jatashankar jatayu shani ravi ni ramayan part 4 books and stories free download online pdf in Gujarati

જટાશંકર જટાયુ શનિ-રવિની રામાયણ - ભાગ 4

જટાશંકર જટાયુ

'શનિ-રવિની રામાયણ'


મહેસૂલ વિભાગના નિવૃત્ત અધિકારી જટાશંકર જટાયુ નિવૃત્ત થયા બાદ સોમવારથી શુક્રવાર સુધી શેરબજારમાં પોતાના નસીબને અજમાવતા અને શેરબજારના ઘોડા પર બેસી પોતાના આડા રસ્તે કમાયેલા રૂપિયાને ડબલ કરવામાં અને ત્યારબાદ તેને સફેદ કરવામાં રચ્યા પચ્યા રહેતા. માટે શનિવાર અને રવિવાર એમના માટે આરામના દિવસો હતાં.

જટાશંકર એવું નિશ્ચિતપણે માનતા કે એમની પત્ની જટીબેનને એમની આરામ કરવાની આ વૃત્તિ સાથે વેર છે માટે શનિવાર અને રવિવારે જટીબેન એમને ઘરના ભડતાસડતા કામે લગાડી એમના આરામને ક્લીન બોલ્ડ કરવાનો પેંતરો રચે છે એવું એ દ્રઢપણે માનતા થઇ જ ગયા હતાં.

'કહુ છું ઊભા થાઓ, નવ વાગ્યા સુધી ઘોરો છો, સૂરજ માથે ચઢી ગયો છે.' જટીબેને બૂમ પાડી.

'મને ઉઠાડ નહિ, મારી ઊંઘ તૂટે છે, સૂરજને તો આ રોજનું થયું છે. પણ મારે આજે શનિવાર છે.' જટાશંકરે શનિવારના નામની ગુગલી ફેંકી.

'કરિયાણું ખલાસ થઇ ગયું છે અને શાકભાજી પણ નથી. જો જમવું હોય તો ઊભા થાઓ અને રવિની દુકાને જઇ કરિયાણું લેતા આવો.' જટીબેને જટાશંકરની ગુગલીને સીક્સરમાં ફેરવી દીધી.

'આ સ્ત્રીને મારું સુખ જોવાતું જ નથી. હું જરાક શાંતિથી આરામ કરું એ એને પોસાતું નથી.' આળસ મરડીને જટાશંકર પથારીમાંથી ઊભા થયા. (જટાશંકરના પેટે પણ એની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી.)

'ઝભ્ભો ચઢાવી આંખે ચશ્મા પહેર્યા. લાવ, લીસ્ટ આપ. મારી ઊંઘનું તે કરીયાતું કર્યું છે. પણ તારું હું કરિયાણું લેતો આવું.' જટાશંકરે ઝડપી બોલ નાંખ્યો.

'કરિયાણું લેવા જવાનું કરીયાતા જેવું લાગતું હોય તો બે ટાઇમ બે હાથે ઝાપટવાનું બંધ કરો.' જટીબેને ફરી સીક્સર મારી.

જટાશંકરે માથે વાંદરા ટોપી ચઢાવી.

'હવે વાંદરા ટોપી મુકો, સૂરજ માથે બળબળે છે. ભેજું શેકાઇ જશે. જ્યારે ને ત્યારે વાંદરા ટોપી ચઢાવીને નીકળો છો. લોકો ગાંડા ગણશે.' જટીબેને છણકો કર્યો.

'આ તો ધ્યાન બહાર ગયું, ઊઠ્યો એટલે ચાલવા જવાનું છે બગીચામાં એ યાદ આવ્યું એટલે ટોપી પહેરી એમાં છણકા શું કરવા કરે છે?'

'ખબર નહિ બગીચામાં શું દાટ્યું છે? આમ તો આળસુના પીર છો અને ઊંઘણસીઓના તો રાજા છો. પણ સવારે પાંચ વાગે ઊઠીને બગીચામાં દોડો છો.' જટીબેને ફરીવાર છક્કો માર્યો.

'મને નથી ગમતું પણ ચંદ્રિકાબેન ગુપચૂપને કોણ સમજાવે કે સવારના બદલે સાંજે ચાલવા નીકળો તો? મારી ઊંઘ પૂરી થાય અને શેરબજાર પતે એટલે આપણે બગીચામાં નિરાંતે કલાક બેસી શકીએ.' આ વાત જટાશંકર મનોમન બોલ્યા.

'શું બબડો છો મનમાં? આ થેલી, આ રૂપિયા અને આ લીસ્ટ. જાઓ સામાન લેતા આવો. ' જટીબેને હુકમ છોડ્યો.

'જઉં છું, નોકર બનાવીને રાખ્યો છે, ઘડીકમાં આ લઇ આવો અને ઘડીકમાં પેલું લઇ આવો. હું મરીશ તો મારા ક્રિયા કરમનો સામાન પણ તું મારી પાસે જ મંગાવીશ. ' જટાશંકરે હિંમત કરી જટીબેનનો સામનો કર્યો.

' ના હોં, મરશો ત્યારે તકલીફ નહીં આપું. બકાલાલ ગુપચૂપ પાસે ક્રિયા કરમનો સામાન મંગાવી લઇશ. ' જટીબેને ફરી સીક્સર મારી.

'મારો બેટો બકાલાલ ગુપચૂપનો મારા ઘરમાં પગપેશારો વધારે છે. ' સાલાને સીધો કરવો પડશે. ' જટાશંકરે બકાલાલ ઉપર ખુન્નસ કાઢી.

'સાલું આ સ્ત્રીઓને તો પહોંચાય જ નહિ. દરેક વાતના એમની પાસે સો જવાબ હોય છે. ખબર નહિ કયા કાળે આ મારા જીવનમાં ભટકાઇ હશે. ભગવાને આને મારી કુંડળીમાં નાંખી મારી ઉપર ખુન્નસ કાઢ્યું છે.' જટાશંકર હાથમાં થેલી સાથે આ રીતે બબડતા બબડતા રવિ સબકુછવાલા પ્રોવિઝન સ્ટોર ઉપર પહોંચ્યા.

'આવો આવો કાકા. ' દુકાનના માલિક રવિ સબકુછવાલાએ જટાશંકરને આવકાર્યા.

'હવે આ કાઉન્ટર સુધી તો આવ્યા છે હજુ કેટલું અંદર આવે?' જટાશંકરે ચીડાઇને કહ્યું અને લીસ્ટ રવિને આપ્યું.

'રવિ સબકુછવાલા પ્રોવિઝન સ્ટોરનો પ્રોપ્રાઇટર રવિ બેઠા દડાની આકૃતિવાળો, લંબાઇમાં ટૂંકો, એનું ધડ બનાવ્યા પછી ભગવાન માથું બનાવવાનું ભૂલી ગયા હશે એટલે શરીરના પ્રમાણમાં ઇમરજન્સીમાં માથું બનાવી અને માથા પર આવતા દરેક છીદ્રને ફટાફટ બનાવ્યા હોય એવું નિરીક્ષણ કરનારને તરત ખબર પડી જતી. ઈશ્વરે બનાવેલા મુખ પરના બધાં જ છીદ્રોમાંથી નાના-મોટા વાળ ડોકીયા કરીને એકબીજા સાથે લડતા હોય એવું લાગતું હતું. ટૂંકમાં કહું તો રવિ એ ઈશ્વરે બનાવેલી ઇમરજન્સી પ્રોડક્ટમાંની એક પ્રોડક્ટ છે. રવિ દુકાન પર બેઠો હોય કે ઊભો હોય, કાયમ બેઠેલો જ કહેવાય. કાયમ વાદળી કલરના શર્ટ અને લેંઘામાં સજ્જ થઇ પોતાના ગ્રાહકોને તકલીફ ના પડે એની કાળજી રાખતો. '

'શું કરો છો હટાશંકર?' પાછળથી તીણો અવાજ આવ્યો.

'હટા નહિ જટાશંકર. પ્રોવિઝન સ્ટોરની દુકાનેથી બંદુક ખરીદુ છું.' કરસન હાલકડોલકને જોઇ જટાશંકરે છાજીયું કર્યું.

'વરસોથી આ વિસ્તારમાં રહેતા કરસનદાસ ત્રિવેદી આમ તો ફરસાણની દુકાન ચલાવે અને બંધબારણે શરાફીનો ધંધો પણ કરે. પતલું લાંબુ શરીર જેમાં ભગવાને માત્ર હાડકા જ મુક્યા હતાં. એટલે જો કપડા ના પહેર્યા હોય તો હજાર વરસ જૂનું કોઇ હાડપિંજર જ દેખાય.'

શરીરને ઈશ્વરે એવી રીતે બનાવ્યું હતું કે કરસનદાસ જ્યારે વાત કરે ત્યારે એમના શરીરમાં જાણે સ્પ્રીંગ ના મુકી હોય એમ હાલકડોલક કરે. એટલે જ વિસ્તારના લોકોએ એમનું નામ પીઠ પાછળ કરસન હાલકડોલક રાખ્યું હતું. આ વાત કરસનદાસને વરસો પછી ખબર પડી હતી.

કરસનદાસે કસરત કરી શરીરને કસવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ સ્વયં જાણે ઈશ્વર જ એમના આ શારીરિક ઢાંચાને બદલાવ કરવા તૈયાર થતા ના હોય એવું કરસનદાસને લાગ્યું. એટલે જ કરસનદાસે કસરત કરવાનું પડતું મુક્યું.

'વાંદરા ટોપી પહેર્યા વગર ખરીદી કરવા નીકળ્યા છો જટાશંકર?' હસવાના મુડમાં કરસનદાસ હાલકડોલક બોલ્યા.

કરસનદાસને જવાબ આપવાના બદલે જટાશંકરે એમની સામે ઘુરકીયું કર્યું.

'સાલો આ ખેંપટો હવાનું ઝોકું સહી શકે એમ નથી પણ હોંશિયારીમાંથી હાથ કાઢતો નથી. ' જટાશંકર મનોમન બોલ્યા.

'શનિવારે શું ખરીદી કરવા નીકળ્યા છો?' હાલકડોલકે ફરીથી સવાલનું તીર માર્યું.

'શનિવારનું નામ સાંભળી જટાશંકરનો પીત્તો ગયો. અલ્યા હાલકડોલક શું ક્યારનો મેથી મારે છે? મારા શનિ રવિ બગાડવા બેઠો છે. સાલા તને તો રોજ હવામાં ઉછાળવો જોઇએ.' જટાશંકરના તીવ્ર શાબ્દિક હુમલાથી હાલકડોલક બેચેન બન્યો.

'અરે જટાશંકર હું તો મજાક કરતો હતો' હાલકડોલકે હથિયાર હેઠા મુક્યા.

'પણ હું તો સીરીયસલી કહેતો હતો' જટાશંકરે તીર માર્યું.

જટાશંકર આવું કહેશે એવું વિચાર્યું ન હતું અને પાછું હાલકડોલક કીધું એ પણ ન ગમ્યું. એટલે જટાશંકર તરફ છાજીયું કરી હાલકડોલક પોતાની દુકાન તરફ વળ્યા.

નાકમાં આંગળી નાંખી રવિ આ વાકયુદ્ધને જોઇને હસી રહ્યો હતો. નાકના વાળને પણ આ ગમતું હોય એવું લાગતું હતું.

'સામાન તૈયાર કર્યો? નાકમાંથી આંગળી કાઢ અને હાથ ધોઇને માસ્ક પહેરી લે. નહિતર કોવિડને તારું એડ્રેસ આપી દઇશ.' જટાશંકરે ગુસ્સામાં રવિને કહ્યું.

'હાલકડોલકનો ગુસ્સો મારા પર કેમ ઉતારો છો જટાશંકર? આ તમારો બધો સામાન તૈયાર છે.' રવિએ બાજી સંભાળતા કહ્યું.

સામાન લઇ જટાશંકર ઘરમાં પ્રવેશ્યા.

'સામાન લેવા ગયા હતાં કે બનાવવા?' જટીબેને સવાલનું તીર માર્યું.

'રવિની દુકાનમાં લાઇન હતી.' જટાશંકરે ટૂંકમાં પતાવ્યું.

'જમવાનું તૈયાર છે? જમીને મારે સૂઇ જવું છે.' જટાશંકરે જટીબેનને પૂછ્યું.

'ના કાલની ભાખરી પડી છે, ચા બનાવીને ખાઇ લો મારું માથું દુખે છે. એટલે આજે હું રસોઇ બનાવવાની નથી. ' કહી જટીબેન રૂમમાં ચાલ્યા ગયા.

'આ જટી મારા શનિવાર અને રવિવારના આરામની મજા ના બગાડે ત્યાં સુધી એનું નામ જટી નહિ. આ દર શનિ રવિની રામાયણ છે સાલી.' જટાશંકર સોફા ઉપર પડતું નાંખીને બોલ્યા.

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED