ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં રોજ મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)નાં રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનુ પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમના પિતા જૈનુલાબ્દીન એક હોડીના માલિક અને સ્થાનિક મસ્જિદના ઈમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. તેમના પિતા તેમની હોડીમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. ડૉ. કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા.

તેઓ કોઈ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી નહોતા. શાળાજીવનમાં ડૉ. કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા, પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી. ગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય ખર્ચ કરતા. શાળાજીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ઈ. સ. 1954માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. ઈ. સ. 1955માં મદ્રાસ ખાતેની મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઈજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. તેઓ ફાઈટર પાઈલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતા. ડૉ. કલામે આ વાતનો ઉલ્લેખ પોતાનુ પુસ્તક 'માય જર્ની : ટ્રાંસફોર્મિંગ ડ્રીમ્સ ઈંટ્ર એક્શંસ' માં કર્યો હતો.

ઈ. સ. 1960માં મદ્રાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ ડૉ. કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. તેમ છતાં ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા. ડૉ. કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા. ઈ. સ. 1969માં તેમને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર - ઈસરો ખાતે મૂકવામાં આવ્યા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ 1989માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.

ઈ.સ. 1963 - 1964 દરમિયાન ડૉ. કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી. ઈ. સ. 1970થી ઈ. સ. 1990નાં દશક દરમિયાન તેમણે ઘૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

તેઓ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઈલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. ઈ. સ. 1970નાં દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ડૉ. કલામે આ વર્ગીકૃત અંતરિક્ષ પરિયોજનાઓની વાસ્તવિક પ્રકૃતિને છુપાવવાની જરૂરિયાત સંદર્ભે મંત્રીમંડળને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ઈ. સ. 1980નાં દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ. ડૉ. કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમે તત્કાલિન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઈલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઈલ પરીક્ષણ પર કાર્ય કર્યું. આ યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઈલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા, જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. ડૉ. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે કો-ઓર્ડીનેટર તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન સમુહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.

ઈ. સ. 1998માં ડૉ. કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.

વૈશ્વિક રાજનીતિમાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ ખૂબ મોટા માનવતાવાદી હતા. તેઓ મૃત્યુદંડ આપવાના વિરુદ્ધ હતા. ખાસ કરીને ન્યાયાલય દ્વારા.

ડૉ. કલામે લખ્યુ છે, 'જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનું હોય છે.'

ડૉ. કલામે પોતાના પુસ્તકમાં પોતાના જીવનની મહત્વપૂર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે, "મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન 103 વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા 93 વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું."

કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા.

અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.

મૃત્યુ:

તેમનું મૃત્યુ 27 જુલાઇ 2015નાં રોજ શિલોંગ ખાતે વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે અચાનક આવેલા હ્રદયનાં હુમલાથી થયું.

ડૉ. કલામે લખેલ પુસ્તકો:-

1. India 2020: A vision for the new millennium(1998)

2. Wings of fire: An autobiography(1999)

3. Ignited Minds: Unleashing the power within India(2002)

4. The Luminous Sparks: A biography in verse and colours(2004)

5. Guiding Souls: Dialogues on the purpose of life(2005)

6. Mission of India: A vision of Indian Youth(2005)

7. Inspiring Thoughts: Quotation Series(2007)

8. You are born to blossom: Take my journey beyond(2011)

9. The Scientific India: A twenty first century guide to the World around us(2011)

10. Failure to Succes: Legendary Lives(2011)

11. Target 3 Billion(2011)

12. You are Unique: Scale new Heights by Thoughts and Actions(2012)

13. Turning Points: A journey through Challanges(2012)

14. Indomitable Spirit(2013)

15. Spirit of India(2013)

16. Thoughts for Change: We can do it(2013)

17. My Journey: Transforming Dreams into Actions(2013)

18. Governance for Growth in India(2014)

19. Manifesto for Change(2014)

20. Forge Your Future: Candid, Forthright, Inspiring(2014)

21. Beyond 2020: A Vision for Tomorrow’s India(2014)

22. The Guiding Light: A Selection of Quotations from My Favourite Books(2015)

23. Reignited: Scientific Pathways to a Brighter Future(2015)

24. The Family and the Nation(2015)

25. Transcendence My Spiritual Experiences(2015).

આમાંનાં કેટલાંક પુસ્તકો એમણે એકલાએ લખ્યાં છે, કેટલાંક કોઈકની સાથે ભાગીદારીમાં લખ્યાં છે. એમનાં કેટલાંક પુસ્તકોનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.

પોતાનું સમસ્ત જીવન વિદ્યાર્થીઓ માટે તેમજ દેશ માટે સમર્પિત કરી દેનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને તો કેમ ભૂલાય? જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ વિદ્યાર્થીઓની વચ્ચે જ રહ્યા. તેમની જ ઈચ્છા અનુસાર તેમનો જન્મ દિવસ આખા વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ' તરીકે ઓળખાય છે.

તેમણે આપેલ કેટલાંક પ્રખ્યાત વિધાનો જોઈએ તો.....

- તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્યમાં અડગ રહેવું પડશે.

- જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો પહેલા તમારે સૂર્યની જેમ તપવુ પડશે.

- આત્મવિશ્વાસ અને સખત મહેનત નિષ્ફળતાને મારવાની શ્રેષ્ઠ દવા છે.

- રાહ જોનારાઓને એટલું જ મળે છે જેટલું મહેનત કરનારા છોડી દે છે.

આવી અનેક સિદ્ધિઓ ધરાવતા સાચા અર્થમાં એક ભારતીય એવા ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.🙏

વાંચવા બદલ આભાર🙏

સ્નેહલ જાની