Featured Books
શ્રેણી
શેયર કરો

નારી શક્તિ - પ્રકરણ - 9 (શચી પૌલોમી-ઈન્દ્રાણી ભાગ-1)

"નારી શક્તિ"---- પ્રકરણ-9
"શચી પૌલોમી"- (ઈન્દ્રાણી-1)
[ પ્રિય વાચકમિત્રો નારી શક્તિ પ્રકરણ નવ માં હું ઈન્દ્રાણી ભાગ-1 રજૂ કરવા જઇ રહી છું. વૈદિક કાળમાં પણ સમાજમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતી. આ પ્રથા કોઈપણ પત્ની ને પસંદ ના પડે. ઋગ્વેદમાં સૌપ્રથમ ઇંદ્રાણી ઇન્દ્રની પત્ની છે. તેણે આ પ્રથા પર પ્રકાશ ફેંક્યો છે આ પ્રથાને નાબુદ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને અહીં ઈન્દ્રાણીનો પતિ- પ્રેમ વ્યક્ત થાય છે. ઈન્દ્રાણી તે વખતના સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.આ કથા આપને પસંદ આવશે એવી અપેક્ષા રાખું છું. આપ સર્વે નો ખુબ ખુબ આભાર, ધન્યવાદ !!! માતૃભારતી ટીમનો પણ ધન્યવાદ!!! ]
ઋગ્વેદમાં ઈન્દ્રાણીની કથા ત્રણ ભાગમાં આવે છે. આ બધા સૂક્ત અને મંત્રોની રચના ઋષિ ઈન્દ્રાણીએ (શચી પૌલોમી એ ) કરેલી છે.વૈદિકકાળથી સમાજમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતી. ઋષિ યાજ્ઞવલ્ક્ય ની બે પત્ની હતી. મૈત્રેયી અને કાત્યાયની. એ સમયમાં રાજાઓ પણ એક થી અધિક પત્નીઓ ધરાવતા હતા. રાજા દશરથને ત્રણ રાણી હતી એ બધાને સુવિદિત છે.
વૈદિક સંસ્કૃતિ અને માનવ સમાજમાં એક લાંબા સમયથી પ્રચલિત રહેવાવાળી બહુ વિવાહ પ્રથા પત્ની ની સ્થિતિ પર સર્વપ્રથમ પ્રકાશ પાથરવા વાળી ઋષિ છે ઈન્દ્રાણી.
આ સંસારમાં એક પત્ની માટે સૌથી મોટું દુઃખ સંભવતઃ સપત્ની અથવા સૌતન એટલે કે
પતિની બીજી પત્ની હોવી તે છે. ઈન્દ્રાણી
સ-પત્નીઓને નિર્બળ કરીને સ્વયં પતિને પ્રિય પાત્ર બનવા માટે પ્રસ્તુત છે. સૂક્તનું નામ છે -"સપત્ની બાધન સૂક્ત."જેની ઋષિ ઈન્દ્રાણી છે. ઋગ્વેદના દસમા મંડળમાં સંકલિત આ શબ્દનો વિનિયોગ માં પત્ની વિનાશ માટે કરવામાં આવ્યો છે. છ ઋચાઓવાળા આ સૂક્તમાં આ પ્રકારે ભાવ છે.
પોતાના મનની ભાવના પ્રગટ કરતા ઈન્દ્રાણી કહે છે કે:-
અત્યંત પ્રભાવશાળી ઔષધિ ને હું ખોદીને કાઢું છું.જેનાથી હું સપત્નીને પીડા આપી શકીશ અને પતિનો પ્રેમ પ્રાપ્ત કરી શકીશ.(મંત્ર-1)
હે ઉતાન પર્ણે ! યાની કી ઉપરની બાજુ પર્ણ વાળી વનસ્પતિ! હે શુભગે ! એટલે કે ઉત્તમ સૌભાગ્ય થી યુક્ત ! હે દેવો દ્વારા નિર્મિત ! પોતાના તેજથી બધાને અભિભૂત કરવાવાળી ઔષધી !
મારી શોકને દૂર કરી દો ,દૂર કરી દો. મારા પતિને કેવળ મારો બનાવી દો.(મંત્ર 2)
ઉતાન પર્ણ નામની ઔષધિ જે લે તે વ્યક્તિ ઉત્કૃષ્ટ બની જાય છે , એવો ભાવાર્થ છે, તેથી ઈન્દ્રાણી કહે છે હે ઉતાન પર્ણ!, હે ઉત્કૃષ્ટ ઔષધિ ! હું ઉત્કૃષ્ટ બની જાઉં, અન્ય ઉત્કૃષ્ટ સ્ત્રીઓમાં પણ, ઉત્કૃષ્ટ બનું, મારી સપત્નીઓ, એટલે કે મારી સૌતન બધી નિમ્ન બની જાય, મારાથી ઉતરતી બની જાય, અને હું મારા પતિની પ્રિય પત્ની બનું.(મંત્ર-3)
શચી પૌલોમીi એટલે કે ઈન્દ્રાણી કહે છે કે, હું સ-પત્નીનું નામ લેવા પણ ઈચ્છતી નથી.. કોઈને પણ સપત્ની પસંદ હોતી નથી.. હું તેને દૂર દૂર મોકલી દેવા માગું છું.. પ્રત્યેક પત્ની ઈચ્છે છે કે તેની સપત્ની તેની નજર થી ખૂબ જ દૂર રહે..(મંત્ર-4)
આગળના મંત્રમાં ઈન્દ્રાણી કહે છે કે હે ઔષધી!
હું તારી કૃપા પ્રાપ્ત કરીને, સપત્ની નો નાશ કરવાવાળી છું.. તું મારા માં પ્રવેશ કર અને આપણે બંને શક્તિ સંપન્ન થઇને સ-પત્નીને બલ હીન કરી દઈએ.(મંત્ર-5)
છઠ્ઠા મંત્રમાં શચી પૌલોમી એટલે ઈન્દ્રાણી કહે છે કે, આ મંત્ર તેણીના પતિને ઉદ્દેશીને લખાયો છે, ઈન્દ્રાણી કહે છે હે પતિદેવ ! આ શક્તિસંપન્ન ઔષધિને મેં તમારા ઓશિકા નીચે રાખી દીધી છે, આ અભિભૂત કરવાવાળી ઔષધિથી યુક્ત તકિયો મેં તમને આપ્યો છે, તેનો પ્રભાવ એવો છે કે તમારું મન મારામાં જ રહે, જેવી રીતે ગાય પોતાના વાછરડાને પ્રત્યેના પ્રેમથી વ્યાકુળ થઈને દોડે છે, જેવી રીતે જળનો પ્રવાહ નીચેની તરફ દોડે છે , વહે છે, તેવી જ રીતે તમારૂં મન મારા તરફ ગતિ કરે, મારી તરફ દોડે. (મંત્ર-6)
પ્રસ્તુત મંત્રોમાં ઈન્દ્રાણી પતિનો અનન્ય પ્રેમ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે અને પતિનો પ્રેમ પ્રાપ્ત કરવાની અભિલાષી બે દ્રષ્ટાંત રજૂ કરે છે, એક સૌ પ્રથમ ગાય પોતાના વાછરડાને પ્રત્યે પ્રેમ, જે સહજ અને નૈસર્ગિક છે, જેમાં મમતા અને વ્યાકુળતા છે ,બનાવટ બિલકુલ નથી તે. અને બીજું દ્રષ્ટાંત તે કે અવિરત વહેતો પ્રેમ યાની કી નદીની ધારા જે સમાન તીવ્ર ગતિથી વહે છે જેને રોકવી સંભવ નથીતેવો પ્રેમ.ઈન્દ્રાણી પણ પોતાના પતિનો અનવરત ને અવિરત અને અ-કૃત્રિમ પ્રેમ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તેણી કહે છે કે, "પતિમ્ મેં કેવલમ્ કુરુ."એટલે કે મારા પતિને કેવળ મારો બનાવી દો. "न ह्यस्या नाम गृभ्णामि ।" એટલે કે હું તેનું (સૌતન નું) નામ લેવાનું પણ પસંદ કરતી નથી. શચી પૌલોમી એટલે કે ઇન્દ્રાણીના આ વચનો સપત્ની મનોદશા નું યથાર્થ વર્ણન કરે છે. અહીં ઈન્દ્રાણી સૂક્ત ભાગ એક પૂર્ણ થાય છે ભાગ-૨ આવતા અંકે.....................
[ © & BY DR.BHATT DAMYANTI HARILAL ]