ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની
ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. આવા જ એક સંત જેમનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક નામ લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂતનો આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે પરિચય મેળવીએ.
શ્રી રંગ અવધૂતનો જન્મ 21 નવેમ્બર 1898, કારતક સુદ નોમનાં રોજ ગુજરાતના ગોધરા મુકામે થયો હતો. જન્મ સમયે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ કાશીબેન હતું.તેઓ હિંદુ ધર્મના દત્તપંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.
તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ઈ સ. ૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.
તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.
બાળપણમાં લોકોને મરતાં અને મૃતદેહોને બળતા જોઈ તેમણે એમનાં પિતાને પ્રશ્ન પૂછ્યો, "તમે આ લોકોને બાળી દો છો તે એમને દાઝતું નહીં હોય?" આ સાંભળી એ બાળકનાં પિતાએ એને રામ નામનો જપ કરવા કહ્યું. ત્યારથી પાંડુરંગને પ્રભુ લગની લાગી ગઈ અને તેઓ પરંપરાગત અભ્યાસ કરવા લાગ્યા.
એ દરમિયાન સ્વતંત્રતા ચળવળનો પણ એમને રંગ લાગ્યો. તેઓ ગાંધીજીને મળ્યા અને એમને પણ આઝાદી મેળવવાનું ઝનૂન ચડ્યું. તેમણે પણ આઝાદીની લડતમાં ઝુકાવ્યું. ગાંધીજીના કહેવાથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે દાખલ થયા. તે છતાં પણ તેમનું મન તો રામનામમાં જ લાગેલું રહેતું. ગુરુ ચરિત્રની પોથીનું વાંચન તો એમનું એમનાં કડક નિયમો સાથે ચાલુ જ હતું. તેમણે પોતાની રીતે આસન, ધ્યાન, યોગ, પ્રાણાયામ બધું ચાલુ જ રાખ્યું હતું. આ બધું તેઓ સવારે ખૂબ વહેલા ઊઠી કરતા હતા, આથી ઘણાં લોકોને એમની આ પ્રવૃત્તિઓની ખબર જ ન્હોતી પડતી. અંદરથી તો તેઓ અધ્યાત્મને માર્ગે જ ચાલતા હતા.
તેઓ ક્યાંક ફરવા પણ જતા કે કોઈક જગ્યાએ જતા તો ત્યાં પણ તેઓ એકાંત શોધી લેતા. આ એકાંત સ્થળે શોધીને તેઓ પોતાની સાધના શરુ કરી દેતા. તેમનો નાનો ભાઈને નોકરી મળી જતાં તેમણે પોતાની માતા પાસે સંસાર છોડી સંન્યાસ લેવાની પરવાનગી માંગી. માતાને આ બાબતે સમજાવવા માટે એમણે કહ્યું હતું કે જો તેઓ લગ્ન કરશે તો માત્ર એક જ વહુ તેમની માતાને પગે લાગશે, પરંતુ જો સંન્યાસ લઈને લોક કલ્યાણનાં કાર્યો કરશે તો ઘણી બધી વહુઓ તેમને પગે લાગશે. આખરે તેમની માતાએ તેમને આશિર્વાદ સાથે પરવાનગી આપી દીધી.
તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે. તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નામસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે.
શ્રી રંગ અવધૂત મહારાજે માનવ કલ્યાણ માટે આપેલ અવતરણો:
પરસ્પર દેવો ભવઃ
શ્વાસે શ્વાસે દત્તનામ સંકીર્તન
સત્યમેવ પરમ તપ
શ્રી રંગ અવધૂત વિશે ગુજરાતની જૂની પેઢી તો ઘણું બધું જાણે જ છે, પરંતુ જરુર છે નવી પેઢીને તેમને જાણવાની.
જૂની પેઢી આ મહામાનવ પ્રત્યે ઘણો આદર અને અહોભાવ ધરાવે છે. 'પરસ્પર દેવો ભવ'નું સૂત્ર આપી તેમણે પોતાની એક સંત તરીકેની ઊંચાઈ સ્થાપિત કરી છે. 'પરસ્પર દેવો ભવ' એટલે તમારી સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ કે જીવ દેવ છે એમ સમજવું. આમ સમજવાથી આપોઆપ જ અન્ય પ્રત્યે માન ઉપજશે અને કોઈ પણ પ્રકારનાં ઝગડા કે મનદુઃખ જેવા પ્રસંગો ઉભા થશે નહીં.
અધ્યાત્મના માર્ગે ચાલી નીકળેલા શ્રી રંગ અવધૂતે નારેશ્વરમાં માતૃ સ્મૃતિનું સ્મારક રચ્યું છે. આ શૈલ સ્મારકની દર વર્ષે માતાજીની જન્મતિથી વખતે પરિક્રમા કાર્યક્રમ રખાય છે. ભક્તો ઉત્સાહભેર ભક્તિભાવથી આ પરિક્રમામાં ભાગ લે છે.
બધે ભ્રમણ કરતા કરતા તેઓ કપડવંજ પહોંચ્યા અને ત્યાં બોલ્યા કે બસ આ આપણું છેલ્લું પરિભ્રમણ. સાચે જ તે તેમનું અંતિમ સ્થાનક બની ગયું. ત્યાંથી તેઓ હરિદ્વાર પોતાનાં આશ્રમમાં ગયા હતા. ૧૯ નવેમ્બર ૧૯૬૮ (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ ૨૧ નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ મહાન સંતને કોટિ કોટિ વંદન.🙏
- સ્નેહલ જાની.
23/07/2021