Kudaratna lekha - jokha - 42 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 42


આગળ જોયું કે મીનાક્ષી સાગરને રડતા જોય એને સાંત્વના આપે છે અને પોતે મયૂરને સમજાવશે એવું કહી તેને પોતાની રૂમમાં જતા રહેવાનું કહે છે. પરંતુ જ્યારે મીનાક્ષી મયૂરને મળવા તેની રૂમ પાસે ગઈ તો ભોળાભાઈ એને મયૂરને મળવાની ના પાડે છે. એકાએક મીનાક્ષીને લાગી આવતા તે આ ઘર છોડીને અમદાવાદ જતા રહેવાનો નિર્ણય કરે છે એ નિર્ણય જણાવવા તે કેશુભાઈને ફોન કરે છે...

હવે આગળ .....

* * * * * * * * * * * * * * *

"બસ હવે મને અહી ગૂંગળામણ થાય છે. હું અહી એક પળ પણ નથી રહેવા માંગતી. જે એક પતિ પત્ની વચ્ચે વિશ્વાસ કાયમ રહેવો જોઈએ એ વિશ્વાસ હવે તૂટી ગયો છે. મયુરે મારી સાથે ઘણા સમયથી વાત પણ નથી કરી. મને એ મળવા પણ નથી માંગતો. મને એવી પાક્કી ખાતરી છે કે મયુર અને સંસ્કૃતિ વચ્ચે જરૂર કોઈ લફરું ચાલી રહ્યું છે. તે સતત ફોન પર કોઈ સાથે વાત કરે છે અને દર અઠવાડિયે બે વાર તેને મળવા પણ જાય છે. જેની સાબિતી આજે તેણે સાગરને આપી છે. તેણે સાગરને કહ્યું છે કે તે સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે. હવે તમે જ કહો કેશુભાઈ કે સાગરની સગાઈ મયુર શા માટે તોડાવે?" મીનાક્ષીએ મયુર પરનો ગુસ્સો ઠાલવતા કેશુભાઈને ફોન પર કહ્યું.

"જો બેટા હું તારી તકલીફ સમજી શકું છું. હું તારી જગ્યા પર હોત તો હું પણ આવો જ નિર્ણય લેત. પણ બેટા હું એક બાપ હોવાના નાતે આવા સંજોગોમાં તને રિસામણે અહી આવવાની પરવાનગી નહીં આપી શકું. જ્યારે મયુર તારી સાથે કોઈ મારપીટ કરે અથવા ત્રણ વખત જમવાનું ના આપે ત્યારે મને પૂછ્યા વગર ગમે ત્યારે આવી શકે છો. અને હું પણ એ જાણું છું કે મયુર અત્યારે ઘણી જ વિચિત્ર માનસિકતા ધરાવવા લાગ્યો છે પણ આવા વિપરીત સમયે તારે મયુરની સાથે ઉભા રહેવાની જરૂર છે. ભલે એ અત્યારે તારી સાથે વાત નથી કરતો પણ એક સમય એવો પણ આવશે કે એ ફક્ત તને જ ઝંખતો હશે. બધાના ઘરે આવા નાના મોટા ઝગડા શરૂ જ હોય છે જો બધા જ તારી જેમ વિચારવા લાગે તો આ લગ્ન સંસ્થાનું મહત્વ જ શું રહેશે? અને બેટા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મયુર કોઈ ખોટો નિર્ણય નહીં લે માટે તું નિશ્ચિંત થઈને આ કપરો સમય પસાર ના થાય ત્યાં સુધી ધીરજ રાખ." કેશુભાઇએ મીનાક્ષીને સમજાવતા કહ્યું.

"જ્યાં દરેક પળે મારું અપમાન થતું હોય ત્યાં મારે ધીરજ રાખીને કેવી રીતે રહેવું. ચાલો માની પણ લવ કે આવા સમયે હું હિંમત એકઠી કરીને આ કઠીન સમયને પસાર કરી પણ લવ. પરંતુ સાગરનો આમાં શું દોષ? મયુરના કારણે સાગરનો સંસાર શા માટે વિખૂટો પડે? અને જો સાગરનો સંસાર તૂટે એ સાથે મારો પણ સંસાર ના તૂટે એની શી ખાતરી છે? મને મારો સંસાર તૂટવાનો ડર સતાવે છે એટલે જ મેં ત્યાં આવવાનો નિર્ણય લીધો હતો બાકી મને પણ ખબર છે કે આ સમય ધીરજ રાખીને જ પસાર કરવો જોઈએ." ક્રોધ મિશ્રિત ભાવો સાથે મીનાક્ષીએ ઉતર વાળ્યો.

"હું પણ સમજુ છું કે એમાં સાગરનો કોઈ દોષ નથી. પણ ઘણી પરિસ્થિતિ ભગવાન જ એવી ઊભી કરી દે છે કે જેને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. માટે બેટા ભગવાન પર થોડી શ્રદ્ધા રાખી આ સમયને પસાર કરી નાખ." કેશુભાઇએ મીનાક્ષી ના ગુસ્સાને શાંત કરાવતા કહ્યું.


મીનાક્ષી કેશુભાઇની સમજાવટથી સહમી ઊઠી. તેને આજે બધા પરાયા લાગી રહ્યા હતા. તેણે ઘણી આશાઓ સાથે કેશુભાઈને ફોન કર્યો હતો તેને એવું લાગી રહ્યું હતું કે તે કેશુભાઈને પોતાની સમસ્યા બતાવશે એટલે તરત કેશુભાઈ અહી આવીને પોતાને તેડી જશે પણ પોતાની ધારણા કરતા બધું વિપરીત થઈ રહ્યું હતું. કેશુભાઇની વાત સાંભળીને તે વધારે દુઃખી થવા લાગી. હજુ મીનાક્ષી આ બધા વિચારોથી વિચલિત થઈ રહી હતી ત્યાં ફરી તેના કાનમાં કેશુભાઈના શબ્દો સંભળાયા.

"જો બેટા હું તારી હાલત સમજી શકું છું. મારા શબ્દો કદાચ તને અત્યારે અસહ્ય લાગી રહ્યા હશે પરંતુ તું જો એમ વિચારતી હો કે તારા અહી આવવાથી તારા પર આવેલી સમસ્યા હટી જશે તો એ તારી ખોટી ધારણા છે. માની લે આજથી ઘણા વર્ષો અગાઉ દ્રૌપદીનું ચિર હરણ થયું ત્યારે એણે તારી જેવી જ વિચાર ધારા અપનાવી હોત અને તે પણ પિયર ચાલી ગઈ હોત તો શું આજે આપણને મહાભારત જેવું મહાકાવ્ય મળી શક્યું હોત? ભગવત ગીતા જેવો મહાન ઉપદેશક ગ્રંથ મળી શક્યો હોત?" આટલું કહેતા જ કેશુભાઈ શ્વાસ લેવા થોડી વાર અટક્યા. ફરી પોતાની વાત આગળ વધારતા કહ્યું કે "બેટા હું ફક્ત એટલું જ સમજાવવા માંગુ છું કે અમુક અણગમતા બનાવો પણ આપણે ભારે હૈયે સ્વીકારવા પડે છે માટે મહેરબાની કરીને આ કપરા સમયે થોડી ધીરજ રાખીને પસાર કરી નાખ." કેશુભાઇએ પોતાની વાત પૂરી કરી.

એક કેશુભાઈ જ હતા જે મીનાક્ષી ના સર્વોચ્ચ કહી શકાય તેમ હતા. હવે તેની આટલી સમજાવટ બાદ તેની વાત માન્ય રાખવા સિવાય મીનાક્ષી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. માટે મીનાક્ષીએ ભારે હૃદયે કેશુભાઈને કહ્યું કે "સારું કેશુભાઈ તમે કહો છો એ પ્રમાણે આ સમયને પણ હું પસાર કરી નાખીશ પણ મને એ સમજાવો કે હું સાગરને શું જવાબ આપું? મે તેને એવો દિલાસો આપ્યો છે કે હું તેની સગાઈ તૂટવા નહિ દવ. મે એને એવું પણ કહ્યું હતું કે હું કોઈ પણ સંજોગોમાં મયૂરને મનાવી લઈશ. પણ ભોળાભાઇ એ તો મને મયૂરને મળવા પણ ના દીધી. હવે તમે જ કહો હું સાગરને શું જવાબ આપું."

"એ સાગરનો પોતાનો નિર્ણય છે એ નિર્ણયમાં તુ કોઈ પણ દખલબાજી કર્યા વગર તેની જાતે નિર્ણય લેવાનું કહી દે."

"સારું, હું તેના નિર્ણયમાં કોઈ દખલબાજી નહિ કરું." આટલું કહીને મીનાક્ષીએ ફોન મૂકી દીધો.

કેશુભાઈ પાસેથી મીનાક્ષીને આશ્વાસન જરૂર મળ્યું હતું પરંતુ જે સંતોષ મળવો જોઈતો હતો તે સંતોષ ના મળ્યો. પણ તે હવે આ પરિસ્થિતિને સ્વીકારવાની તૈયારી જરૂર બતાવી હતી. તેણે તેના વિચારોને કાબૂમાં રાખી સાગરને ફોન જોડ્યો. ફોન ઉપાડતાં જ મીનાક્ષીએ સાગરને કહ્યું કે "મે મયૂરને મળવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને હું મળી શકી નથી એટલે હવે તું જે નિર્ણય કરવા ઈચ્છે તે લઈ શકે છો. હું તારી કોઈ મદદ ના કરી શકી એ માટે દિલગીર છું." એકી શ્વાસે મીનાક્ષીએ કહી દીધું.

"મને ખ્યાલ હતો જ કે મયૂરને તમે નહી મળી શકો પણ તમે કોઈ ચિંતા ના કરતા ભાભી હું બધું સંભાળી લઇશ." મીનાક્ષીને આશ્વસ્થ કરાવતા સાગરે કહ્યું.

ફોન મુકાઈ ગયા બાદ સાગર વધુ મુંઝવણમાં મુકાઈ ગયો. સાગર મયુરના સ્વભાવને જાણતો હતો. એને એ પણ ખબર હતી જ કે મયુર મીનાક્ષીને નહિ જ મળવા દે. એટલે જ મીનાક્ષીની વાત પ્રત્યે એણે કોઈ આશા રાખી જ નહોતી. છતાં મીનાક્ષી ની સાંત્વના ના કારણે તેને થોડી રાહત મળી હતી પણ હવે એ જુઠ્ઠી સાંત્વના પણ નહિ મળે એ વિચારે મયુર વધુ મૂંઝાતો હતો. હવે જે કંઈ પણ નિર્ણય લેવાનો હતો તે પોતાને જ લેવાનો હતો. તે કોઈ એવો નિર્ણય વિચારી રહ્યો હતો જેમાં તેને કોઈનો સાથ છોડવો ના પડે. એ સંસ્કૃતિ કે મયુર બંને ને અન્યાય ના થાય તેવો નિર્ણય શોધવા મથતો હતો. આખરે ઘણા વિચારોના અંતે તે કોઈ નિર્ણય પર આવી શક્યો નહતો. છેવટે કંટાળીને તે પથારીમાં સૂઈ ગયો.

* * * * * * * * * * * * * * *

મીનાક્ષીને રડતા મોકલીને ભોલાભાઈની આંખોમાંથી પણ આંસુ આવી ગયાં. એણે પોતે જ જવતલ હોમતી વખતે મીનાક્ષીને વચન આપ્યું હતું કે તે મીનાક્ષી ની દરેક મુશ્કેલીમાં સાથ આપશે પણ આજે મયુરનું વચન પાળવામાં બહેનને આપેલું વચન તોડવું પડ્યું. તેને હજુ સુધી મયુર આ બધું શા માટે કરે છે તે સમજાણું નહોતું પરંતુ મયુર કંઇક મુશ્કેલીમાં છે એટલી તો નક્કી ખબર હતી. જે જે પ્રશ્નો મીનાક્ષી અને સાગરને સતાવતા હતા તે પ્રશ્નો ભોળાભાઇ ને પણ સતાવતા હતા પરંતુ મયુરના પિતા સાથે નીભાવેલી વફાદારી તે મયુર સાથે પણ નિભાવી રહ્યા હતા. માટે જ તેણે અત્યાર સુધી મયુરની દરેક વાતમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર સહકાર આપતા હતા પણ હવે તેને વધુ અકળામણ સતાવવા લાગી હતી માટે આજે તે મયૂરને મળીને બધા પ્રશ્નોના ઉત્તર મેળવો લેશે એવુ નક્કી કરીને તે મયુરના રૂમમાં જાય છે.

ક્રમશઃ
પ્રમોદ સોલંકી

શું મીનાક્ષી મયુરના ઘરે રહીને આવા મુશ્કેલ સમયનો સામનો કરી શકશે?

સાગર શું નિર્ણય લેશે?

શું મયુર ભોળાભાઈને તેની બધી હકીકત કહી દેશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED