Featured Books
શ્રેણી
શેયર કરો

જટાશંકર જટાયુ કોવિડ સાથે ભેટો - ભાગ 3

જટાશંકર જટાયુ

કોવિડ સાથે ભેટો


સવારે પાંચ વાગ્યાની છડી પોકારતું એલાર્મ રણકી ઊઠયું. આમ તો રણકી ઊઠયું નહી પણ ચિત્કારી ઉઠ્યું એમ જ કહેવાય કારણ કે એ રીંગટોનમાં પસંદ કરેલું સંગીત રેલાતું નહોતું પણ બાજુમાં સૂતેલા જટાશંકર જટાયુના કાનમાં રેડાતું હતું. જટાશંકર જટાયુ તો સુવાળા સપના જોતાં-જોતાં પટકાયા વર્તમાનમાં અને હાંફળા-ફાંફળા હાથે પોતાનો મોબાઇલ ફોન ફંફોસવા માંડયા. મોબાઈલ ક્યાં ગયો એ શોધવા માટે તો પહેલા ચશ્મા શોધવા પડે અને ચશ્મા શોધવા માટે પોતાની ઘરડી આંખો ચોળે એના પહેલા જ એમના ધર્મપત્નીએ રોજની જેમ બાજુના ટેબલ પર મુકેલા ફોનનું બટન દબાવી એને મૂંગો કર્યો. ફોનને મુંગો કરીને એમણે બબડવાનું ચાલુ કર્યું અને બબડતાં-બબડતાં જ પાછા એમના નસકોરા ચાલુ થઈ ગયા.

સવારના પાંચ વાગી ગયાનું જાણી જટાશંકર જટાયુ પથારીમાં થોડા સળવળ્યા. કોઈ સૂતેલું શાહમૃગ પક્ષી જેમ બેઠું થાય તેવી રીતે તેઓ આળસ મરડીને બેઠા થયા. અડધે સુધી પહોંચી ગયેલી બંડીને એમણે નીચેની તરફ ખેંચીને સરખી કરી અને સાથે-સાથે નાના-મોટા અવાજ સાથે ગેસ વિસર્જનનો આનંદ લીધો. પલંગ પરથી નીચે ઉતર્યા અને બાથરૂમ તરફ ધીમી ગતિએ આજના દિવસની શરૂઆત કરી. થોડીવારે બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે એમની બંડી ઉપર સફેદ ઝભ્ભાનું આવરણ આવી ગયું હતું અને લૂંગીનું સ્થાન સફેદ લેંઘાએ લીધું હતું. દરેક વાતે કંજૂસી કરતા જટાશંકર પોતાના લેંઘા બાબતે કોઇ કસર નહોતા રાખતા. બે લેંઘા બને એટલા કાપડમાંથી એમનો એક લેંઘો બનતો. બીજાના લેંઘાને મિલના ભૂંગળા સાથે સરખાવતા જટાશંકર લેંઘો ખૂબ પહોળો શીખડાવતા. એમનો લેંઘો જાણે હવાની અવરજવર સરળતાથી થઈ શકે તેનું ધ્યાન રાખી બનાવેલો હોય તેમ લાગતું. જટાશંકર રસોડામાં જઈને એક ગ્લાસ પાણી ગટગટાવી ગયા અને પછી માથે વાંદરા ટોપી ચડાવીને બંગલાની બહાર નીકળ્યા. પછી એમણે પ્રયાણ કર્યું ઘરથી થોડે દૂર આવેલા બગીચા તરફ......

ઘરમાંથી નીકળ્યા ત્યારે એમના બંને હાથ કોઈ સૈનિકની જેમ કદમ તાલ મિલાવતા હોય એમ આગળ-પાછળ થતા હતા. એ જ બંને હાથ બગીચો નજીક આવતાં સુધીમાં ટેવવશ એમની પાછળ જોડાઈ ગયા. કોઈ ચિત્રકાર અથવા નિરીક્ષણ કરતો માણસ જટાશંકર જટાયુને બંને હાથ પાછળ રાખી ચાલતા જુએ તો ચોક્કસ રામાયણનો જટાયુ, જે રાવણના પ્રહારથી પાંખ
વગરનો થઈ ગયો હતો અદ્લ એવા જ લાગે. એમને ચાલતા જોઈ પાંખ કપાયેલા જટાયુની છબી આ કળિયુગમાં પણ જાણે આબેહૂબ દેખાય.

એકવાર બગીચાના કોઈ વિદેશી છોડ પાસે બંને હાથ પાછળ રાખીને એને ઊભેલા અને નિરીક્ષણ કરતા જોઇને કોઇ યુવાનને ટીખળ સુઝી અને એણે એમને પૂછ્યું કે, 'આ પ્લાન્ટનું નામ શું છે?'

'મને શી ખબર? હું તને માળી જેવો દેખાવ છું?' એમ કહીને એ જોરદાર ભડકેલા. આમ પોતે ક્ષણિક વાતે ગુસ્સે થઈ જાય અને આમ રમૂજી પણ એટલા જ હતા. એક વાર કોઈએ પૂછ્યું કે 'કાકા તમે સરકારના ક્યા ખાતામાંથી નિવૃત્ત થયા?'

તો એ કહે, 'જ્યાં ખાતા-ખાતા પણ થાકી જવાય એવું ખાતું છે એમાંથી.'

એટલે કે જટાશંકર જટાયુ મહેસૂલ વિભાગમાંથી જ છેક છેલ્લે સુધી ખાતા-ખાતા જ નિવૃત્ત થયેલા. એટલે જ એ આર્થિક રીતે ઘણા જ સદ્ધર હતા પણ માનસિક રીતે ખૂબ જ કંજૂસ. પૈસા વાપરવામાં કંજૂસાઈનો પુરેપુરો ઉપયોગ કરે છે એવું એમની પત્ની જટીબેન જટાયુનું કહેવું હતું. એમની રહેણી-કરણી આમ એકદમ સાદી હોવાથી બીજા ભપકાદાર સાથી અધિકારીઓની સરખામણીમાં પોતે ઘણા જ ઈમાનદાર છે એવું લોકોને લાગતું અને એવું વિચારીને જટાશંકર પોતે ગર્વ લેતા.

આ તો જટાશંકર જટાયુ વિશેની થોડી જાણકારી છે જેથી એમના સ્વભાવ વિશે માહિતગાર થવાય એના માટેની એક પૂર્વભૂમિકા છે.

હવે પાછળ હાથ બાંધી જટાશંકર જટાયું એમના નિયમિત વર્ષોથી જતા બગીચામાં પ્રવેશ્યા. જટાશંકર જટાયુની આંખોના ડોળા ચકળવકળ થઈ ચારેબાજુ બગીચામાં ચંદ્રિકાબેન ગુપચુપને શોધવા લાગ્યા. આમ તો ચંદ્રિકાબેન એટલે એમના નિવૃત મિત્ર બકાલાલ ગુપચુપના ધર્મપત્ની. પણ બકાલાલ આળસુ હતા એટલે એ ક્યારેય સવારે વહેલા ઉઠે જ નહી. એ વાતે ચંદ્રિકાબેન એકદમ ચુસ્ત અને નિયમિત. આ ઉંમરે પણ ચંદ્રિકાબેનનું મુખ સુંદર લાગતું પરંતુ એના કરતાં એમની વાણીમાં બહુ મીઠાશ હતી. જટાશંકર જટાયુ કાયમ બગીચામાં જઈને એક ચોક્કસ જગ્યાએ મુકેલા એક બાંકડે જ બેસી રહેતા અને ચંદ્રિકાબેન ક્યારેય બેસે જ નહી. એ તો કાયમ બગીચામાં બે ચક્કર લગાવીને પોતાના ઘેર પાછા. આમ તો બંને વચ્ચે રોજ ફક્ત આટલો જ સંવાદ થાય, 'જટાશંકર જટાયુ પૂછે કે, કેમ છો ચંદ્રિકાબેન તમે?' અને ચંદ્રિકાબેન પણ સામે પોતાનું ગોળ મુખ હલાવી લહેકાથી હસતા-હસતા કહે, 'મજામાં જટાયુભાઈ.' બસ આટલી ચર્ચામાં જટાશંકરની સવાર સુંદર બની જતી હતી. આનાથી વધારે વાત કરવાનો લોભ જટાશંકર રાખતા ન હતા અથવા રાખે તોય ચંદ્રિકાબેન વાત કરવા ક્યારે ઉભા જ રહેતા નહી.

બગીચામાં થોડે દૂર એક ચોક્કસ બાંકડો, જેના ઉપર બેસી જટાશંકર આખા બગીચામાં નજર રાખી શકે. આવતા-જતા બધા જ લોકો એની નજીક આવેલા વોકિંગ-વે પરથી પસાર થાય એટલે યોગ કરવાની મુદ્રામાં બેસીને
જટાશંકરનું ધ્યાન એ બધા પર જાય. જ્યારથી આ બાંકડાનું સ્થાપન થયું હતું લગભગ ત્યારથી જ જટાશંકર એના આજીવન સદસ્ય બન્યા હતા. વહેલા ઊઠીને આવવાનું કારણ પણ એ જ હતું કે કોઈ પોતાના બાંકડા પર આવીને બેસી ન જાય અને જો ભૂલથી કોઈ બેસી ગયું હોય તો જટાશંકર એમની બાજુમાં બેસતા એ પછી એ વ્યક્તિ ક્યારેય આ બાંકડે ન બેસે કારણ હતું એમની 'હવા વિસર્જન ક્રિયા.'

વર્ષોથી એ બાંકડા ઉપર બેસીને બગીચાની સ્વચ્છ હવા એમના શ્વાસમાં ભરતા અને પોતાના પેટની દુર્ગંધ હવા બાંકડા પર વિસર્જન કરતા હતા. ખુદ બાંકડાને પણ જટાશંકરનું અહીં બેસવાનું પસંદ ન હતું. પરંતુ, બાંકડા પાસે કોઈ વિકલ્પ ન હોવાથી જટાશંકરના દર્દ ભર્યા અત્યાચારને સહન કરી જટાશંકરના પરલોક સિધાવવાની પ્રાર્થના કરતો રહેતો હતો.

જ્યારે કોઈ એમની સામું જોવે ત્યારે પલાઠી વાળીને યોગ કરવાનો ડોળ કરતા પરંતુ, આજે નિત્યક્રમ કરતાં કંઈક જુદું જ થયું .આજે પણ એવું કરવા માટે એમણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લેવા ગયા ત્યારે એમના નાક ઉપર કંઈક અથડાયું હોય એમ લાગ્યું. આંખ ખોલીને જોયું કે ક્યાંક મધમાખી તો નથી ને, નહીંતર એ તો આખું નાક લાલ ટેટા જેવું કરી દે. આમ-તેમ જોઇને પાછી આંખો બંધ કરવા જાય એ પહેલાં જ એક ઝીણો અવાજ સંભળાયો, 'હે ડોસા, તારા નાકના વાળ કેમ નથી કાપતો?'

જટાશંકર ચમક્યા, નાક ઉપર હાથ ફેરવ્યો અને નાકમાંથી બહાર ફરફરતા થોડા વાળ હાથમાં આવ્યા. જટી પણ યાદ આવી ગઈ કારણ કે એણે ગઈકાલે જ જટાશંકરને નાકની બહાર ફરફરતા વાળ માટે ટોક્યા હતા. એમણે પોતાની વાંદરાટોપી સરખી કરતાં-કરતાં આજુબાજુ જોયું પરંતુ, કોઈ નજરે ન ચડ્યું. ચશ્મા કાઢ્યા અને લૂછીને પાછા પહેર્યા.

'એ ખડૂસ ઢોસા, તારા હોઠ ઉપર જો' અવાજ થોડો વધીને આવ્યો. જટાશંકરે ધ્યાનથી જોયું તો નાનકડા ટીપાં જેવો કોઈ જંતુ વાત કરી રહ્યો હતો.

જટાશંકર સાબદા થઈ ગયા અને બોલી પડ્યા, 'હેય તું કોણ છે ?' એરંડાના બી જેવો કાંટા-કાંટાવાળો આકાર હોવાના કારણે જટાશંકરના અવાજમાં ડર હતો.

'તે કેમ માસ્ક નથી પહેર્યું આજે?'

આ સાંભળી જટાશંકરના પેટમાં ફાળ પડી. જટાશંકર બોલ્યા, 'તું કોરોના તો નથી ને?'

જંતુ બોલ્યો, 'હા હું કોવિડ છું, કોરોના નથી. હું કોરોના જાતિનો સૌથી અસરકારક વારસ એવો વાયરસ છું માટે ડોસા મને કોરોના નહી; કોવિડ કહે.'

જટાશંકર બોલ્યા, 'માફ કરજો કોવિડભાઈ પણ તમે
મારામાં ન પ્રવેશતા. મારે હજી તો દુનિયા જોવાની બાકી છે. હજુ તો મારે મારી પત્નીને યુરોપમાં ફેરવવાની છે.' તુંકારામાંથી માનભેર બોલાવતા જટાશંકરે થોડાક સાવધ થઈને જવાબ આપ્યો.

કોવિડ બોલ્યો, 'અલ્યા ઢોસા તારે હજીય જીવવાના અભરખા છે? તું રિટાયર થયા પછી સીમલા પણ ગયો નથી અને યુરોપની વાત કરે છે અને યુરોપમાં તો મેં હાહાકાર મચાવી દીધો છે, ખબર નથી તને? ત્યાં પણ તને હું જ મળવાનો છું એના કરતાં અત્યારે જ મને ગળે લગાડી દે ને?'

જટાશંકર બોલ્યા, 'ના ભાઈ ના હો... ગળે લગાડવાની વાત ન કરાય. તમારી શક્તિના પરચા તો ટીવીમાં અને યુટ્યુબમાં જોયા જ છે એ જોઈને તો હું તમારો ભક્ત થઈ ગયો છું.' જટાશંકર જટાયુએ માખણ લગાડવાનું શરૂ કર્યું.

કોવિડ બોલ્યો, 'ભક્ત થઈ ગયો છે...? એ કઈ રીતે ડોસા? મને મારવા માટે તો લોકો સેનેટાઈઝર વાપરે છે અને મારા વિરુદ્ધમાં રસી બનાવવાનું કાવતરું દુનિયાના દેશો કરે છે.'

જટાશંકર જટાયુ બોલ્યો, 'કોવિડભાઈ એ બધા તો મૂરખ છે. તમને પરાસ્ત કરવા એ ઇમ્પોસિબલ છે એવું હું જાણી ગયો છું. તમારા નામના ભલે છાજીયા લેવાય પણ એ લોકોને તમારી પૂરી ઓળખાણ જ ક્યાં છે? બધા લોકો હવામાં જ બચકાં ભરે છે. જટાશંકરના વખાણથી કોવિડ ફુલાઈ ગયો એની નોંધ જટાશંકર જટાયુએ બરાબર લીધી. જટાશંકર જટાયુ આગળ બોલ્યા, 'ભાઈ કોવિડ તમે તો લોકોને પોતાના જ ઘરમાં પૂરી દીધા છે અને ડોક્ટરોને પણ દોડતા કરી દીધા છે. ભલભલા દેશના રાષ્ટ્રપ્રમુખો પણ તમારાથી ડરે છે. તમને તો નોબલ પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. પણ મને એક વાત તમારી ન સમજાઈ કે જે દેશ તમારું મૂળ વતન છે ત્યાંથી તમે કેમ નીકળી ગયા? એવડા મોટા દેશમાં તમારું ક્યાંય ઠેકાણું ન પડ્યું કે આમ બીજા દેશોમાં ભટકવું પડ્યું?'

કોવિડ બોલ્યો, 'અમને ભટકતા કરી દેવામાં પણ એનો જ હાથ છે. પણ શું થાય એ લોકોએ તો બચવા માટે બહુ જડબેસલાક વ્યવસ્થા કરી છે એટલે અમારે લોકોને લાભ આપવા માટે બીજા દેશોમાં જવું જ પડે ને.... જ્યાં અમારો કોઈને પરિચય જ ન હોય?'

'હશે ત્યારે પણ આમ તમે લોકોને હેરાન કરો એમાં તો હાહાકાર મચી ગયો છે.'

કોવિડ બોલ્યો, 'પરંતુ એ તો અમારું કામ જ છે. અમે તો પૃથ્વી પરનો ભાર જ ઓછો કરીએ છીએ પણ તું જે નોબલ પુરસ્કારની વાત કરે છે એ બરોબર, પણ અત્યારે તો હું ભારતમાં છું તો મને "ભારત રત્ન" ન મળવો જોઈએ?'

જટાશંકર જટાયુ ગૂંચવાયા પરંતુ, જાન બચાવવા માટે
કોવિડને કહ્યું, 'ભાઇ કોવિડ ભારત રત્ન માટે તમારે દિલ્હી જઈને વડાપ્રધાનનો સંપર્ક કરવો પડે અને આવા નાના-મોટા ગાર્ડનમાં ફર્યા કરો તો કશુંય ન મળે.'

'એ વાત સાચી પણ સાંભળ્યું છે કે અત્યારના વડાપ્રધાન લેવડ-દેવડમાં માનતા નથી અને અમારું તો કામ જ એ છે તો ક્યાંથી મેળ પડે?'

કોવિડની વાત જટાશંકરને સમજાઈ નહીં. એ એકદમ વિચારમાં પડી ગયા એટલે કોવિડ બોલ્યો, 'એમાં વિચારે છે શું? અમારે તો એક શ્વાસમાંથી બીજા શ્વાસમાં જવાનું જ કામ છે ને? એટલે અમારું કામ તો લેવડ-દેવડનું જ થયું ને?'

'હા, હા.... એ વાત સમજાઈ પણ જો તમારા આ પ્રકારના પરફોર્મન્સ માટે 'ભારત રત્ન' ન મળે તો એની સાથે વાટાઘાટમાં પડવું એના કરતાં ધોળીયાઓને પટાવવા અને સમજાવવા સહેલા છે માટે નોબલ પુરસ્કાર માટે જ વાતચીત કરો ને. આમેય તમારું કામ તો આખા વિશ્વમાં ફેલાયેલું છે.' જટાશંકરે તરત જ જવાબ આપ્યો.

કોવિડ બોલ્યો, 'ડોસા તું હોશિયાર લાગે છે પણ તું ય તારી જિંદગીમાં લોકોને નડતો તો હોઈશ જ ને?'

'ના ભાઈ કોવિડ, હું તો ખૂબ જ નિરુપદ્રવી છું અને
ભક્તિવાળો પણ છું એટલે જ મને લાગે છે કે ભાઈ કોવિડ તારી તો આરતી લખાવી જ જોઈએ. દરેક મંદિરમાં ભક્તિભાવપૂર્વક એ ગવાવી પણ જોઈએ. તે તો ભગવાનને પણ મંદિરમાં એકલા પાડી દીધા છે.'

જટાશંકર જટાયુની વાત સાંભળી કોવિડે જાણે પોતાની મુજ પર તાવ આપ્યો. જટાશંકર જટાયુને લાગ્યું કે કોવિડ વાતમાં ફસાયો છે એટલે એણે કહ્યું કે કોવિડભાઈ કાલે તમે મને અહીં જ મળજો. હું તમારા માટે આરતી લખીને લાવીશ. એવું બોલતાં બોલતાં ત્રાજવું એક બાજુ નમે એમ જટાશંકર એકબાજુ નમ્યા અને હવામાં એકાએક પ્રદૂષણ ફેલાયું. કોવિડે આરતીનું સાંભળીને વિચાર્યું કે આ સોદો સારો છે ત્યાં તો આ હવાનું પ્રદુષણ એના સુધી પહોંચ્યું. એને પણ ગૂંગળામણ થવા લાગી અને અહીંથી ભાગી છૂટવાનો વિચાર કર્યો. એટલે તો પછી
કોનામાં પ્રવેશ કરવો એ વિચારતો હતો ત્યાં જ ચંદ્રિકાબેન ગુપચુપ બાજુમાંથી પસાર થયા અને એણે જટાશંકરની સામું જોયું. જટાશંકરને પણ એમની સામે સ્મિત કરતાં જોઈને કોવિડે પૂછ્યું કે, 'આ કોણ છે?'

જટાશંકર જટાયુએ કહ્યું કે, 'આ ચંદ્રિકાબેન ગુપચુપ છે અને મારા કરતાંય સારી અને મીઠી વાતો કરે છે.' આટલું જ સાંભળીને કોવિડે હવાની લહેરખી સાથે પ્રદુષણભર્યા વાતાવરણમાંથી એ તરફ દોટ મૂકી. અને એના કરતાંય બમણા વેગથી જટાશંકર ત્યાંથી ઊભા થયા અને ઘર તરફ એમણે પણ દોટ મુકી. રસ્તામાં આવતી દવાની દુકાનેથી કોરોનાના આ મહાકાળમાં પ્રથમ વખત માસ્ક ખરીદ્યું અને પહેર્યું અને ઘર તરફ પ્રયાણ કર્યું.

ઘરે જઈને જટાશંકરના ચહેરા પર માસ્ક જોઈને જટીએ પૂછયું, 'આ કોનું માસ્ક પહેરીને આવ્યા?'

'અરે અક્કલની ઓથમીર..... કોઈનું માસ્ક પહેરાતું હશે.' એમ બોલીને ખિસ્સામાંથી બીજું માસ્ક કાઢીને જટીને આપ્યું અને કહ્યું 'લે, આ તારા માટે પણ લાવ્યો છું. હવે બહાર જાય તો માસ્ક વગર ના જઈશ અને હમણાં થોડા દિવસ ચંદ્રિકાબેન ગુપચુપને મળતી નહીં એમને કોરોના થશે એવી મારી આગાહી છે.'

જટાશંકરને પૈસાથી માસ્ક ખરીદીને લાવેલા જોઇને જટી વિચારમાં પડી ગઈ અને પૂછ્યું, 'તમારી તબિયત તો સારી છે ને?'

સાંઈઠ વર્ષની જિંદગીમાં પહેલીવાર કોઈ જાનલેવા મુશ્કેલીમાંથી બચવાનો આનંદ અનુભવતા જટાશંકર જટીને શું જવાબ આપે? એ તો વિચારવા બેસી જ ગયા કે હવે તો કોઈ પણ હિસાબે કોવિડની આરતી લખીને રાખવી જ પડશે. એમને થયું કે ભલે હવે હું માસ્ક પહેરીને બહાર નીકળું પણ જો ફરીથી આ કોવિડનો ભેટો થઇ જાય તો આરતી એને સંભળાવવી અને તો જ એનાથી બચી શકાશે.

- ૐ ગુરુ