શેરશાહ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેરશાહ

શેરશાહ

-રાકેશ ઠક્કર

ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થતી સ્ટાર કલાકારોની ફિલ્મો હજુ દર્શકોને એટલી પસંદ આવી રહી નથી ત્યારે સિધ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ' પસંદ પર ખરી ઉતરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ બાયોપિકને ઇમાનદારીથી બનાવવાનો પ્રયત્ન થયો છે. અને ૧૫ મી ઓગષ્ટ પ્રસંગે યોગ્ય સમય પર રજૂ થઇ છે. એમાં ફિલ્મી મસાલા જબરદસ્તી નાખવામાં આવ્યા નથી. એક સાચા હીરોના શોર્ય અને બલિદાનની ફિલ્મ 'શેરશાહ' ને સમીક્ષકો તરફથી પાંચમાંથી પાંચ સ્ટાર સુધી રેટિંગ મળ્યું છે. ફિલ્મને IMDB પર ૧૦ માંથી ૮.૯ રેટિંગ મળ્યું છે. જે બૉલિવુડની અનેક મોટી ફિલ્મોથી વધુ છે. 'શેરશાહ' ની વાર્તાને વાસ્તવિકતાની નજીક રાખવામાં આવી છે. ફિલ્મમાં ફરજ અને પ્રેમને એક ત્રાજવામાં રાખવામાં આવ્યા છે અને દેશની ફરજ માટે પ્રેમનું બલિદાન આપવાની વાત કરવામાં આવી છે. યુધ્ધમાં જતા વિક્રમ બત્રાને 'શેરશાહ' કોડવર્ડ મળે છે, એ પરથી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં કારગીલ યુધ્ધમાં પરાક્રમ માટે મરણોત્તર પરમવીરચક્ર મેળવનાર 'વિક્રમ બત્રા' ની ભૂમિકામાં સિધ્ધાર્થ મલ્હોત્રાનો દમદાર અભિનય છે. તેણે એટલી ઇમાનદારીથી કામ કર્યું છે કે કદાચ તેના સિવાય એને કોઇ ન્યાય આપી શક્યું ના હોત. તે સિધ્ધાર્થ નહીં પણ 'વિક્રમ બત્રા' જ લાગે છે. પ્રેમની પળો હોય કે પછી સેનામાં ફરજની વાત હોય ત્યારે તે પોતાના સંવાદો અને અભિનયથી એ દ્રશ્યને જીવંત બનાવી જાય છે. સિધ્ધાર્થે દિલથી ભૂમિકાને નિભાવી જાણી છે. તે એક પ્રેમી તરીકે હોય કે સેનાના જવાન તરીકે હોય દરેક દ્રશ્યમાં જામે છે.

ફિલ્મમાં સિધ્ધાર્થનું કામ જોઇને વિક્રમ બત્રાના માતા-પિતા પોતાના પુત્રને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા. એ વાત સિધ્ધાર્થના અભિનયની સફળતા છે. તેને સંવાદો અર્થપૂર્ણ મળ્યા છે. તેના ઉપરી અધિકારીને કહે છે કે, 'ફૌજી ફૌજી હોતા હૈ, કહીં ભી પૈદા હો સકતા હૈ' અને તેના મિત્રને કહે છે કે,'ફિકર ના કર જાની, મેં તિરંગા લહરાકર આઉંગા, નહીં તો ઉસમેં લિપટકર આઉંગા લેકિન આઉંગા જરૂર.' ફિલ્મમાં સિધ્ધાર્થ દ્વારા વારંવાર બોલાતો સંવાદ યાદ કરીને તેને આવી જ ભૂમિકાઓ કરવા માટે કહી શકાય કે- યે દિલ માંગે મોર! છેલ્લે 'અય્યારી' અને 'મરજાવાં' માં પ્રભાવિત કરી જનાર સિધ્ધાર્થનો અત્યાર સુધીનો આ શ્રેષ્ઠ અભિનય ગણાયો છે. તેની સુસ્ત કારકિર્દીને 'શેરશાહ' થી ગતિ મળી શકે છે. ફિલ્મમાં એક ભોળી અને સુંદર છોકરી તરીકે કિઆરા અડવાણી અસર છોડી જાય છે. સિધ્ધાર્થ સાથે તેની કેમેસ્ટ્રી જામે છે. કેપ્ટન સંજીવ જામવાલની અંદરથી નરમ અને બહારથી કઠોર માણસની ભૂમિકા શિવ પંડિતે બરાબર ભજવી છે. મેજર જસરોટિયાની નાની ભૂમિકામાં નિકેતન ધીર જામે છે. તમિલ સુપરસ્ટાર અજીત સાથે હમણાં જેમની ફિલ્મ 'બિલ્લા' આવી હતી એ દક્ષિણના નિર્દેશક વિષ્ણુ વર્ધને હિન્દી ફિલ્મ 'શેરશાહ' થી બૉલિવૂડમાં સફળ પ્રવેશ કર્યો છે. વૉર ડ્રામા ઝોનરની ફિલ્મ બનાવવામાં તેમણે કોઇ ચૂક કરી નથી. અને એક સાચી બાયોપિક બનાવવાનું બહુમાન મેળવ્યું છે. ફિલ્મની વાર્તા, પટકથા, નિર્દેશન, સંવાદ અને અભિનય જેવા તમામ પાસા પર મહેનત કરવામાં આવી છે. કેટલાક દ્રશ્યોને ઇમોશનલ બનાવીને દર્શકોની આંખમાંથી આંસુ લાવી શક્યા છે. યુધ્ધ પરની ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સંગીત હજુ વધુ દમદાર હોવું જોઇતું હતું. યુધ્ધના દ્રશ્યોને પણ વધુ ભવ્ય બનાવી શકાયા હોત. જો ફિલ્મને થિયેટરમાં રજૂ થવાની તક મળી હોત તો વધુ સફળ રહી હોત. દર્શકો લાંબા સમયથી જે પ્રકારની ફિલ્મની અપેક્ષા રાખતા હતા એ 'શેરશાહ' થી પૂરી થઇ છે. યુધ્ધ પરની ફિલ્મોમાં 'શેરશાહ' પોતાનું અલગ સ્થાન બનાવી શકી છે. અને ભવિષ્યમાં તેનો ઉલ્લેખ થતો રહેશે. વીર સૈનિકોને છેલ્લા શ્વાસ સુધી લડતા અને દેશ માટે મરી જતા જોઇને કોઇને પણ તેમની દેશભક્તિ માટે માન થાય અને એવી ભાવના જગાવે એવું ફિલ્માંકન છે.