આગળના ભાગમાં આપણે જોયું કે, નવયુવાન ટીમ બહાદુર ના સભ્યો શિવરાજગઢ પહોંચી ગયા છે.
હવે આગળ...
શિવરાજગઢ ના પાદર માં બસ ઊભી રહી અને બધા નીચે ઉતર્યા. દાયકાઓ ની થપાટો ખાઇ ખાઇને જીર્ણ થયેલ નગરના દરવાજા પાસે આવીને બધા ઉભા. એક નજરમાં તેઓ નગરના આ દ્રશ્ય ને જાણે માપી લેવા માંગતા હતાં. રાતનો અંધકાર ઓઢીને નગર જાણે પોઢી ગયું હતું. સુનસાન રસ્તાઓ પર એકલદોકલ માણસો પસાર થતા દેખાતા હતા.
આવા સમયે બધા મિત્રો ગામમાં પ્રવેશ કરે છે. દરવાજામાં દાખલ થતાં જ ડાબી બાજુ કોઈ દેવીનું મંદિર આવેલું હતું. પ્રાચીન સમયના આ મંદિરની મૂર્તિ પણ કંઈક વિશિષ્ટ દેખાતી હતી. બધા મિત્રોએ ત્યાંના સ્થાન દેવીને નમસ્કાર કર્યા. ગોપી તો બસ મૂર્તિની સામે જોઈ જ રહી. માતાજીની આંખોનું તેજ જોતા ગોપીથી માથું નમાવાય ગયું, જેવી તે નમી કે એક ફૂલ તેની માથે પડ્યું. આવી પરિસ્થિતિમાં પણ ગોપી થી હસાઈ ગયું.
વિનીતનુ ઐતિહાસિક જ્ઞાન કહેતું હતું કે આ મંદિર રાજા જયસિંહ ના દાદા દિગ્વિજય સિંહના વખતનું છે. તેણે અહીં તેઓના આરાધ્ય દેવી માતા તુલજા ભવાનીની સ્થાપના કરી હતી અને તેઓ પોતે આ મંદિર માં માતાની આરતી કરતા હતા. ત્યારબાદ રાજા જયસિંહ ના પિતા વિજયસિંહ પોતે માતાની સેવા કરતા. પરંતુ જયસિંહ ને ક્યારેય કોઈએ માતાનાં મંદિરની આસપાસ પણ જોયા નથી.
કૃતિ : સમગ્ર નગર ખંડેરમાં ફેરવાઈ ગયું પરંતુ મંદિર અકબંધ છે અને સમયાંતરે મહેલમાં બનતા બનાવો ના કારણે લોકોએ તુલજા ભવાની મંદિર ની પાછળ વસવાટ શરૂ કર્યો.
હાલમાં મૂળ નગરની ડાબી બાજુ એ લોકોની વસાહત છે.
આવી વાતો ચાલતી હતી ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ઠંડી હવા બધાને આગળના રસ્તા તરફ ખેંચવા લાગી.
સંભવતઃ આપણે મહેલ તરફ ખેંચાતા જઈએ છીએ ધૃતિ બોલી.
અરે પણ રાજા જયસિંહ ને આટલી બધી શું ઉતાવળ છે મળવાની? સાર્થક પોતાના મજાકીયા સ્વભાવ નો પરિચય કરાવતા બોલ્યો.
તને જ મળવાની ઉતાવળ હશે! બ્રિન્દા બોલી.
કોઈ અજાણી નકારાત્મક ઉર્જાનો બધાએ અનુભવ કર્યો. પવન તેજ ગતિએ બધાને ખેંચતો હતો. જાણે પગ પર પોતાનો કોઈ કાબુ ન હોય એમ બધા આગળ વધતા હતાં.
સામે જાણે ધુમ્મસનું વાદળ હોય એમ કંઈ દેખાતું ન હતું, અને એવામાં હવાના સૂસવાટા વાતાવરણ ને વધારે ડરામણું બનાવતા હતા. જાણે આખી ભૂતાવળ જાગી ઊઠી હતી.
અચાનક વાતાવરણ શાંત થયું અને ધુમ્મસનું આવરણ પણ દૂર થઈ ગયું. બધા એ સામે જોયું તો તેઓ શિવરાજગઢ ના મહેલ ની સામે ઊભા છે.
જર્જરિત કાંગરા વાળો ભવ્ય મહેલ. અદભુત! લગભગ ૨૦૦ ઓરડાઓ હશે મહેલમાં. વિશાળ બારી- દરવાજા, અને ઝરૂખાઓ; નકશીકામ નું ઉત્તમ ઉદાહરણ સમાન મહેલ કેવી રીતે ભૂતિયા મહેલ બન્યો હશે?
બધા મનમાં સમજી ગયા હતા કે આ રહસ્ય ઉજાગર કરવામાં મોઢે ફીણ આવી જવાના છે.
હજુ તેઓ કોઈ નિર્ણય પર પહોંચે તે પહેલાં જ અચાનક એક અઘોરી તેઓની સામે આવી ગયો. જટાજૂટ વાળ, ભસ્મ ચોળેલું શરીર, મોટી લાલ આંખો, તેજસ્વી મુખમુદ્રા, કપાળ પર લખલખાટ તેજ! બધા જોતા જ રહ્યા.
મહેલ સામે આંગળી ચીંધી ને બોલ્યો : આનું રહસ્ય જાણવા આવ્યા છો એમ ને! જતાં રહો. ઘણા આવ્યા અને જીવ થી ગયા. મહેલની શ્રાપિત આત્મા કોઈ ને છોડશે નહીં. તમે તેને છંછેડવા નું રહેવા દો.
પણ મહાત્મા જી, આ કોની આત્મા છે? આ વિજ્ઞાન યુગમાં અમાસની રાત્રે આ મહેલ નવો એવો કેમ દેખાય છે? અમારે જાણવું છે; આકાશે કહ્યું.
અઘોરીએ ક્રોધિત આંખે તેની સામે જોયું પણ આકાશ ના મોઢા પર ડરને બદલે જીજ્ઞાસા દેખાણી. તેણે કહ્યું આત્માઓની એક અલગ દુનિયા છે. મોક્ષ ન મળેલ જીવ કે જેની કોઈ ઈચ્છા કે કાર્ય બાકી હોય તો તે આ દુનિયામાં ન હોવા છતાં આ દુનિયાથી જોડાયેલ રહે છે. તેને પકડવી સહેલુ કાર્ય નથી.
ગોપી : પણ અમે પકડશું અને મોક્ષ પણ અપાવીશું.
અઘોરી : પકડશો એમ? તો લે પકડીને બતાવ. એમ બોલતાં બોલતાં અચાનક અઘોરી અદ્રશ્ય થયા ગયો. બધા હેબત ખાઈ ગયા અને આમતેમ જોવા લાગ્યા પણ કોઈ ઠર્યું હોય તેમ લાગ્યું નહીં.
સાર્થકે હનુમાન ચાલીસા ના જાપ શરૂ કર્યા. અઘોરી ફરી પગ્રટ થયા. તેણે કહ્યું બાળકો મેં તમારી પરીક્ષા કરી અને તમે તેમાં સફળ રહ્યા. તમે નિઃસ્વાર્થ ભાવે માત્ર જીજ્ઞાસા થી અહીં આવ્યા છો, બાકી અત્યાર સુધી તો બધા ખજાના માટે જ અહીં આવતા હતા.
શું? બધા લગભગ એકસાથે બોલ્યા.
હા મહારાજા દિગ્વિજયસિંહ નો ખજાનો. જે તેના મૃત્યુ બાદ મહારાજા વિજયસિંહ ને મળ્યો. અને તેઓએ ખજાના ને રાજકીય સંપતિ ગણાવીને છુપાવી દીધો. પ્રજા વત્સલ રાજા ઈચ્છતા હતા કે આ ધન પ્રજા કલ્યાણ માટે જ વપરાય. માટે તેણે ખજાના ની રક્ષા ની જવાબદારી મને સોંપી. ત્યારથી હું ખજાના ની રક્ષા કરૂં છું.
શું? કૃતિ બોલી : તમે રક્ષા કરો છો? કેવી રીતે શક્ય છે?
અઘોરી હસ્યાં અને બોલ્યાં, હાં! હું છેલ્લાં ૩૦૦ વર્ષ થી ખજાના ની રક્ષા કરૂં છું, અને જે કોઈ લાલચથી અહીં આવે તને ગુમરાહ કરી ભટકાવુ છું.
જો ન ભટકાવી શકો તો? ધૃતિ બોલી.
ફરી અઘોરી હસીને બોલ્યા : તો તેને જીવન ખોવું પડે.
વિનીત આંખો માં અનેક પ્રશ્નો સાથે બોલ્યો : પણ તમે ૩૦૦ વર્ષોથી કેવી રીતે ખજાના ની રક્ષા કરો છો? તમે કોણ છો? આ મહેલમા બનતી ઘટનાઓ ને અને ખજાનાને શું સંબંધ છે? અમને અહીં ખેંચીને શા માટે લાવ્યા?
અઘોરી : મારી મર્યાદા માં રહીને હું મને જાણકારી છે તેટલું કહી શકું, અન્ય જવાબ તો તમારે જ શોધવા પડશે; એમ કહીને અઘોરી એ પોતાની વાત શરૂ કરી.
હું યોગરાજ...
ત્યાં જ પાછળથી કોઈ એ અવાજ દીધો, અરે! છોકરાઓ તમે જ જુનાગઢ થી આવ્યાં કે?
બધાએ હકારમા માંથુ હલાવ્યું.
હું કરશનભાઈ! મેં માણસને મોકલ્યો હતો પણ તેણે તમને જોયા નહીં અને રાત પણ ઘણી થઈ ગઈ હતી તો હું પોતે તમને શોધતો આવ્યો. ચાલો બધા.
બધાનું ધ્યાન કરશનભાઈ તરફ હતું.
બ્રિન્દા બોલી: બસ એક મીનીટ, જેવી તે પાછળ ફરી તો જોયું કે અઘોરી ફરી ગાયબ છે. તેણે બધાંને ઈશારો કર્યો, બધાએ ત્યાં જોયું તો ત્યાં કોઈ ન હતું.
આ બાબત થી અજાણ કરશનભાઈ કહેતા હતા કે આ જગ્યા ઠીક નથી, આપણે જલ્દી ઘરે જવું જોઈએ. રાત્રે કોઈ ઘરની બહાર પણ નીકળતા નથી અને તમે મહેલ પાસે ઉભા છો, કહેતા કહેતા તેઓ ચાલવા લાગ્યા.
બધા તેમને અનુસર્યા.
બઘા જમી- પરવારીને પથારીમાં પડ્યા, પણ બધાનાં હૈયાં માં એક જ વિચાર હતો કે અઘોરી શું કહેતા હતાં? તેઓ બોલ્યા હતા કે " હું યોગરાજ..."
પછી આગળ.... આગળ શું?
જાણવા માટે વાંચતા રહો જર્જરિત મહેલ...
માતૃભારતી પર મારી બીજી વાર્તા વાંચો "દરિયા નું મીઠું પાણી"