એક ડગલું તારી દિશામાં... - 3 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ડગલું તારી દિશામાં... - 3

"જ્યારે મંજિલ મળી જાય છે,
ત્યારે સઘળાં દર્દો ટળી જાય છે."

થયું પણ એવું જ. શિખર સર કર્યાનાં ઉત્સાહે બધાંનો થાક ઉતારી દીધો. પાછાં ફરવું સરળ બન્યું પરંતુ ઊતરતી વખતે પણ સાવચેતી જરૂરી હતી એટલે પ્રાપ્તિએ આ વખતે ઉતરતાં સાવચેતી રાખી. મિતેશ પણ વખતોવખત સૂચન કરી દેતો.

સાંજે છ એક વાગ્યે એ લોકો કેમ્પ સાઇટ પહોંચ્યા. ફ્રેશ થઈ પિયા અને પ્રાપ્તિ થોડો આરામ કરી હિલ ફેસિન્ગ બેન્ચ પર બેઠાં.

"આજનું ટ્રેકિંગ ખૂબ સરસ ગયું ને! મારું એક સપનું પૂરું થયું પ્રાપ્તિ." પિયાએ પગ હલાવતાં હલાવતાં કહ્યું.

"મારું પણ." પ્રાપ્તિએ ઉમેર્યું.

"પ્રાપ્તિ, એક વાત પૂછું? થોડી વ્યક્તિગત?"

"હા"

"પ્રાપ્તિ મારી લાઈફની તો તને ખબર છે મારી ખામી વિશે. તારે શું પ્રોબ્લેમ છે? આઈ મીન.... હજી સુધી લગ્ન!!!!"

"......"

"નો પ્રોબ્લેમ... હું દબાણ નથી કરતી... આ તો જસ્ટ ઘણા સમયથી જાણીએ છીએ એકબીજાને તો પૂછ્યું. ડોન્ટ ફીલ બેડ." પિયાએ પ્રાપ્તિનો હાથ પકડતાં કહ્યું.

"ના પિયા... કોઈ પ્રોબ્લેમ નથી. બસ, હવે હું એ ભૂતકાળમાં નથી એટલે વાત નથી કરતી. જે સમય ખરાબ હતો એ જતો રહ્યો, એને શું વારેવારે વાગોળવો! મને મારા ભૂતકાળ અને મારા નિર્ણયો પર ના કોઈ અફસોસ છે ન નાલેશી. યસ... મેં મારા કહેવાતાં પતિને છૂટાછેડા આપેલાં."

"ઓહ... તું પરણિત હતી. તમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હતો?"

"પ્રોબ્લેમ.... પ્રોબ્લેમ ક્યાં સંબંધો માં નથી હોતો પિયા! પરંતુ, કોઈપણ સંબંધમાં સૌથી જરૂરી શું હોય, વિશ્વાસ ને! માતા-પિતા એ નક્કી કર્યાં ત્યાં મેં લગ્ન કર્યા. એ વ્યક્તિ પર વિશ્વાસ કર્યો અને એણે મારા પર ન કર્યો. હજી તો સંબંધ સમજાય એ પહેલાંથી એણે ઘણું જૂઠ ચલાવ્યું ને મેં નજર અંદાજ કર્યું. જૂઠો સંબંધ કેટલો આગળ વધે! પરાણે તો નાજ એનાં વધે કે ટકે. એની માટે તો હું માત્ર કમાણીનું સાધન અને ઉપભોગની વસ્તુ હતી કદાચ. મેં એ આઠ મહિના કોઈ આત્મીયતા કે લાગણી નથી અનુભવી. આઠ દિવસમાં જ ચરિત્રહીનનો આક્ષેપ. મેં બધાં કોન્ટેક્ટ બંધ કરી દીધાં ને લગ્નજીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોબ અને ઘર બસ આ જ મારી દુનિયા છતાં વાતે વાતે બધો જ વાંક મારો. મેં સામાન્ય અપેક્ષાઓ પણ ન રાખી છતાં હું રસ્તાનો પથ્થર જ બની રહી. આત્મસમ્માન કેટલું દબાવવું!, મેં એ વ્યક્તિને અને પોતાને મુક્ત કરવાનો નિર્ણય લઇ લીધો. એને પણ કદાચ એ જ જોઈતું હતું. કોઈ લાગણીનું જોડાણ ક્દાચ હતું જ નહીં અમારી વચ્ચે એટલે મ્યુચિયલી ડિવોર્સ લઈ લીધા."

"કોઈ એલ્યુમની !!!"

"પિયા, મારા માટે સંબંધ સોદો નથી ભલે એ ફેક હોય. હું શેનાં પૈસા લઉં, મારા ઉપયોગ કે ઉપભોગના ! મારા માટે આ ખૂબ શરમજનક હતું અને એમપણ હું પગભર હતી. મારે નીકળવું હતું એ ખોખલા સંબંધનાં બોજમાંથી."

"તું સાચું કહે છે પણ એ વ્યક્તિને સબક શીખવાડવા તારે કંઈક તો કરવું જોઈતું હતું. આખરે તારી જિંદગી બરબાદ કરી એણે."

"શું સબક શીખવાડવાનો? મારી સાથેના વ્યવહારનું કારણ જણાવવા લાયક પણ જે મને ન સમજતો હોય એ વ્યક્તિને મારા કોઈપણ વ્યવહારથી શું ફરક પડવાનો હતો! માણસ જ્યારે માણસાઇ ભૂલી પોતાનાં અંગત સ્વાર્થ માટે માણસનો ઉપયોગ કરે ને પિયા ત્યારે એને સમય સિવાય કોઈ કંઈ ન શીખવી શકે."

"હમમમ્... બટ વોટ અબાઉટ યોર પેરેન્ટસ્ એન્ડ રિલેટિવ્ઝ?"

"તકલીફ તો થાય જ ને, મા-બાપ છે. એમને તો મારા પર ભરોસો હતો જ.. હા, રિલેટિવ્ઝ માટે અઘરું હતું પણ મમ્મી પપ્પાનો સપોર્ટ મારું બળ હતું ને એમપણ લગ્ન વિચ્છેદમાં પહેલાં વાંક સ્ત્રીનો જ નીકળે. ચારિત્ર્ય સ્ત્રીનું જ મૂલવાય અને એ માટે હું તૈયાર હતી." એકીટશે હિલ્સ જોઈ રહેલી પ્રાપ્તિ બોલી.

"ભૂલી જા... સોરી... મેં તને બધું યાદ અપાવી દીધું."

"ના..ના.. એવું કંઈ નથી. એમપણ આજે નહીં તો થોડાં સમય બાદ તને કહેવાનું તો હતું જ ને. હું મારા મિત્રોથી કંઇ નથી છૂપાવતી અને એમ પણ હું ભૂતકાળમાં નથી જીવતી. હવે, ફર્ક નથી પડતો."

"ગુડ... તને ખબર છે મેં પણ સપનાં જોયાં હતાં પણ હું અડગ રહી. મને અપનાવો તો લાગણીથી દયાથી નહીં એટલે જ હજુ સિંગલ છું. મને સાથ જોઈએ ઉપકાર નહીં."

"તું બહુ સ્ટ્રોંગ છે પિયા, હું કમજોર પડી આ બાબતે. મારો અંતર્મુખી સ્વભાવ કે વધું લાગણીશીલ હોવું મને નડ્યું કે પછી મને સંબંધોમાં છેતરામણી કરતાં ન આવડી, મને નથી ખબર પણ હું ફેક ન બની શકી, પોતાને ન છેતરી શકી. બટ, આઈ અપ્રિશિયેટ યોર કરેજ ઍન્ડ રિયલી પ્રાઉડ ઓફ યુ ડિયર."

"ચાલ, બહું થઈ સેડ સેડ વાતો. મિત્રો સાથે હોય ત્યારે સેડ થવાનો હક નથી હોતો. બાકી, આજે કોઇ કોઈનું બહું ધ્યાન રાખતુ હતું ટ્રેકિંગમાં."

"હેં...?"

"હા... લોકોને એમ કે અમારું ધ્યાન જ નહોતું."

"એને મદદ કરી કહેવાય. માનવતા"

"હા પણ એ માનવતાવાદી માણસ એમ તો સારો લાગ્યો. મને તો વાંધો નથી જો તમારે આગળ કંઈ....."

"હેવ યુ ગોન મેડ! શું બકવાસ કરે છે, હું જ મળી તને મસ્તી કરવા!"

"તો તારા સિવાય કોણ છે અહીં જેની સાથે હું તોફાન કરી શકું. હાહાહા..."

"બસ.. હ" પ્રાપ્તિથી પણ હસાઈ ગયું.

"પણ તારે વિચારવું જોઈએ આગળની લાઈફ માટે, અફકોર્સ જો કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો."

"તને હું દુઃખી લાગું છું? નહિં ને. આ ઉંમરે નવી મુસીબત નથી જોઇતી. હવે, જેટલી જિંદગી બચી છે શાંતિથી પોતાની સાથે જ પસાર કરવા ઈચ્છું છું. મારે કોઈનાં પર ના તો બોજ બનવું છે ના તો કોઈનાં દુઃખનું કારણ."

"કેમ? કેટલી ઉંમર થઈ ગઈ? ૩૫ જ તો છે. બી પોઝીટીવ, જિંદગીમાં વિકલ્પો ખુલ્લાં રાખવાનાં. એક તોફાનથી વૃક્ષો વાંકા વળી જાય કે તૂટી જાય તો પણ મ્હોરવાનુ નથી છોડી દેતાં. ખોટું નહીં લગાડતી... પ્રાપ્તિ."

"ખોટું શું લગાડવાનું! આ સલાહ મને ઘણીવાર મળી છે અને હું જાણું છું કે આ કહેવાવાળુ મારું સારું જ ઇચ્છે છે. મારે જીવવું છે પણ એ એક જ સંબંધ નથી જીવવા માટે અને હવે મન પણ નથી."

"ઓકે... ઓકે... ખાવાનું તો મન છે ને મેડમ! કે પછી ભૂખ નથી"

"હોતું હશે યાર... બહું ભૂખ લાગી છે. ચાલ પછી સૂઈ જવું છે. બાય ધ વે, આવતીકાલે તો રિવર સાઇડ જવાનું છે ને."

"હા... ચાલ જલ્દી જમીને સુઈ જઈએ."

બંને જમવા કેફેટેરિયા ગયાં ત્યાં કાવ્યા, સેમ અને મિતેશ પણ હતાં. પિયાએ એમને હાય કર્યું ને આવતીકાલના પ્લાન વિશે માહિતી પૂછ્યું. પિયા પ્રાપ્તિને પ્રશ્ન કહેતી અને પ્રાપ્તિ એ લોકોને પૂછતી. પ્રાપ્તિ, પિયાની ડીશ લઇ મૂકવા ગઇ ત્યાં મિતેશે એને પૂછ્યું કે એ ઠીક છે અને પ્રાપ્તિએ માત્ર હા માં જવાબ આપી મદદ માટે ફરી આભાર વ્યક્ત કર્યો ને બધાં પોતપોતાનાં ટેન્ટ તરફ ગયાં.

પ્રાપ્તિ પથારીમાં પડી વિચારી રહી હતી... મિતેશ વિશે અજાણતાં જ. સૂકી જમીન પર બુઠ્ઠી લાકડીને એક-બે વાર પછાડવામાં આવે તો નિશાન બનાવે છે એમ ક્યાંક ને ક્યાંક આજની મિતેશની મદદ અને એનું નિખાલસપણું, એની થોડી તોફાની આંખો અને પિયાની ટિખળ પ્રાપ્તિને મિતેશ તરફ ધકેલી રહી હતી. હોર્મોન્સ કોઇપણ ઉંમરે કામ તો કરે જ. લાગણીઓ ને ઉંમર સાથે ક્યાં કોઈ લેવાદેવા! "એ માત્ર મદદગાર છે બીજું કંઈ નહીં, મળતાવડાપણાનું કોઈ નામ ન હોય." એમ મનને ઠમઠોરી પ્રાપ્તિએ વિચારો ખંખેરી નાંખ્યા ને ઠંડી લહેરખી સાથે નિદ્રાદેવી એની આંખોએ આરૂઢ થઇ ગયાં.

(ક્રમશઃ)

- મૃગતૃષ્ણા 🌼