Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 3 - છેલ્લો ભાગ

ભાગ-3

અગસ્ત્ય અને આંગી રાત્રે અગસ્ત્યના ઘરની અગાસી પર બેસેલા હતાં. 

"આંગી, આજથી એક વર્ષ પહેલા આ નદી પર પુલ બનાવવા માટે સરકારે અમને ફંડ આપ્યો. આ પુલ અમારા માટે જીવાદોરી સમાન છે. દરેક પ્રાથમિક સુવિધાઓ નદીના પેલા પાર છે. જેમ કે શાળા, હોસ્પિટલ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ. "અગસ્ત્ય બે ઘડી માટે અટક્યો. 

"તો તમે લોકો કેવી રીતે નદી પાર કરો છો?"આંગીએ પુછ્યું. 

"ચોમાસાની ઋતુમાં નદી પાર કરવી ખુબજ અઘરી થઇ જાય છે કેમ કે અન્ય નદીના પાણી આવી જાય છે. બાકીના સમયમાં આર્જવ અને તેના પિતાની બોટો ચાલે છે જે સાવ સામાન્ય ભાડામાં નદી પાર કરાવી દે છે. "અગસ્ત્યે કહ્યું. 

"તો આ પુલ બની જાય તો સૌથી વધારે નુકસાન આર્જવ અને તેમના પિતાને થાય. તો આજ સુધી આ પુલ ના બની શકવાનું કારણ તે જ છે. આટલી સરળ વાત તમે કેમ સમજી ના શક્યાં?"આંગીના પ્રશ્ન પર અગસ્ત્ય હસ્યો. 

"બધાં જાણે છે કે અા બધાં પાછળ આર્જવ જ છે. તે આ પુલ બનવા જ નથી દેતો. તેણે શરત મુકી છે કે સરપંચ કાકા આ પુલ ના બનાવી શક્યા તો રાજીનામું મુકી દે અને તેને સરપંચ બનાવી દેવામાં આવે. તેણે જ ખોટી અફવા ફેલાવી છે કે આ નદી પર શ્રાપ છે કે તેના પર પુલ બનાવીશું તો અનિષ્ટ થશે. તને ખબર છે મોટી મોટી કંપનીના કેટલાય સિવિલ એન્જિનિયર આવ્યાં પણ તે આનાથી વધારે કામ ના કરી શક્યા. 

તેમાંથી એક સિવિલ એન્જિનિયરનું તો અપમૃત્યુ થયું હતું. ત્યારબાદ કોઇ અહીં આવવા જ તૈયાર નહોતા થતાં. તે પહેલા પણ જે આવતા તે કોઇ કારણોસર ડરીને ભાગી જતાં. હવે તું આવી છો તો ગામવાળાને ખુબજ આશા છે કે તું આ સેતુ બનાવી જ રહીશ અને તેમની તકલીફોનો અંત અાણીશ. "અગસ્ત્ય આટલું બોલતા ગંભીર થઇ ગયો. 

"શું થયું અગસ્ત્ય?"તેને ગંભીર જોઇને અાંગીએ પુછ્યું. 

"હવે ડર લાગે છે કે તને પણ કઇ થઇ જશે તો?આર્જવ ખુબજ ખતરનાક છે. "અગસ્ત્ય આંગીની આંખોમાં જોતા બોલ્યો. 

"કેમ?મને કઇ થઇ જશે તો તને શું?હજી કાલે જ તો મળ્યો છે મને. "આંગી તેની નજરથી નજર મિલાવીને બોલી. અગસ્ત્ય કઇ બોલી ના શક્યો. તેટલાંમાં વિજળી ફરીથી કડકી અને બીજી જ ક્ષણે ધોધમાર વરસાદ પડવા લાગ્યો. આંગી ભાગીને નીચે જતી હતી. અગસ્ત્યે તેનો હાથ પકડ્યો. 

"અગસ્ત્ય, શું કરે છે જવા દે મને. "આંગી બોલી. 

"ઘણીવાર એક મુલાકાત અને ક્ષણ જ બસ છે. એકબીજાને ઓળખવા, સમજવા અને ચાહવા માટે. તે ક્યારેય પહેલી નજરનો પ્રેમ અનુભવ્યો છે?મે અનુભવ્યો છે એ પણ ગઇકાલે જ. આજસુધી મારા જીવનમાં પ્રેમનું કોઇ જ મહત્વ નહતું. તને જોઇ તે જ ક્ષણે મારી વિચારસરણી બદલાઈ ગઇ. તે જ ઘડીએ હું તને ચાહવા લાગ્યો. 

તું અને હું સાવ અલગ, હું શાંત નદીની જેમ તો તું તોફાની વરસાદની હેલી. હું ગામ અને તું શહેર પણ હું મારી જાતને રોકી જ ના શક્યો. આને તું મારો પ્રેમ પ્રસ્તાવ ગણે કે તો તે જ ખરું. જવાબ ના હોય તો હાથ છોડાવીને જઇ શકે છે. હું મારો પ્રેમ તારા પર નહીં થોપું. "અગસ્ત્યે કહ્યું. 

આંગી પહોળી આંખોથી તેને જોઇ રહી હતી. કોઇના પ્રેમમાં પડવાનું, કોઇના માટે જીવવું આ બધું તેને ફિલ્મી લાગતું. તેના આ બધાં અલગ વિચારો ના કારણે તે હજીસુધી અપરિણીત હતી. અગસ્ત્યે હાથની પકડ ઢીલી કરી આંગીએ કડકતી વિજળી અને વરસતા વરસાદ વચ્ચે તે હાથ મજબુતીથી પકડી લીધો. અગસ્ત્યની આંખોમાં ચમક અને ચહેરા પર ખુશી હતી. તેણે આંગીને પોતાની તરફ ખેંચીને પોતાના ગળે લગાવી દીધી. અગસ્ત્ય અને આંગી ક્યાંય સુધી એમ જ રહ્યા. વર્ષાની હેલી આજે તેમને છેક અંદર સુધી ભિંજવી ગઇ હતી. 

બીજા દિવસે સવારે અગસ્ત્ય અને આંગીની આંખમાં એકબીજા માટે બદલાયેલા ભાવ અગસ્ત્યના માતાપિતા જોઇ શકતા હતા. 

આંગી સરપંચ કાકા, અગસ્ત્ય, તેના પિતા અને અન્ય ઇજનેરો સાથે મળીને મીટીંગ કરી રહી હતી. તેણે આશંકા વ્યક્ત કરી કે આ બધાં પાછળ આર્જવ અને તેના પિતાનો હાથ હોઇ શકે છે. 

"સરપંચ કાકા, આ ગામ માટે શ્રેષ્ઠ સરપંચ તમે જ છો. આપણે આર્જવ વિરુદ્ધ સાબિતી એકઠી કરવાની છે. તે મને અને મારી ટીમને પણ ધમકાવવાની કે ડરાવવાની કોશીશ કરશે. બસ તે જ વખતે હું તેના મોંઢામાંથી બધી વાત કબુલ કરાવડાવીશ અને તે બધું આપણે રેકોર્ડ કરી લઇશું આ સિક્રેટ કેમેરાથી. તે રેકોર્ડિંગ પોલીસમાં સોંપીને આ ગામને કાયમ માટે રાહત અપાવીશું. "આંગીએ મક્કમતા સાથે કહ્યું. 

આંગીએ તેના બોસને ફોન કર્યો, "સર, મને વધારે મજૂરો અને વધુ સામાન જોઇએ છે. સ્લેબ પણ બનેલા તૈયાર જેટલી જલ્દી આવી જાય તે વધુ સારું. સર, આ પુલની લંબાઇ ખુબ વધારે નથી તો એકસરખી લયમાં કામ ચાલશે તો એક મહિનામાં પુલ બની જશે. સર, આ ચેલેન્જ તો તમે હારશો. "

આંગીના સ્વરમાં રહેલી મક્કમતા તેના બોસ જાણી ગયા હતાં. આ કોન્ટ્રાક્ટ પુરો કરવો તેમના માટે અને તેમની કંપનીની આબરૂ બચાવવા અને કંપનીની માર્કેટ વેલ્યું વધારવા ખુબજ જરૂરી હતું. તેમણે આંગીને પુરતી સહાય આપવાનું વચન આપ્યું. 

અહીં આંગી રાહ જોતી હતી કે તેને ધમકી મળે. અહીં સાઇટ પર કામ કરતી આંગી પર અચાનક જ દુરથી ગોળી ચાલી પર અગસ્ત્યની સમય સુચકતાના કારણે તે બચી ગઇ. આ વાત પછી અાર્જવને હતું કે આંગી ડરીને ભાગી જશે પણ આંગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તેણે પોલીસ સુરક્ષા લીધી. 

અાંગીના ઇરાદા વધુ મજબુત થયા તેમા અગસ્ત્યના પ્રેમ અને સાથે તેને વધુ મજબુતી આપી. 

સરપંચ કાકાના ઘરે ફરીથી મીટીંગ થઇ. 

"સરપંચ કાકા, પુલ બનાવવાનું કામ જોરશોરથી શરૂ થઇ ગયું છે. મારા પર હુમલો થયો તે આર્જવે જ કર્યો હતો તે સાબિત કરવું અઘરું છે. મારી પાસે બીજો એક ઉપાય છે. "આટલું કહીને તેણે બીજો પ્લાન બનાવ્યો. આંગીએ અગસ્ત્યને કહીને ગામના થોડાક યુવાનોને બોલાવ્યા. તે યુવાનોને એક સ્માર્ટફોન આપીને તેમને અલગ અલગ કામ સોંપ્યું. 

અહીં આર્જવ ખુબજ ગુસ્સામાં હતો તેણે આંગી પર હુમલો કરાવ્યો માત્ર તેને ડરાવવા માટે. તેને હતું કે અાંગી ડરીને જતી રહેશે પણ તેવું ના થયું ઉલ્ટાનું કામ વધુ જોરશોરથી શરૂ થયું. 

આર્જવે કઇંક એવું કરવાનું નક્કી કર્યું કે જેનાથી ગામવાળા જ આ પુલ બનાવવા માટે ના પાડી દે. તેણે અગસ્ત્યના પિતાના ખેતરોમાં આગ લગાવડાવી. અચાનક ખેતરોમાં આગ લાગવાના કારણે અગસ્ત્ય અને બાકી બધાં ખુબજ ચિંત‍માં હતા. 

"આ નક્કી આર્જવનું કામ છે. હું તેને નહીં છોડું. "અગસ્ત્ય ગુસ્સામાં બોલ્યો. 

"શાંત અગસ્ત્ય, પુરાવા વગર તેના પર આરોપ ના લગાવી શકાય. આપણે તેને તેના કરેલા કર્મોની સજા જરૂર અપાવીશું. મારા પર વિશ્વાસ કર. "આંગીએ તેને શાંત કર્યો. 

બીજા દિવસે પંચાયતમાં મીટીંગ થઇ. જેમા આર્જવે કહ્યું કે આ નદી પર શ્રાપ છે અને આપણે તેના પર પુલ બાંધીને તે શ્રાપને અવગણીએ છીએ. જેની સાબિતી અગસ્ત્યના પિતાના ખેતરોમાં લાગેલી આગ હતી. 

બધાં ગામવાળા તેની વાત પર જાણે કે વિશ્વાસ કરવા લાગ્યાં. તેટલાંમાં આંગી આગળ આવી. 

"સરપંચ કાકા અને ગામવાળા, હું કઇંક કહેવા માંગુ છું. "અાંગી બોલી. 

"તું ના બોલી શકે. તું આ ગામની નથી. તું માત્ર પુલ બનાવવા આવેલી ઇજનેર છો. "અાર્જવના પિતાએ કહ્યું. 

"હા, ભલે હું આ ગામની નથી પણ મારો આ ગામ સાથે અને સત્ય સાથે સંબંધ છે. સત્ય એ છે કે અગસ્ત્યના ખેતરમાં આગ લાગેલી નથી પણ લગાડવામાં આવી છે. જેની સાબિતી આ સીસીટીવી ફુટેજ છે. આ સીસીટીવી મારા કહેવા પર અગસ્ત્ય અને તેના મિત્રોએ ગામમા જગ્યા જગ્યાએ લગાવ્યાં હતાં. "આંગીએ આટલું કહીને પોતાના લેપટોપમાં તે ફુટેજ બધાને બતાવ્યું કે જેમા કોઇ અગસ્ત્યના ખેતરમાં આગ લગાવી રહ્યું હતું. 

"તમે બધાંએ જોયું તે પ્રમાણે આ કોઇ દેવીમાઁનો પ્રતાપ નહીં પણ કોઇની બદલાની આગ હતી. દેવીમાઁ પોતાના બાળકોને આશિર્વાદ આપે શ્રાપ નહીં. હું તમને બધાને વચન આપું છું કે આવતીકાલ સુધીમાં સાબિતી સાથે તે ગુનેગારને તમારી સામે લાવીશ. "આંગી આટલું કહીને જતી રહી. 

અહીં આંગી પર એટેક થયો છે તે વાત સાંભળીને તેના માતાપિતા અને બોસ ત્યાં આવી ગયાં. આંગીએ તેમને વિશ્વાસ દેવડાવ્યો કે તે બધું ઠીક કરી દેશે. 

"આંગી, મને માફ કરી દે. મે આજસુધી તને કાઢવા માટે હજારો બહાના શોધ્યાં પણ તે આ પ્રોજેક્ટ પુરો કરવા માટે તારો જીવ જોખમમાં મુક્યો. હું પણ તારી સાથે છું. "આંગીના બોસને તેમની ભુલ સમજાઇ. 

બીજા દિવસે પંચાયતની મીટીંગમાં આંગી અને અગસ્ત્યની રાહ જોવાઇ રહી હતી. બહુ સમય થયો પણ તે લોકો આવ્યાં નહીં. બધાને તેમની ખુબજ ચિંતા થઇ. 

"જોયું? નહીં આવે તે લોકો કારણે કે તેમની પાસે કોઇ સાબિતી જ નથી. "આર્જવે કહ્યું. 

"કોણે કહ્યું સાબિતી નથી, આર્જવ?"અગસ્ત્ય હાંફતો અંદર આવ્યો. 

"આ રહી સાબિતી. સરપંચ કાકા, આ બધાંની પાછળ આર્જવનો જ હાથ છે. આ પુલ બની જાય તો તેમનો હોડીનો વ્યવસાય બંધ થઇ જાય એટલે આજસુધી તેમણે પુલ ના બનવા દીધો. "અગસ્ત્યે કહ્યું. 

અગસ્ત્યની પાછળ આર્જવની બોટના ખલાસી આવ્યાં. 

"બોલો. "અગસ્ત્યે મોટા અવાજે કહ્યું. 

"આ હોડીના વ્યવસાયમાં અમને ખુબજ સારી આવક મળે છે. જ્યારે અહીં પુલ બનાવવાની વાત આવી ત્યારે સાહેબ ડરી ગયા. તેમને થયું કે આ પુલ બની ગયો તો અમારા બધાની આવક બંધ થઇ જશે. એટલે પહેલા જે ઇજનેર આવ્યાં તેમને ડરાવી ધમકાવીને અહીંથી ભગાવી દીધાં. 

બીજા જે ઇજનેર આવ્યાં તે ખુબજ ઇમાનદાર અને બહાદુર હતા. તે આર્જવસાહેબની ધમકીમાં ના આવ્યાં. તેમને બહુ બધી રીતે ડરાવવાની કોશીશ કરી અેક દિવસ અકસ્માતે આર્જવભાઇના હાથે તેમની હત્યા થઇ ગઇ. આ નવા મેડમ પર પણ ગોળી તેમણે જ ચલાવડાવી હતી. "તે ખલાસી આટલું કહીને નીચું જોવા લાગ્યો. 

બધાં ખુબજ આઘાત પામ્યાં. આંગી અને અગસ્ત્ય તેમની સાથે પોલીસ લઇને આવ્યાં હતાં. ખલાસીની જુબાની પછી પોલીસને તપાસ કરતા તે ગન આર્જવ પાસેથી મળી જેનાથી આંગી પર ગોળી ચલાવવામાં આવી હતી. પોલીસ આર્જવ અને તે ખલાસીને પકડીને લઇ ગઇ. 

બે મહિના પછી. . 

આંગી તથા તેના બોસના આયોજન, મજુરોની સખત મહેનત અને અગસ્ત્યની બહાદુરીના કારણે તે પુલ બની ગયો હતો. તેના પાયા પહેલા જ તૈયાર હતા. બે મહિનામાં બાકીનું કામ પણ પતાવી દીધું હતું. 

આ પુલનું ઉદઘાટન અગસ્ત્ય અને આંગીના હાથે કરાવવામાં આવ્યું. તેનું નામ પણ અગસ્ત્ય અને આંગી નો પ્રેમસેતુ રાખવામાં આવ્યું. આજે અગસ્ત્ય, આંગી અને તેમના માતાપિતા ખુબજ ખુશ હતા કેમ કે આજે પુલના ઉદઘાટન સાથે તેમની સગાઈ પણ હતી અને બે મહિના પછી લગ્ન. 

અગસ્ત્ય અને આંગીએ એકબીજાને સગાઇની વીંટી પહેરાવી અને એકબીજાના હ્રદયથી હ્રદયનો સેતુ પણ બનાવી દીધો. રાત્રે અગસ્ત્ય અને આંગી અગાસી પર વર્ષાની હેલીને અને એકબીજાના સાથને માણી રહ્યા હતાં. 

"આંગી, આપણા મિલન માટે આપણે આ નદી, આ પુલ સાથે કોઇ બીજાનો પણ આભાર માનવો જોઇએ. "અગસ્ત્ય બોલ્યો. 

"કોનો?"આંગીએ આશ્ચર્ય સાથે પુછ્યું. 

"આ વરસાદનો, આપણા પ્રેમમાં તેનો પણ મોટો ફાળો છે. "અગસ્ત્યના આટલું બોલતા જ આકાશમાં વિજળી થઇ અને આંગી અગસ્ત્યના આલિંગનમાં જકડાઈ ગઇ. 

સમાપ્ત.

રીન્કુ શાહ.