Featured Books
શ્રેણી
શેયર કરો

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૩

મુંજવણ : પાત્ર ભજવવું પિતાનું કે મિત્રનું

ઉમંગભાઈ મૃદુલ સાથે થયેલી વાતો પર મનોમંથન કરતાં જ હતાં એટલા માં જ ત્યાં
આરતીબેન બેડરૂમમાં આવે છે, આરતીબેન વિશે કહીએ તો તેઓ ભણેલા ગણેલા, સંસ્કારી
કુટુંબના ખુબ જ સમજદાર અને સુઝવાળા હતાં, તેમને બાળમનોવિજ્ઞાનમાં માસ્ટર્સ
કર્યું હતું અને લગ્ન પહેલાં તેઓ ઘણા માતા-પિતા અને બાળકો વચ્ચેનાં સંબંધોને
સુધારવામાં મદદ પણ કરતાં હતાં, લગ્ન પછી પોતાની પોતાના નવા પરિવાર માટેની નૈતિક
જવાબદારી સમજી તેમણે પોતાનો સમય પોતાનાં પરિવાર માટે ફાળવવાનું નક્કી કર્યું,
ઉમંગભાઈની ઈચ્છા હતી કે આરતીબેન પોતાનું કામ ચાલુ જ રાખે પણ તેમણે આરતીબેનનાં
નિર્ણયને માન આપી તેમનો સાથ આપ્યો હતો.

હવે જયારે આરતીબેન રૂમમાં આવ્યા ત્યારે ઉમંગભાઈએ તેમને કહ્યું “આરુ, આજે હું
એક મુંજવણમાં મુકાઈ ગયો છું , શું નિર્ણય લેવો તેની ખબર પડતી નથી ? કારણ વાત
આપણા દીકરા મૃદુની છે.“

ત્યારે આરતીબેને ખુબ શાંતિ અને સ્થિરતાથી જવાબ આપ્યો, “તું મૃદુના વેકેશન માટે
ગોવા જવાની વાત માટે કહે છે ને ?”

ઉમંગભાઈએ એકદમ ઉભા થઇને પૂછ્યું, “તને ખબર હતી આ વાત ? કોણે મૃદુએ કહ્યું તને
? બીજું શું શું કહ્યું ? મને વાત કરવા, મનાવવા તને કહ્યું તેણે ? ”

આરતીબેને એટલી જ સ્થિરતાથી કહ્યું, “ના, આપણો મૃદુ એટલો સમજદાર છે કે તે આવું
ક્યારેય ના કરે, આતો મે ડાયનીંગ ટેબલ પર તારી અને મૃદુની વાત સાંભળી એટલે મને
ખબર પડી કે તેને વેકેશન માટે શેખર સાથે ગોવા જવું છે”

ત્યારે ઉમંગભાઈ પણ થોડા શાંત થયા અને બોલ્યા, “આરુ તને આ વાત ખબર હતી છતાં તું
ત્યાં કંઈ જ બોલી નહિ અને અત્યારે પણ તું એકદમ સ્વસ્થ કેવી રીતે રહી શકે છે ?
શું તમે કોઈ જ પ્રશ્ન નથી મૃદુ ગોવા જાય તો ? ત્યાં જઈને કોઈ અવળે રસ્તે ચડી
જશે તો ? કોઈ અવળી સંગતે ચડી જશે તો ?”

આરતીબેને એટલી જ સહજતાથી જવાબ આવ્યો, “જો ઉમી, ડાયનીંગ ટેબલ પર હું કંઈ એટલે ન
બોલી કારણ તે બે મિત્રો વચ્ચેની વાત હતી અને હું બે મિત્રો વચ્ચે નહોતી આવવા
માંગતી અને આમે આપણો મૃદુ હવે ૧૬ વર્ષનો થઇ ગયો છે અને તેને માતા-પિતાના સાથ
સાથે સાથે એક મિત્રની પણ જરૂર પડશે અને તારાથી સારો અને સમજદાર મિત્ર બીજો તેને
ક્યાં મળશે ? અને રહી વાત એના ગોવા જવાના પ્લાનની તો ઉમી, મને લાગે છે કે હવે
આપણો મૃદુ મોટો થઇ ગયો છે, ક્યાં સુધી આપણે તેને આપણી હૂંફના પીંજરામાં પૂરી
રાખશું ? તેની સામે મોટી દુનિયા છે, જો આપણે તેને બાંધી રાખીશું તો તે ખુલ્લા
આકાશમાં ઉડતા ક્યારે શીખશે ?, આ દુનિયાને જાણતા, સમજતા ક્યારે તેને આવડશે ?,
આવનારી જીવનની ચુનોતિઓનો સામનો કરવા તૈયાર ક્યારે થશે તે ?”

“ઉમી, મને ખબર છે એક માતા પિતાનું હૃદય પોતાનાં બાળકની સુરક્ષા માટે જ હંમેશા
વિચારતું હોય છે અને તેમાં કંઈ ખોટું પણ નથી, સાથે સાથે મને એવું પણ લાગે કે
તેની સુરક્ષા કરતાં કરતાં આપણે તેને નબળો તો નથી કરી રહ્યાં ને એ જાણવું પણ
એટલું જ મહત્વનું છે”

ઉમંગભાઈ થોડા રીલેક્સ થઈને બોલ્યા, “તારી વાત એકદમ સાચી છે અને હું સમજું પણ
છું, પણ શું કરું આ પિતાનું હૃદય પોતાનાં બાળકની ચિંતા કર્યા કરે છે અને હું
મૃદુની ભલાઈ માટે જ તેને ગોવા જવાની ના પણ પાડવા ઈચ્છે છે તેનું એક કારણ શેખર
પણ છે, જે ખુબ મોટા ઘરનો નબીરો છે અને અમુક બાબતો જે આપણા માટે યોગ્ય નથી,
તેમાં તેને કંઈ જ ખોટું લાગતું પણ નથી કારણ તેનો ઉછેર એવા માહોલમાં થયો છે,
મૃદુને તેની સાથે મોકલતા મારું હૃદય તો ના પડે છે, છતાં આ નિર્ણય મારા એકલાનો
નથી આપણે બન્ને એ સાથે મળીને લેવાનો છે ?

આરતીબેને પોતાનો મત જાહેર કરતાં કહ્યું “ઉમી, મને તારા દરેક નિર્ણય પર પુરો
ભરોસો છે અને તું જે નિર્ણય લઈશ હું હંમેશા તારી સાથે જ હોઈશ પણ મને એવું લાગે
છે કે આજે આપણા દીકરાને એક પિતા કરતાં વધારે તેને સમજી શકે, તેનાં પર ભરોસો કરી
શકે એવા એક મિત્રની વધારે જરૂર છે તેની વાત પરથી મને એવું જ લાગતું હતું અને
રહી વાત શેખરની, તેનાં ઉછેર કરતાં મને આપણા ઉછેર અને મૃદુ પર વધારે ભરોસો છે
અને જીવનના કોઈ પણ મોડ પર તેને આપણી જરૂર પડી તો આપણે તેની સાથે હંમેશા હશું જ,
આજે ઉડવા માટે આપણે તેને તેનું આકાશ આપવું જોઈએ, બાકી તારો નિર્ણય જે હશે
તેમાં મારી હંમેશા સહમતી હશે જ”

ઉમંગભાઈ મૃદુલ અને આરતીબેનની વાત પર વિચાર કરતાં પલંગ પર જ પડયા રહ્યા જયારે
આરતીબેન પોતાનું આગળનું કામ પતાવવા રસોડામાં ગયા, ઉમંગભાઈના મનમાં એ જ મુંજવણ
હતી “કયું પાત્ર ભજવવું પિતાનું કે મિત્રનું ? “