તૂફાની સાહસો (સાહસિક વિલિયમ હાર્ડી) - 1 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૂફાની સાહસો (સાહસિક વિલિયમ હાર્ડી) - 1

સાંજ થઈ ચુકી હતી. રોમ શહેરની વિશાળ ઇમારતો પાછળ પશ્ચિમ દિશામાં સૂર્ય આથમી ચુક્યો હતો. આકાશમાં રહેલા અમુક વાદળાઓ ઉપર સૂર્ય આથમવાના કારણે ઉદ્દભવેલી રાતાસ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. હજુ અંધારું જામ્યું નહોતું. ઝાંખા અજવાળામાં લોકોની ચહલ-પહલ મજબૂત બની હતી. અમુક લોકો પોતાના પાલતુ કુતરાઓ સાથે રસ્તા ઉપર ફરવા નીકળી પડ્યા હતા. તો અમુક લોકો પોતાના નાના બાળકોને લઈને બગીચામાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા. ઘોડાગાડીવાળા પોતાની બગીમાં બેઠેલા લોકો પાસેથી ભાડુ ઉઘરાવી રહ્યા હતા. અમુક ગોરા સ્ત્રી પુરુષો બાંકડા ઉપર બેસીને હસતા ચહેરે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એક પ્રેમી યુગલ બગીચાનાં એકાંત ખૂણે પ્રગાઢ આલિંગનમાં ડૂબ્યું હતું. એ યુગલમાં જે યુવક હતો એનું નામ હતું વિલિયમ હાર્ડી તથા યુવતીનું નામ હતું માયરા.

"માયરા હવે હું ટૂંક જ સમયમાં આફ્રિકાનાં જંગલોની સફરે ઉપડવાનો છું." વિલિયમ હાર્ડીએ પોતાની પ્રેમિકા માયારાને ધીમેથી કહ્યું.

"આફ્રિકાના જંગલમાં જવું ખૂબ જ જરૂરી છે હાર્ડી?" આછા અંધારામાં હાર્ડીના બન્ને હાથ પોતાના ગોરા ચહેરા ઉપર દાબીને માયરાએ હાર્ડીને પૂછ્યું.

"હા વ્હાલી, જરૂરી તો છે જ અને એની સાથોસાથ મહત્વપૂર્ણ પણ છે. એ જંગલોમાં વસતી પ્રજાઓ વિશે મારે જાણવું છે." માયારાની આંખમાં આંખ પરોવીને હાર્ડીએ જવાબ આપ્યો.

"પણ એ લોકો તો બહુજ ખૂંખાર અને ખૂની હોય છે. એવુ મેં આફ્રિકાથી લાવેલા ગુલામો પાસેથી સાંભળ્યું છે." માયરા થોડાક ડરભર્યા અવાજે બોલી.

"કોઈ ખૂની નથી હોતું માયરા! આફ્રિકન જંગલમાં વસતા લોકો સ્વબચાવ માટે જ હથિયારો ઉપાડતા હોય છે. કદાચ અમુક લોકો હોય જે ખૂની અને ખૂંખાર હોઈ શકે." હાર્ડીએ માયરાની દલીલ ફરીથી ઉડાવી દીધી.

"આ સફરમાં તમારી સાથે બીજું કોણ કોણ જોડાવાનું છે?" હાર્ડીની આફ્રિકાના જંગલમાં જવાની હિંમત જોઈને માયરાએ સ્મિત સાથે પૂછ્યું.

"હું છું, માર્ટિન છે, ડેવિડ પોન્થર છે, મેન્ટો લારીબ્ઝ છે, રસોઈઓ સબ્રુટ મેસ્ટો છે તથા અનેક ભાષાઓના જાણકાર એવા ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી પણ અમારી સાથે છે." હાર્ડીએ પોતાની સાથે આફ્રિકાનાં જંગલોની સફરે આવનારા પોતાના સાથીદારોના નામ માયરાને ગણાવ્યા.

"મને અહીંયા તમારા વગર એકલું નહીં ફાવે. મારે પણ જોડાવું છે તમારી સાથે આફ્રિકાની સફરે! મને પણ સાથે લઈ જાઓને હાર્ડી." માયરાએ હાર્ડીને આજીજી કરતા કહ્યું.

"પણ માયરા ત્યાં આવનારી મુશ્કેલીઓ અને અડચણોનો સામનો તારું આ કોમળ શરીર નહીં કરી શકે વ્હાલી." હાર્ડીએ માયરાને સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

"ભલે મારા શરીરનું જે થવું હોયથાય પણ હું તો તમારી સાથે જ આવવાની છું. અને જો તમે મને ના લઇ ગયા તો હું તમને પણ ક્યાંય નહીં જવા દઉં." હાર્ડીના ખભાઓ વચ્ચે પોતાનું માથું ટેકવીને માયરાએ હાર્ડી સામે ધમકી ઉચ્ચારી.

"ઠીક છે, આવી જજે બસ. પણ પછી ત્યાં તકલીફો પડે તો મને પરેશાન ના કરતી તું." હાર્ડીએ ચોખવટ કરતા કહ્યું.

"અરે એની ચિંતા ના કરો. હું તો તમને પડશે એ તકલીફો પણ દૂર કરી દઈશ." ખુશ થયેલી માયરા હાર્ડીના બન્ને ગાલ ખેંચતા બોલી ઉઠી.

ઇટાલીના રોમ શહેરનાં એક ચર્ચ પાસે આવેલા બગીચામાં આ બંને પ્રેમી યુગલો વાત કરી રહ્યા હતા. ઘોર અંધારું જામી ચૂક્યું હતું. છતાં એ બન્ને એકબીજા સાથે ગાઢ આલિંગનમાં ડૂબીને બેઠા હતા. વિલિયમ હાર્ડી તથા માયરા બન્ને રોમ શહેરમાં જ રહેતા હતા. માયરા એ પ્રખ્યાત પાદરી આર્બન અર્થાર્ડની પુત્રી હતી. અને વિલિયમ હાર્ડીએ રોમ શહેરના સૌથી ધનવાન અને નામચીન વેપારી રિચાર્ડ હાર્ડીનો એકનો એક લાડકો પુત્ર હતો. રોમ શહેરમાં વિલિયમ હાર્ડીના પિતા રિચાર્ડ હાર્ડીના અઢળક ધંધાઓ ચાલતા હતા. વિલિયમ હાર્ડી ધનવાન હોવાથી રોમ શહેરમાં એના સારા મિત્રો પણ હતા. વિલિયમ હાર્ડી પણ એના પિતા જેવો જ ઉદ્યમી અને મહેનતુ હતો. એટલે પાદરીની પુત્રી માયરા એના તરફ આકર્ષિત થઈ હતી. બન્ને વચ્ચે ચાલી રહેલા સબંધોનો બન્નેનાં ઘરે ખબર હતો. પણ બન્ને મોભાદાર કુટુંબનાં હોવાથી બન્નેના લગ્ન થઈ જાય એનો કોઈનેય વાંધો નહોતો.

"માયરા હવે બહુ અંધારું થયું. ચાલ હવે ઘર તરફ જઈએ. નહિતર ઘરના લોકો ખોટી ચિંતા કર્યા કરશે." માયરાની બાજુમાં બેસીને વિચારોમાં ખોવાયેલો વિલિયમ હાર્ડી વિચારોમાંથી બહાર આવીને ઉભો થતાં બોલ્યો.

બન્ને પ્રેમીઓ મળીને વિખુટા પડ્યા. ઘર તરફ જઈ રહેલા વિલિયમ હાર્ડીના મગજમાં સતત વિચારો આવવા લાગ્યા કે આફ્રિકાનાં ભયાનક જંગલોમાં માયરાને સાથે લઇ જવી કે નહીં! ત્રણ દિવસ પછી રોમ શહેરથી થોડાક દૂર આવેલા ઇટાલીના દરિયાકિનારે આવેલા જેનોવા શહેરથી આફ્રિકાના ઇજીપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયા શહેર તરફ "બોન્ટેઝ" નામની સ્ટીમર ઉપાડવાની હતી. એની ખાતરી ડેવિડ બે દિવસ પહેલા જ કરી આવ્યો હતો.

વિલિયમ હાર્ડી અને એના મિત્રો સફરે ઉપડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમણે બે દિવસ પહેલા જ સફરમાં ઉપયોગી બને તેવો તમામ સામાન તથા ચીજવસ્તુઓ રોમ શહેરની બઝારમાંથી ખરીદી લીધી હતી. શિયાળાની ઋતુ હોવાથી બધાએ ગરમ કપડાઓ તથા પ્રાણીઓના સૂકા માંસમાંથી બનાવેલી વાનગીઓ પણ સાથે લઇ જવાનું વિચાર્યું હતું.

આ સફરમાં ઉપયોગી બને તેવા હથિયારો પણ વિલિયમ હાર્ડીએ વસાવ્યા હતા. કારણ કે તેઓ આફ્રિકાની આ સફર દરમિયાન આફ્રિકાનાં ઘણા બધા પ્રદેશો ખૂંદી વળવાના હતા. અને કેવા પ્રદેશમાં કેવી પ્રજા હોય એની તેમને તદ્દન જાણકારી નહોતી.

બે દિવસ વીતી ચુક્યા હતા. સફરે ઉપડવાનો અંતિમ દિવસ આવી ચુક્યો હતો. માયરા એની નાની બહેન એલિસ વિલિયમ હાર્ડી સાથે આફ્રિકાની આ સફરમાં જોડાવાની હતી. બે સ્ત્રી સભ્યો એમના જૂથમાં હતા એ વાતથી વિલિયમ હાર્ડી પણ ખુશ હતા. કારણ કે એક સ્ત્રીને સફર દરમિયાન સંભાળવી કઠિન બની જાય એમ હતું. જો બે સ્ત્રી એક સાથે હોય તો ગમે તેવા મુશ્કેલીના સમયમાં પણ બધાની હિંમત ટકી રહે.

ડિસેમ્બર મહિનાની આઠ તારીખ હતી. આઠ તારીખના રાતે પોણા અગિયાર વાગ્યે બોન્ટેઝ સ્ટીમર ઉપડવાની હતી. સાંજે નવ વાગ્યે ઘોડાગાડીમાં વિલિયમ હાર્ડી તેના બધા સાથીદારો તથા માયરા અને એલિસ સાથે જેનોવા બંદર પાસે આવી પહોંચ્યો હતો. બોન્ટેઝ સ્ટીમર બંદરના કિનારી વિસ્તાર ઉપર સ્થિર અવસ્થામાં ઉભી હતી. આ સ્ટીમરનો માલિક અને કેપ્ટ્ન ફર્ટિન એન્ડુઝો હતો. આ આખી સ્ટીમર ચીજવસ્તુઓથી ભરેલી હતી. બસ થોડીક વધી ગયેલી જગ્યામાં પચાસેક જેટલા જણ મુસાફરી કરે તેમ હતા.

શિયાળો હોવાથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું. બધા લોકો સ્ટીમરમાં ફાળવેલી પોતપોતાની કેબીનોમાં પોતાના સામાન સાથે બેસી રહ્યા હતા. વિલિયમ હાર્ડી, માયરા તથા એલિસ એક જ કેબિનમાં હતા. એમના પાંચ સાથીદારો એમની બાજુની કેબિનમાં જ હતા. સ્ટીમરની અંદર ઠંડીનું પ્રમાણ થોડાક પ્રમાણમાં હતું.

રાત્રીના પોણા અગિયાર વાગ્યે બોન્ટેઝ સ્ટીમરે જેનોવા બંદરનો દરિયાકિનારો છોડ્યો. સ્ટીમરનાં તૂટક ઉપર ઉભેલા નાવિકોએ હર્ષનાદ કર્યો. કેપ્ટ્ન ફર્ટિન એન્ડુઝોએ પોતાના નાવિકોને સ્ટીમરની ઝડપ વધારવાનો આદેશ આપ્યો. લગભગ એક કલાકમાં તો સ્ટીમર એટલાન્ટિક સમુદ્રના પાણી ઉપર પુરા જોશ સાથે આગળ ધપવા લાગી. સ્ટીમરની મુસાફરીની શરૂઆતના ત્રણ કલાક તો સારા ગયા. લગભગ સાડી ત્રણ વાગ્યે તૂટક ઉપર ચોકી કરતો એક નાવિકે દોડતા દોડતા આવીને કેપ્ટનની કેબિનનો દરવાજો ખટખટાવ્યો. કેપ્ટને જલ્દી દરવાજો ના ખોલ્યો એટલે નાવિકે ફરી જોરથી દરવાજો ખટખટાવ્યો.

"શું થયું અલ્યા? અડધી રાતે!" ઊંઘમાંથી જાગેલા કેપ્ટન ફર્ટિન એન્ડુઝોએ પોતાની લાલ આંખો ચોળતા ચોળતા કેબિનના દરવાજે ઉભેલા નાવિકને પૂછ્યું.

"કેપ્ટન આપણી સ્ટીમરથી થોડેક દૂર એક જહાજ દેખાઈ રહ્યું છે. એ આપણે જે તરફ આગળ વધી રહ્યા છીએ તે તરફજઈ રહ્યું છે. મને તો એ જહાજ ચાંચિયાઓનું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એ જહાજની ઉપર કાળો ધ્વજ લહેરાઈ રહ્યો છે." નાવિક ચિંતિત સ્વરે બોલ્યો.

"શું કહ્યું!! આપણી બાજુમા જ ચાંચિયાઓનું જહાજ છે." કેપ્ટન ઉતાવળા અવાજે બોલી ઉઠ્યા. ચાંચિયાઓનું નામ સાંભળતા જ કેપ્ટનની ઊંઘ એ જ સમયે ગાયબ થઈ ગઈ.

"હા, કેપ્ટન." નાવિક માથું હલાવીને બોલ્યો.

કેપ્ટન તૂતક તરફ દોડ્યા. નાવિક પણ એમની પાછળ દોડ્યો. કેપ્ટને સ્ટીમરની તૂતક ઉપર જઈને જોયું તો એમની સ્ટીમરથી લગભગ પોણા માઈલના અંતરે ઉપર કાળો વાવટો ધરાવું જહાજ તેઓ જે દિશામાં જ આગળ વધી રહ્યું હતું.

"ચાંચીયાઓ! તું જલ્દી જા. અને નીચે સાવચેતીનો બેલ વગાડી દે. એટલે આવી રહેલી આફતો સામે લડવા જહાજનાં તમામ મુસાફરો તૈયાર રહે." થોડીકવાર જહાજનું નિરીક્ષણ કર્યા બાદ કેપ્ટન ફર્ટિન એન્ડુઝોના મોઢામાંથી ગંભીર સ્વરે શબ્દો નીકળી પડ્યા.

નાવિક તૂતક ઉપરથી નીચે દોડ્યો. નીચે જઈને એણે સાવચેતીનો બેલ વગાડ્યો.

"આ સમયે શું આફત આવી પડી હશે? સાવચેતીનો બેલ અડધી રાતે!" પોતાની કેબિનમાં સૂતેલા વિલિયમ હાર્ડી ઊંઘમાંથી જાગી ઉઠ્યા.

(ક્રમશ)