમિશાલ, કલાત્મક અને સ્થાપત્યકલાની દ્રષ્ટિએ આશ્ચર્યજનક ઈમારતો જોતાં એવું લાગે કે કોલકોતાનાં ઐતિહાસિક સ્મારકો હેઠા જીવે નિહાળવા માટે એક અલગ કલાયાત્રા ગોઠવવી પડે.
કોલકોતાનો 'મૈદાન' વિસ્તાર ખુલ્લોખુલ્લો સુઘડ અને વૃક્ષાચ્છાદિત લાગ્યો. કોલકોતાનાં મહત્તમ ગીચ અને તરફડતા વિસ્તારને અહીંથી જ ઓક્સિજન મળતો હશે! રેસ કોર્સ, કલબ્સ, ઇસ્ટર્ન નેવલ/ મિલિટરી કમાન્ડ, અને વિવિધ સ્ટેડિયમો. શહેર મધ્યે ઘોડેસવારી!
બહુમાળી મકાનો વિનાનું આ કોલકોતા અંગ્રેજો છોડી ગયા ત્યારે હશે એ જ દબદબાની ઝાંખી આજે પણ થાય છે. અલબત્ત, આ ઈમારતોનું તેજ ઉચ્ચ ગુણવત્તાનાં માર્બલ, પથ્થર અને બાંધકામને આભારી છે કે જાળવણીને એ પણ તંદુરસ્ત ચર્ચાનો વિષય છે. અત્યારે તો લાગે કે આ વારસો સમયને સદીઓ સુધી હંફાવ્યા કરશે!
મેં તો આગ્રહપૂર્વક ફૂટબોલના મહારથી મોહન બગાન કલબના ગેઈટનો ફોટો પણ લઇ લીધો. મને 'ઈડન ગાર્ડન'નું પ્રવેશદ્વાર સીધું શહેરનાં વ્યસ્ત અને પ્રમાણમાં સાંકડા રસ્તા પર પડતું જોઈ અચરજ થયું.#Anupam_Buch આ પ્રખ્યાત સ્ટેડિયમ અંદરથી જોઈવન શક્યાનો અફસોસ રહી ગયો. ખેર, આ શહેરની અસંખ્ય લેન્ડમાર્ક જગ્યાઓ અંદરથી જોવાનો આગ્રહ રાખવા કરતાં હું 'સમગ્ર કોલકોતા' આંખોમાં ભરી લેવાના મતનો ખરો. કદાચ કશું માણતાં ચૂકી જવાનું આ એક સમાધાન પણ હોય.
પછી તો અમે નીકળી પડ્યા વિશ્વનુ સૌથી વિશાળ વડનું ઝાડ જોવા. Yes, world's largest Banyan tree! શહેરથી દૂર અનેક પ્લાન્ટ્સની નવતર સ્પેસિસ ધરાવતા સુંદર બોટનિકલ ગાર્ડનમાં આવેલા અઢીસો વર્ષ જુનું અને અધધ ઘેરાવો ધરાવતા આ વડનું મુખ્ય થડ કહેવાઈ જતાં કાપી નાખ્યું છે પણ આ ઈશ્વર સર્જિત ઘટાટોપ શમિયાણો એક અજાયબી જ છે. જો કે મારે કહેવું પડશે કે, અહીં આપણાં કબીરવડની છાયામાં બેસવા, રમવા, ફરવાનો આનંદ નજરે ન પડ્યો. આ ભવ્ય વડ જેલના સળિયા પાછળ નિસાસા લે છે. વડનાં ઘેરાવાની ફરતે કાટ ખાતાં લોખંડનાં જાડા સળિયા અને ભાલાંની ફેન્સિંગ છે અને અંદર વડવાઈઓ ગૂંગળાય છે. આટલે દૂર આવ્યા પછી દસ ફૂટ દૂરથી વડનાં દર્શન કરવાના?
અમને ગુજરાતી વિસ્તારમાં આવેલું કાચનું બેનમૂન જૈન ટેમ્પલ ગમ્યું. સાંકડી ગલીમાં વિશાળ મંદિર જોઈ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. અકલ્પનિય કાચકામ અને કલાત્મક સ્થાપત્ય શૈલી. અહીં રહેવાની સુવિધા અને નાનું સરખું પોન્ડ પણ છે. મંદિરમાં કાચનાં ગોખમાં અખંડ દિવો કેટલાય દાયકાઓથી બળતો રહ્યો છે. દિવસમાં બે વાર તેલ પુરવામાં આવે છે. દિવાની જ્યોતનો કાર્બન એક પાતળી નળી વાટે કાચનાં બોક્સની બહાર ફેંકાય છે. અદભૂત રચના!
ગીચ શહેર મધ્યે આવેલા કાલીઘાટ મંદિરમાં દર્શન કરવાં એટલે કોલકોતા આવ્યા હોવાનાં સહી-સિક્કા! અમે રોડ સાઈડ જાદુગરને 'કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાયે ખાલી' બોલતાં ઘણીવાર સાંભળ્યા હશે. અમે વાસ્તવમાં એ જ 'કલકત્તે વાલી', એ જ કાલી માની ભૂમિ પર ક્યારેક હાજરાહજૂર થઈશું એવી કલ્પના પણ ક્યાંથી કરી હોય!©
અમને ડરાવવામાં આવ્યાં'તાં એટલી ભીડ નહોતી. અમને માર્ગદર્શન અને મદદ મળ્યાં એ મુજબ અમે ધરાર વીઆઈપી બની ગયાં. આપણાં કોઈ પણ ધર્મસ્થાનમાં ઈશ્વરને મળવાનું સ્વાર્થ માટે કશુંક 'આઘુપાછું કરવા'નું શ્રધ્ધાળુઓએ સસ્મિત સ્વીકારી લીધું છે. અમે પણ અપવાદ નહોતા. આગોતરી વ્યવસ્થા મુજબ એક 'ટાઉટ' અને એક 'પંડો' અમારા એસ્કોર્ટ બની ગયા. એમનાં ઈશારે અમે એક હાટડી જેવી દુકાનની અંદર પગરખાં ઊતાર્યાં. પ્રસાદ અને ફૂલો ખરીદવા માટે સાંકડી ગલીયારીની હાટડીઓમાંથી આવતી બૂમાબૂમ તરફ કાન બહેરા કરી અમે એસ્કોર્ટ સાથે મૂખ્ય મંદિરમાં દાખલ થયા.
નીજ મંદિરમાં નીચે ઊતરતાં ધક્કામુક્કી અને શોરબકોર વચ્ચે અમે હટ્ટાકટ્ટા મુખ્ય પૂજારી નજીક ઊભા. ત્યાં પૂજા, ચૂંદડી, અને પૈસાની ખેંચતાણ પણ ચાલી. પૂજારીએ કડકડાટ સંસ્કૃત શ્લોક સાથે અમારા કપાળ પર લાંબો કેસરી ટીકો કર્યો. સાચું કહું તો બે ઘડી માટે અમે બધી દુનિયાદારી, લાચારી અને સાચું-ખોટું ભૂલી જઈ ને એક ભક્તની શુધ્ધ ભવનાથી કાલી માનાં ચરણોમાં પૂરી શ્રધ્ધા સાથે માથાં ટેકવ્યાં અને ઉપર મંદિરમાં બલી ચડાવવાની કંકુભીની લાકડાની થાંભલીઓ પર હાથ ટેકવ્યા. બધું જાણે પળવારમાં બની ગયું. ભય અને રહસ્યો વિરામ પામ્યા. નિરાંતનો દમ લેતાં અમે દાનનાં હક્કદાર પૂજારીને, જરૂરિયાતમંદ 'ટાઉટ'ને, રોજી-રોટી કમાવા કલાકો સુધી ઊઘાડા પગે આમથી તેમ દોડતા રહેતા રહેતા 'પંડા'ને અને અમારાં પગરખાં સાચવનાર ગરીબ દુકાનદારને યતકિંચિત ખૂશ કર્યાનો સંતોષ લઈ નીકળ્યા ત્યારે અમારી યાત્રા ખરા અર્થમાં સંપન્ન થઈ.©
હજી કાલી માની યાત્રા અધુરી હતી. હુગલીનાં કાંઠે આવેલા ભવ્ય દક્ષિણેશ્વરનાં દર્શનનો લાભ લેવાનું કેમ ચૂકાય? બહાર મોબાઈલ જમા કરાવવાની લાઈન, પગરખાં મૂકવાની લાઈન, અંદર મંદિરમાં લાઈન. ધાંધલ ધમાલ અને કાગારોળ તો હોય. આપણાં નીજ મંદિરોનાં પ્રવેશદ્વારો એક સરખાં હોય છે, પછી એ તિરુપતિ બાલાજી હોય, સોમનાથ હોય કે દ્વારિકા હોય. મૂર્તિ કે શિવલીંગ સન્મુખ પહોંચ્યા પછી ચાલતા રહેવાનું અને ભોળો ભગવાન પણ તમને ત્રણ સેકન્ડમાં જોઈ લે એટલે દર્શન સમાપ્ત!
અહીં કાલીઘાટ જેવું તણાવયુક્ત અને ડરામણું વાતાવરણ નહોતું. મંદિરના વિશાળ પટ અને કાંઠા તરફનાં પાંચ શિખરો વચ્ચેથી ચળાઈ, બે કાંઠે વહેતી હુગલીની લહેરો પર સવાર થઈ વાતા પવન, મંદિરની બાંધણી, લોકેશન ત્યાંનું અલૌકિક વાતાવરણ અમને ખૂબ ગમ્યાં.
દક્ષિણેશ્વર થી બેલૂર મઠ અથવા બેલૂર મઠ થી દક્ષિણેશ્વર બોટ રાઇડ કરવાનો રોમાંચ અનુભવવા અમે તલપાપડ હતાં. નસીબ બે ડગલાં આગળ હશે. બધી સ્પેશ્યલ બોટ બે દિવસ માટે પોલિસ ફૉર્સને શરણે હતી. બેલૂર મઠનો રમણિય કાંઠો અને દક્ષિણેશ્વરનાં આઠ શિખરોનું હુગલીના ઓવારે એલિવેટેડ લોકેશન જોતાં ચોક્કસ કહી શકાય કે એ બોટ રાઈડ અમારી જિંદગીની સૌથી યાદગાર સફર હોત. સાચું કહું છું, સાહેબ! તો મશહૂર ફિલ્મ 'અમર પ્રેમ'નાં અતિ મશહૂર રૉઈંગ બોટનાં દ્રશ્યોનાં પ્રતિબિંબ હુગલીનાં શાંત નીરમાં ફરી એકવાર જીલાયાં હોત!©
મને હાવરા બ્રીજ બોલાવે છે...મને ફાટેલી તાડપત્રીઓ પાછળ કણસતું બંગાળ બોલાવે છે.
ક્રમશ:
રજુઆત: સુનીલ અંજારીયા