રોકડિયા સાહેબ Haresh Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

રોકડિયા સાહેબ

મારા પિતાજી પ્રાયમરી શાળાના શિક્ષક હતા અને હું તેમનીજ શાળામાં વિદ્યાર્થી હતો. છતાં મને જેતે સમયે ભણતર ન ચડયું તે નજ ચડ્યું. ભણતરના આ ભર્યા તળાવમાંથી ધો-૭ સુધી હું કોરો નીકળ્યો. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીને નાપાસ કરવામાં આપણી સરકાર માનતી નહિ તેનો મેં અને મારા તમામ વર્ગ શિક્ષકોએ ભરપુર લાભ ઉઠાવ્યો. એમાં પણ હું તો શિક્ષકનોજ દીકરો હતો એટલે આડકતરી રીતે વિશેષ લાભ મળતો હતો.

એવું નહોતું કે મારા માતા-પિતા મારા શિક્ષણ માટે ગંભીર નહોતા. પરંતુ પિતા-પુત્ર વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ બંધાય એવા કોઈ ગ્રહો નહોતા એટલે બંને એ બાબતથી દૂર ભાગતા અને આ જવાબદારીનો ઘંટ ત્રાહિત વ્યક્તિના ગળે બાંધવાનું વધારે પસંદ કરતા. આવા ગ્રહો મારે મારા પુત્ર સાથે પણ હતા. એક-બે વાર સનિષ્ઠ પ્રયત્ન કર્યા પણ ભણતરની જગ્યાએ સમરાંગણ થઇ જતું. અંતે મારી પત્ની અમને બંનેને છોડાવી આ જવાબદારીમાંથી મને મુક્ત કરી પોતાને શિરે લઇ લેતી. તેને આ જવાબદારી સાંગોપાંગ નિભાવી અને મારો પુત્ર પણ મારા જેવો ભણવામાં માયકાંગલો નહોતો માટે તેઓ બંને ધન્યવાદને પાત્ર છે. પણ આવું મારા ભણતરની બાબતમાં ન બન્યું જેનો મને ખેદ છે.

મારા પિતાએ મારા પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા અમારી શાળાના એક શિક્ષિકા શાંતાબેનને નિયુક્ત કર્યા હતા. તેઓ દરરોજ બપોરે ઊંઘવાના સુંદર સમયે આવતા અને મને પાટી-પેન લઈને આસનીયે બેસાડતા. તેઓ મને સ્લેટમાં એકડો ઘૂંટાવતા અને સાથે લાંબા લહેકે “એકડે એક” એમ બોલવાનું પણ કહેતા. હું પણ અદલોઅદલ તે કહે તેના કરતા પણ વધારે લાંબો લહેકો કરી “એ......ક.......ડે.........એ................................ક’ ગાતો. જ્યાંસુધી પેન વડે એકડો ઉપરથી શરુ કરી ધીમેધીમે મંથર ગતિએ નીચેના છેડાનાં અંત સુધી પહોંચે નહિ ત્યાં સુધી હું સૂર લંબાવતો. અજાણ્યા લોકો ત્યાંથી નીકળે તો ખબર ન પડે કે આ પ્રાથમિક શિક્ષણનું ટ્યુશન ચાલે છે કે શાસ્ત્રીય ગાનનું. આમનેઆમ એક-બે મહિના નીકળી ગયા. મને હજુ એકડા કે કક્કો પૂરો આવડે તે પહેલા મારા માતા-પિતાએ ટ્યુશન બંધ કરવાનો નિર્ણય લઇ લીધો અને હું બપોરે સુતો થયો. આવું થવાના કારણોની મને તાત્કાલિક ખબર ન પડી પણ પાડોશણ સાથે મારી માતાને વાત કરતા સાંભળી ગયો કે બેનના ટયુશનમાં દીકરો બાયાકાકાની જેમ લાંબા લહેકા કરવા મંડયો હતો એટલે ભણતરના ભોગે પણ બેનનું ટ્યુશન બંધ કરાવ્યું, હવે કોઈ સારા સાહેબનું ટ્યુશન રાખીશું.

ત્યારબાદ બે બીજા શિક્ષકો સાથે પણ ભણવાની તક મળી પરંતુ તેને પણ હું બહુ ઉજાગર કરી શક્યો નહિ. તેમાં પણ ઓઝાસાહેબ ન આવડે ત્યારે મકોડાની જેમ સાથળમાં ચોટકો લેતા. ચોંટકાની બળતરાથી હું ભોય પર ચકરડીની જેમ ગોળગોળ ફરું પણ ચોટકો છોડતા નહિ. તેઓ મને ભણાવવાની તેમની મક્કમ અને આક્રમક લાગણીને રોકી શકતા નહિ. તેમની આ સાથળેથી ચોટકો ભરી શિક્ષણ ચડાવવાની ફોર્મ્યુલા પણ મારામાં ફળી નહિ અને અંતે મારા માતા-પિતાને મારા શિક્ષણ કરતા મારા પર દયા આવી અને મને તેમનાથી સાંગોપાંગ છોડાવ્યો.

આમને આમ મારી ઉમર વધવાની સાથે હું પાસ થઈને બે-ત્રણ ધોરણ આગળ જતો રહ્યો પરંતુ શૈક્ષણિક સ્તરે કોઈ નોંધપાત્ર વૃદ્ધિ થઇ નહોતી. કોઈ શિક્ષકને હું નહોતો ફળતો અને કોઈ શિક્ષક મને નહોતા ફળતાં. મારા ભણતરનો ઉચાટ મારા માં-બાપને રહેતો અને તેમની ચિંતાની ચર્ચા આડોશ-પડોશમાં થતી. જેથી મહોલ્લો આખો મારા તરફ વિશિષ્ટ નજરે જોતો અને પરિવાર સતત વિમાસણમાં હતો કે હવે કોનું ટ્યુશન રખાવવું? હું પણ વિચારતો હતો કે પરિવાર પર આવી પડેલી આ આફતમાં હું કંઇક મદદ કરું અને મારા માટેજ કોઈ સારા શિક્ષક એમને શોધી આપું. સીધીરીતે જાતેજ ભણીને મદદ કરી શકવા અસમર્થ હતો. એવામાં વિનિયો મળ્યો એ પણ મારા જેવો કોરોકટ હતો. એના પિતાજીતો શાળાના આચાર્ય હતા છતાં ભણતરની ભીનાશ એના સુધી નહોતી પહોંચી. મેં સમદુઃખીયો જાણી મારા થકી મારા પરિવાર આવી પડેલ આફત વિષે વાત કરી અને કહ્યું કે તારી પણ આવીજ પરિસ્થિતિ છે તો તે શું કર્યું? વીનુંનું ડ્રોઈંગ ખૂબ સારું અને હંમેશા એના પર માખી પણ ન બેસે એવો ચોખ્ખો ચણાક રહે. તોફાનમાં એ ચડિયાતો એટલે તરતજ કહ્યું કે "રોકડીયા સાહેબ છેને". મેં કહ્યું "રોકડીયા સાહેબ?" તો કહે "હા, આખું ગામ એને ઓળખે છે તું નથી ઓળખાતો? ગણિતમાં તો એના જેવા કોઈ જોટો ન મળે. સાહેબ જબરા હોંશિયારને જબરું ભેજું છે." જેને પોતાને આવડત ન હોય તેઓ બીજાની આવડતનું વિશ્લેષણ કરતા હોય છે તેમ વીનું રોકડીયા સાહેબની ગાથા કરવા લાગ્યો અને હું અભિભૂત થઈને સાહેબના ચરિત્રચિત્રણનું રસપાન કરતો રહ્યો.

રોકડીયા સાહેબનું નામ શાંતિલાલ સાહેબ પણ રોજના એક કલાક ટ્યુશન આપવાનો રોકડો એક રૂપિયો લેતા એટલે એમનું નામ રોકડીયા સાહેબ પડી ગયું હતું. એ રોજેરોજના રોકડ વ્યવહારમાં જ માને અને હિસાબના એકદમ પાક્કા. જો ટ્યુશન દરમ્યાન તેમને ચા પીવડાવવામાં આવે તો ચાના ૬૦ પૈસા બાદ કરીને માત્ર ૪૦ પૈસા જ આપવાના. હું પણ વિનુની આ વાતથી પ્રભાવિત થઈને ઘરે પ્રસ્તાવ કર્યો. આ પ્રસ્તાવની સેલ્સમેનશીપમાં કહ્યું કે આમતો ૪૦ પૈસાજ આપવાના કારણકે દરરોજ બપોરે આપણે ત્યાં ચાતો બને જ છે તો એક રકાબી તેમને આપવાની એટલે સસ્તું પડે. મારી બા પણ વિચારવા લાગ્યા કે નાં છોકરાને ભણતર નથી ચડ્યું પણ હોંશિયાર તો છેજ. જાતેજ ઘરની પરિસ્થિતિ સમજીને સમસ્યાનું સમાધાન શોધી લાવે છે.

બીજે દિવસે વીનું રોકડીયા સાહેબને લઈને ઘરે આવ્યો. ૬૦ વર્ષની ઉમરના વયોવૃદ્ધ, સફેદ ઝભ્ભો, લેંઘો અને સફેદ વાળમાં પ્રબુદ્ધ લાગતા શાંત ચિત્તના શાંતિલાલ સાહેબ આવ્યા. બા એ તેમની સાથે વાટાઘાટ કરી ટ્યુશન શરુ થયું. આડોશપાડોશના લોકો પણ આડકતરી રીતે રોકડીયા સાહેબના દર્શન કરી જતાં. સાહેબ કોઈપણ જાતની ઉગ્રતા વગર એકદમ ધીમેધીમે ભણાવે પણ મને સાહેબ જે ભણાવે તેમાં નહિ પણ તેમની ભણાવવાની શૈલી અને તેમના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો વધારે પસંદ પડતો. મારા શિક્ષણ ગ્રહણનો ઘડો હજુ આ શીક્ષામૃતનું પાન કરવા સીધો નહોતો થયો એટલે સાહેબ જે ગણિતનું જ્ઞાન ઢોળતા તે બધું ઘડાની બહાર ઢોળાતું. પરંતુ તેમની હરકતો અને વ્યવહારનો અભ્યાસ કરવા મન લલચાતું.

થોડા દિવસ આ બધું ખૂબ સરસ ચાલ્યું પરંતુ સાહેબ પ્રત્યેની મારી જીજ્ઞાસા વૃત્તિનો અંત આવવા લાગ્યો. વિનિયા સાથે આ બાબતે પણ વિચાર વિમર્શ કરતો અને તેનો અનુભવ કેવો રહ્યો તે જાણવા પૂછ્યું. તો વિનુએ એક વિશિષ્ટ વાત મને જણાવી કે રોકડીયા સાહેબ અંદરથી એકદમ ભીરુ પ્રકૃતિના છે. જ્યારે તને કંટાળો આવે અને ટ્યુશન બંધ કરાવવું હોય ત્યારે જ્યાં ભણવા બેસતા હોય ત્યાં આસપાસમાં એક લાકડી મૂકી રાખવી એટલે બીજે દિવસથી એ જાતેજ આવવાનું બંધ કરી દેશે. મને આ પ્રયોગનું પણ કૌતુક જાગ્યું. બીજે દિવસે સાહેબ ભણાવવા આવ્યા ત્યારે મારાથી પુછાઈ પણ ગયું કે "સાહેબ તમે ક્યારેય ફિલ્મ જોવો છો કે નહિ?" ત્યારે સાહેબે કયું કે "નાં, બહુ વર્ષો પહેલા મેં એક ફિલ્મ જોઈ હતી અને તેમાં બહુ હિંસા આચરતી દેખાડતા હતા એટલે મને ફિલ્મ પ્રત્યે નફરત થઇ ગઈ છે." મને મનને સાહેબની ભીરુતાનો તાળો મળી ગયો પણ છતાં મારી પ્રયોગશીલતાને રોકી ન શક્યો જેથી મેં પણ ટ્યુશન સમયે એક લાકડી થોડે દૂર મૂકી રાખી. સાહેબની નજર તેના પર પડી અને ભીરુ નજર સાથે પૂછ્યું કે "આ લાકડી કેમ અહીં રાખી છે." મેં જવાબ આપ્યો કે એતો અમસ્તીજ પડી છે. તે દિવસે સાહેબને ચા પીવામાં પણ કોઈ રસ નહોતો અને માંડ ટ્યુશન પતાવ્યું. અંતે વિનીયાની વાદે ચડ્યો એમાં બીજા દિવસથી મારું ટ્યુશન બંધ થઇ ગયું. મારૂ પ્રાથમિક શિક્ષણ નબળું રહેવાનું કારણ હું પોતે તો ભણવામાં ગંભીર નહોતો અને માં-બાપ ટ્યુશનની વ્યવસ્થા કરે એમાં પણ હું આવા અદકવેડા કરતો જેની સખેદ જવાબદારી સ્વીકારૂ છું.

મારે ભણવું નહોતું એવું નહોતું પરંતુ મને ભણતરમાં રસ પડે તેવો કોઈ માહોલ બનતો નહોતો. હું સમજતો હતો કે હું ભણવામાં પાછળ છું પણ કઈરીતે ભણવું એની જીજ્ઞાસા નહોતી. મારો એક મિત્ર કેતન ભણવામાં પ્રથમ આવતો રિસેસમાં એનું ઘર શાળાની નજીક હતું જેથી તે મને તેની સાથે તેના ઘરે લઇ જતો. રિસેસના સમયમાં નાસ્તા બાદ તેને કોઈ અઘરો દાખલો ન આવડે તો એ તેના મમ્મીને પૂછતો અને મૂંઝવણ દૂર કરતો.

આમને આમ મારી ભણતરની ગાડી સાત ધોરણ સુધી ચાલી અને આઠમા ધોરણમાં હું હાઇસ્કુલમાં આવ્યો. પ્રાથમિક શિક્ષણ કોઈપણ જાતની શૈક્ષણિક ગંભીરતા અને ચાતુર્ય વગર બાળ સહજ સપનું જોતો હોય તેમ પૂરું થઇ ગયું. મને એમ હતું કે આમજ મારું ભણતરનું ગાડું હરિને મારગ ચાલશે પણ એવું બન્યું નહિ. હાઈસ્કુલ પિતાજીની શેહશરમની પરિઘની બહાર હતી. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. પાસ થવા માટે એક વિષયમાં ઓછામાં ઓછા ૩૫ માર્ક્સ હોવા જોઈએ પરંતુ ધો-૮ની પ્રથમ ટર્મની પરીક્ષામાં હું બધા વિષયના ભેગા કરીને કુલ ટોટલ ૩૬ માર્ક્સ લઇ આવ્યો હતો. દરેક વિષયમાં એકી સંખ્યામાં માર્ક્સ હતા અને એમાં પણ અંગ્રેજીમાં બે સરસ મઝાના મોટા મીંડા હતા. પરિણામ જાહેર કરતી વખતે સાહેબે ક્લાસ વચ્ચે મારા માર્કસના સરસ મઝાના ગુણગાન ગાયા. જે રીતે સાહેબ મારા એક એક વિષયના માર્કસને વર્ણવતા તેના પ્રતિભાવમાં ક્લાસ આખો કિકિયારી પાડીને હસતો અને હું ચૂપ હતો.

આ મારા જીવનનો બહુ જબરજસ્ત પણ ખૂબજ જરૂરી એવો ઝાટકો હતો. સમયના પ્રવાહમાં હું થંભી ગયો અને બાળ સહજ તંદ્રામાંથી જાગૃત થયો. મારા ભણતર માટે મેજ શિક્ષકની શોધ આદરી અને હાઈસ્કુલના મારા ગણિતના શિક્ષક શ્રી નગવાડીયા સાહેબ યાદ આવ્યા. તેમના ઘરે જઈને ટ્યુશન લેવાનું શરુ કર્યું. શિક્ષા ગ્રહણનું પાત્ર એટલે મારા મગજનો ઘડો હવે સીધો થયો હતો જેથી સાહેબ જે શીખવે તે સરસ રીતે મારી સમજણમાં ઉતરી જતું હતું. બીજી ટર્મના છ મહિના મેં સખત મહેનત કરી પરંતુ પ્રાથમિકના સાત વર્ષ અને ધોરણ આઠનું અડધું વર્ષની કચાસ એમ છ મહિનામાં ક્યાંથી પૂરી થાય. અંતે ગણિતમાં પાસ થયો પરંતુ અંગ્રેજીમાં પુરતા માર્ક્સ ન મળવાથી હું ધો-૮માં નપાસ થયો. જે મારા ભણતરની ગાડીને પાટા પર ચડાવવા માટે ખૂબજ જરૂરી હતું.

ત્યારબાદ મારી ભણતરની ભૂખ ઉઘડી અને આજીવન વિધાર્થી બન્યો. ધંધા, નોકરીની સાથે પણ ભણવાનું ચાલુ રાખ્યું. અલગ અલગ વિદ્યા શાખામાં બે વાર ગ્રેજ્યુએશન અને બે વાર પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અનેક વર્કશોપ અને તાલીમોના ટાંકણાથી જાતને કંડારી. કાલુઘેલું લખતા પણ શીખ્યો જેથી આજે મારી આપવીતી લખી શકવા સક્ષમ બન્યો તેમજ શિક્ષકોને તાલીમ આપતા પણ થયો.

તેમછતાં આજે પણ અપરાધભાવથી પીડાઉં છું કારણ કે શ્રી શાંતિલાલ સાહેબ ઉર્ફે શ્રી રોકડીયા સાહેબ જે માનસિક ફોબીયાથી પીડાતા હતા ત્યારે હું તેમની વેદનાને સમજવા અસમર્થ હતું અને મારી બાળ સહજ મસ્તી મારા મનમસ્તિક પર સવાર થઇ ગઈ હતી.