Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 2

ભાગ-2

આંગી અને અગસ્ત્ય એકબીજાને જોઇ રહ્યા હતા અચાનક સરપંચ કાકાનો ફોન આવતા તે બંને જાણે કે તંદ્રામાંથી બહાર આવ્યાં. 

"હા અગસ્ત્ય, તે સિવિલ એન્જિનિયર એક છોકરી છે. તેનું નામ છે આંગી શાહ. બેટા, તેને લઇને તેનો સામાન મુકીને સીધો મારા ઘરે આવજે. “આટલું કહીને સરપંચ કાકાએ ફોન મુકી દીધો. 

"આંગીજી?હું અગસ્ત્ય પારેખ. સોરી તમારું નામ નહોતી ખબર. મને એમ કે.. "

"સિવિલ એન્જિનિયર છે તો કોઇ છોકરો હશે, રાઇટ?"આંગીએ તેની વાત વચ્ચે કાપતા કહ્યું. 

"સોરી, જઇએ?"અગસ્ત્યે કહ્યું. 

અગસ્ત્ય આંગીને જોવામાં અને તેની સુંદરતામાં એટલો ખોવાઈ ગયો હતો કે તે કશુંજ બોલી નહોતો શકતો. અગસ્ત્ય તેને તેના ઘરે લઇ ગયો. 

"મને એમ કહેવામાં આવ્યું હતું કે મારી રહેવાની વ્યવસ્થા કોઇ અન્ય જગ્યાએ કરવામાં આવી છે. આ તો કોઇનું ઘર લાગે છે. "આંગીએ અગસ્ત્યને પુછ્યું. 

"હા, આંગીજી પહેલા તમારા રહેવાની વ્યવસ્થા મે મારા ઘરની નજીક કરાવી હતી પણ તે વખતે હું નહોતો જાણતો કે આવનાર એક સ્ત્રી છે. મને લાગે છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. મારા ઘરે તમને એક સુરક્ષિત અને ઘર જેવું વાતાવરણ મળશે. 

હા, મારી મમ્મી તમને જોઇને થોડાક વધારે પડતા ઉત્સાહિત થઇ જશે પણ તે ખુબજ પ્રેમાળ છે. "અગસ્ત્યએ પોતાના ઘરનો ડેલો ખોલી અંદર જતા કહ્યું. તેણે આંગીનો બધો સામાન પકડેલો હતો. આંગી પહેલી વાર કોઇ પુરુષથી પ્રભાવિત થઇ રહી હતી. 

અગસ્ત્ય એક સુશીલ, પ્રેમાળ અને ન્રમ હતો. સાથે તે ખુબજ દેખાવડો પણ હતો તેનું શરીર એકદમ ખડતલ અને આકર્ષક હતું. આજે પહેલી વાર તેને એક આકર્ષણ અનુભવાયું. તે કેમ ધારી ધારીને અગસ્ત્યને જોઇ રહી હતી તે પોતે જ નહોતી સમજી શકતી. પોતાની આવું કરવા પર તે શરમ અનુભવી રહી હતી. 

અંતે તે અગસ્ત્યના ઘરે આવી. તેના માતાપિતાએ ખુબજ પ્રેમ અને ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું. અગસ્ત્યએ આંગીને પોતાનો બેડરૂમ ખાલી કરીને તેને રહેવા આપ્યો. 

"આંગી બેટા, તમે ફ્રેશ થઇને સરપંચ કાકાને મળી આવો ત્યાં સુધી હું જમવાનું તૈયાર કરું. "અગસ્ત્યના મમ્મીએ કહ્યું. 

'આંટી પ્લીઝ, મને તું કહો. હું તો તમારી દિકરી જેવી છું. મારા કારણે તમને કેટલી તકલીફ પડશે. “આંગીએ કહ્યું. 

"બસને દિકરી કહી અને તકલીફની વાત કરી. એક માઁને  તેની દિકરી ક્યારેય દુખ ના આપે હંમેશા સુખ જ આપે. આમપણ આજીવન હું દિકરી માટે તરસતી રહી. "આટલું કહીને અગસ્ત્યની મમ્મીએ તેના માથે વ્હાલથી હાથ ફેરવ્યો. અગસ્ત્ય અને તેના પિતા આ દ્રશ્ય જોતા જ રહી ગયા. અગસ્ત્યની આંખોમાં જે અલગ ભાવ હતા તે તેના પિતાથી અજાણ ના રહ્યા. 

અગસ્ત્ય અને આંગી સરપંચ કાકાના ઘરે ગયા. આંગી ગામના આગેવાનોને મળી. તે લોકો આંગીને તે નદી કિનારે લઇ ગયાં જ્યાં પુલનું કામ અધુરું હતું. 

પુલનું કામ અડધું થઇ ગયું હતું. પાયા નંખાઇ ગયા હતા પણ તેની ઉપરનો સ્લેબ ભરવાનો હજી બાકી હતો. 

"સરપંચ કાકા, આ પુલના પાયા નંખાઇ ગયા છે તે સારું છે પણ હજી ઘણું કામ બાકી છે. તમે ચિંતા ના કરો હું આ પુલ બનાવીને જ રહીશ. આ સેતુ બનવો જેટલો તમારા માટે જરૂરી છે તેટલો મારા માટે પણ જરૂરી છે. "આંગીએ સરપંચ કાકા અને ગામના અન્ય આગેવાનોને કહ્યું. અગસ્ત્ય તેનો આ આત્મવિશ્વાસ જોઇને આશ્ચર્ય પામ્યો. 

"એક છોકરી, આવડો મોટો પુલ કઇ રીતે બનાવી શકે?"

"સરપંચ કાકા, અમને તો આ છોકરીની વાતો પર બિલકુલ ભરોસો નથી. આગળ મોટા મોટા ઇજનેરો આવીને ગયા. તે જે કામ ના કરી શક્યાં તે આ  છોકરી શું કરશે?"

ગામના આગેવાનોની તીખી વાતોએ આંગીને તેના મૂળ સ્વભાવ પર લાવી દીધી. 

"તમને બધાને હું એક ચેલેન્જ આપું છું અને તે એ છે કે જો હું આ પુલ ના બનાવી શકીને તો મારું અા કામ જે મને ખુબજ વહાલું છે તે હંમેશા માટે છોડી દઇશ. "આંગીની વાતોથી બધાં આઘાત પામ્યા. આંગીનો આ આત્મવિશ્વાસ જોઇ અગસ્ત્ય ખુબજ પ્રભાવિત થયો. 

પુલ બનાવવા માટે મજુરો, સામાન અને અન્ય લોકો આવતીકાલે આવી જવાના હતા. ગામના આગેવાનોને મળીને અગસ્ત્ય આંગીને ગામ બતાવવા લઇ ગયો. અહીં આર્જવ સુધી આ બધી જ વાત પહોંચી ગઇ. 

"શું વાત કરે છે? સિવિલ એન્જિનિયર એક સુંદર યુવતી છે અને તે પણ તીખી મરચા જેવી, મજા અાવી જશે. મળવું પડશે આ ઇજનેર મેડમને. તેમની ચેલેન્જમાં તેમને જીતવા નહીં દઇએ. આ પુલ તો નહીં જ બને. 

પઆ વખતે શરત મુજબ જો આ પુલ સરપંચ કાકા ના બનાવી શક્યા તો સરપંચ હું બનીશ અને પછી તો લીલાલહેર. "આટલું કહીને આર્જવે અટ્ટહાસ્ય કર્યું. 

ગામ ફરીને અગસ્ત્ય આંગીને તેના ઘરે લઇને આવ્યો. જ્યાં જમવાનું પતાવીને આંગી આખા દિવસનો થાક ઉતારવા માટે સુઇ ગઇ. તે ઊઠી ત્યારે રાતના નવ વાગી ગયા હતાં. તે ઊઠીને બહાર આવી ત્યારે અગસ્ત્યના માતાપિતા જમવાનું પતાવીને સુઇ ગયા હતા. આંગી અગસ્ત્ય પાસે આવી. 

"આઇ એમ સોરી, હું બહુ વધારે સુઇ ગઇ. આ મુસાફરીનો થાક ખુબજ હતો શું કરું? “આંગી સંકોચ પામતા બોલી. 

અગસ્ત્ય જે પહેલી નજરથી આંગીને પસંદ કરવા લાગ્યો હતો તેને તેની આ અદા ખુબજ ગમી. 

"કોઇ વાંધો નહીં પણ તમને ભુખ નથી લાગી? “અગસ્ત્યએ પૂછ્યું. 

"હા, ભુખ તો બહુ જ લાગી છે. "આંગીએ કહ્યું. 

અગસ્ત્ય આંગી અને તેના માટે બે થાળીમાં ભાખરી, શાક અને ખીચડી- કઢી લઇને આવ્યો. તે બંને તેમના ઘરના ચોકમાં નીચે આસનિયું પાથરીને બેસ્યાં. આંગી માટે નીચે બેસીને જમવું એ ખુબજ નવી વાત હતી. નાનપણનાં અમુક સમયને છોડીને તે ક્યારેય જમીન પર બેસીને નહોતી જમી. રોજ જમવામાં અલગ અલગ ભોજનની ફરમાઇશ કરવાવાળી આંગી આજે અગસ્ત્ય સાથે સાવ સાદું ભોજન પણ ખુશીથી કરી રહી હતી. 

સફેદ રંગના ઝભ્ભા લેંધામાં અગસ્ત્ય એકદમ સોહામણો લાગી રહ્યો હતો. તે અને અાંગી જમતા જમતા વાતો કરતા કરતા એકબીજાને જોઇ રહ્યા હતા. આજે આંગીની અંદર એક સ્ત્રીએ જાણે કે જન્મ લીધો હતો. તેનું હ્રદય જોરજોરથી ધબકતું હતું. 

જમ્યાં પછી થાળી અને બાકીના વાસણ સાફ કરતા જ્યારે તેમના હાથ એકબીજાને સ્પર્શ્યા, ત્યારે આંગીના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. આંગીને આજે ખુબજ લજ્જા અનુભાવાઇ રહી હતી. અગસ્ત્ય તેની સાથે વધુ વાત કરવા માંગતો હતો પણ આંગી ઉપરના માળે અગસ્ત્યના રૂમમાં જતી રહી. જે હવે થોડા દિવસ તેનો હતો. 

તેની નિંદ્રા આજે તેની વેરી બની ગઇ હતી. તે અગસ્ત્યના રૂમમાં તેની વસ્તુઓને જોઇ રહી હતી. તેના એક સોહામણા ફોટોને જોઇને તેના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું. 

તે ફોટો મુકીને તે બારી પાસે બેસી. બહાર આકાશ ખુબજ ઘેરાઇ રહ્યું હતું. વિજળી ચમકી રહી હતી. તે થોડો સમય આકાશ તરફ દેખતી અને થોડી વાર અગસ્ત્યના ફોટાને. અચાનક તેનું ધ્યાન બહાર ખાટલો પાથરીને સુતેલા અગસ્ત્ય પર ગયું. 

આજે સવારે જ મળેલો આ સજ્જન યુવક પોતાની અદંર એક તોફાન મચાવી ગયો હતો. તે શું હતું તે સમજી નહતી શકતી. અચાનક જ બહાર વિજળી ખુબજ જોરથી ચમકવા લાગી. તેનો અવાજ ખુબજ ડરામણો હતો. આંગી થોડી ડરેલી હતી એક તો અજાણ્યું ગામ અને બીજું આ કડાકા ભડાકા સાથે ચમકી રહેલી વિજળી. 

અચાનક જ જોરદાર વરસાદ શરૂ થયો. બહાર ખાટલો નાખીને સુતેલો અગસ્ત્ય ઝબકીને જાગી ગયો. અાંગીએ આ જોયું , તેને અગસ્ત્યની ચિંતા થઇ. તેણે આસપાસ જોયું તેને છત્રી દેખાઈ નહી. અગસ્ત્ય ઊભો થઇને અંદર આવી ગયો હતો. અહીં આંગી પણ નીચે આવી ગઇ. વરસાદના મોતી જેવા ટીપાંઓ તેને છેક અંદર સુધી ભિંજવી રહ્યા હતાં. 

વરસાદમાં પલળવાથી જેને સખત નફરત હતી. તે આંગી આજે આંખો બંધ કરીને આનંદ માણી રહી હતી. અચાનક જ તેનું ધ્યાન પોતાને જ જોઇ રહેલા અગસ્ત્ય તરફ ગયું. જેના ચહેરા પર એક મોહક સ્મિત હતું. તેટલાંમાં અચાનક લાઇટો જતી રહી. 

આંગી અગસ્ત્યની પાસે ગઇ. 

"અગસ્ત્ય, તમે હવે શું કરશો? ક્યાં ઊંઘશો?મારા કારણે તમને નાહક તકલીફ થઇ. "આંગીએ કહ્યું. 

"અરે કોઇ વાંધો નહીં , હું ત્યાં બેઠક રૂમમાં સુઇ જઇશ. "અગસ્ત્યએ કહ્યું. 

"પણ ત્યાં તો આ ખુરશીઓ અને ટેબલ જ છે ક્યાં ઉંઘશો? એક કામ કરો આજનો દિવસ તમે ત્યાં ઉપર જ સુઇ જાઓ. જુવો મને વિશ્વાસ છે કે તમે એક સજ્જન છો. પ્લીઝ, મારા કારણે તમને તકલીફ પડશે તો તે મને નહીં ગમે. "આંગી આટલું કહીને તેનો હાથ પકડીને તેને ઉપર તેના રૂમમાં લઇ ગઇ. 

"આંગી, પહેલા તમે કપડાં બદલી લો પછી મને બોલાવો. "અગસ્ત્ય આટલું કહીને બહાર ઊભો રહ્યો. 

આંગીએ કપડાં બદલીને તેને અંદર બોલાવ્યો. અાંગીએ ટ્રેકપેન્ટ અને ટીશર્ટ પહેર્યા હતા. તેના ભીના ખુલ્લા વાળ ખુબ જ સિલ્કી હતા. અગસ્ત્ય નીચે જમીન પર પથારી પાથરીને સુઇ ગયો જ્યારે આંગી પલંગ પર સુઇ ગઇ. 

હંમેશાં વાતો કરવા વાળી આંગી આજે ચુપ હતી. એક અજાણ્યા યુવક સાથે તે એક જ બેડરૂમમાં હતી. તેના મનમાં અજીબ ગભરામણ હતી. અહીં અગસ્ત્ય તેટલું તો સમજી જ ગયો હતો કે આંગી ભલે સુંદર યુવતી હતી પણ તેની રહેણીકરણી છોકરાઓ જેવી હતી. તેને તેનો આ અલગ અંદાજ અને સ્વભાવ આકર્ષી ગયો. 

તે પોતાના માટે આવી જ ઉચ્ચ વિચારસરણી અને આધુનિક યુવતી ઇચ્છતો હતો. બીજા દિવસે સવારે જ્યારે અગસ્ત્યના માતાપિતા ઉઠ્યા, ત્યારે જોયું કે વરસાદ પડ્યો હતો અને અગસ્ત્ય બહાર નહતો. 

"એ હાય હાય, અગસ્ત્ય ક્યાં ગયો હશે? વરસાદ પડી ગયો ખબર પણ ના પડી. બિચારો મારો દિકરો ક્યાં સુતો હશે આખી રાત?"અગસ્ત્યના મમ્મીએ કહ્યું. 

અહીં અગસ્ત્યની આંખો ખુલી અને તેને આંગીનો ચહેરો દેખાયો. આંગીના ચહેરા પર તેના વાળની લટો રમત રમી રહી હતી. જેના કારણે તેના ચહેરાના ભાવ તંગ થઇ રહ્યા હતા. અગસ્ત્યે હળવેથી તે લટ હટાવી. ઉંઘતી આંગીના ચહેરા પર સ્મિત આવી ગયું. 

અગસ્ત્ય નીચે આવ્યો તો તેના માતાપિતા તેને આઘાત સાથે જોઇ રહ્યા હતા. અગસ્ત્યે તેમને પુરી વાત જણાવતા તેમના ચહેરા પર એક અનેરો આનંદ હતો. 

અહીં આંગીની ટીમ આવી ગઇ હતી. બધાં મજુર અને સામાન પણ આવી ગયો હતો. સ્લેબ બનાવવાની કામગીરી શરૂ થઇ હતી. મજુરો સ્લેબ બનાવવાનું કામ કરી રહ્યા હતાં. 

આંગી પુરી ખંતથી કામ કરી રહી હતી અહીં અગસ્ત્ય પણ તેની સાથે જ હતો. આંગી અને અગસ્ત્ય પુલની ડિઝાઇન જોઇ રહ્યા હતાં. તેટલાંમાં આર્જવ આવ્યો. 

બ્લુ જીન્સ અને ગુલાબી શર્ટમાં કામ કરી રહેલી આંગી ખુબજ સુંદર લાગી રહી હતી. આર્જવની આંખોમાં ચમક આવી તે આંગી પાસે આવ્યો. 

"નમસ્તે મેડમ, કેમ છો?હું આર્જવ આ ગામનો થવાવાળો સરપંચ. તમે આ જે જવાબદારી લીધી છેને તે ખુબજ અઘરી છે. 

તમે નાજુક સુંદર કન્યા છો. તમને એક મફતની સલાહ આપું. આ કામ છોડી દો. મને ડર લાગે છે કે આના પહેલા જે સિવિલ એન્જિનિયર આવ્યાં હતાં. તેમની સાથે ખુબજ ખરાબ થયું હતું. હકીકતમાં વાત એવી છે ને કે આ નદી પર શ્રાપ છે. અહીં પુલ બનવો શક્ય નથી. 

તમને આ અગસ્ત્યે કશુંજ ના જણાવ્યું?સંભાળીને રહેજો મેડમ?"આર્જવની વાત પર આંગીની આંખો પહોળી થઇ ગઇ. 

તેણે અગસ્ત્ય સામે જોયું. તેણે તેની આંખોમાં જોયું. 

આંગી મક્કમ ઇરાદા સાથે બોલી, "આ પુલ તો બનીને જ રહેશે. શું તમે મને બધી વાત જણાવી શકશો?"

અગસ્ત્યે માથું હકારમાં હલાવ્યું. 

શું અગસ્ત્ય અને આંગી વર્ષાની હેલીમાં એકબીજાના પ્રેમમાં ભિંજાશે?

શું કારણ છે આ પુલ ના બની શકવાનું?

શું આંગી અને અગસ્ત્ય મળીને નદી પરનો અને તેમના હ્રદયનો આ સેતુ પુર્ણ કરી શકશે?

જાણવા વાંચો ત્રીજો અને અંતિમ ભાગ.