Definition of Love - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા - ૭ ( અંત )

અનેક વિચારોના મેળાવડાઓ માં સફર કરતો ધર્મેન્દ્ર પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની તેની સેવા કરવામાં લાગી ગઈ. સાંજે સૌ જોડે જમવા બેઠા. જમીને ઉભા થયા બાદ ધર્મેન્દ્ર થોડું ચાલવાનું વિચારીને બહાર આવી ગયો. બહાર આવીને આમતેમ આંટા મારવા લાગ્યો. ધર્મેન્દ્રનું મન કીર્તિ ના વિચારોમાં ખોવાયેલું હતું. તે કીર્તિને ભૂલી નહોતો શકતો. વિચારોમાં ને વિચારોમાં સમય ક્યાં પસાર થયો એ તેને ખબર પડી નહિ. એટલામાં તેની પત્ની તેને આરામ કરવાનું કહેવા આવી. તેની પત્નીની વિનંતી સહર્ષ સ્વીકારી તે પોતાના રૂમમાં આરામ કરવા માટે જતો રહ્યો.
પથારીમાં સુતા સુતા પણ તેના મન માં કીર્તિ ના જ વિચારો ચાલી રહ્યા હતા. સવાર ક્યારે પડી તે સમજાયું નહીં. ધર્મેન્દ્ર તેના રોજ બરોજ ના કામ માં લાગી ગયો.
ઘણા વિચારો કર્યા બાદ ધર્મેન્દ્રને પોતાના વિચારો યોગ્ય લાગ્યા નહીં. તેણે પોતાની જાતને સમજાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. કહેવાય છે ને કે મનને તો મનાવી લેવાય પણ દિલનું શુ ? એ જ પરિસ્થિતિ ધર્મેન્દ્રની હતી. તેણે બધી જ પ્રકારની પરિસ્થિતિઓ વિચારીને અંતે મક્કમતાથી નિર્ણય કર્યો કે હવે તે કીર્તિ વિશે ક્યારેય કાઈ પણ વિચાર મનમાં નહીં આવવા દે. રોજ બરોજની દૈનિક ક્રિયાઓ તેના જીવનમાં ચાલવા લાગી.
ઘણો બધો સમય આમ જ પસાર થઈ ગયો. ધર્મેન્દ્રની પત્નીને સારા દિવસો જતા હતા. એ વાતને લઈને ધર્મેન્દ્રના પરિવાર ના બધા જ સભ્યો ખૂબ જ ખુશ હતા. બધા જ ધર્મેન્દ્રની પત્નીની કાળજી લેતા હતા. એક સમી સાંજે અચાનક ધર્મેન્દ્રની પત્નીને અસહ્ય દુઃખાવો થતા તેને દવાખાને લઈ જવાનું જરૂરી થઈ પડ્યું. હવે તો સરકારની યોજના મુજબ ખિલખિલાટ વાહીની માં સગર્ભા મહિલાઓને યોગ્ય સુવિધા અને સારવાર સાથે દવાખાને પહોંચાડવામાં આવે છે. તેનો જ ઉપયોગ કરીને ધર્મેન્દ્રની પત્નીને દવાખાનામાં પહોંચાડવા માં આવી. ઈમરજન્સી સેવાનો ઉપયોગ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી. ધર્મેન્દ્ર બે બાજુની ભાવનાઓ માં બંધાયેલો હતો. એક તો પત્નીને દવાખાનામાં દાખલ કરી હતી તેની ચિંતા સતાવતી હતી, અને બીજી બાજુ કોઈ પણ ક્ષણે પોતે પિતા બનશે તેનો રાજીપો.
રાત્રીના ૧:૩૦ નો સમય થઈ રહ્યો હતો. ધર્મેન્દ્રને ઊંઘ નહોતી આવી રહી. તે થોડી વાર દવાખાનાની લાંબીમાં તો થોડીવાર દવાખાનાની બહાર આમતેમ આંટા મારી રહ્યો હતો. તેનું મન અસમંજસમાં હતું.
અચાનક એક અવાજ તેના કાને પડ્યો. કણસવાનો અવાજ તેના કાનને દર્દ આપી રહ્યો હતો. થોડી વાર અવાજ સાંભળ્યા બાદ ધર્મેન્દ્ર ને અહેસાસ થયો કે તે આ અવાજથી પરિચિત છે. તેણે રિસેપ્શન પાસે જઈને તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દીનું નામ કીર્તિ છે. કીર્તિ પણ ત્યાં પ્રસુતિ માટે જ આવી હતી. કીર્તિના પિતા સાથે મુલાકાત કરતા જાણવા મળ્યું કે થોડા સમય પહેલા કીર્તિએ એક ભારતીય સેનાના સૈનિક સાથે લગ્ન કર્યા હતા. કીર્તિ ને થોડા જ સમયમાં સારા દિવસો જવા લાગ્યા હતા. પરંતુ કુદરતે કીર્તિની કેવી કિસ્મત લખી હતી રામ જાણે. લગ્નના થોડા સમય બાદ જ બોર્ડર પર એક લડાઈ દરમ્યાન કીર્તિના પતિનું મૃત્યુ થયું. કીર્તિના પતિએ દેશ માટે બલિદાન આપી શહીદી અપનાવી. આ બધું સાંભળીને ધર્મેન્દ્રને એવું લાગ્યું કે જાણે દુઃખ સમાન દરિયાના મોજા તેની ઉપર હિલોળા મારી રહ્યા હોય.
ધર્મેન્દ્ર ની આંખોમાંથી ચોધારે આંશુ વહી રહ્યા હતા. જેમ તેમ કરીને તેણે પોતાની જાતને સંભાળી. કીર્તિના પિતાને સાંત્વના આપી ત્યાંથી બહાર નીકળી ગયો.
કીર્તિના સાસરી પક્ષમાંથી કોઈ તેની જોડે હતું નહીં. તેના પિતા તેને લઈને દવાખાને આવ્યા હતા. બાળકને જન્મ આપ્યા બાદ કીર્તિ અને તેના બાળક બંનેની જવાબદારી કીર્તિના પિતાના માથે આવી પડે તેમ હતી. થોડા સમયના વિચારો બાદ ધર્મેન્દ્ર ને એકસાથે બે બાળકોના રડવાનો અવાજ કાને પડ્યો. તેને નર્સ દ્વારા જાણ કરવામાં આવી કે તેની પત્નીએ એક પુત્ર ને જન્મ આપ્યો છે. તેના આનંદનો પર ના રહ્યો. ત્યારબાદ તે કીર્તિના સમાચાર મેળવવા કીર્તિના પિતા પાસે ગયો. તેમની હાલત જોઈને તે આશ્ચર્ય પામ્યો. કીર્તિના પિતા જોર જોરથી રડી રહ્યા હતા. અને એનું કારણ જાણતા ધર્મેન્દ્રને જાણવા મળ્યું કે કીર્તિએ એક લક્ષ્મી(દીકરી) ને જન્મ આપ્યો હતો. પરંતુ દુઃખની વાત એ હતી કે એ નાની માસુમ બાળકીને જન્મ આપતાની સાથે જ તેની માતા ( કીર્તિ) નું મૃત્યુ થઈ ગયુ. જે સાંભળીને ધર્મેન્દ્ર ના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. તેને કાઈ જ સૂઝતું ન હતું. જેમ તેમ કરી તેણે હિંમત એકઠી કરી, તે કીર્તિના પિતાજી પાસે ગયો. ધર્મેન્દ્ર એ કીર્તિના પિતા સામે એક ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તે કીર્તિની દીકરીને દત્તક લેવા માંગે છે. હવે કીર્તિના પિતાજી ની હાલત એવી હતી કે તેમને કાઈ સૂઝતું ન હતું. એમને અચાનક જ પ્રભુના દર્શન થયાનો ભાવ થઈ રહ્યો હતો.
કીર્તિના પિતાજીએ સમયાંતરે કીર્તિની દીકરીને મળવા દેવાની શરતે ધર્મેન્દ્રને સોંપી. ધર્મેન્દ્ર એ આ તમામ વિગતો તેના પરિવારજનો તથા તેની પત્નીને કહી સંભળાવી. અને ધર્મેન્દ્ર ના પરિવારજનોએ તથા તેની પત્નીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. સૌ રાજી ખુશી ઘરે આવ્યા. ધર્મેન્દ્રએ કીર્તિની દીકરીનું નામ મેઘા રાખ્યું. અને મેઘા નામ રાખવાનું કારણ આપ સૌને યાદ જ હશે ( આ સમગ્ર ઘટનાની શરૂઆત જ ત્યાંથી થઈ હતી ).
સૌ હળીમળીને સુખેથી જીવન પસાર કરવા લાગ્યા. આજે ધર્મેન્દ્રના બંને સંતાનો ભણવા શાળાએ જાય છે. અને તેને જીવનમાં બધું જ મળ્યાનો આનંદ છે.

🙏 આભાર 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED