સવારમાં ચાના કપ સાથે ન્યુઝ પેપરના છેલ્લા પાના પર બેસણાની જાહેરાત પર નજર ચોંટી. ક્યારેય આવી જાહેરાત પર નજર નાખતો જ નહોતો પણ આજે અચાનક કેમ આમ થયું? મન વિચારે ચડ્યું કે સીધોજ ઓફિસે જાઉં કે બેસણામાં થઈને જવું? જવું તો ક્યા સંબંધે જવું? સીધાજ ઓફીસ જવાના વિચાર સાથે ઘરેથી ગાડી સ્ટાર્ટ કરી. પણ આજ સ્ટીયરીંગ પર મનનો નહિ દિલનો કંટ્રોલ હતો. ગાડી બેસણાના સરનામાં તરફ જઈ રહી હતી અને વિચારો આજથી ૧૦ વર્ષ પહેલા....
કોલેજના લાસ્ટ ઈયરની ફાયનલ એક્ઝામ હતી. યુનિવર્સીટી દ્વારા નંબર એચ.કે. કોલેજમાં આવ્યો હતો. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો અને સાણંદ જીઆઇડીસીમાં પપ્પાના બિઝનેશની એક સાઈટ પર જતો હતો. જેથી ભણવાનું તો સાઈડમાં જ ચાલતું હતું પણ પાસ થવાય એટલું વાંચી લેતો. આજે એકઝામનો પહેલો દિવસ હતો એટલે મમ્મીએ દહીં-ગોળ ચખાડીને શુકન કરાવ્યા. કોલેજ થોડો વહેલો પહોંચ્યો. સીટ નંબર સરનેઈમ મુજબ હતા એટલે પંડ્યા હેમની સાથે ‘પ’ થી શરુ થતી સરનેઇમના નંબર સાથે આવતા હતા. બેંચ પર જોયું તો મારી બાજુમાં કોઈ અજાણી છોકરીનો નંબર હતો. નજર એના પર પડી પણ લૂકમાં એવી ખાસ એટ્રેક્ટિવ નહોતી. એને પણ સામાન્ય નજરે મારી ઉડતી નોંધ લીધી. એ લખવામાં લીન હતી અને હું ક્યારેક કયારેક એની હરકતો જોઈ લેતો. અતિશય બ્યુટીફૂલ નહોતી પણ સ્ટાઇલીસ્ટ તો હતી જ. હું લખતા લખતા ક્યારેક એની તરફ નજર નાખવાનું રોકી શકતો નહોતો.
બધાની જેમ એક્ઝામ પતાવી ઘરે આવ્યો. બોરિંગ એકઝામમાં કંઇક ફિલ ગૂડ ફેક્ટર પણ હતું. એની સ્ટાઇલો અને હરકતો યાદ આવતી હતી. બીજો દિવસ પણ આવીજ મઝા અને કંટાળા સાથેની બ્લેન્ડેડ એક્ઝામ આપી. આમને આમ ત્રણ પેપર ગયા. એના ફેઈસ એક્સપ્રેશન, એટીટયુડ, સપ્લીમેન્ટરી માંગવાનો રણકો, સાયલન્ટ રહીને પણ પોતાની પ્રેઝન્સ ફિલ કરાવવાની એની ટેલેન્ટ હતી. ક્યારેક જીન્સ-ટીશર્ટ, ક્યારેક કોર્પોરેટ ડ્રેસિંગ, ક્યારેક સ્કર્ટ મીડી તો ક્યારેક ઇન્ડિયન એથનિક એમ એ બધાજ આઉટ ફીટમાં પણ મસ્ત લાગતી. જેવું ડ્રેસિંગ એવી એની સ્ટાઈલ અને બોડી લેન્ગવેજ પણ હતી. આજેતો એ સિમ્પલ વ્હાઈટ એન્ડ વ્હાઈટ પંજાબી શૂટમાં પણ માઈન્ડ બ્લોઇંગ લાગતી હતી. વ્હાઈટ ક્લોથિંગ ઉપર વ્હાઈટ બ્રેસલેટ, હેર ક્લચ, બેંગલ, વ્હાઈટ બેલ્ટની ઘડિયાળ, ચપ્પલ અને બિંદી હતી. એમાં એની આંખોની વ્હાઈટનેશ બહાર નીકળીને રૂઆબદાર મેચિંગ કરતી. આંખોની વ્હાઈટનેશતો હુંફાળા દૂધના કપમાં ડાર્ક ચોકલેટનો સેક્સી પીસ તરતો હોય એવી હોટ લાગતી.
પણ આમનેઆમ વીટનેશ બનીને ખાલી જોયે રાખવાનું? આજે પાંચમો દિવસ છે અને હવે બે દિવસમાં તો એક્ઝામ પૂરી પણ થઇ જશે. કુછ કરના તો પડેગા બાબા, કહી સે ભી શુરુ તો કર, પહલા કદમ તો ઉઠા વરના દેખતે હી રહ જાઓગે? આજે તો હિંમત એકઠી કરીને સ્કેલ માંગી, નીચે પડી ગયેલી એની સપ્લી ઉઠાવીને આપી અને બદલામાં સ્માઈલ સાથે થેંક્યું મળ્યું. આય હાય, ક્યા બાત હૈ બોસ. મનની ડોરબેલ વાગી કે કદાચ આજ મારી લાઈફ છે. દુનિયા રંગીન હો ગઈ.
વાંચવાના થાકને એક બ્રેક અને આ થનગનાટને આઉટ બ્રસ્ટ કરવા એક મોકો જોઈતો હતો. ફ્રેન્ડઝના ખૂબજ ફોન આવતા હતા પણ એકઝામના કારણે એવોઈડ કરતો હતો. પણ આજે સાંજે તો ટી-પોસ્ટ પર મળ્યા જ અને મિત્રોની ગાળોનો વરસાદ થયો. “દુનિયા આખીને એક્ઝામ છે ટોપા, પણ તારી જેમ નઈ કે ફ્રેન્ડઝન મળવાનું ને ફોન ઉપાડવાના પણ બંધ. આવુતો મેડીકલના સ્ટુડન્ટસ પણ નથી કરતા. હું યુનિવર્સીટીનાં વીસીને ચિટ્ઠી લખી આપીશ કે આ હેમલાને ફસ્ટ આપજો બસ.” વગેરે વગેરે...
“મોઢામાંથી ફાટ તો ખરો કે કેવી જાય છે એક્ઝામ? હાળા મૂંગા” અને પછીતો હું મને રોકી ન શક્યો. “આય હાય હાય, આ ૪૪ ડીગ્રીની ગરમીમાં પણ એક્ઝામ રૂમમાં બેચ પર એસી લાગી ગયું છે. અત્યારે તો લાઈફ ફૂલ એચડીમાં ખૂબજ કલરફૂલ જીવાય છે.” ત્યાંતો મિત્રોની ઝડી વરસી. “કોણ છે અલા? કંઈ બોલ તો ખરો ટણપા? બોલતા બોલતા આમ વચ્ચે પોઝ કેમનો લે છે અલ્યા ? થોડું ફાસ્ટ ફોરવર્ડ કર અને બોલ કંઈ થયું?” મેં કહ્યું “હા, મેં એની પાસે સ્કેલ માંગી અને એની સપ્લીમેન્ટરી પડી ગઈ હતી એ ઉઠાવીને આપી એટલે એણે સ્માઈલ સાથે થેંક્યું કહ્યું.” આટલું બોલ્યો ત્યાંતો બધાએ રીપીટ ન થાય એવી એકએક ઇનોવેટીવ ગાળ સાથે ટપલી દાવ લીધો “અમને ખબર હતી કે તું જોતો જ રહી જઈશ, કંઇજ નહિ કરી શકે, નબળા. કેવી લાગે છે એતો કહે?” મેં કહ્યું લૂકમાં કંઈ ખાસ નથી પણ એની સાથે બેસીને એક્ઝામ આપવાની મઝા અને મસ્તી કંઈ ઔર છે.” ફ્રેન્ડસની પોલીસ ચોકીમાં મારી રિમાન્ડ ચાલુ જ હતી “શું નામ છે? ક્યા રહે છે? કઈ કોલેજમાં ભણે છે? આગળ શું કરવાનું છે? વગેરે વગેરે. મારી પાસે કોઈજ જવાબ નહોતા એટલે ફરીથી ગાળો અને ટપલીઓ. “અરે યાર એનામાં કશુજ વિશેષ નથી છતાં એનું બધુજ મને ગમે છે. બસ”
અંતે બધાયે કહ્યું ‘ચાલુ રાખ, ક્યાંય અટક તો કહેજે પણ ગમતું હોયતો કુદીજ પડજે’. ત્યાંજ મમ્મીનો જમવા માટે ફોન આવ્યો. સમયસર પહોંચીને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો અને ચહેરો ચાડી ન ખાય એની તકેદારી રાખતો હતો. ત્યાંજ પપ્પા બોલ્યા પેપર સારા જતા લાગે છે અને મેં પણ મુંડી હલાવી શોર્ટ એન્ડ સ્વિટ રીપ્લાય કર્યો કે “હા, સો સો”. જમીને સીધોજ હું મારા ટેરેસ પરના રૂમમાં વાંચવા જતો રહ્યો પણ બધેજ મને એજ દેખાતી હતી. બૂક ઓપન કરી તો ત્યાં પણ બંદી હાજર. મન એના વિચારે ચડી ગયું. કલ્પનાની પાંખ પર બેસીને ક્યારેક એની સાથે રીવર ફ્રન્ટની પાળીએ બેસતો, તો ક્યારેક શંભુની કોફી પીતા હતા. બાઈક પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર લઇ જતો અને વચ્ચે બ્રેક મારીને એના સ્પર્શે નાહી લેતો. પડી જઈશ એવું કહીંને એનો હાથ મારી કમર ફરતે વીંટળાવી દેતો. એકજ સ્ટ્રોથી બંને કોલ્ડ ડ્રીંક પિતા. એના વિચારોને બ્રેક કરવા અને મનને રીડિંગમાં લગાવવા થોડીવાર ઇન્ડિયન ઓસન, કોલ્ડ પ્લે વગાડ્યું પણ તેનાથી બ્રેક ન મળ્યો. અંતે રીડીંગમાં ફોકસ કરવા માસ્ટરબેશનથી રીલેક્ષ થઈને એન્ડ લાવ્યો.
બીજે દિવસે સવારમાં ઉઠીને નીચે ચા પીવા ગયો ત્યારે પપ્પા એમનું વિવિધભારતી સાંભળતા હતા. એ એમનાં મ્યુઝીકનાં ટાઈમ ઝોનમાં એટલા ફ્રિઝ થઇ ગયા છે કે બીજા અને હાલના ઓપ્શનને એક્પ્લોર જ નથી કરી શકતા. આજનું મજેદાર મ્યુઝીક એમને ઘોંઘાટીયું લાગતું તો એમનું મ્યુઝીક મને એકદમ રોતલ અને એનર્જીલેસ ફિલ થતું. એટલી સ્લો રીધમ અને સ્પેસમાં આપણે તો ચાલી જ ન શકીએ. પણ આજે ચાનાં ઘૂંટ સાથે વાગતા એમના ગીતનાં શબ્દો “આપસે ભી ખૂબસૂરત આપ કે અંદાજ હૈ.” પહેલીવાર ખૂબ રોમેન્ટિક લાગતા હતા.
આજે એકઝામનો લાસ્ટ ડે હતો અને હજુ હાય અને હલ્લો કે ક્યારેક ધીમા અવાજે કોઈ પ્રશ્નનો આન્સર પૂછવા સિવાય જર્ની આગળ નહોતી વધી. આજે નહિ તો પછી ક્યારેય નહિ એવો દ્રઢ નિશ્ચય મનમાં થયો. છેલ્લે છુટા પડતી વખતે એનો મોબાઈલ નંબર તો લેવોજ અને એ ન આપે તો એક ચિઠ્ઠી તો આપવી જ એવું વિચાર્યું. ચિઠ્ઠીમાં શું લખવું એ વિચારતો હતો ત્યાં ડેડીના ગીતનાં શબ્દો “આપસે ભી ખૂબસૂરત આપ કે અંદાજ હૈ”ખૂબજ પરફેકટ લાગ્યા.
એકઝામનો બેલ વાગ્યો, અમારી બેચ પર હું ગોઠવાઈ ગયો અને નજર તેને શોધતી હતી ત્યાંજ એ પણ આવીને ગોઠવાઈ ગઈ. મેં હિંમતથી સ્માઈલ કરીને પૂછ્યું “How is your exam?” જવાબ મળ્યો “So so, તમારે?” મેં પણ કહ્યું “મારે પણ એવીજ, પણ આજનું પેપર બહુ હાર્ડ છે, ક્યાંક જરૂર પડે તો સપોર્ટ કરજો.” રીપ્લાય મળ્યો “મારે પણ એવુજ છે, Let’s see, what happens?”. પેપર આવ્યું એટલે અમે બંનેએ એકબીજાને બેસ્ટ લક કહ્યા અને લખવામાં મશગુલ થઇ ગયા. એક બે જગ્યાએ બહુ જરૂર નહોતી તેમછતાં કન્ફર્મ કરવા પૂછ્યું તો એણે લખતા લખતા આન્સરસીટનું લખાઈ ગયેલુ પેઈજ મારી તરફ રાખી લખવા લાગી. એને પણ મને એક દાખલો પૂછ્યો જે મને આવડતો હતો એટલે બતાવ્યો. આમજ પેપર પૂરું થયું એટલે એક્ઝામ પતી તેનો હાશકારો હતો અને એને હવે ક્યારે મળી શકાશે તેની ચિંતાની મિક્સ ફિલિંગ્સ હતી. મન કહેતું હતું કે એક્ઝામ તો પૂરી થઇ પણ આના વગર તો જીવન અધૂરું જ લાગશે....જલ્દીથી એક ચિઠ્ઠીમાં સારા અક્ષરે “આપસે ભી ખૂબસૂરત, આપકે અંદાજ હૈ” લખ્યું. અને બધાની સાથે કોલેજના પગથીયા ઉતરવા લાગ્યો. હું જલ્દીથી મારા બાઈક પર જઈને બેસી ગયો. બાઈક મેં એવી રીતે ગોઠવ્યું હતું કે એને મારી પાસેથી એનું એકટીવા લઈને નીકળવું પડે. એ નીકળી એટલે મેં પૂછ્યું “બાય” એને પણ “બાય” કહ્યું. મેં કહ્યું “નામ શું તમારું?” જવાબ મળ્યો “પારેખ નિશી”. અને એ ફટ દઈને નીકળી ગઈને મારી ચિઠ્ઠી હાથમાં જ રહી ગઈ. ખૂબજ પસ્તાવો થયો. એટલે “હટ” કહીને બાઈકની ટાંકી ઉપર જોરથી મુક્કો માર્યો.
મેં બેસ્ટ ફ્રેન્ડ નીલને ફોન લગાવ્યો ત્યાંતો તે બોલ્યો “શું થયું?” મેં કહ્યું “બાજી હાથમાંથી જતી રહી.” એને પણ ખરખરો કર્યો અને ગાળ સાથે હિંમત આપી કે “કંઈ વાંધો નહિ, આપણે કંઈક રસ્તો કાઢીશું.” મેં કહ્યું “તું ક્યાં છુ? જલ્દી મળને મને?” એ થોડીવારમાંજ હાજર થઇ ગયો અને પૂછ્યું કે “શું માહિતી છે તારી પાસે?” મેં કહ્યું “માત્ર એનું નામ અને એકટીવાનો નંબર આ બેજ છે. મોબાઈલ નંબર ના માંગી શક્યો.” તો કહે “કંઈ વાંધો નહીં એકટીવાનો નંબર આપ એટલે કાલે માહિતી કઢાવી લઈશ”. એને સ્પીડમાં એક્શન લેવા માંડ્યા અને મને પણ હારેલી બાજી જીતવાના સ્કોપ દેખાવા લાગ્યા. નીલ્યાએ મને ઘણી સાંત્વના આપી અને અમે મસ્કાબન ખાઈને છુટા પડ્યા. ઘરે પહોંચ્યો પણ મન વ્યાકુળ બનવા લાગ્યું અને કહેવા લાગ્યું કે સાલા એના વગર કેવી રીતે જીવી શકીશ??? પણ કંઇજ ખબર નહોતી પડતી. બસ આમ હાથતાલી દઈને જતું રહેવાનું. હજી હમણાંજ તો ખબર પડી કે તારા વગર નહિ જીવી શકું, અને બસ એટલામાં જ છટકી ગઈ!!! ટેરેસ પર આવેલ મારી અઈસોલેટેડ રૂમની લોનલીનેશમાં લાઈટ ઓફ કરીને સાયલન્ટ થઇ ગયો. એના વગર જીવવું તો હવે અશક્ય જ લાગતું હતું. આ એકાંતમાં મને કંટ્રોલ ગુમાવ્યો, મનમૂકીને મન હીબકા ભરવા લાગ્યું. યુવાનીના જોશમાં આજે ખબર પડી કે ડીપ્રેશન શું હોય? હાથમાંથી જિંદગી ગઈ નો અફસોસ થતો હતો. પ્રશ્ચાતાપ સ્વરૂપે જાતને જ કંઇક સજા આપવાની ઈચ્છા થતી હતી. આજે મારા મન અને શરીર બંને ઉપરનો મેં કાબુ ગુમાવ્યો. શરીરને ઓછી સજા થાય અને મનને મુક્તિ મળે માટે સેલ્ફ ટોર્ચરની ઈચ્છા મન પર હાબી બની. બુદ્ધિ કહેતી જાન હૈ તો જહાન હૈ. મને ઈચ્છ્યું જ છે તો મળશેજ.
બીજે દિવસે પપ્પાએ મને તેમની સાઈટ પર મોકલી દીધો. ત્યાં નીલ્યાનો ફોન આવ્યો “એડ્રેસ મળી ગયું છે. જીગ્નેશભાઇ પરીખ, ૩, રોયલ પાર્ક સોસાયટી, મણીનગર. ચલ નીકળ જઈએ”. મેં કહ્યું “હું પપ્પાની સાઈટ ઉપર છું.” ત્યાંતો “હત્તતેરીની, તારા પપ્પા પણ !!! અંકલને આપણે કઈ ગાળ આપવી બોલ? પપ્પા બની ગયા એટલે છોકરાનું કંઈ વિચારવાનું જ નહિ!” કહીને બબડતા ફોન કાપી નાખ્યો.
સંડે હું અને નીલીયો બોપલથી ઉપડ્યા મણીનગર. એડ્રેસ પરથી ઘર શોધ્યું. હેલ્મેટ પહેરીને એના ઘરની આજુબાજુ સોસાયટીમાં થોડાં ચક્કર માર્યા, પણ બંદી દેખાઈ નહિ. થોડીવાર બહાર નીકળીને ચા સાથે સેન્ડવીચ ખાધી અને પછી ફરી થોડા આંટા માર્યા ત્યારે માંડ જોવા મળી. પણ હેલ્મેટ ઉતારી ચહેરો બતાવવાની હિમત ન ચાલી. તેમછતાં કંઇક એચીવ કર્યાનો આનંદ થતો.
આમ થોડા રવિવાર હું અને નીલીયો સતત ફિલ્ડીંગ ભરવા જતા હતા. પછીતો મને પણ હેલ્મેટ ઉતારવાની હિંમત આવી ગઈ અને એને બે ત્રણ વાર અમારી નોંધ લઈને આછું સ્માઈલ આપ્યું પણ પછી માત્ર જોઈને ઘરમાં જતી રહેતી હતી.
ત્યાંજ નવરાત્રી આવી અને માતાજીનાં ભરોસે નવી આશાઓ બંધાણી. મેં અને નીલીયાએ બાઈક ઉપર પેટ્રોલિંગ શરુ કર્યું. હું સમજતો હતો કે આ મારો વન સાઈડેડ લવ હતો પણ તેમછતાં તેને તૈયાર થયેલી જોવા રાત્રે ૧ વાગ્યે પણ ૨૦ કિલોમીટરનું અંતર રોમેન્ટિક લાગતું હતું. કોઈપણ જાતના ગેરેન્ટેડ રીઝલ્ટની અપેક્ષા રાખ્યા વગર બસ ઇન્વેસ્ટ કર્યે જવાનું હતું. Totally uncalculated risk. નીલીયો તો મારી ખુશી માટે દોડતો હતો. ફ્રેન્ડશીપ શું કહેવાય એ નીલીયાએ મને પ્રૂવ કરી આપ્યું. પણ પપ્પાએ શા માટે મણીનગર જેવો મસ્ત વિસ્તાર છોડીને બોપલમાં મકાન બનાવ્યું એ સમજાતું નહોતું.
રાત્રીના ૧૧ વાગ્યા હતા. એની સોસાયટીમાં બે રાઉન્ડ મારી આવ્યા હતા. હજુસુધી સોસાયટીનાં શેરી ગરબામાં પણ નહોતી આવી. સોસાયટી જૂની અને સિક્યુરિટી ગાર્ડ વગરની હતી એટલે અમારી એન્ટ્રીને આવી છૂટછાટ મળતી પણ લોકો અમને અજાણ્યા જાણીને જોઈ રહેતા. કોઈ પૂછશે કે વારંવાર શા માટે આંટા મારો છો ? તો શું જવાબ આપવો એ વિચારથી પણ મનમાં ફાટતી તેમછતાં નીલીયાના ભરોસે અમારું એડવેન્ચર ચાલતું. સોસાયટીનાં નાકે ઉભા હતા અને ત્યાંથી બધાની આવનજાવન ટ્રેક કરી શકાતી હતી. ત્યાંજ નીલીયો બોલ્યો “અલા, નીકળી” આજે તો એની કોઈ ફ્રેન્ડ એના ઘરે આવી હતી અને તેના એકટીવા પર નીકળી હતી. ટ્રેડીશનલ લૂકમાં શું મસ્ત લાગતી હતી. સોસાયટીના નાકે ઉભેલા અમને જોયા પણ કંઈ ભાવ ન આપ્યો અને પસાર થઇ ગઈ. એની પાછળ એનીજ સોસાયટીનો એક છોકરો પણ બાઈક લઈને નીકળ્યો. અમે પણ પાછળ પાછળ નીકળી પડ્યા આગળ જઈને નિશી એકટીવામાંથી ઉતરીને એની સોસાયટીના છોકરાની બાઈક પર બેઠી અને અમને ધ્રાસકો પડ્યો. નીલીયો કહે “અ...લા, કંઇક લોચો લાગે છે.” હું પણ મ્યુટ થઇ ગયો. અમે અમારા એફર્ટસ છોડ્યા નહિ. એ જે ગરબામાં ગઈ એની ટીકીટ લઈને અમે પણ ઘૂસ્યાં. એ બંને અમને જોઈ રહેતા અને અમારા વિષે ડિસ્કશન કરતા હતા.
આવું થોડા દિવસ ચાલ્યું. એ હંમેશા પેલા છોકરાના બાઈક ઉપર બેસી જતી હતી અને અમે પણ એમનો પીછો કરતા હતા. તેમને ખાતરી થઇ ગઈ હતી કે અમે પાછળ પડ્યા છીએ. આજે છેલ્લો દિવસ પણ હતો. અંતે એક જગ્યા એ તેઓ ઉભા રહ્યા અને અમને પણ ઉભા રાખ્યા. અમારા હાર્ટ બીટ્સ વધી ગયા પણ હવે તો જે થાય તે આર યા પાર. પેલા છોકરાએ અમને પૂછ્યું કે “તમે કેમ રોજ અમારો પીછો કરો છો?” નિશી ખૂબજ ગભરાયેલી હતી. અમારી પાસે પણ કોઈ જવાબ નહોતો એટલે કહ્યું કે “અમે તો અમસ્તાં જ નીકળીએ છીએ. કંઈ તમારો પીછો નથી કરતા.” પેલા એ કહ્યું “જુઓ હું અને આ નિશી લવ કરીએ છીએ અને થોડાં સમયમાં અમારા મેરેજ પણ થવાના છે.” મને પણ ડેરિંગ થયું એટલે મેં પૂછ્યું “નિશીને આ વાત કહેવા દો.” નિશી પણ રડી પડી અને કહ્યું કે “હા, હું આના લવમાં છું અને અમારા મેરેજ થવાના છે.” મારા પગ નીચેથી ધરતી સરી ગઈ. જાણે ૭.૨ રીચર સ્કેલનો અર્થક્વેક આવ્યો હોય તેમ બધું ધ્રુજવા લાગ્યું. આટલા ભયંકર વાઈબ્રેશનમાં પણ હું સ્ટેડી થઈને બોલ્યો “હું નીશીને વન સાઈડ લવ કરું છું. પણ હવેથી હું તેનો પીછો નહિ કરું. બેસ્ટ લક”.
બાઈક નીલીયાએ ચલાવ્યું અને અમે બોપલ બાજુ નીકળ્યા. બંને એકદમ ચૂપ હતા. રસ્તામાં એને એક જગ્યાએ બાઈક રોકી અને કોલ્ડડ્રીંક મંગાવ્યું. નીલીયો કહે “જે થયું તે સારું થયું, ક્લેરિટી તો આવી.” મેં ખાલી માથું હલાવી હા પાડી. છેલ્લે મેં નીલુને તેના ઘર પાસે ઉતાર્યો અને કહ્યું ‘દોસ્ત, થેંક યુ“ બદલામાં એને મને એક જોરદાર મુક્કો માર્યો અને હું રડી પડ્યો. છેલ્લે કહે “દોસ્ત, છોકરી અને સીટી બસનું તો સરખુજ. એક જાય એટલે બીજી, અને બીજી જાય તો ત્રીજી, જીવનમાં મસ્ત રહેવાનું”. મેં પણ હા પાડી અને અમે છુટ્ટા પડ્યા.
મન ચકરાવે ચડયું હતું અને દુનિયા લુંટાઈ ગઈ હતી. લવ એટલે ખરેખર શું??? કંઇજ સમજાતું નહોતું. મનને મનાવતો હતો કે એને ફિઝીકલી નહિ તો મેન્ટલી લવ તો કર્યો જ છે અને હમેશા કરીશ. એની મનગમતી લાઈફ એજ મારી ખુશી છે.
આજે દશ વર્ષ વીતી ગયા અને ન્યુઝ પેપરમાં એના પપ્પાના ડેથના સમાચાર વાંચ્યા. બેસણાના સ્થળ પર પહોંચ્યો અને એક અજાણ્યા માણસ તરીકે તેના પપ્પાના ફોટાને ફૂલ ચડાવ્યા. નીશી અને તેના હસબન્ડને હાથ જોડી નીકળી ગયો પણ તે બંનેની આંખમાંથી ટપકતો મારા પ્રત્યેનો અહોભાવ સ્પર્શતો હતો.
આજે પણ એ સફેદ ડ્રેસમાં અલગ અંદાજમાં ખૂબસૂરત જ લાગતી હતી.
- હરેશ ત્રિવેદી, મો: ૯૩૨૭૦ ૪૮૩૭૦