આગે ભી જાને ના તુ - 44 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 44

પ્રકરણ - ૪૪/ચુમ્માલીસ

ગતાંકમાં વાંચ્યું....

સુજાતા અને અનંતરાયની સામે અચાનક અનન્યા આવી ચડે છે. જોરવરસિંહ અને કનકબા કેશવપર જાય છે અને ત્યાં પણ રહસ્યમય વ્યક્તિનો ફોન આવે છે. રતન અને રાજીવ હજી આઝમગઢમાં અવઢવભરી સ્થિતિમાં છે....

હવે આગળ......

હમમમ....એ મૂંગુ પ્રાણીય પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાઈ છે એટલે રતનની ગેરહાજરી એનેય સાલતી હશે... જોરુભા એક વાત કિયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે ક્યાં?"

"આઝમગઢ" જોરવરસિંહ જવાબ આપે એ પહેલાં જ કનકબાના મોઢેથી શબ્દો સરી પડ્યા.

"આઝમગઢ........!" હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો.

"શું બોલ્યા તમે, ફરીથી બોલો" નટવરસિંહ અને વસુમતીએ એકસાથે શબ્દો ઉચ્ચાર્યા.

"આ....આઝમગઢ"

*** *** ***

કુદરતની અજબ કરામત જેવી રમત મંડાણી હતી. છેલ્લા થોડાક સમયથી જે રહસ્ય જાણવા માટે રાજીવે વડોદરાથી આઝમગઢ વાયા રાજપરાની વણથંભી સફર શરૂ કરી હતી એની મંઝિલની નજીક પહોંચીને પણ એ હજી દૂર હતો અને એમાં એને મળેલો રતનનો સાથ એના મનમાં અશક્ય ને શક્ય તરફ દોરી જતા આશાના કિરણ સમ હતો. મિત્રતાની સાચી વ્યાખ્યા સમજાવનારા રતન અને રાજીવ ભાઈબંધીના ખરા અર્થમાં ભાગીદાર હતા. એકબીજાના સુખે આનંદ અનુભવતા અને એકમેકના દુઃખે વણબોલાવ્યા મદદ કરવા દોડી જતા. કુદરતે ફેંકેલા પાસા ક્યારેક અવળા તો ક્યારેક સવળા પડતા. તરાનાના કમરપટ્ટાના રહસ્યની કડી ક્યાંકને ક્યાંક એ બંનેને પણ જોડતી હતી. અજબ રમતની ગજબ કહાણી હતી. વાટ ભૂલેલા વટેમાર્ગુની જેમ બંને હજી હવામાં હવાતિયાં મારતા ફરી રહ્યા હતા અને ફરતાં ફરતાં રતન અને રાજીવ મંદિરની પાછલી બાજુએ પહોંચી ગયા હતા.

"આમને આમ ફાંફા મારતા રહેશું ને રતન તો આ રણમાં જ ગોથાં ખાતા રહી જશું ને અહીંથી સી....ધા......ઉપર..." રાજીવ આવા મુસીબતના સમયે પણ મજાકનો મોકો નહોતો છોડતો.

"તો...તો ભારે થશે....માયા અને અનન્યા બેઉ આપણને શોધતી શોધતી સતીઓ બની જશે" રતને પગની એડીઓ ઉંચી કરી આસપાસ જોઈ રહ્યો હતો.

"એક મિનિટ રતન....અનન્યાની તો હું ગેરંટી આપું છું પણ માયા પોતે જ એક રહસ્ય છે."

"એમ તું કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકે?"

"મેં તને આ પહેલાં પણ માયા બાબત ચેતવ્યો હતો કેમકે એ દિવસે એ બહાર સંતાઈને આપણી વચ્ચે ચાલી રહેલી વાતો સાંભળી રહી હતી અને જેવો હું વોશરૂમમાં ગયો ત્યારે એ રૂમની અંદર પણ આવી હતી પણ એના આવતા પહેલા જ મેં અંદર કબાટમાંથી મળેલી લાલ ચૂંદડી બારીમાંથી બહાર ઉડાડી હતી જે જોઈને માયા ગભરાઈ ગઈ હતી અને મેં તને એ પહેલાં જ ઈશારો આપી દીધો હતો અને તું ટેરેસ પરથી છજ્જા પર ઉભો રહી ગયો હતો અને એ ચૂંદડી તેં ઉપર ખેંચી લીધી હતી પ..ણ... અફસોસ એ વાતનો રહી ગયો કે હું બહાર નીકળું એ પહેલાં માયા અલોપ થઈ ગઈ અને હું પ્રુવ ન કરી શક્યો કે એ માયા જ હતી."

"આ બધો તારો વહેમ છે રાજીવ, માયા આવું કાઈ ન કરી શકે, અરે...! એ તો એવું વિચારી પણ ન શકે."

"રતન, દોસ્ત હું ખોટું શા માટે બોલું? અને આ વાતને લઈને આપણી વચ્ચે ખોટી તાણ ઉભી થશે એવું લાગે છે. ચાલ આ વાતને અહીં જ પડતી મુક નક્કામા આપણા સાફ-સૂથરા સંબંધ પર ડાઘ લાગી જશે."

"વાતની શરૂઆત તેં કરી હતી રાજીવ, જે વાસ્તવિકતાની આપણી પાસે સાબિતી જ ન હોય તો એને મુક સાક્ષી બની ઉપરવાળાના ભરોસે છોડી દેવી જોઈએ જો એમાં જરા પણ તથ્ય હશે તો સચ્ચાઈ એક દિવસ સામે આવી જ જશે અને માયાની વાત તો તું રહેવા જ દે." રતનની આંખોમાં ભારોભાર આક્રોશ વર્તાઈ રહ્યો હતો. મંદિરની પાછળ કેટલાક આડા-અવળા થાંભલા જેવા પથ્થરો પડ્યા હતા એની ઉપર રતન બેસી ગયો અને હવામાં મુક્કા મારી પોતાનો ગુસ્સો ઉતારી રહ્યો હતો.

"અત્યારે તું નહિ રતન, માયાની માયાવી મોહજાળ બોલી રહી છે. એક દિવસ આ વાત ખરેખર પ્રુવ થશે જ." રાજીવની આંખોમાં પણ રોષ છલકી રહ્યો હતો.

દિલોજાનથી બનેલી દોસ્તીની દીવાલમાં શું દરાર પડવાની નિશાની હતી આ કે સ્નેહભીના સંબંધોની મજબૂત સિમેન્ટ એક કાંકરીય ખરવા દે એમ નહોતી....??

"રતન, આ લે પાણી પી લે અને આ બધી પાયાવિહોણી વાતોને આ રેતીમાં જ દફન કરી દઈએ અને જે કામ માટે આવ્યા છીએ એ પૂરું કરવાની દિશામાં આગળ વધીએ." રતનની સરખામણીમાં રાજીવ ઠરેલ અને શાંત વિચારધારાવાળો હતો, "આમ પણ આપણી પાસે સમય બહુ ઓછો બચ્યો છે. મારું તો મગજ પણ બહેર મારી ગયું છે. ખબર નહિ આપણે મંઝિલ સુધી પહોંચીશું કે નહિ કયાંક મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ન જાય એ ડર પણ મનમાં પેસી ગયો છે. હવે હાથ-પગ-માથું હલાવીએ અને આજુબાજુ તપાસ કરીએ."

રતનનો ગુસ્સો ઓછો થયો હતો પણ હજુ પૂરેપૂરો ઓસર્યો નહોતો. એણે રાજીવના હાથમાંથી પાણીની બોટલ લઈ થોડું પાણી પી બાકીનું પાણી પોતાના માથે રેડી દીધું જાણે ક્રોધિત શિવજી પર અભિષેક કરી એમને શાંત પાડી રહ્યો હોય પણ બેઉને એ ખબર નહોતી કે મંદિરની આગળના ભાગમાં મનીષ અને માયાની સવારી આવવાની તૈયારી હતી.

"સોરી રાજીવ, તને તો ખબર જ છે કે હું શોર્ટ ટેમ્પર્ડ છું. મને ગુસ્સો તરત જ આવી જાય છે અને માયાને લઈને હું કેટલો પઝેસિવ છું.... માયા વિરુદ્ધ એક શબ્દ પણ હું સાંભળી પણ નથી શકતો અને સાંખી પણ નથી શકતો. મારા જીવનનું કેન્દ્રબિંદુ, મારા પ્રેમનો પરિઘ, મારા વ્હાલનું વર્તુળ, બધુંય એકલી ને એકલી માયામાં જ સમાઈ જાય છે. માયા મારા જીવનની જીવાદોરી છે. મારા શ્વાસોશ્વાસ, મારી પ્રત્યેક ધડકન, મારું રોમેરોમ એક જ નામ પોકારે છે....મા....યા...." રતનના વાળમાંથી ટપકતા પાણીના ટીપા ગરમ રેત પર પડતાં જ બાષ્પ બની ઉડી જતા હતા અને એવા જ ધગધગતા ક્રોધના અંગારા રતનના દિલમાં ઉઠી રહ્યા હતા અને રાજીવ એ આગને ઠંડી પાડવાની કોશિશમાં લાગ્યો હતો.

"રતન, સોરી દોસ્ત, મારો આશય તારું દિલ દુભવવાનો બિલકુલ નહોતો અને કદાચ હું ખોટો પણ હોઈ શકું. બની શકે કે માયા આપણી મદદ કરવા માંગતી હોય અને શક્ય છે કે કોઈના ડરને લીધે કે દબાણને લીધે એ આપણને નહિ કહી શકતી હોય." રાજીવના અવાજમાં પશ્ચાતાપ ભળી ગયો હતો એણે રતનને ઉભો કર્યો અને એને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી વહેતી અશ્રુધારા સાથે મનમાં વ્યાપેલો રોષ પણ વહી રહ્યો હતો અને બેયના મન અને દિલ ફરીથી સ્વચ્છ અને નિર્મળ બની ગયા હતા. આખરે દોસ્તી દાવ જીતી ગઈ.

*** *** ***

મનીષ અને માયા બંને મંદિરના પરિસર પાસે આવી પહોંચ્યા હતા. પોતે નીચે ઉતરી માયાને ઊંટ પરથી ઉતારી મનીષે બેય ઊંટ એક ઝાડના થડ સાથે બાંધી દીધા. એ બંને એ ડાબી તરફ બંધાયેલા બે ઊંટ જોઈને રતન અને રાજીવ ત્યાં જ હોવાનું અનુમાન લગાડી રહ્યા હતા.

"મનીષ, હવે મને બહુ જ ગભરાટ થઈ રહ્યો છે. જ્યારે રતન મને આ રીતે તારી સાથે જોશે ત્યારે શું થશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે."

"માયા, મનના દરમાંથી ડરના ઉંદરને બહાર કાઢી નાખ. જ્યાં સુધી મનીષ તારી સાથે છે તારે ડરવાની જરાય જરૂર નથી."

"ના મનીષ...તું ખોટું વિચારે છે. રતન મને લઈને બહુ જ પઝેસિવ તો છે જ પણ એના ક્રોધનો પારો પણ બહુ સ્પીડમાં ઊંચો ચડે છે અને જો ક્રોધ એના પર હાવી થઈ જાય પછી એ આપણા બંનેને નહિ છોડે. મને તારા પર પણ પૂરો ભરોસો છે પણ સાથે સાથે રતનના ગુસ્સા પર પણ."

"એ તો જોયું જશે આગળ, શું થાય છે અને શું કરવું. ચાલ આપણે અંદર જઈએ."

"હમમમ.... " મનીષે માયાનો હાથ પકડ્યો અને અંદર દોરી ગયો.

રતન અને રાજીવની જેમ આ બેઉ પણ મંદિરની નકશીદાર બાંધણી, વિશાળ મૂર્તિઓ, શિવલિંગનો ચળકાટ જોઈને આભા બની ગયા હતા. દરેક પ્રતિમા પાસે જઈ એને બારીકાઈથી નીરખી રહ્યા હતા.

"માયા, તને એવું નથી લાગતું કે આ મૂર્તિઓ જાણે થોડા સમય પહેલાં જ સ્થાપિત થઈ હોય? સાવ નવીનક્કોર લાગે છે અને મંદિર તો વર્ષો જૂનું લાગે છે. ચારે બાજુ ધૂળ, જાળાં, ઝાડી-ઝાંખરા.. કઈ અજુગતું નથી લાગતું? કેવો વિરોધાભાસ ભાસે છે?"

"હું પણ ક્યારની એ જ વિચારી રહી હતી. આખરે શું રહસ્ય છે આ..અને આ...મ... જો પેલા શિવલિંગ ફરતે વીંટળાયેલો નાગ તો અદ્દલ તરાનાના કમરપટ્ટા જેવો જ છે. મેં બાપુ પાસે રહેલી ભૂંગળુ વાળેલી તસવીરમાં જોયો હતો. જાણે ઝેરોક્ષ કોપી. અદલોઅદ્દલ એ જ આકાર, એ જ કારીગરી."

"ઓહઃહઃ...તારી વાત પરથી તો એવું લાગે છે કે આ નાગ અને કમરપટ્ટા વચ્ચે કોઈ કનેક્શન છે જેમ આપણી કિસ્મત વચ્ચે પણ કનેક્શન જોડાયું એમ...."

"મનીષ, અત્યારે ય તને મજાક સુઝે છે. એ બધું છોડ અત્યારે આપણે જે કામ માટે આવ્યા છીએ એના પર ફોક્સ કર."

"હા માયા....આપણે મંદિરનો ખૂણેખૂણો શોધવો પડશે અને આપણને તો એ પણ ખબર નથી કે આખરે આપણે સફળ થશું કે નહીં કેમ કે આપણે હજી રતન અને રાજીવનો પણ સામનો કરવાનો છે અને....."

મનીષ હજી કાંઈ આગળ બોલે એ પહેલાં એને અને માયાને કશાકનો સળવળાટ સંભળાયો એટલે બેઉ પાછળ ફર્યા ત્યાં જ મંદિરના દરવાજા ધ....ડ....કરતાં બંધ થઈ ગયા અને બેયના પગ જ્યાં હતા ત્યાં જ ખોડાઈ ગયા.

*** *** ***

"ક્યા સપનાની વાત કરી રહી છે તું અનન્યા?" વિગતે વાત કર તો અમનેય ખબર પડે." સુજાતા અને અનંતરાય વાત જાણવા ઉત્સુક હતા.

"મમ્મી, મને સોનાનો રત્નજડિત કમરપટ્ટો પહેરેલી એક ધૂંધળા ચહેરવાળી સ્ત્રી છેલ્લા છ એક મહિનાથી સપનામાં વારંવાર દેખા દે છે. એ સ્ત્રી પોતાની કમરેથી કમરપટ્ટો છોડી મારા તરફ હાથ લંબાવે છે અને અચાનક એ કમરપટ્ટો ફૂંફાડા મારે છે અને....."

"અ...ને...શું બેટા?"

"અને.... એ...એ... કમરપટ્ટો મારી કમર ફરતે વીંટળાઈ જાય છે જાણે કોઈ નાગ ભરડો લઈ રહ્યો હોય."

"શાંત થા અનન્યા... અને જો આ કમરપટ્ટો આ જ છે કે? ધ્યાનથી જો." અનંતરાયે પોતાના મોબાઈલમાં રાજીવે મોકલેલી તરાનાની તસ્વીર બતાડતા કહ્યું.

"શું....?આ... આ...તો મારી તસ્વીર છે....એ મારા સપનામાં કેમ આવે છે..શું કહેવા માગે છે...બધું મારા સમજની બહાર છે. પપ્પા પ્લીઝ મને આઝમગઢ લઈ જાઓ.. મારે રાજીવ પાસે જવું છે...એનો જીવ જોખમમાં છે અને આપણી પાસે સમય બહુ ઓછો..." અનન્યા હાથ જોડી અનંતરાય સામે કરગરી રહી હતી.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.