સૂર્યવંશી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યવંશી

સૂર્યવંશી

- રાકેશ ઠક્કર

બૉલિવૂડને કોરોના કાળ પછી દર્શકોને થિયેટર સુધી ફરી ખેંચી લાવવા જેવી ફિલ્મની જરૂર હતી એવી જ 'સૂર્યવંશી' છે. દર્શકોને થિયેટરોના રસ્તે પાછા વાળવા અક્ષયકુમારની 'સૂર્યવંશી' જેવી મસાલા ફિલ્મની જરૂર હતી. નિર્દેશક રોહિત શેટ્ટીએ મોટા બજેટમાં થિયેટરો માટે ખાસ બનાવેલી આ ફિલ્મને રજૂ કરવા દોઢ વર્ષ સુધી રાહ જોઇ એ મોટી વાત છે. 'સૂર્યવંશી' જેવી ફિલ્મની સાચી મજા OTT પર આવી શકે એમ નથી. ફિલ્મ એક મહિના પછી OTT પર ભલે આવવાની હોય પણ એને થિયેટરમાં જ જોવા જેવી છે. વાર્તા, અભિનય, ગીત-સંગીત વગેરેને અનુલક્ષીને સમીક્ષકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. પરંતુ દર્શકોના મનોરંજન માટે આ એક 'પૈસા વસૂલ' ફિલ્મ છે એ વાતનો કોઇથી ઇન્કાર કરી શકાય એમ નથી. અઢી કલાક સુધી મગજને ઘરે મૂકીને જે આનંદ માણી શકાય એની 'સૂર્યવંશી' ગેરંટી આપે છે.

મોટાભાગના દર્શકો રોહિતની ફિલ્મમાં લોજીક શોધતા નથી. બધાને જ ખબર છે કે રોહિતની ફિલ્મમાં કાર રોડ પર ઓછી અને હવામાં વધારે ઉડે છે! નિર્દેશક તરીકે રોહિત શેટ્ટીનું નામ હોય ત્યારે દર્શકો કોઇ હીરોના નામ પર ફિલ્મ જોવા જતા નથી. મનમોહન દેસાઇના પગલે ચાલીને રોહિતે મનોરંજન માટે જે કંઇ પણ દર્શકોને જોઇતું હોય છે એ બધું 'સૂર્યવંશી'માં નાખ્યું છે. દમદાર સંવાદ, ખતરનાક એક્શન, હિન્દુ – મુસલમાન એક્તાનો સંદેશ, દેશભક્તિ વગેરે બધું જ છે. વાર્તાને રંગીન બનાવવા અક્ષય-કેટરિનાનો રોમાન્સ અને તેમનું 'ટિપ ટિપ બરસા પાની' જેવું ગ્લેમરસ અંદાજવાળું હિટ ગીત હોવાથી પૈસા પાણીમાં જવાના નથી. એક દમદાર એક્શન ફિલ્મ તરીકે 'સૂર્યવંશી' નિરાશ કરતી નથી. ફિલ્મની વાર્તા એવી છે કે પોલીસ અધિકારી સૂર્યવંશી (અક્ષયકુમાર) પોતાની ફરજને પત્ની રિયા (કેટરિના) અને પુત્રથી વધુ ગણે છે. તે મુંબઇ બોમ્બ ધડાકાની દુર્ઘટનામાં પોતાના માતા-પિતાને ગુમાવી ચૂક્યો હોય છે. એ કારણે મુંબઇ બોમ્બ ધડાકાના ભાગી ગયેલા માસ્ટર માઇન્ડ બિલાલ (કુમુદ મિશ્રા) અને ઓમર હફીઝ (જેકી શ્રોફ) ની શોધમાં હોય છે. ત્યારે એને ખબર પડે છે કે મુંબઇ બોમ્બ ધડાકા વખતનો ૬૦૦ કિલો આરડીએક્સ હજુ મુંબઇમાં છુપાવીને રાખવામાં આવ્યો છે. અને ફરી બોમ્બ ધડાકા કરવાનું આયોજન હોવાની તે માહિતી મેળવે છે. અને મુંબઇને ફરી બોમ્બ ધડાકામાંથી બચાવવા તે સિંઘમ અને સિમ્બાની મદદ લઇને કેવા પગલા લે છે એ બતાવવામાં આવ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ખેંચાતો લાગે છે પણ બીજા ભાગમાં મનોરંજન ભરપૂર છે. રોહિતે પટકથા પર હજુ મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મની વાર્તાની કલ્પના સરળતાથી થઇ શકે એવી છે પરંતુ એની રજૂઆત જબરદસ્ત છે.

અક્ષયનો પરિચય હોય કે તેનો ગુલશન ગ્રોવર સાથેનો સામનો હોય દરેક દ્રશ્યમાં તે છવાઇ જાય છે. અક્ષયકુમાર જૉન (સિકંદર ખેર) નો પીછો કરે છે એ દ્રશ્ય પણ જોવાલાયક બન્યું છે. અલબત્ત એક વાત જરૂર ખટકશે કે સારું કામ કર્યું હોવા છતાં અક્ષયકુમાર 'વીર સૂર્યવંશી' ના પાત્રમાં 'સિંઘમ' કે 'સિમ્બા' ની જેમ અલગ છાપ છોડી શક્યો નથી. તે 'વીર સૂર્યવંશી' ને બદલે અક્ષયકુમાર જ લાગે છે. 'વીર સૂર્યવંશી' ના પાત્ર પર અક્ષયકુમારની સ્ટાઇલ હાવી થઇ જાય છે. તેની મદદે અજય દેવગન અને રણવીરસિંહ આવે છે. રોહિતે ત્રણ સ્ટારને એકસાથે બતાવી સમીક્ષકોનો પાંચમાંથી એક સ્ટાર પાકો કરી લીધો હતો! કેટલાકને આ ફિલ્મ મલ્ટીસ્ટારર હોવાનો ભ્રમ ઉભો થયો હતો. પરંતુ 'સિંઘમ' અજય અને 'સિમ્બા' રણવીરસિંહ મહેમાન કલાકાર હોવા છતાં પોતાની છાપ છોડી જાય છે. રણવીરસિંહ પોતાની કોમેડીથી દિલ ખુશ કરી દે છે.

અક્ષયકુમાર પોતાના એક્શનના અવતારમાં પાછો ફર્યો છે. એકથી એક ચડિયાતા ખતરનાક સ્ટંટ કરવા સાથે નીડર બનીને તે દુશ્મનોનો મુકાબલો કરતાં જામે છે. સાથે સારું મનોરંજન કરે છે. કેટરિનાની ભૂમિકા નાની છે. છતાં તેણે નિર્દેશકના આદેશ મુજબ બરાબર કામ કર્યું છે. તેણે અગાઉની ફિલ્મોથી વધુ મહેનત કરી છે. 'ટિપ ટિપ બરસા પાની' ગીતમાં અક્ષયકુમાર- કેટરિનાની કેમેસ્ટ્રી જામી છે. એથી સાબિત થયું કે 'મોહરા' ના રવિના ટંડન સાથેના આ ગીતના ૨૭ વર્ષો પછી પણ અક્ષયકુમાર એવો જ યુવાન લાગે છે! દર્શકને દરેક દ્રશ્ય સાથે જકડી રાખવામાં બેકગ્રાઉન્ડ સંગીતની મહત્વની ભૂમિકા છે. રોહિતે ફિલ્મ રજૂ કરતાં પહેલાં એક નાની ભૂલ કરી દીધી હતી. ફિલ્મના ટ્રેલરમાં આખી વાર્તા જણાવી દીધી હોવાથી ઉત્સુક્તા રહેતી નથી. આમ પણ ફિલ્મમાં કંઇ નવું ન હતું અને બધું જાહેર થઇ ગયું હતું છતાં એને અઢી કલાક સુધી ચલાવવામાં રોહિત સફળ થાય છે. તેમણે અંતમાં 'સૂર્યવંશી' ની હવે પછીની પોલીસની દુનિયા પરની ફિલ્મ બનાવવાનો સંકેત પણ આપી દીધો છે.