આપણે પ્રકરણ-2 માં જોયું કે,
આરતીએ તેના માસીની દીકરીના સપોટથી ભાગી છુટવાનું નક્કી કરી લીધું અને બીજે દિવસે સવારે તે ત્યાંથી ભાગી નીકળી.
પોતાની માસીની દીકરીની મદદથી તેણે ઉમંગને સેલફોન કરીને પોતે અત્યારે જ્યાં હતી માંગરોળ ગામમાં ત્યાં બોલાવી લીધો અને પછી અમદાવાદ આવીને કોર્ટમાં લગ્ન કરી લીધાં.
લગ્ન કર્યા બાદ આરતી ઉમંગને લઈને પોતાના મમ્મી-પપ્પાને પગે લાગવા માટે ગઈ પરંતુ આરતીના પપ્પાએ તે બંનેને આશિર્વાદ આપવાની અને સ્વિકારવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી આરતી અને ઉમંગ દુઃખી હ્રદયે ત્યાંથી નીકળી ગયા.
લગ્નના એક વર્ષ બાદ આરતીએ પોતાના જેવી એક સુંદર દિકરીને જન્મ આપ્યો અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. ઉમંગે તેનું નામ ઉર્મિ પાડ્યું.
આરતીને પોતાના મમ્મી-પપ્પાને મળવાની ઈચ્છા ખૂબજ હતી તેણે પોતાની ફ્રેન્ડ મારફતે મમ્મી-પપ્પાને સંદેશો મોકલાવ્યો અને પોતાને તેમને એકવાર મળવુ છે તેમ પણ જણાવ્યું પરંતુ મમ્મી-પપ્પાનો આરતી માટેનો ગુસ્સો હજી શાંત પડ્યો ન હતો હતો તેથી તેમણે "ના" જ પાડી દીધી.
સમય પસાર થયે જતો હતો આરતી પોતાના પરિવાર સાથે ખૂબજ સુખ અને શાંતિથી રહેતી હતી.
ઉર્મિના જન્મના બે વર્ષ બાદ આરતીએ બીજી એક તેનાં જેવી જ સુંદર દીકરીને જન્મ આપ્યો.
હવે આરતી અને ઉમંગનો પરિવાર હર્યોભર્યો થઈ ગયો હતો. પણ આ પરિવારને કોઈની નજર લાગી હોય તેમ બીજી દીકરીના જન્મના છ મહિના બાદ અચાનક આરતીની તબિયત ખૂબજ બગડી ગઈ.
તેને પેટની તકલીફ ઉભી થઈ. ઘણીબધી દવા કરી બે-ત્રણ તો ડૉક્ટર પણ બદલ્યા પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો.
દિવસે ને દિવસે તે સૂકાતી જતી હતી. ઉમંગ અને તેના પરિવારના સભ્યો આરતીની બિમારીથી ખૂબજ ચિંતિત હતાં.
આરતીનું બોડી ચેકઅપ કરાવવામાં આવ્યું અને બધા જ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા તો ખબર પડી કે આરતીને પેટમાં અલ્સર છે.
ઉમંગે રાત-દિવસ જોયા વગર આરતીની ખડેપગે ખૂબજ સેવા કરી.
આરતીને હવે થતું હતું કે તે વધુ નહીં જીવી શકે અને તેથી તે પોતાના મમ્મી-પપ્પાને મળવા ઈચ્છતી હતી. તે તેમને મળીને પોતે જે ભૂલ કરી છે તે માટે માફી માંગવા ઈચ્છતી હતી અને તેમને ભેટીને રડવા ઈચ્છતી હતી પણ તેમની પાસે જવું કઈ રીતે અને તેમને મળવું કઈ રીતે તે એક પ્રશ્ન હતો.
એક દિવસ તે ઉમંગને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને પોતાની
આ વાત તેણે જણાવી.
બીજે દિવસે ઉમંગ આરતીના ઘરે ગયો અને તેના મમ્મી-પપ્પાને
પગે લાગ્યો અને આરતીની તબિયત વિશે બધીજ વાત તેણે તેમને અને આરતીના ભાઈને જણાવી અને આરતી તેમને યાદ કરીને ખૂબજ રડ્યા કરે છે અને તેમને મળવા માંગે છે તેમ પણ જણાવ્યું.
આરતીના મમ્મી-પપ્પા અને ભાઈ આરતીને મળવા માટે તેના ઘરે ગયા અને આરતીની આ હાલત તેમનાથી જોઈ શકાઈ નહીં અને તેઓ આરતીની આ હાલત જોઈને ખૂબજ રડવા લાગ્યા અને આરતીને સારવાર માટે પોતાના ઘરે લઈ આવ્યા.
આરતીના મમ્મી-પપ્પાએ અને ભાઈ-ભાભીએ પણ આરતીની ખૂબ સેવા કરી.
આરતીએ પોતાના મમ્મી-પપ્પાને પોતાના પતિ ઉમંગ વિશે વાત કરી અને જણાવ્યું કે ઉમંગે રાત-દિવસ જોયા વગર કેટલી તેની સેવા કરી છે અને પોતાની બંને નાની દીકરીઓને પણ સાચવી છે ત્યારે પોતે જે આરતી અને ઉમંગ સાથે કર્યું હતું તેનું તેમને ખૂબજ દુઃખ થયું. પણ હવે તે સમય પાછો આવે તેમ ન હતો.
પોતાના પ્રાયશ્ચિત રૂપે તેઓ જેટલા પૈસા થાય તેટલા પણ પોતાની દીકરી આરતીને બચાવવા માંગતા હતા પરંતુ આરતીની તબિયત હવે વધુ બગડી ગઈ હતી તેથી તે બચી શકે તેમ ન હતી.
આરતીએ પોતાની બંને દીકરાઓના હાથ પોતાના મમ્મી-પપ્પા અને ભાઈના હાથમાં આપ્યા અને તેમને આરતી સમજી તેમની છત્રછાયામાં રાખવા વિનંતી કરી.
હવે આરતીનો છેલ્લો સમય આવી ગયો હતો.ઘરમાં એકદમ સોપો પડી ગયો હતો. બધાજ પ્રભુ પાસે આરતીના જીવનની ભીખ માંગી રહ્યા હતાં પરંતુ ઈશ્વરને પણ જાણે આરતીની જરૂર હોય તેમ તેણે આરતીને ઉઠાવી લેવાનું નક્કી કરી લીધું હતું.
આરતીના છેલ્લા શબ્દો હતાં કે, "મારા મૃત્યુથી તમારે કોઈએ રડવાનું નથી મારી આ બંને દીકરાઓ છે તે મારું જ પ્રતિબિંબ છે તેને સાચવજો અને પ્રેમથી તેનું લાલન પાલન કરજો." અને આરતી બે હાથ જોડીને પોતાના મમ્મી-પપ્પાને કહી રહી હતી કે, " તમે મને માફ કરી દીધી એટલે મારા માથા ઉપરથી બોજો ઉતરી ગયો હવે હું નિશ્ચિંત થઈને મૃત્યુને ભેટી શકીશ અને તેણે પોતાના પતિ ઉમંગના ખોળામાં જ પોતાનો જીવ મૂકી દીધો....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ