સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 1 Jagruti Dalakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 1

•સાનિધ્ય -પ્રેમની રાજનીતિ•
પ્રકરણ -૧

સાનિધ્યના ઘરે આજે ફરી પાંચ વર્ષ પહેલા જેવોજ માહોલ છે.ઘરની બહાર જીગ્નેશભાઈની રાજકીય પાર્ટીના સમર્થકો અને અનેક નેતાઓ ઢોલ-નગારા ના અવાજ સાથે નાચી રહ્યા છે. ફટાકડાના અવાજથી પોરબંદર શહેરની ગલી ગલી ગુંજવી નાખી છે. પોરબંદર નગરપાલિકાના સામાન્ય હોદેદારથી પોતાના રાજકીય ભવિષ્યનો પાયો નાખનાર જીગ્નેશભાઈ પરમાર આજે લોકસભા સાંસદ બની ગયા હતા.પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને જીગ્નેશભાઈના નાના ભાઈ હસમુખ પણ ખુશીમાં સૌને મીઠાઈઓ વહેંચી રહ્યા હતા.

સુવિધા સંપન્ન જીવન જીવનાર પરમાર પરિવારમાં વૈશાલીબેન અને તેમના દેરાણી રીમાબેન ઘરમાં નોકરોને મહેમાનો માટે ઠંડાપીણાં અને નાસ્તાની વ્યવસ્થા વિશે સૂચનો આપી રહ્યા હતા.પરિવાર માં માત્ર બે જ સંતાનો છે હસમુખ ભાઈની અઢારવર્ષની દીકરી ખુશી બિલકુલ પોતાના નામ જેમ હંમેશા હસતી ખેલતી અને એકદમ ભોળી. પરિવારમાં સૌથી નાની ખુશીને બધા પર હુકુમ ચલાવવાની આદત છે અને બધા તેની વાત હોંશેહોંશે માને છે. ખુશીને રાજનીતિથી એટલી દૂર રાખી છે કે તેને રાજનીતિનો કક્કો પણ આવડતો નથી.

પરમાર પરિવારમાં એક નો એક દીકરો અને જીગ્નેશભાઈનો રાજનૈતિક વારસદાર ગણાતો સાનિધ્ય ચહેરા પરથી જ એક અમીર બાપની બગડેલી સંતાન લાગતો હતો. ૫'૬ ની ઊંચાઈ સાથે અમીરીના આરામને જીમમાં બાળીને મસલ્સ બનાવેલ સાનિધ્ય ફ્રેન્ચ કટ શેવમાં કોઈનું પણ ધ્યાન ખેંચવા સમર્થ હતો. લાઈટ બ્રાઉન હેર તડકાંથી ચમકી રહ્યા છે. બચપણથી જ પિતા અને કાકા ને પોતાના રાજનૈતિક ગુરુ સ્વીકારી લીધા હતા. જીગ્નેશભાઈ અને હસમુખના શીખવ્યા મુજબ રાજનીતિમાં એક સૂત્ર ગાંઠ બાંધીને યાદ રાખવું 'હાથીના દાંત ચાવવાના જુદાં અને બતાવવાના જુદાં '. સાનિધ્ય પોતાના પરિવારનું રાજનૈતિક વલણ આંતરિક-બાહ્ય બંને તરફથી ખુબ જ ગંભીરતાથી અનુકરણ કરતો.

*******************

એક વર્ષ બાદ.

જીગ્નેશભાઈ કામ માટે ઘર અને પરિવારથી કંઈક વધુજ દૂર રહેવા લાગ્યા હતા.આ બાજુ પોરબંદરમાં સાનિધ્ય પાર્ટીના યુવા પ્રમુખ તરીકે પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરી ચૂકેલ હતો.જો કે એવુ કહેવું સાચું રહેશે કે સાનિધ્ય પોતાના પરિવારની ઓળખ અને નામ થી કામ વગર જ રાજનીતિની દુનિયામાં પ્રવેશ કરે છે.

યુવા પ્રમુખ સાનિધ્ય પોતાની હાઈફાઈ ગાડીમાં બે મિત્રો સાથે પોરબંદરના બરડા પંથકના કિલ્લેશ્વર મહાદેવના મંદિર જવા નીકળ્યો હતો. આ વિસ્તાર સૌરાષ્ટ્રની શોભા ગણાતા માલધારી પ્રજા નો રહેણાંક વિસ્તાર ગણાય છે. અહીં લોકો ખુબ સાદું અને સરળ છતાં સુખી જીવન જીવે છે. મંદિર સુધી પહોંચવાનો રસ્તો ઘણો કઠિન છે. અને અત્યારે ચોમાસુ તો ઠેકઠેકાણે ઝરણાં ફૂટી નીકળે છે. પ્રાકૃતિક સોંદર્યને નિહાળવાનો આ સાચો સમય ગણાય છે. રસ્તામાં માલધારીના નાના ભૂલકાઓ ઊંટ, ઘેટાં-બકરા લઈને જતાં નજરે ચડે છે. સાંકડા રસ્તામાં અથડામણ વધુ થાય છે. સાનિધ્ય ની ગાડી પણ શહેર પરત ફરતી વખતે એક ઊંટ સામે આવીને ઉભી રહે છે. ઊંટ રસ્તામાં આડું ઉભું છે અને તેના સૅટએ કોઈ નજરે ચડતું નથી. સાનિધ્ય ગાડીના હૉર્ન નો અવાજ કરી રસ્તો ગુંજવી નાખે છે. ત્યાં જ એક બાપ દીકરો દોડતા દોડતા આવે છે અને ઊંટ ને સાઈડ કરે છે. આટલામાં ગાડીનું પૈંડુ ભીની જમીન માં ખૂંચી જાય છે. ગુસ્સાથી લાલ થયેલો સાનિધ્ય બહાર આવી સીધો પેલા માણસનો કાઠલો ઝાલે છે. પેલો માલધારી કંઈક બોલે તે પેલા જ સાનિધ્ય અપશબ્દો સાથે એક ઝાપટ ચડાવી દે છે. તેનો દીકરો ઉભો ઉભો રડી પડે છે.

પોતાની ભોળી બોલીમાં કહે છે, "બાપુ ને ના મારો ને ઈ તો અમારા સાટુ લાકડા ગોતવા ગ્યાતા.ઘરમાં પાણી પડે છે તો ચૂલાના લાકડા ભીંજાય ગયા છે અમે કાલ રાતના ભૂખ છે ને આ મારું ઊંટ પણ ભૂખુ છે એટલે ઉભું રાખી દીધું."

******ક્રમશ:******