બેલ બૉટમ
-રાકેશ ઠક્કર
'બેલ બૉટમ' ના નિર્માતાઓ અને અક્ષયકુમારે બે પ્રકારની જવાબદારી નિભાવી છે. એક તો બૉલિવુડની ડૂબતી નૈયાને બચાવવાની અને બીજી કોરોનાના ડરથી દૂર થઇ રહેલા દર્શકોને થિયેટર સુધી પાછા લાવવાની. દર્શકો ભલે ઓછા આવ્યા પણ સમીક્ષકોએ 'બેલ બૉટમ' ના વખાણ કર્યા એ પરથી અક્ષયકુમારને દાદ આપવી પડે કે તેણે નિરાશ કર્યા નથી. અન્ય ફિલ્મોની જેમ કેટલીક ખામીઓ તો રહેવાની જ પણ થિયેટરમાં મનોરંજન પીરસવાનો પ્રયત્ન થયો છે. આવી ફિલ્મો દર્શકોને થિયેટર તરફ પાછા વળવાનો ઉત્સાહ વધારી શકે છે. બાકી સત્તર મહિનાથી બંધ થિયેટરોની રોનકને પાછી લાવવાનું કામ ઘણું જ મુશ્કેલ છે.
અક્ષયને વધારે દાદ એટલા માટે આપવી પડે કે તેણે કોરોના કાળમાં 'બેલ બૉટમ' નું શુટિંગ કર્યું હતું. બીજા કોઇએ એવી હિંમત કરી ન હતી. કોરોનાની બીજી લહેર પછી મોટા બજેટવાળી અને સ્ટારકાસ્ટવાળી પહેલી ફિલ્મ તરીકે 'બેલ બૉટમ' ને યાદ કરવામાં આવશે. કોવિડમાં મોટાભાગના નિર્માતાઓ હજુ OTT નો સરળ રસ્તો અપનાવે છે ત્યારે 'બેલ બૉટમ' બૉલિવૂડના ઇતિહાસમાં એક નવી જ પહેલ કરી રહી છે. ફિલ્મને તેના વિષયને કારણે કેટલાક દેશોમાં રજૂ કરવા દેવામાં આવી ન હોવાથી આવકમાં વધારે ફટકો પડશે. ફિલ્મ ઇન્ટરવલ સુધી ધીમી ગતિએ ચાલે છે અને ગીતો અવરોધરૂપ બને છે. એ ખામીઓ છતાં નિર્દેશક રંજીત તિવારીએ તેને રોમાંચ સાથે મનોરંજનનું પેકેજ બનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. વિમાનના અપહરણની ઘટનાવાળી સોનમની 'નીરજા' સાથે સરખામણી કરવામાં આવે તો તેના જેટલી ઇમોશનલ ફિલ્મ બની શકી નથી. ફિલ્મમાં એંશીના દાયકાની એ સમયની વાત છે જ્યારે દેશનાં એક પછી એક વિમાનના અપહરણની ઘટનાઓ બનવા લાગી હતી. આવી જ એક અપહરણની ઘટનામાં અંશુલ(અક્ષયકુમાર) પોતાની મા (ડૉલી) ને ગુમાવી દે છે. એ ઘટના તેને રૉ એજન્ટ બનવા પ્રેરણા આપે છે. અને તે દેશની સુરક્ષાનું બીડું ઝડપીને પાકિસ્તાનની સંસ્થાનો પર્દાફાશ કરે છે. ઇન્ટરવલ પછીની ફિલ્મ પૈસા વસૂલ છે.
આ ફિલ્મની એક વિશેષતા એ છે કે દર્શકોની કલ્પના ઘણી વખત ખોટી પડે છે. હીરો જે કહે છે તે વાત સાચી પડતી નથી. આ અગાઉ આવું બૉલિવુડની ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળ્યું છે. ફિલ્મ વન મેન શો બની જાય છે એ ખટકે એવું છે. મિશનમાં હીરો જ બધું કરતો દેખાય છે. બાકીના ચૂપચાપ જોયા કરે છે. આવા બીજા કેટલાક ટિપિકલ બૉલિવુડ મસાલા પણ નાખવામાં આવ્યા છે. એ કારણે 'શેરશાહ' ની જેમ વાસ્તવિક બનતી નથી અને એક સામાન્ય ફિલ્મ બનીને રહી જાય છે. અક્ષયકુમાર દરેક ભૂમિકાને પોતાના અંદાજથી ભજવી જ જાય છે. સમીક્ષકોએ પાંચમાંથી જેટલા પણ સ્ટાર આપ્યા છે તેમાં બધાંએ એક સ્ટાર અક્ષયકુમારને આખી ફિલ્મ પોતાના ખભા પર લેવા માટે જરૂર આપ્યો છે. તે દેશભક્તિવાળી ભૂમિકાઓમાં લાંબા સમયથી દેખાતો આવ્યો છે. તેની ભૂમિકામાં ખાસ નવું નથી. છતાં તે દેશભક્તના રૂપમાં આકર્ષિત કરી જાય છે. આ વખતે તે સામાન્ય વ્યક્તિમાંથી રૉ એજન્ટ તરીકેના અવતારમાં આવે છે ત્યારે ભૂમિકામાં એનું જે ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ એમાં થોડી ચૂક થઇ છે. તેની પત્ની તરીકે વાણી કપૂરની ભૂમિકા નાની હોવા છતાં તે નોંધ લેવા મજબૂર કરે છે. તેને શોપીસ તરીકે ઓળખવામાં આવી છે. અને હીરો સાથે હીરોઇન જરૂરી હોવાથી તેને લેવામાં આવી હોવાનું કારણ હોવા છતાં વાર્તામાં તેનું મહત્વ રહ્યું છે. લારા દત્તાએ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવીને પોતાની અભિનય પ્રતિભાનો પરિચય આપ્યો છે. પ્રોસ્થેટિક મેકઅપ માટે કલાકો સુધી બેસી રહ્યા પછી એ ભૂમિકામાં ઢળવાનું મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. હુમા કુરેશી નાની ભૂમિકામાં પોતાનું કામ કરી જાય છે. અન્ય કલાકારોમાં આતંકવાદી તરીકે જૈન ખાન દુર્રાની પ્રભાવિત કરી જાય છે. તે ડરાવવામાં સફળ થાય છે. ઘણા સંગીતકારો જોડાયા હોવા છતાં ગીત-સંગીત એવું નથી કે તેનો ઉલ્લેખ કરવો પડે.