Prem - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - પ્રકરણ-2

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
આરતીના પપ્પા ચુસ્ત જ્ઞાતિવાદી હતાં તેથી તેમણે આ લગ્ન માટે ધરાર "ના" પાડી દીધી અને આરતીને છેતરીને પોતાના સંબંધીને ત્યાં રહેવા માટે મોકલી દીધી.

આરતીને જ્યારે તેના કોઈ સગાંવહાલાંને ત્યાં મૂકી આવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આરતીએ પોતાના મમ્મી-પપ્પાને સમજાવવાનો ખૂબજ પ્રયત્ન કર્યો તે પોતાના મમ્મી-પપ્પાને બે હાથ જોડીને રડીને ખૂબજ વિનંતી કરી રહી હતી કે, " પપ્પા, ઉમંગ ખૂબ સારો છોકરો છે, સંસ્કારી છે, એકનો એક છે, મને ખૂબ પ્રેમ કરે છે, મને જીવનમાં ક્યારેય દુઃખી નહિ કરે અને પૈસેટકે પણ ખૂબ સુખી છે. જ્ઞાતિની આડમાં તમે મારું જીવન હોડમાં મૂકી રહ્યા છો..!! હું પણ ઉમંગને ખૂબજ પ્રેમ કરું છું હું તેના વગર નહીં રહી શકું. તેના વગરના મારા જીવનની મેં કલ્પના શુધ્ધા કદીપણ કરી નથી. અને પપ્પાના પગમાં પડી ગઈ હતી. મને તેનાથી દૂર ન કરશો પપ્પા...!! "

પણ જીદે ભરાયેલા આરતીના પપ્પાએ આરતીની એકપણ આજીજી ધ્યાનમાં ન લીધી અને પોતાના નિર્ણય ઉપર અડીખમ રહ્યા.
આરતીને ઉમંગથી ઘણે દૂર માંગરોળ નામના નાનકડા ગામમાં મોકલી દેવામાં આવી..!!

આરતી અને ઉમંગના જીવનમાં ચક્રવાત મચી ગયો....

આરતી માટે તો આ અગ્નિ પરીક્ષા હતી. તેને માટે દિવસ કરતાં રાત વધુ લાંબી અને રાત કરતાં દિવસ વધુ લાંબો એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

એક એક દિવસ એક એક વર્ષ કરતાં પણ વધુ લાંબો લાગી રહ્યો હતો. રડી રડીને આંખો પણ સૂઝી ગઈ હતી.

આ એવું નાનકડું ગામ હતું જ્યાં આવવા જવાની કોઈ ખાસ સગવડ હતી નહીં બસ, ખાલી સવારે સાત વાગ્યે એક જ ટ્રેન આવે જે શહેરમાં લઈ જાય અને આ ટ્રેન પકડવા માટે પણ બે કિલોમીટર દૂર ચાલીને જવું પડે તો જ સ્ટેશન આવે.

આ બાજુ ઉમંગની પરિસ્થિતિ પણ કંઈક એવી જ હતી. તેણે આરતીની બધીજ ફ્રેન્ડસનો કોન્ટેક્ટ કરી આરતીનો પતો મેળવવાની ખૂબ જ કોશિશ કરી પણ તે નિષ્ફળ જ રહ્યો અને નિરાશ પણ ખૂબ થઈ ગયો. પણ તેણે આરતીના ઘરના ચક્કર લગાવવાના ચાલુ રાખ્યા હતા જેથી કદાચ આરતીના કોઈ સમાચાર કે આરતીની ભાળ મળે પણ તેમાં પણ તે નિષ્ફળ જ ગયો. હવે તેણે ભગવાન ઉપર ભરોસો રાખ્યા વગર કોઈ છૂટકો ન હતો..!!

પણ કહેવાય છે ને કે, " કી અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત આપકો ઉસસે મિલાનેમેં આપકી મદદ કરતી હૈ...." તેવું જ કંઈક બન્યું..!!

આરતીએ પોતાની મમ્મીને પોતાના દિલની વાત સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને આજીજી પણ ખૂબ કરી અને આ વાત પપ્પાને સમજાવવા કહ્યું પરંતુ "પથ્થર ઉપર પાણી..." આરતીના પપ્પા બસ એક જીદ પકડીને બેઠા હતા તો "એકના બે ન થયા તે ન જ થયા."

આરતીના તો હવે આંસુ પણ સૂકાઈ ગયા હતાં. હવે તેણે નિર્ણય લીધા વગર છૂટકો પણ નહતો તેથી તેણે મનોમન નક્કી કર્યું કે, મારે જો ઉમંગની સાથે જ જિંદગી જીવવી હશે તો મારે હિંમત કરીને અહીંથી ભાગી છૂટવું પડશે અને એક વખત ઉમંગ પાસે ચાલ્યા જવું પડશે પછીની પરિસ્થિતિ ઈશ્વર ઉપર છોડી દેવી પડશે..!! આમ પણ ઉમંગ વગરની જિંદગી ભારરૂપ જ છે. અને એવી કોઈ પરિસ્થિતિ ઉભી થશે તો હું મારો જીવ આપી દઈશ બાકી અહીં ચૂપચાપ બેસી રહીશ તો પપ્પા મને બીજા કોઇની સાથે લગ્ન કરાવી દેશે અને મારે ચૂપચાપ પરણી પણ જવું પડશે..!!

આરતીની માસીની દીકરી તેનાથી બે વર્ષ નાની હતી પણ સમજદાર હતી. સૌપ્રથમ આરતીએ તેને પોતાની બધી જ વાત સમજાવી અને એ વાત ઘરમાં બીજા કોઈને પણ ન જણાવવા સમજાવ્યું. ત્યારબાદ તેણે તેની પાસે મદદ માંગી અને પોતે અહીંથી કઈરીતે અમદાવાદ જઈ શકે છે તે પણ પૂછી લીધું.

હવે કઈરીતે જવું..અને શું કરવું.. તે બધી જ વાત આરતીની સમજમાં આવી ગઈ અને તે ભાગી છુટવા માટે યોગ્ય સમયની રાહ જોવા લાગી....

આરતી પોતાના ઉમંગને મળી શકે છે કે નહિ...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

બીજા રસપ્રદ વિકલ્પો