"આંખોમાં આવી વસી જવું તારું, શું કહું?
આમ જ અજાણતાં તારું ગમી જવું, શું કહું?
અમે વિરાન વનનાં સૂકાયેલા વૃક્ષો ને
તારું આમ વસંત થઈ અમને મ્હોરી જવું, શું કહું!"
ઘણીવાર જિંદગીમાં ગમે તેટલું મક્કમ બની કરેલાં નિર્ણયોને મન નામક માંકડું તોડીને છિન્નભિન્ન કરી નાખે છે. એવું જ પ્રાપ્તિનાં મને પણ કરવું શરું કર્યું છે. પ્રાપ્તિ જેમ જેમ મિતેષથી દૂર ભાગી રહી હતી એનાં વિચારો બમણી ઝડપથી પ્રાપ્તિનાં મનોમસ્તિષ્ક પર કબજો જમાવી રહ્યાં હતા. ઘણીવાર આવી કશ્મકશની સ્થિતિ વચ્ચે ઝૂલતું મનોમસ્તિષ્ક ચુંબનના બે ધ્રુવો તરફ તીવ્રતાથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે. એવી જ સ્થિતિ પ્રાપ્તિની છે. એક તરફ એણે મિતેષને મળવું પણ છે અને નથી પણ મળવું. મળે તો મન પ્રફુલ્લિત અને ન મળે તો બેચેન.
સવારે પ્રાપ્તિ ઉઠી, નિત્યક્રમ પતાવી પિયાને જગાડી. હજી સાડા છ જ થયાં હતાં એટલે બેન્ચ પર બેસવા એકલી બહાર નીકળી ત્યાં જ કોઈ પુરુષને એણે ત્યાં બેસેલો જોયો. થોડાં ખચકાટ સાથે એ પાછી ફરતી જ હતી કે એક પ્રભાવશાળી અવાજ આવ્યો,
"અરે.. પાછાં શું કામ જાવ છો?"
પાછા જવા ફરેલી પ્રાપ્તિ, એ અવાજ સાંભળતાં જ પ્રફુલ્લિત થઈ ગઈ. એણે પાછળ વળીને જોયુ તો એ જ હતો, મિતેષ. આછાં અંધારે પણ એનાં વ્યક્તિત્વની આભા પ્રાપ્તિને ખેંચી રહી અને એ એમ જ ત્યાં દિગ્મૂઢ બની ઊભી રહી ગઈ. એ શું કરે એ અસમંજસમાં જ હતી ત્યાં,
"તમે બેસો, હું જાવ." એ આહ્લાદક સ્વરે ફરી તેને ભાનમાં લાવી.
"ના ના... તમે પણ બેસોને." એનાથી સહસા બોલી જવાયું.
"તો પાછાં કેમ જતાં હતાં?"
"એ તો અંધારામાં કોઈ અજાણ્યું હશે એમ વિચારી..."
"ઓકે..." એમ બોલી મિતેષ પણ પ્રાપ્તિ સાથે સલામત અંતરે બેન્ચ પર ગોઠવાયો અને બોલ્યો,
"તમે જલ્દી ઉઠી ગયાં?"
"તમે પણ જલ્દી જ ઉઠ્યાં ને!"
"મને તો આદત છે. આ તો તમે ગઈકાલે થાકી ગયા હશો એટલે પૂછ્યું."
"હા.. થાકી તો ગયા હતા પણ જલ્દી સૂઇ ગયેલા અને એમ પણ આજે રિવરફ્રન્ટ જવાનું છે તો ઉઠવું પડે જ."
"હમમમ્..."
"પણ તમે અહીં એકલાં!"
"હા... મને સૂર્યોદય જોવો ગમે છે."
થોડીવાર અટકી મિતેષે પૂછ્યું,
"તમને એક વાત પૂછું જો ખોટું ન લાગે તો?"
"નઈ ખોટું લાગે પૂછો."
"તમે કેમ આવાં છો? એટલે કે એકદમ શાંત. ઓછા બોલા, ગભરાયેલા. તમને મિત્રો બનાવવા પસંદ નથી કે શું?"
"એવું કંઈ નથી. હું જરા અંતર્મુખી છું એટલે...."
"ઓહ! ફ્રેન્ડસ્?" હાથ લંબાવી મિતેષે પૂછ્યું.
અનાયાસે જ પ્રાપ્તિએ પોતાનો હાથ મિતેષના હાથમાં મૂકી દીધો.
"થેન્ક્સ... મિત્ર બનાવવા માટે." મિતેષ હસીને બોલ્યો અને પ્રાપ્તિ ઝંખવાઈ ગઈ. એણે પોતાનો હાથ પાછળ ખસેડી લીધો અને અસમંજસમાં નજર નીચી રાખી બેસી રહી.
"શું થયું? ક્યાં ખોવાઈ ગયા?"
"અંહ... ક્યાંય નહીં. હવે હું જાઉં. પિયા રાહ જોઈ રહી હશે." એમ કહી એ ત્યાંથી નીકળી ગઈ.
મિતેષને થોડું અજુગતુ લાગ્યું પણ હશે એમ વિચારી એ પણ એનાં રૂમ તરફ જવા નીકળ્યો.
પિયા પ્રાપ્તિની રાહ જ જોઈ રહી હતી. પ્રાપ્તિ ને જોતાં જ એણે કમર પર હાથ રાખી દીધાં એટલે પ્રાપ્તિ સમજી ગઇ.
"સૉરી...સૉરી... સૉરી... તું સૂતી હતી એટલે.... હું અહિયાં જ નજીકમાં જ ગઈ હતી." પ્રાપ્તિ કાન પકડતાં બોલી.
પિયા હસવા લાગી. હાથના ઈશારે પ્રાપ્તિને શાંત થવા કહ્યું.
"ઈટ્સ ઓકે... ભૂખ લાગી એટલે ગુસ્સો આવે છે. નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે જલ્દી ચાલ." એમ કહી પિયા પ્રાપ્તિને તાણી ગઈ.
(ક્રમશઃ)
- મૃગતૃષ્ણા
🌷🌷🌷