Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-17


(કિઆરા એલ્વિસના ઘરે ધમાલ મચાવ્યા બાદ બાલ્કનીમાં સુઇ ગઇ હતી. એલ્વિસ તેને ઊંચકીને બેડ પર સુવાડે છે.કિઆરાના જાગતા જ એલ્વિસ તેને લાઇબ્રેરી બતાવે છે.કિઆરા એલ્વિસ સહિત બધાંની માફી માંગે છે.કિઆરા લાઇબ્રેરી જોઇને સમજી જાય છે કે તે લાઇબ્રેરી હમણાં જ બનાવવામાં આવી છે.કિઆરા કોલેજ ના આવતા અને તેનો ફોન સ્વિચઓફ બતાવતા તે જાનકીદેવીને ફોન લગાવે છે.)

"હેલો,અહાના શું થયું બેટા?"જાનકીદેવી ફોન ઉઠાવતા બોલ્યા.

"દાદી,કિઆરા નથી આવવાની આજે કોલેજ?"અહાનાએ પુછ્યું.

"કેવા પ્રશ્નો પુછે છે?કોલેજ જ ગઇ છે.તે આજે સવાર સવારમાં છ વાગ્યામાં તેની કોઇ નવી ફ્રેન્ડના ઘરે લાઇબ્રેરી જોવા ગઇ છે પછી કોલેજ આવવાની હતી એટલે હજી કદાચ આવી નહીં હોય.તું એને જ ફોન કરને."જાનકીદેવીએ કહ્યું.

"દાદી,તેનો ફોન સ્વિચ ઓફ બતાવે છે અને એક વાગવા આવ્યો બે લેકચર તો પતી પણ ગયાં.હજી સુધી આવી નથી".અહાનાના અવાજમાં ચિંતા ઝલકી.

જાનકીદેવીને ફાળ પડી.
"દાદી,આજસુધી કિઆરા ક્યારેય એકેય લેકચર બંક નથી કરતી અને એવું કઇ હોય તો તે મને જણાવી દે છે.જેથી હું તેને નોટ્સ આપી શકું.દાદી,મને તેની ચિંતા થાય છે.તેની ફ્રેન્ડનું નામ અને નંબર હોય તો આપોને."અહાનાએ કહ્યું.

"હાય હાય,ક્યાં ગઇ હશે? તેની ફ્રેન્ડનું નામ અને નંબર તો નથી મારી પાસે પણ તમે લાઇબ્રેરી સાથે જ જાઓ છોને તો તને ખબર હશે.ત્યાં જ આ નવી ફ્રેન્ડ મળી હતી.એક કામ કર આયાનને પુછ તેને ખબર હશે.તું તેને કોન્ફરન્સ કોલમાં લે."જાનકીદેવી ચિંતામાં બોલ્યા.

"હા લઉ."આટલું કહીને જાનકીદેવીને હોલ્ડ પર મુકીને અહાનાએ આયાનને કોલ લગાવ્યો.
"આયાન,હું અહાના બોલું છું.કિઆરાની ફ્રેન્ડ.કિઆરા હજીસુધી કોલેજ નથી આવી અને તેનો ફોન પણ ઘરે છે."અહાનાએ આયાનને જાનકીદેવી સાથે થયેલી વાત જણાવી.તેણે તેને કોન્ફરન્સમાં એડ કર્યો.

"દાદી,આયાન બોલું.તમે ચિંતા ના કરો.હું અહાના સાથે જઇને તે લાઇબ્રેરી વાળી બે ફ્રેન્ડના ઘરે તપાસ કરીએ છીએ.તમે ચિંતા ના કરો."આયાને કહ્યું.તે પણ કિઆરા ક્યાં ગઇ હશે તેની ચિંતામાં લાગી ગયો.

"હું એક કામ કરું છું.મારા દિકરાઓ પોલીસ ઓફિસર છે તેમને વાત કરું છું."જાનકીદેવીએ કહ્યું.

"આંટી,આટલી નાની વાત માટે તેમને પરેશાન ના કરશો.સાંજ સુધીનો સમય આપો મને."આયાને કહ્યું.

"અહાના,તું મને કોલેજના ગેટ પાસે આવીને મળજે.હું દસ મિનિટમાં ત્યાં પહોંચુ છું."અાયાને અહાનાને કહ્યું.

*********

એલ્વિસના ઘરે કિઆરા લાઇબ્રેરીમાં તેની રાહ જોઇ રહી હતી.એલ્વિસ થોડીક જ વારમાં આવી ગયો.
"હાય કિઆરા,કેવી લાગી લાઇબ્રેરી?"એલ્વિસે પુછ્યું.

"બસ એક જ શબ્દ તેના માટે કાફી છે અને તે છે અદભુત.ખૂબજ સરસ છે.એકદમ વિશાળ અને બુક્સ પણ કેટલીક ઓથર સાઇન્ડ કોપી કે કેટલીક ફર્સ્ટ એડિશનની કોપી.

લાગે છે તમને પણ મારી જેમ આઇપીએસ બનવું હશે અને ભુલથી કોરીયોગ્ર‍ાફર બની ગયાં.એલ્વિસ,તમને મળ્યાં પછી ડાન્સ પ્રત્યે શોખ જાગ્યો છે.તો તમે મને એક સારી બુક જે ડાન્સ પર આધારિત હોય તે આપોને મને એવી એકપણ બુક ના મળી."કિઆરાએ કહ્યું.

કિઆરાની વાત સાંભળીને એલ્વિસ જરાક ચિંતામાં આવી ગયો.તે આમતેમ જોવા લાગ્યો.
"નથી.શોધવાની મહેનત ના કરશો અને હોય પણ કેવીરીતે જ્યારે આ લાઇબ્રેરી માત્ર મારા માટે બનાવવામાં આવી છે તે પણ રાતોરાત."આટલું કહીને કિઆરા એલ્વિસનો હાથ પકડીને તેને કબાટ પાસે લઇ ગઇ જેમા તાજી પોલિશની સુંગધ આવી રહી હતી.ટેબલ પર મુકેલા લાકડાની છીણ તેને આપી.
"કેમ?માત્ર બે વખત મળી છું તમને.બે વખતમાં એવું તો શું થયું કે તમે મારા માટે આટલો બધો ખર્ચો કરી નાખ્યો?તમારા ઘરમાં મે પાગલોની જેમ તોડફોડ કરી.લગભગ એક કરોડ રૂપિયાનું નુકશાન કર્યું હશે.તમારી જગ્યાએ કોઇ બીજું હોયને તો મને પોલીસને સોંપી દે અને તમે હસીને મારી કેર કરો છો.મને તમારું બ્લેંકેટ ઓઢાળો છો.તમારા બેડ પર સુવાડો છો.તમારા કપડ‍ાં આપ્યા કેમ?

હું છું કોણ તમારી?કેમ મને આટલું સ્પેશિયલ ફિલ કરાવો છો?કેમ મને આટલું પેમ્પર કરી?મારામાં એવું તો શું છે કે તમે મને મુકવા સ્પેશિયલ તમારી શુટથી ઊંધી દીશામાં આવ્યાં?મે એક વાર કહ્યું કે મને વાંચવાનો શોખ છે તો આટલી મોટી અને મોંઘી લાઇબ્રેરી બનાવી દીધી.વાઉ,મને લાગતું હતું કે હું મારા દાદી સિવાય કોઇના માટે આટલી સ્પેશિયલ નથી.કેમકે મારા પરિવારમાં મારા માતાપિતા સહિત બધાં પોતપોતાના પ્રોબ્લેમમાં ખોવાયેલા છે."કિઆરાનું ગળું આટલું બોલતા ભરાઇ આવ્યું.તેની આંખોમાં પાણી હતું.

એલ્વિસ તેની વાતો સાંભળીને ભાવુક થઇ ગયો.ડેશિંગ સુપરસ્ટારની આંખો,નાક અને ગાલ લાલ થઇ ગયાં.
"તું ભલે કોઈ બીજા માટે હોય કે ના હોય પણ મારા માટે ખૂબજ સ્પેશિયલ છે.હું આ સ્થાન પર એમ જ નથી પહોંચ્યો.બહુ સ્ટ્રગલ કર્યું છે.મે મારો પરિવાર ગુમાવ્યો.મારી પ્રેમિકા સીમા મને અન્ય પૈસાદાર પુરુષ માટે છોડીને જતી રહી.ત્યારે મે નક્કી કર્યું કે હું એટલો અમીર બનીશ કે તે જ્યાં પણ હશે પસ્તાશે."એલ્વિસે કહ્યું.

"પૈસો જીવનનું બધું સુખ નથી ખરીદી શકતું.એવું જ હોત તો મારા પિતા પાસે અને દાદા પાસે ખૂબજ પૈસા છે.અમારા ઘરમાં બધાંના પ્રેમલગ્ન છે.છતાપણ મારા જીવનમાં પ્રેમની કમી છે.હું પ્રેમ કે લગ્નમાં વિશ્વાસ ગુમાવી ચુકી છું.તમે મને હજી ના જણાવ્યું કે તમે મારા માટે આટલું બધું કેમ કર્યું?"કિઆરાની આંખમાં દર્દ સાફ દેખાતું હતું.

"કિઆરા,સીમાના ગયાં પછી મે ક્યારેય નહતું વિચાર્યું કે મને પ્રેમ થશે.મારો પણ પ્રેમ પરથી વિશ્વાસ હટી ગયો હતો.જ્યારે તને પહેલી વાર જોઇને ત્યારે જ પહેલી નજરમાં મને પ્રેમ થઇ ગયો.કિઆરા,હું તને ખૂબજ પ્રેમ કરું છું.અને હું આ વાત કોઇ આકર્ષણમાં આવીને નથી કહેતો.હું કોઇ કોલેજનો છોકરો નથી.એકત્રીસ વર્ષનો પુરુષ છું.હા હું તારા કરતા બાર વર્ષ મોટો છું.છતાપણ તારી સામે પ્રસ્તાવ મુકુ છું.મે વિચાર્યું હતું કે જ્યારે પણ તને પ્રપોઝ કરીશ ત્યારે એકદમ આલિશાન રીતે કરીશ પણ પરિસ્થિતિ ક્યારે શું કરાવે ખબર નથી પડતી.
કિઆરા,આઇ લવ યુ.

મને કોઇ જ ફરક નથી પડતો કે તું મને પ્રેમ કરે છે કે નથી કરતી.હું તને વિશ્વાસ દેવડાવું છું કે તારો પ્રેમ પરનો વિશ્વાસ હું પાછો લાવીશ."એલ્વિસ ઘુંટણિયે બેસીને બોલ્યો.કિઆરા સ્તબ્ધ થઇ ગઇ.

"આજ સુધી મને આયાને પણ ઘણીવાર પ્રપોઝ કર્યું છે .મને દર વખતે અણગમો થતો.તેના પર ગુસ્સો આવતો.તેને મારવાનું મન થતું પણ અાજે એવું નથી થઇ રહ્યું.એલ્વિસ,હું તને પ્રેમ નથી કરતી પણ હું તારા જેવો દોસ્ત ગુમાવવા નહીં ઇચ્છું.વિલ બી માય ફ્રેન્ડ?શું ખબર તારો વિશ્વાસ મારો વિશ્વાસ પાછો લાવી દે."કિઆરા પણ ઘુંટણિયે બેસી ગઇ.

એલ્વિસ અને કિઆરા હસી પડ્યાં.કિઆરા એલ્વિસને ગળે લાગી ગઇ.એલ્વિસે કિઆરાને એકદમ જોરથી ગળે લગાવી દીધી.

"મિ.સુપરસ્ટાર,તમારી આ લાઇબ્રેરી અને ધમાલના ચક્કરમાં મે સવારથી એક કપ કોફી જ પીધી છે ખાલી.બહુ ભુખ લાગી છે."કિઆરા એલથી અલગ થતાં બોલી.

"ચલ જમી લઇએ.મહારાજે તેમની આ જોગમાયા માટે ખાસ જમવાનું બનાવ્યું છે."એલ્વિસની વાત પર કિઆરા હસી પડી.વિન્સેન્ટ પણ ત્યાં આવ્યો.કિઆરા અને એલને આમ એકસાથે જોઇને તેને આશ્ચર્ય થયું.તે ત્રણેય એકસાથે જમવા બેસ્યા.મહારાજે જમવાનું પીરસ્યું.

પહેલો કોળીયો મોંમાં નાખતા જ કિઆરાએ મોઢું બગાડ્યું.
"એક મિનિટ,કોઇ ખાસો નહીં."આટલું કહીને કિઆરાએ તે બધું જમવાનું પાછું લીધું અને મહારાજ પાસે રસોડામાં ગઇ.
"શું થયું બુન?ના ભાવ્યું?"મહારાજે પુછ્યું.

"ના,સારું છે પણ કઇંક કમી છે.મને બધાં મસાલા આપીને તમે બહાર જાઓ."કિઆરાએ મહારાજને બહાર કાઢ્યાં.
મહારાજ બહાર આવીને દુખી અવાજે કહ્યું,"સાહિબ,આજસુધી મારી રસોઈ પર કોઇએ આંગળી નથી ઉઠાવી."

અંતે દસ મિનિટ પછી કિઆરા હાથમાં ટ્રે સાથે બહાર આવી.તેણે મહારાજને પણ બેસાડ્યા જમવા અને તેમને થાળી પિરસીને આપી.મહારાજે તે રસોઇ ટેસ્ટ કરી અને તેમની આંખના ખૂણા ભીના થઇ ગયાં.તેમણે પોતાના ધોતીયામાંથી સો રૂપિયાની નોટ કાઢીને તેને આપી.
"આ વધારે તો નથી પણ શકનના છે.તું જોગમાયા નહીં સાક્ષાત અન્નપૂર્ણા છે.તારા હાથમાં જબ્બર ટેસ છે."મહારાજની વાત સાંભળીને એલ્વિસ અને વિન્સેન્ટ પણ ખુશ થઇ ગયાં.તેમણે પણ કિઆરાના હાથનું બનેલું જમવાનું ચાખ્યું.
"વાઉ કિઆરા,સુપર્બ."એલ્વિસે કહ્યું.

કિઆરાએ જવાબમાં તેને એક સ્વિટ સ્માઇલ આપી.લગભગ પુરો દિવસ કિઆરા અને એલ્વિસે લાઇબ્રેરીમાં વિતાવ્યો.કિઆરા બુક્સની અને એલ્વિસ કિઆરાની કંપની એન્જોય કરી રહ્યા હતાં.આ બધાંમાં કિઆરા ભુલી ગઇ હતી કે તેને કોલેજ પણ જવાનું હતું અને તે ફોન લીધાં વગર આવી છે તો તેણે ઘરે એકવાર ફોન કરી લેવો જોઇએ.

અહીં સાંજના સાત વાગવા આવ્યાં હતાં.આયાન અને અહાનાને કિઆરાનો કોઇ અતોપતો ના મળ્યો.તો તે જાનકીવીલામાં આવ્યાં હતાં.જાનકીદેવીએ આ વાત હજી ઘરમાં કોઇને જણાવી નહતી પણ તે ખૂબજ ચિંત‍ામાં હતા અને ગુસ્સામાં પણ.

અહીં એલ્વિસના ઘરે.
"હેય કિઆરા,તારી સાથે આજે દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી.હેય,તને દરિયાકિનારો ગમે છેને ચલ દરિયાકિનારે જઇએ.ત્યાં કોઇજ નહીં હોય અને ખૂબજ સુંદર નજારો હશે."એલ્વિસે કિઆરાને કહ્યું.

"વાઉ દરિયાકિનારો."અચાનક તેનું ધ્યાન સમય પર ગયો.

"હે ભગવાન,હું કોલેજ પણ ના ગઇ અને ના તો મે અહાનાને ફોન કરીને કહ્યું.ક્યાંથી કહું હું ફોન જ ઘરે ભુલી ગઇ છું.મારે ઘરે જવું પડશે.એલ્વિસ હું જઉં.બાય."કિઆરાએ કહ્યું.

"વેઇટ.હું મુકી જઉં."એલ્વિસે કહ્યું.
એલ્વિસ અને કિઆરા અંતે જાનકીવિલા પહોંચ્યા.ટ્રાફિકના કારણે તેને આવતા સાડા આઠ થઇ ગયા હતાં.કિઆરા એલ્વિસને બાય કહીને અંદર ગઇ.

શું કિઆરા પર જાનકીદેવી ગુસ્સો કરશે?
શું જાનકીદેવી જાણી શકશે કે કિઆરા આખો દિવસ ક્યાં હતી?
એલ્વિસ અને કિઆરાની આ પ્રેમ અને દોસ્તી ભરી સફર કયો મોડ લેશે?
જાણવા વાંચતા રહો.