આગે ભી જાને ના તુ - 43 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 43

પ્રકરણ - ૪૩/તેતાલીસ

ગતાંકમાં વાંચ્યું....

રતન અને રાજીવ આઝમગઢના મંદિરને નીરખી રહ્યા છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. જોરવરસિંહ અને નટવરસિંહ વચ્ચેની વાતચીતથી બંને પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ જાય છે. અનંતરાય અને સુજાતા એક ગુમનામ વ્યક્તિએ મોકલેલી નાનકડી ચબરખીને વાંચતા જ પરેશાન થઈ જાય છે.....

હવે આગળ.....

"ઠક....ઠક....ઠક....." બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા.

"રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે..." કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઉભેલી જોઈ અવાચક બની ગઈ......

"અ...ન.....ન્યા..., તું, અત્યારે અહીંયા?" શબ્દો સુજાતાના ગળામાં જ અટવાઈ ગયા, સ્વરોનો સુર બદલાઈ ગયો.

"રોશનીને અંદર તો આવવા દે, મનેય જોવા દે આપણી આંગળી પકડીને ડગમગ ચાલતી આપણી નાનકડી રાજકુમારી રોશની જે હવે સાસરિયાની શાન સાચવતી અને પતિના ખભેખભા મિલાવતી કેવડી મોટી થઈ ગઈ છે."

સુજાતા દરવાજા આગળથી ખસી ગઈ અને અનન્યા અંદર પ્રવેશી.

"અનન્યા....!!" અનંતરાય ઉભા થઇ ગયા.

"અનન્યા, આવ બેટા અંદર આવ," સુજાતાએ હાથ પકડી એને સોફા પર બેસાડી.

"મમ્મી...પપ્પા....," અનન્યાની મોટી ભાવવાહી અને કાજળઘેરી આંખો અનરાધાર વરસી રહી હતી.

સુજાતા એની પાસે બેઠી અને એના માથે હાથ ફેરવવા લાગી.

"દીકરી, શું થયું છે એ તો કહે,"

"મમ્મી... બપોરે એક અજાણ્યા નંબરથી મને ફોન આવ્યો હતો અને એ વ્યક્તિએ જણાવ્યું કે રાજીવ અને રતન બંનેનો જીવ જોખમમાં છે અને બેય અત્યારે આઝમગઢ છે." આડીઅવળી વાત કર્યા વગર જ અનન્યા સીધી મુદ્દા પર આવી. "પપ્પા શું તમને આ વાતની ખબર છે?" આંસુઓથી ખરડાયેલા અનન્યાના ગાલ સુજાતા રૂમાલથી સાફ કરી રહી હતી.

અનન્યાના અવાજમાં થાકનો ભાર વર્તાઈ રહ્યો હતો. જાણે કેટલી લાંબી મજલ કાપીને આવી હોય એમ એના શ્વાસમાં હાંફ હતી. મણ-મણનો ભાર મન પર અને દરિયા જેવડું દુઃખ દિલ પર આવી પડ્યું હોય એમ એના ચહેરાની રોનક ફીકી પડી ગઈ હતી. એની મનસ્થિતી હાલકડોલક થઈ રહી હતી. પગનું જોર જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ ખેંચી લીધું હોય એમ એના ઢીલા પગ કાંપી રહ્યા હતા. ન ઈચ્છાશક્તિ કામ કરી રહી હતી કે ન તો વિચારશક્તિ. એની આવી સ્થિતિ જોઈ અનંતરાય અને સુજાતા પણ ઢીલા પડી રહ્યા હતા તેમ છતાંય માનસિક સ્થિતિ પર કાબુ મેળવી સુજાતાએ પાણીનો ગ્લાસ ભરી અનન્યાને પાણી પીવડાવ્યું.

ગણતરીના કલાકોમાં સમયનું ચક્ર જાણે ફરી ગયું હતું. જ્યાં ખુશીઓની રમઝટ જામી હતી ત્યાં રુદનના ડૂસકાં સંભળાઈ રહ્યા હતા. વિધિની વક્રતા વક્રી બની હતી. કુંડળીમાં જાણે કાળ-સર્પ ફેણ ચઢાવી બેઠો હતો. ખુશીઓને નજર ન લાગે એ માટે લગાડેલું કાળું ટપકું ખુદ નજર લગાવી બેઠું હતું.

"અનન્યા, પહેલાં થોડી રિલેક્સ થઈ જા. મનમાં પેસેલો ડર કાઢી નાખ, કેમકે અત્યારે જે પરિસ્થિતિ આપણા માથે વીજળીની જેમ ઓચિંતી આવી પડી છે એમાંથી માર્ગ મેળવવો આસાન નથી તો અશક્ય પણ નથી." અનંતરાયે નજીક આવી અનન્યાના માથે હાથ ફેરવ્યો.

મનમાં ચાલી રહેલા અણગમતા અને અણધાર્યા પ્રશ્નોના મારાથી મૂંઝાયેલી અનન્યા અવઢવમાં હતી. એની આંખો સુજાતા અને અનંતરાયને અનેક સવાલો કરી રહી હતી અને એ બંને એકમેક સામે જોતા મુક પૂતળા બની ઉભા હતા.

"પપ્પા-મમ્મી, પ્લીઝ મને કહો ને શું હકીકત છે, મારું માથું ચકરાય છે. મને.....મને.....રાજીવ પાસે જવું છે." અનન્યાએ સુજાતાનો હાથ કસીને પકડી લીધો.

"આ સમય આમ ઝુકી જઈને પરિસ્થિતિને ગળે વડગાળવાનો નથી કે તાબે થવાનો નથી, એની સામે ઝઝૂમી, સામનો કરી, પોતાના આત્મવિશ્વાસ પર વિશ્વાસ મૂકી એને આત્મસાત કરી, ડરને પોતાના પર હાવી ન થવા દેતા પરાજય તરફ પહોંચી રહેલી અણજાણ બાજીને વિજયમાં પલોટવાનો છે." અનંતરાય પોતાના અનુભવનું ભાથું ખોલી અનન્યાને જીવનજરૂરી જ્ઞાન શીખવી રહ્યા હતા, "અને....સાંભળ......" જ્ઞાન આપવાની સાથે સાથે અનંતરાયે આઝમગઢ, તરાના, કમરપટ્ટા અને આમિરઅલીની કથા મુદ્દાસર પણ ટૂંકાણમાં કહી સંભળાવી.

જેમ જેમ અનંતરાય વાત કહેતા ગયા તેમ તેમ અનન્યાના ચહેરા પર વધતો જતો ભય પરસેવા સ્વરૂપે એના ગાલથી વહેતો ગળા પરથી થઈ ઉપરનીચે થતા એના ધબકારામાં ભળી જઈને એની કુરતીને ભીંજવી રહ્યો હતો.

"બ.....સ.... " અનન્યાના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

"આ.....આ.....તો એ જ વાત છે જે મને વારંવાર સપનામાં આવ્યા કરે છે."

"શું......આ તું શું કહી રહી છે?" સુજાતા અને અનંતરાય બેય એકસાથે બોલી ઉઠ્યા.


*** *** ***


"આ રતનનો ફોન પણ નથી લાગતો, અણીના સમયે જ આ નેટવર્ક હાથતાળી આપી ભાગી જાય છે. કનક હવે કેટલી વાર, આપણે કેશવપર પહોંચવાનું છે કન્યાવિદાયમાં નહિ. આ પરબત ક્યારનોય ગાડી ચાલુ રાખીને વાટ જોતો બેઠો છે, ઝટ પગ ઉપાડ અને ઘર બરાબર બંધ કર્યું છે કે નહિ એ પણ એકવાર ચકાસી લેજે." પરબતની જીપમાં બેઠા પછી પણ જોરવરસિંહનો બબડાટ ચાલુ હતો.

ચાવીનો ઝુડો કમરે ખોસતા કનકબા ચાલવાની ઝડપ વધારી જીપમાં ગોઠવાયા એટલે જોરવરસિંહે પરબતને ઈશારો કર્યો અને પરબતે જીપ દોડાવી મૂકી. ગામનું પાદર પાર કર્યા પહેલા કનકબા અને જોરવરસિંહ મહાદેવના મંદિરે જઈ માથું નમાવી બધું હેમખેમ પાર પાડવાની પ્રાર્થના કરી આવ્યા. મેઈન રોડ પર આવ્યા બાદ પરબતે જીપની ઝડપ વધારી દીધી અને અડધા કલાક પછી કેશવપરની સીમમાં એન્ટ્રી કરી, નટવરસિંહની મેડીએ પહોંચી દરવાજાની સાંકળ ખખડાવે એ પહેલાં જ નટવરસિંહે બારણું ખોલ્યું.

"આવો વેવાઈ, આવો વેવાણ" આવકારો આપી નટવરસિંહ બેયને અંદર લઈ ગયા.

"માયાની માડી, પાણી લાવજો," નટવરસિંહે વાક્ય પૂરું કર્યું એટલામાં એમના પત્ની વસુમતી રસોડામાંથી પાણીના ગ્લાસ ભરી બહાર નીકળ્યા.

પશ્ચિમી વાયરા હજી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શી નહોતા શક્યા. વસુમતીએ ગ્રામ્ય પરિધાન ધારણ કર્યું હતું અને કપાળ સુધી ઘૂમટો તાણ્યો હતો પણ એમના ઘૂમટા પાછળ સંતાઈ રહેલા ચહેરાની ચિબુક પરથી અશ્રુબિંદુ એમના હાથમાં રહેલી ટ્રેમાં પડી રહ્યા હતા. કનકબાથી આ વાત છાની ન રહી એમણે તરત ઉભા થઈને વસુમતીના હાથમાં રહેલી ટ્રેમાંથી પાણીના ગ્લાસ ઉપાડી એક જોરવરસિંહને ધર્યો અને બીજો પરબતને આપ્યો અને ટ્રે ટીપોય પર મૂકી વસુમતીને પોતાની પાસે સોફા પર બેસાડી.

"વેવાણ તો આપણે સંબંધે છીએ, તમે તો મારી બેન જેવા છો અને માયા અમારી દીકરી જ છે. એના આમ ગૂમ થઈ જવાથી અમને પણ આંચકો લાગ્યો છે. ઘેરથી નીકળી ત્યાંસુધી તો બધું બરાબર હતું ખબર નહિ અચાનક શું થઈ ગયું." કનકબાએ વાતનો દોર શરૂ કર્યો.

"જોરુભા, અમનેય સમજણ નથી પડતી કે માયા આખરે ગઈ ક્યાં? એક બાપ માટે દીકરી કાળજાનો કટકો હોય છે. જ્યારથી અમને ખબર મળ્યા છે અમારી ભૂખ, નીંદર બધું વેરણ થઈ ગયું છે. શોધવી ક્યાં એને, કોને પૂછવું, શું કરવું?" નટવરસિંહ ખભે મુકેલા રૂમાલથી પોતાના આંસુઓ લૂછી રહ્યા હતા. જોરવરસિંહ એક પિતાના પરવશ ખભા પર પોતાના હાથ મૂકી એમને હિંમત બંધાવી રહ્યા હતા.

"નટવરભાઈ, આ જોરુભા જીવતો છે ત્યાં લગણ માયાને ઉની આંચ નહિ આવવા દે. એ જ્યાં હશે ત્યાંથી શોધીને જ જંપીશ" જોરવરસિંહના ચહેરા પર કરડાકી છવાઈ ગઈ, "આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. માતાજી પર ભરોસો રાખો, કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે....."

વાત હજી આગળ વધે એ પહેલાં જ જોરવરસિંહના મોબાઇલની રિંગ રણકી ઉઠી. ગજવામાંથી મોબાઈલ કાઢી નંબર જોતાં જ જોરવરસિંહની આંખોમાં આછો ક્રોધ વ્યાપી ગયો. તરત જ ઉભા થઈ એ બહાર નીકળી આંગણામાં આવી ઢોલિયા પર બેસી બટન ઓન કરી ફોન કાને ધર્યો.

"પહોંચી ગયા કેશવપર? આમ દોડા કાઢવાથી કાંઈ તમારી વહુ પાછી નહિ આવી જાય જોરવરસિંહ. જ્યાં સુધી મારી વાત નહિ માનો તમે કોઈ માયા સુધી નહિ પહોંચી શકો." સામે છેડે અટ્ટહાસ્ય વેરાયું.

"જુઓ....મેં તમારી શરત સ્વીકારીને તમે જેમ કહ્યું એમ અહીંયા આવી ગયો હવે તો કહી દયો કે માયા ક્યાં છે."

"હજી મારી શરત પુરી નથી થઈ જોરવરસિંહ, હજી તમારે એક અગત્યનું કામ કરવાનું છે, એ કામ પતે એટલે હું જાતે તમને માયા સુધી પહોંચાડી દઈશ."

"હવે શી શરત છે તમારી? જે હોય મારા બાપલા... હું તમારી હંધીય શરત માનવા તૈયાર છું પ....ણ....અમને અમારી માયા પાછી સોંપી દયો કાં તો અમને એની પાંહે લઈ જાઓ." જોરવરસિંહથી ત્યાં બેઠા બેઠા જ હાથ જોડાઈ ગયા.

"અરે.... પહેલાં મારી શરત તો સાંભળો, મારી વાત પતે ત્યાં સુધી તમારે મોઢેથી એકપણ શબ્દ ફાટવાનો નહિ. મારી વાતમાં વચ્ચે કોઈ બોલે એ મને પસંદ નથી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો....." સામેની વ્યક્તિએ વાતનું અનુસંધાન જોડી વાત આગળ વધારી.

વાત પુરી થયા પછી જોરવરસિંહ બાંયોથી ચહેરા પરનો પરસેવો લૂછતાં અંદર ગયા.

"કોનો ફોન હતો જોરુભા, મોઢે આટલો ગભરાટ કેમ?" નટવરસિંહ એમની બાજુમાં જઈ બેઠા.

"હેં.....હા....એ...તો.. ખેતરેથી માણસનો ફોન હતો. રાનીને ખેતરે મૂકી આવ્યા છીએ પણ એણે ત્યાં કંઈ ખાધું નથી અને ધમપછાડા કરે છે એ સાંભળી જરા ગભરાઈ ગયો હતો. પણ મેં એને સમજાવી દીધું છે કે એને કેમ સાચવવી."

"હમમમ....એ મૂંગુ પ્રાણીય પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાઈ છે એટલે રતનની ગેરહાજરી એનેય સાલતી હશે... જોરુભા એક વાત કિયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે ક્યાં?"

"આઝમગઢ" જોરવરસિંહ જવાબ આપે એ પહેલાં જ કનકબાના મોઢેથી શબ્દો સરી પડ્યા.

"આઝમગઢ........!" હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.