જટાશંકર જટાયુ એક અગત્યના ઇમરજન્સીમાં આવેલા કામને કારણે પ્લેનમાં અમદાવાદથી દિલ્લી જઇ રહ્યા હતાં.
આમ તો જટાશંકર પ્લેનમાં બેસતા કાયમ ડરે એટલે શક્ય હોય ત્યાં સુધી પ્લેનની મુસાફરી ટાળે અને ટ્રેનમાં જ મુસાફરી કરે. પરંતુ અગત્યના આવી પડેલા કામના કારણે પ્લેનમાં મુસાફરી કર્યા વગર એમનો છુટકો ન હતો.
જટાશંકર પ્લેનમાં બેસી ગયા અને મનોમન ઓમકાર ચાલીસાનું રટણ કરવા લાગ્યા.
તેઓ મનોમન એવું વિચારતા કે પ્લેન આકાશમાં જ્યારે ઉપર હોય ત્યારે એ ઈશ્વરની નજીક હોય અને ઈશ્વરની નજીક હોઇએ અને ઈશ્વરની આપણા ઉપર નજર પડે એટલે બારોબાર એમની પાસે બોલાવી લે તો નહીં લેવાના દેવા થઇ જાય. એવું આડુતેડુ એ મનમાં વિચારતા બેઠા હતાં.
જટાશંકરની બાજુની સીટમાં એક ગોલ્ડન ફ્રેમના ચશ્મા, સુવ્યવસ્થિત ઊંચાઇ, ચાલીસની આસપાસ લાગતા, સફેદ વસ્ત્રમાં સજ્જ, વારંવાર ચશ્મા ચઢાવતા અને એર હોસ્ટેસને કારણ વગર બોલાવી હેરાન કરતા હતાં એવા એક સન્નારી (??) બેઠા હતાં. દેખાવ અને વ્યવહાર ઉપરથી જટાશંકરને એ સન્નારી (??) સમાજસેવિકા લાગ્યા હતાં.
જટાશંકર અને સન્નારીના નયનો એકબીજા સાથે અથડાયા.
‘તમે પ્રથમ વખત પ્લેનમાં બેસો છો?’ ગોલ્ડન ફ્રેમના ચશ્માની અંદરથી ચકળવકળ આંખો કરતા સન્નારીએ પૂછ્યું.
‘ના, ઘણીવાર બેઠો છું, કેમ એવું પૂછો છો?’ જટાશંકરે સન્નારીમાં રસ લેતા લેતા પૂછ્યું.
‘તો તમે કેમ આટલા ડરો છો?’ સન્નારીએ જટાશંકરનો ડર પકડી પાડ્યો.
જટાશંકરનો ડર સન્નારીએ પકડી પાડ્યો એટલે એ જરા છોભીલા પડી ગયા અને થથવાતા થથવાતા બોલ્યા.
‘એ તો અમસ્તું, હું જેટલો ઈશ્વરની નજીક હોઉં એટલો મને ઈશ્વર પાસે જવાનો વધારે ડર લાગે છે.’ જટાશંકરે એમના હૃદયની વ્યથા સન્નારીને કહી.
‘ડરો નહિ. કાંઇ નહિ થાય. આ દુનિયામાં જેની જરૂર નથી એની ઈશ્વરને એના ત્યાં પણ જરૂર નથી અને જેની જરૂર ના હોય એ સો વરસ જીવે. એવું મારા દાદી મને એ સો વરસના થયા ત્યારે કહેતા હતાં.’ સન્નારીએ જટાશંકરને ટાઢશ બંધાવતા કહ્યું.
‘આપનું નામ શું છે?’ ડરેલા હોવા છતાં જટાશંકરે સન્નારીમાં રસ લેતા પૂછ્યું.
‘મારું નામ સવિતા ગોડબોલે છે. હું સમાજસેવિકા છું અને સમાજમાં સ્ત્રીઓ પર થતાં અત્યાચાર સામે અવાજ ઉઠાવું છું.’ સન્નારીએ જટાશંકરને ચશ્મામાંથી લાલ આંખો કરતા કહ્યું.
‘સ્ત્રીઓ પર થતાં અત્યાચાર પર અવાજ ઉઠાવવો જ જોઇએ. સ્ત્રીઓએ તો આ દુનિયામાં મોટા મોટા પાપીઓને મારવામાં મદદ કરી છે. માતા સીતાએ રાવણને, દ્રૌપદીએ દુર્યોધનને અને દરેક પત્ની પોતાના પતિને અંગૂઠા નીચે રાખી દાબવાનો તો પ્રયત્ન કરે જ છે માટે આવી મહાન સ્ત્રીઓનું રક્ષણ થવું જ જોઇએ. એટલે આપ સારું કામ કરો છો.’ જટાશંકરે સન્નારીના કાર્યના વખાણ કરતા કહ્યું.
‘આપ એવું કહેવા માંગો છો કે આ દુનિયામાં બધાં યુદ્ધો સ્ત્રીઓના કારણે થયા છે.’ સન્નારીએ ગરમ થતા પૂછ્યું.
‘આપ ગરમ ના થાઓ. મારું નામ જટાશંકર જટાયુ છે. હું નિવૃત્ત સરકારી અધિકારી છું અને સ્ત્રીઓ માટે હું આદર ધરાવું છું.’ જટાશંકર જટાયુએ વાતને વાળી લેતા કહ્યું.
‘તો ઠીક છે, બાકી તમારા પર કેસ ઠોકી દઇશ અને તમે તો જલસા જ કર્યા હશે ને સરકારી ખાતામાં?’ સન્નારીએ તીર માર્યું.
‘ના, સાવ એવું નહિ. 2001થી જલસા ઘણાં ઓછા થઇ ગયા હતાં. પણ તમે કેસ કરવાની વાત ન કરો. હું તો સ્ત્રીઓના કાયમ પક્ષમાં હોવું છું.’ જટાશંકરે દીવેલ પીધા જેવું મોં કરીને કહ્યું.
‘એનો મતલબ કે તમને ડર લાગતો હતો કોઇનો, હેંને?’ કહી સન્નારી ખડખડાટ હસ્યા.
સન્નારીના આ અટ્ટહાસ્યમાં જટાશંકરને ઇન્કમટેક્ષ અને ઇ.ડી. બંન્નેના દર્શન થયા.
ગભરાયેલા જટાશંકરે આંખ બંધ કરી ફ્લાઇટ હવામાં સ્થિર થાય એની રાહ જોતા હતા ત્યાં જ ધડામ દઇને અવાજ આવ્યો.
‘પધારો પધારો, જટાશંકર ઘંટાશંકર જટાયુ. મારું નામ અપ્સરા સંભા છે. સ્વર્ગલોકમાં હું આપનું સ્વાગત કરું છું.’ સંભાએ સ્વાગત કરતા કહ્યું.
‘ઘંટાશંકર નહિ, ઘટાશંકર. મારા પિતાનું નામ ઘટાશંકર છે. આપનું નામ સંભા છે, તો રંભા કોણ છે?’ જટાશંકરે રસિક થઇને પૂછ્યું.
‘રંભા મારી નાની બેન છે. એ ઈન્દ્રદેવના દરબારમાં નર્તકી તરીકે નિયુક્ત થયેલી છે. હું સંભા છું. સ્વર્ગલોકમાં સ્વાગત અધિકારી અને વ્યવસ્થાપક તરીકેની ફરજ બજાવું છું.’ સંભા બોલી.
‘અહીં તમે સ્વર્ગલોકના દરેક યાત્રિકને મળી શકો છો. દુનિયાના કોઇપણ દેશમાંથી સ્વર્ગમાં આવેલા વ્યક્તિ જોડે તમે તમારી ભાષામાં વાતચીત કરી શકો છો. અહીં બધાં એકબીજાની વાતચીત પોતપોતાની ભાષામાં સમજી શકે છે. તમે જો કોઇ જગ્યાએ અટકો તો ‘મદદ કરો, મદદ કરો’ એવું બે વાર બોલશો એટલે આપની સેવામાં અહીંના કોઇપણ અધિકારી આવી જશે.’ સંભાએ કહ્યું.
‘મદદ કરો, મદદ કરો’ જટાશંકરે જોરથી બૂમ પાડી.
જટાશંકર કહે હું ટ્રાયલ કરી રહ્યો છું પણ કોઇ આવ્યું નહિ.
‘આટલા મોટા બરાડા ના પાડો. અહીંયા હું આપની સાથે ઊભી છું એટલે કોઇ આવ્યું નહિ અને અહીંયાના મોટા મોટા ઝાડોમાં પણ જીવ છે. આટલું મોટેથી બોલશો તો એ પણ મદદ કરવા આવશે અને ઝાડને મદદ કરવા આવેલું જોઇ ગભરામણ થઇ જશે. માટે ધીરેથી બોલવાનું ‘મદદ કરો, મદદ કરો....’ સંભાએ સમજાવ્યું.
‘હા હા... હું ધ્યાન રાખીશ, મને ખબર પડી ગઇ. પણ મને આટલી જલ્દી કેમ ઉપાડી લીધો?’ જટાશંકરે સંભાને પૂછ્યું
‘આમ તો તમારા નિયત સમય કરતા મોડું થયું છે. પહેલા અમે કોવિડને મોકલ્યો તો તમે એને બુદ્ધિથી ભગાડી દીધો. પછી અમારા યક્ષને મોકલ્યો અને નરકમાં તમને મોકલવાનું નક્કી કર્યું તો એને પણ તમે વાતોમાં ફસાવી અને ભગાડી મુક્યો. છેવટે આ પ્લેન ક્રેશ કરવું પડ્યું છે, બોલે તમે અમને કેટલી બધી મજુરી કરાવી.’ સંભાએ કહ્યું.
‘સાલું આ તો આખું સ્વર્ગલોક મારી પાછળ પડ્યું હતું. મારો કુડદો બોલાઇ દીધો ત્યારે શાંત થયા અને મને સ્વર્ગમાં પહોંચાડી પછી મદદ કરો, મદદ કરો....નું ગીત શીખવાડે છે.’ જટાશંકર મનમાં બોલ્યા.
‘તમે જે બબડો છો એ બધું અમને સમજાય છે.’ સંભાએ જટાશંકરની સામે જોઇને કહ્યું.
‘હું તો ખાલી એમ જ બોલતો હતો. મારી બાજુની સીટમાં બેઠેલા સવિતાબેન ગોડબોલે જોડે તમે શું કર્યું?’ જટાશંકરે પૂછ્યું.
‘એમને અમે નરકમાં મોકલ્યા છે. સ્ત્રીઓના રક્ષણ કરવાના બહાના હેઠળ પુરુષઓ પાસેથી પૈસા પડાવતા હતાં.’ સંભા બોલી.
‘મારી બેટી મોઢા પરથી જ ખુંખાર લાગતી હતી. મારા પર પણ કેસ કરવાનું કહેતી હતી.’ જટાશંકર બોલ્યા.
‘તમારા ઉપર તો હવે તો કેસ થાય જ નહિ. તમે હવે ધરતીલોક ઉપર નથી સ્વર્ગલોકમાં આવી ગયા છો. તમે તો હવે સ્વર્ગલોકના યાત્રિક બની ગયા છો. હવે તમે સ્વર્ગલોકમાં આંટો મારો અને અહીંના યાત્રિકોને મળો.’ સંભાએ જટાશંકરને સ્વર્ગલોકમાં ફરવાની છૂટ આપી.
‘પેલા ઝાડ પાસે બાકડા ઉપર બેઠા છે એ જાણીતા લાગે છે. હું એમની પાસે જઇને વાતચીત કરી શકું?’ જટાશંકર જટાયુએ પૂછ્યું.
‘હા, કેમ નહિ. એ તમારી જોડે વાત કરવા તૈયાર હોય તો તમે એમની જોડે વાતચીત કરી શકો છો.’ આટલું બોલી સંભા જટાશંકરને ત્યાં છોડી અને નીકળી ગઇ.
જટાશંકરે ધીરે ધીરે બાકડાની નજીક જઇને જોયું. બાકડા ઉપર બેઠેલી વ્યક્તિને જોઇને જટાશંકર ખૂબ ખુશ થયા.
‘અરે! પ્રમોદભાઇ ભટ્ટ તમે? હું તમારો કાયમી વાચક. તમારા કારણે તો હું જીવનમાં થોડું હસતા શીખ્યો. તમે પ્રમોદભાઇ અદભૂત હાસ્ય લેખો લખતા હતાં. તમારી બધી ચોપડીઓ મેં વાંચી છે. તમે અહીં સ્વર્ગમાં આવ્યા પછી તમારી બોલબાલા નીચે બહુ વધી ગઇ છે. તમે તો અમર થઇ ગયા.’ જટાશંકર ઉત્સાહથી બોલ્યા.
‘અરે યાર! તમે કોણ છો? નવી એન્ટ્રી લાગો છો.’ પ્રમોદભાઇએ પૂછ્યું.
‘હું તમારા લેખોનો કાયમી વાચક. મારું નામ જટાશંકર જટાયુ છે. હું નિવૃત્ત સરકારી અધિકારી છું. તમને રૂબરૂ જોઇને હું ખૂબ ખુશ થયો. ધરતીલોક ઉપર તો તમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત ના થયું પણ સ્વર્ગલોકમાં તમે મળ્યા એટલે આપણા તો નસીબ ખુલી ગયા યાર.’ જટાશંકર બોલ્યા.
‘જટાયુ? અરે યાર! તમે કોઇ કવિ તો નથી ને? અને તમારી કોઇ કવિતા તો નહિ સંભળાવો ને? આ તો જટાયુ સાંભળ્યું એટલે પૂછ્યું. હજી તો સવારની કૉફી પણ નથી પીધી ને તમે ટપકી પડ્યા છો યાર.’ પ્રમોદભાઇ બોલ્યા.
પ્રમોદભાઇની વાતથી જટાશંકર જટાયુ જોશ જોશથી હસવા માંડ્યા.
‘મારી અટક જ જટાયુ છે. હું તો સરકારી નિવૃત્ત અધિકારી છું. છતાં સ્વર્ગમાં મને કેમ એન્ટ્રી આપી એ મારા માટે પણ નવાઇની વાત છે. મારી પત્ની અને મારા ગુરુજીના પ્રતાપે હું સ્વર્ગમાં છું. બાકી મારી નરકમાં સીટ રીઝર્વ હતી.’ જટાશંકરે પ્રમોદભાઇને કહ્યું.
‘યાર તમે તો બહુ લાંબુ બોલો છો. બાકી લેતી દેતી કરતા હોય એને સ્વર્ગમાં જગ્યા ના મળે એવું આપણે ધરતીલોકમાં હતા ત્યારે માનતા હતાં પણ હું ઉપર આવ્યો ત્યારે આપણા રાજકારણીઓ મને મળ્યા, એ જાણી મને ખબર પડી કે ધરતીલોકમાં રાજકારણમાં પણ હોય એને પણ સ્વર્ગમાં એન્ટ્રી મળી શકે છે.’ પ્રમોદભાઇ ભટ્ટ હસીને બોલ્યા.
‘વિક્રાંત બક્ષી સાહેબ અહીં જ છે? હું એમની નવલકથાઓનો પણ ચાહક છું.’ જટાશંકરે ઇન્ક્વાયરી શરૂ કરી.
‘હા ભાઇ, એ પણ અહીં જ છે. જો પેલા પીળા ફૂલ દેખાય છે ને એ ગાર્ડનમાં મોર્નીંગ વોક લેતા હશે.’ પ્રમોદભાઇએ ઉત્સાહ ઓછો બતાવીને જટાશંકરને માહિતી આપી.
‘તમે એક કામ કરો, વિક્રાંત બક્ષીને મળી લો ત્યાં સુધી હું કૉફી પીને આવું છું.’ પ્રમોદભાઇ ઊભા થયા અને ચાલવા લાગ્યા.
જટાશંકર ચાલતા ચાલતા પીળા ફૂલવાળા બગીચા પાસે પહોંચ્યા.
બગીચામાં વિક્રાંત બક્ષી આંટા મારી રહ્યા હતાં. વિક્રાંત બક્ષીને જોતાં જ જટાશંકર એમની પાસે પહોંચી ગયા.
‘અરે વિક્રાંત બક્ષી સાહેબ! હું તમારી નવલકથાનો ખૂબ મોટો ચાહક છું. તમારી નવલકથા વાંચીને મારા રોમરોમમાં આનંદ છવાઇ જાય છે.’ જટાશંકર બોલ્યા.
‘અરે યાર! આ સ્વર્ગમાં મારી નવી નવલકથા આવવા દો. પછી જુઓ, સ્વર્ગલોકમાં આવેલા બધાં જ લેખકો જે અલગ અલગ ભાષામાં લખતા હતાં એ બધાં કરતા ઉત્તમ નવલકથા લખી સ્વર્ગલોકનો સૌથી મોટો સાહિત્યકારનો એવોર્ડ ના લઇ જઉં તો મારું નામ વિક્રાંત બક્ષી નહિ.’ વિક્રાંત બક્ષી બોલ્યા.
‘સો ટકા સાચી વાત છે. તમારી નવી નવલકથા સ્વર્ગલોકમાં સપાટો બોલાવી દેશે. તમારી લખેલી નવલકથા વાંચુ તો મારી નશોમાં લોહી દોડવા લાગે છે. હું પ્રમોદભાઇને એ જ કહેતો હતો.’ જટાશંકર બોલ્યા.
‘પ્રમોદભાઇ ફરી મારા પર કોઇ મજાક કરતા’તા? એમણે મારા ઉપર કરેલા મજાકના કારણે તો મને ઠંડી ચડી જાય છે. એ ગમેત્યારે મને વાતમાં લઇ લે છે અને મારી વાત કહી લોકોને હસાવી દે છે. પણ છે ગજબના હાસ્ય લેખક!’ વિક્રાંત બક્ષી બોલ્યા.
‘તમે ચા પીશો?’ વિક્રાંત બક્ષીએ જટાશંકરને પૂછ્યું.
‘હા, કેમ નહિ.’ જટાશંકર બોલ્યા.
એટલામાં જટાશંકરની નજર દૂર જોધપુરી શુટ અને આંખ પર ગોગલ્સ પહેરેલા એક જાણીતા વ્યક્તિ પર પડી.
‘અરે વિજય ગાંધી સાહેબ! ધરતીલોક પર તો તમારા સુધી પહોંચવું અશક્ય હતું. પરંતુ સ્વર્ગલોકમાં એ શક્ય બન્યું. આપ જ્યારે નીચે મોટા પદ ઉપર હતા ત્યારે હું મહેસૂલ વિભાગમાં નોકરીએ ચડ્યો હતો અને પછી આપણી ખૂબ પ્રગતિ થઇ ગઇ.’ જટાશંકર જટાયુએ વિજય ગાંધીને કહ્યું.
‘તમે નવા લાગો છો. મતદાર યાદીમાં તમારું નામ નોંધાવી દો. સ્વર્ગલોકમાં આપણે ચૂંટણી લડી અને જીત મેળવવાની છે. આપણે જોવાનું છે કે સ્વર્ગલોકમાં આપણી વિજય પતાકા લહેરાય.’ વિજય ગાંધીએ કહ્યું.
‘અહીં બીજી પાર્ટી પણ છે?’ જટાશંકર જટાયુ બોલ્યા.
‘હા, કોઇ રમેશ મહાજન છે એમને પણ પોતાની પાર્ટી બનાવવી છે. મને એમનો ખાસ પરિચય નથી. પણ કોઇની તાકાત અવગણી ના શકાય. જ્હોન એફ. કેનેડી પણ પોતાની પાર્ટી ચલાવે છે. માટે ખેલ ખરાખરીનો જામવાનો છે.’ વિજય ગાંધીએ જટાયુને કહ્યું અને બીજા કોઇ સ્વર્ગલોકના યાત્રિક જોડે ચૂંટણી અંગે વાત કરવા લાગ્યા.
એટલામાં એમને કોઇ ઢંઢોળતું હોય એવું લાગ્યું.
કોણ છે? કોણ છે? એવું બે વખત બોલતા જટાશંકરે આંખ ખોલી.
‘અરે જટાશંકર ભાઇ! તમે ખૂબ નસકોરા બોલાવો છો. હું ડરી ગઇ. એટલે મેં તમને ઉઠાડ્યા.’ સવિતાબેન ગોડબોલે બોલ્યા.
‘અરે! હજી રમેશ મહાજનને મળવાનું હતું. પ્રમોદ ભટ્ટ અને વિક્રાંત બક્ષી જેવા મોટા ગજાના લેખકોને આ ધરતીલોકમાં મળવાનું સૌભાગ્ય ના મળ્યું. પણ સ્વર્ગલોકમાં મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું’ જટાશંકર હજી સ્વર્ગલોકમાં જ વિહરતા હતાં.
‘હેં, શું બોલો છો? કંઇ સમજાતું નથી.’ સવિતાબેન ગોડબોલે બોલ્યા.
જટાશંકર હવે બરાબર ભાનમાં આવી ગયા હતાં.
‘સાલું આ પ્લેનની ઊંચાઇથી સ્વર્ગલોક બહુ નજીક લાગે છે. મારા મગજનું ટાવર સ્વર્ગલોકમાં જોડાઇ ગયું. જટીને મેં ના પાડી છે કે રાત્રિના ભોજનમાં રાજમા ના બનાય, સાલો ગેસ થાય છે ને ભળતા-સળતા સપના આવે છે. પણ સારું થયું બે મહાન લેખકો સાથે અને મોટા રાજનેતા સાથે મુલાકાત થઇ ગઇ. પણ સાલું મારું આ સપનું સાચું તો નહિ પડે ને? મારે હજી જટીને યુરોપની ટુર કરાવવાની બાકી છે.’ જટાશંકર મનોમન બબડ્યા.
- ૐ ગુરુ