Witch one ?? - (End Original Witch Exposed) books and stories free download online pdf in Gujarati

વીચ one?? - (End અસલ વીચ પર્દાફાશ )

રૂકસાના રોઝનાં આ રૂપથી ડરીને ધીરે ધીરે બહાર આવી.

"તમને શું લાગ્યું રૂકસાના? તમે અહીંયા સુલતાનની નજરોથી દૂર મને મારવાનું ષડયંત્ર કરશો અને મને ખબર નહીં પડે! સુલતાનને મેં જ હાથે કરીને જંગલમાં મોકલ્યા જેથી તમે મારી નજર સામે આવો." રોઝની લીલી આંખો જાણે લાલ બનતી હતી. તેની કીકીનો ઘણો ભાગ લાલાશ પડતો થઇ ગયો.

"આપ જ અસલી વિચ છો હેં ને? આપે જ અર્શી બેબીને ગાયબ કરી." રૂકસાનાની આંખોમાં પણ ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી.

"તમે પણ સુલતાન જેવી ભૂલ ના કરીશો. એ પણ મારી પૂરી વાત સાંભળ્યા વગર અહીંથી જતાં રહ્યા. બે વાર અહીંયા આવીને ગયાં પણ એકપણ વખત મને બોલવા ન દીધી."

"આપે સુલતાનને બિસ્તરનું સુખ શું દઈ દીધું તો શું આપને એમ લાગે છે કે સુલતાન આપની આંગળીઓ પર નાચવા લાગશે. કયારેય નહીં! સુલતાનને મારાથી વધુ કોઈ નથી જાણતું."

"હા પણ એની અત્યારની પરિસ્થિતિથી જરૂર વાકેફ છું."

"હુંહહ આપ ગઈકાલનાં મળેલા મારાં સુલતાનની પરિસ્થિતિને સમજવાની વાતો કરો છો."

"રૂકસાના જે ગુરુર આપ મારી સાથે વાત કરવામાં દેખાડો છો એટલો પ્રેમ સુલતાનને આપ્યો હોત તો એમનું ધ્યાન ના ભટકત." રોઝ નજાકતથી પોતાનાં શરીરના અંગો પર પોતાનાં હાથ ફેરવતી બોલી.

"આપને આપની સુંદરતા પર ખૂબ ઘમંડ છે ને! પણ ખ઼ુદા પણ આપનું રૂપ જરૂર છીનવી લેશે."

"પણ હું વિચ નથી."

"શું?? જુઠ્ઠી."

"સાચ્ચે. હું વિચ નથી."

"આપ વિચ નથી તો કોણ છે અસલી વિચ??" રૂકસાનાએ ચહેરાં પર સિકત ખેંચતા પૂછ્યું.

*******************

નગ્મા ચાલતી ચાલતી જતી હતી. ચમચીડિયાઓ તેનો રસ્તો રોકીને તેને પરેશાન કરી રહ્યા હતાં. ત્યાંજ ક્યારનીયે ચિડાયેલ નગ્માએ એકજ હાથ વડે પોતાની આગળ આવેલાં એક ચામાચીડિયાને પકડી લીધું. તે ચામાચીડિયાની ચીસો શાંત વાતાવરણમાં ગુંજવા લાગી. કુતરાઓ હવે વધુ જોરજોરથી ભસવા લાગ્યાં. બીજા ચામાચીડિયાઓ હવે દૂર રહીને નગ્મા ફરતે ફરવા લાગ્યાં.

નગ્માએ હાથમાં રહેલ ચામાચીડિયાને પોતાનાં હાથોથી દબાણ આપીને ખૂબ મસળ્યું. તે ચામાચીડિયું પોતાનાં જીવની ભીખ માંગતું હોય એમ તેનાં આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યાં. નગ્માએ તેને પોતાનાં ચહેરાની વધુ નજીક કર્યું અને બોલી, "પાગલ જાનવર, મારાં રૂપને તું કેમ ભુલ્યો! લાગે છે તને મારું અસલી રૂપ જોવું છે." આટલું કહી નગ્મા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી.

નગ્મા એક હાથમાં ચામાચીડિયાને પક્ડીને આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરવા લાગી. ઘડીકમાં તો નગ્માનું રૂપ ખીલવા લાગ્યું. લાલ રંગના લાંબા ડ્રેસમાં તે પણ કોઈ સુંદર પરી લાગતી હતી. તેનાં શરીરના અંગો માંસલ દેહની માફક ઉભરાઈ રહ્યા હતાં. તેનાં કેશ લાંબા સુંવાળા હવામાં લહેરાઈ રહ્યા હતાં. ચહેરાં પર અપાર સુંદરતા, આંખોમાં એક અનોખું તેજ, ચહેરાં પર ઘેરા લાલ રંગની લિપસ્ટિક, લીલા રંગની આંખોમાં કાજળ, હોઠોની નીચે તલ તેને વધુ સુંદર બનાવી રહ્યા હતાં.

નગ્માએ તે ચામાચીડિયાને પોતાનાં ચહેરાં પાસે લાવતાં કહ્યું, "બસ, જોઈ લીધું મારું રૂપ. તમારાં લોકોનાં ધ્યાન ભટકાવવાના લીધે હું ક્યારનીયે એ ન જોઈ શકી કે મારો ખુદનો બાળક મારી જાસૂસી કરતો પાછળ આવી રહ્યો છે."

આટલું કહી નગ્માએ તે ચમચીડિયાને બે હાથ વડે પક્ડીને તેનાં અંગના બે ટુકડા કરી નાખ્યા અને તે પાછળ ફરી.

આમિર ઝાડની પાછળ છુપાઈ ગયો. નગ્માએ પ્રેમથી બોલાવતા કહ્યું, "આમિર, મારાં સૌથી પ્યારા બચ્ચા, બહાર આવો બેટા. આપની અમ્મીને ખબર છે કે આપ અહીંયા જ છો."

આમિર ડરતાં ડરતાં ઝાડની પાછળથી ડોકિયું કર્યું. તે પોતાની જ અમ્મીનું આ રૂપ જોઈને ખૂબ ડરી ગયો હતો.

"અમ્મી, મને.... ડર.... લાગે છે." આમિર ધ્રુજતા સ્વરે બોલ્યો.

"આમિર, આપની અમ્મી આપને કાંઈ નહીં કરે. આપે થોડી અમ્મીને પરેશાન કરી છે! આ ચામાચીડિયું કરતું હતું બેટા એટલે એને સબક મળ્યો. આપ તો ખૂબ ડાહ્યા બચ્ચા છો ને?!" નગ્મા પ્રેમથી બોલી રહી.

આમિરનો ડર થોડો દૂર થયો. તે ધીરે ધીરે બહાર આવ્યો અને નગ્મા તરફ એક એક ડગ માંડવા લાગ્યો. નગ્માએ આમિરની નજીક આવતાં જ તેને જોરથી ખેંચ્યો ને નગ્માનો નખ આમિરના ખભા પર જોરથી વાગતાં તેમાંથી લોહી નીકળવા લાગ્યું.

"આહ...." આમિર જોરથી ચિલ્લાઈ ઉઠ્યો. નગ્મા નાદાનભાવે બોલી, "માફ કરી દો બેટા. અમ્મીને નહોતી ખબર કે આપ હજુ ખૂબ નાજુક છો."

આમિરની આંખમાં આંસુ આવ્યા છતાં તે ચુપચાપ દર્દ સહેતો રહ્યો.

"ચાલો બેટા. અમ્મી આજે આપને બધું જણાવશે." આટલું કહી નગ્માએ આમિરના ગળે હાથ વિંટાળીને ચાલવા માંડ્યું. આમિરને તો કોઈ અજગરની માફક તેની પર લપેટાયું હોય એવું લાગ્યું.

ત્યાંજ પેલું મકાન આવ્યું જ્યાં નગ્મા પહેલાં પણ જઈ ચૂકી હતી. આમિર રોકાઈ ગયો.

"ચાલ અંદર આમિર." નગ્માએ રોકાયેલા આમિરને ખેંચતા કહ્યું.

"અમ્મી, મારે....અંદર....નથી....જવું. પ્લીઝ મને જવાં દો." આમિર ઢીલો થતાં બોલ્યો.

"બેટા, આપને હું કંઈક દેખાડવા માંગુ છું. આપ કેમ અંદર નથી આવતાં?"

"અમ્મી, શેરૂએ પણ મને અહીંયા જવાની ના પાડી હતી." આમિર નીચી નજરો કરતાં ગભરાઈને બોલ્યો.

"શેરૂ એક કુત્તો હતો. હવે આમિર આપ આપની અમ્મીની જગ્યાએ એક કુત્તાની બાતોં પર વિશ્વાસ કરશો?" નગ્મા ગુસ્સે ભરાઈને બોલી. તેનો જોરથી બોલવાનો અવાજ શાંત વાતાવરણમાં પડઘા પાડવા લાગ્યો.

"આપે જ શેરૂને માર્યો છે. મેં મારી આંખોથી જોયું છે." આમિર રડતાં રડતાં બોલવા લાગ્યો.

"ઓહહો આમિર, એક કુત્તો મારાં આમિરને પોતાનાં બચ્ચાની જેમ સાચવવા લાગ્યો હતો તો એને મારવો જ રહ્યો ને બેટા. આપના વાલિદ હજુ જીવતા છે આપની ફિકર કરવા એ ન ભૂલશો." નગ્મા ગુસ્સામાં દાંત ભીંસીને બોલી રહી.

"આપે અર્શીને પણ ઉઠાઈ લીધી હતી. હું જાગતો હતો. મેં ખુદ જોયું હતું." આમિર નીચું મોઢું રાખીને નજર નીચે ફેરવતો ફેરવતો ગભરાઈને બોલી ગયો.

"આમિર, આપને અર્શીને જોવી છે ને??" નગ્માએ ખંધુ હસતાં પૂછ્યું.

આમિરે માત્ર ડોકું હલાવી જવાબ આપ્યો.

"તો ચાલો અંદર. અર્શી અંદર જ છે." નગ્માએ આમિરનો હાથ ખેંચતા કહ્યું. આમિર પણ અંદર જવાં લાગ્યો.

તે મકાનની અંદર પ્રવેશીને દરવાજો તરત બંધ થઇ ગયો. ઓરડામાં ખૂબજ અંધારું હતું. આગળ કશું જ દેખાતું નહોતું.

"આવી ગઈ તું??" એક કર્કશ અવાજ ઓરડામાં ગુંજી ઉઠ્યો.

"હા, સાથે મારાં માસુમ બચ્ચાને પણ લાવી છું." નગ્માએ પણ શાંત વાતાવરણની શાંતિ ચીરતાં જવાબ આપ્યો.

"લાવ એને મારી પાસે મોકલ." તે કર્કશ અવાજ બોલી ઉઠ્યો.

આ વાર્તાલાપ સાંભળી આમિરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં. નગ્માએ તેને હસીને જોરથી ધક્કો માર્યો અને આમિર તેના હાથે ભટકાયો. આમિરની ધડકનો ખૂબજ દોડવા લાગી હતી. તેનાં મોંઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. તે સ્ત્રીએ જોરથી આમિરને પકડી લીધી.

"કેટલા દિવસે મારો સ્પર્શ નાજુક શરીરને અડ્યો છે." તે કર્કશ અવાજ બોલી ઉઠ્યો. આમિરે સહેજ ઉજાશમાં જોયું તો તેનો ચહેરો જોઈને તેને ફાળ પડી.

*********************

"તું વિચ નથી તો. અસલી વિચ કોણ છે??" રૂકસાનાએ નવાઈ પામતાં પૂછ્યું.

રોઝ રૂકસાનાનો હાથ પક્ડીને તે જ્યાં પ્રેયર કરતી હતી એ રૂમમાં લઈ ગઈ. ત્યાં રોઝે હાથ વડે ઈશારો કરીને રૂકસાનાને તે જોવા કહ્યું.

સામેનું દ્રશ્ય જોઈને રૂકસાનાની આંખો પહોળી થઇ ગઈ. સામે રોઝ અને નગ્માની જોડે ઉભા રહેતી તસ્વીર હતી. એક બીજી તસ્વીર પણ હતી જેમાં નગ્મા વિચ બનેલી હતી જેની ઝલક સ્પષ્ટ જોઈ શકાતી હતી. રૂકસાનાને આ બધું જોઈને કંઈજ સમજમાં નહોતું આવતું. ત્યાં એક ગોળાકાર કાળો પથ્થર હતો જેમાંથી ધુમાડો અવિરતપણે નીકળતો હતો.

"આ બધું શું છે?" રૂકસાનાએ હેરાનીથી પૂછ્યું.

"ચલો, આપે કમસેકમ જાણવાની ઈચ્છા તો પ્રકટ કરી. સુલતાન તો કંઈજ સમજ્યા વગર જ અહીંથી ગુસ્સામાં નીકળી ગયાં." રોઝનાં ચહેરાં પર આટલું કહેતાં ઉદાસી છવાઈ ગઈ.

"રોઝ, મને સચ્ચાઈ જાણવી છે." રૂકસાનાએ રોઝની આંખોમાં જોતાં કહ્યું.

"આપણે બહાર બેસીએ." આટલું કહી રોઝે રૂકસાનાનો હાથ પક્ડીને પોતાનાં બેડરૂમમાં બેસાડી.

"રૂકસાના, આપને કદાચ હું જે પણ કહીશ એ બધું એક કાલ્પનિક વાર્તા લાગશે પણ હકીકત આ જ છે જેને હું કે તમે નહીં બદલી શકીએ."

"એટલો વિશ્વાસ તો કરી શકું છું કે આપ મને પૂર્ણ સત્ય જણાવશો."

"આજથી અઢાર વર્ષ પહેલાંની વાત છે. નગ્મા અહીંયા ભાન ભૂલીને પાણીની તલાશે આવી ગયાં હતાં. મારાં પિતાજી અહીંયા જ જંગલમાં રહીને લોકોની સેવા કરતાં હતાં. તે વખતે પણ જંગલમાં આવવાથી સૌ કોઈ ડરતું હતું. નગ્મા અંદર આવી તો ગયાં પણ તેઓ ભૂલા પડ્યાં.

મારાં પિતાજી અને નગ્મા ત્યારે જ એકબીજાને પ્રથમ વખત મળ્યા. મારાં પિતાજીએ નગ્માને અહીંયા ઘરે લાવી દીધી. તે વખતે નગ્માનાં લગ્ન થઇ ચૂક્યા હતાં અને તમે તેમની દીકરી હતાં. મારાં પિતાજી અને નગ્મા વચ્ચે એક ન આવે એવી ક્ષણ આવી ગઈ અને બંને વચ્ચે સંબંધ બંધાયો. નગ્મા અને પિતાજી મને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં હતાં. નગ્માને દસ દિવસ બાદ પોતાનાં ઘરની યાદ આવી ગઈ. તેને તમારી યાદ આવી ગઈ. તેણે ફરી આવવાનું વચન આપીને મારાં પિતાજીની મદદથી પોતાનાં ઘરે જવામાં સફળતા હાંસિલ કરી.

તેમનો આમ વારેવારે મળવાનો સિલસિલો ચાલુ થઇ ચૂક્યો હતો. બન્ને જાણતા હતાં કે બંનેનો સંબંધ એકદિવસ જરૂર સમાપ્ત થશે પણ એવામાં જ નગ્મા ફરી ગર્ભવતી થઇ ગયાં. તે બાળક મારાં પિતાજીનું હતું એ નગ્મા જાણી ચૂકી હતી. નગ્મા પર તેનાં પતિના અત્યાચાર ખૂબ વધતા હતાં. હવે તેમને મારાં પિતાજી સાથે જ રહેવું હતું પણ મારાં પિતાજીએ તેમને ખૂબ સમજાવ્યા. નગ્માએ બાળક સાચવવાની જવાબદારી લેવાનું નક્કી કર્યું અને તેને આખરી મહિના સુધી નિભાવ્યું પણ કુદરતને કંઈક બીજું જ સૂઝ્યું હતું.

જે રાતે નગ્માને પીડા ઉપડી ત્યારે રહીમે તેમને નશામાં ખૂબ મારી હતી. નગ્મા કોઈને કાંઈ પણ કહ્યા વગર જંગલ તરફ દોડવા નીકળી ગયાં. દોડતાં દોડતાં જયારે તે પાકી સડકને પાર કરીને સામે જંગલ તરફ જતાં હતાં ત્યાંજ એક ગાડી આવી અને તેની ટક્કર નગ્માને વાગી. નગ્મા ત્યાં દર્દથી કણસતા રહ્યા. વરસાદ પૂરજોશમાં હતો. તે ગાડીવાળો ત્યાંથી ડરીને ભાગી ગયો. નગ્માની ચીસો શાંત વાતાવરણમાં ગુંજવા લાગી હતી પણ તેની ચીસો સાંભળવા કોઈ નહોતું.

નગ્માને ખૂબજ પીડા થતી હતી. તેનાં માથાનાં ભાગેથી ખૂબજ લોહી નીકળી રહ્યું હતું. તેવામાં તે વિચ રેશ્માની નજર નગ્મા ઉપર પડી. તેણે નગ્માને લઈને જંગલ તરફ ચાલવા માંડ્યું. નગ્મા બેહોશ થઇ ચૂકી હતી. તે નગ્માને માત્ર સ્પર્શીને નગ્મા વિશે બધું જાણી ગઈ હતી. કાળા લીબાસમાં તે મારાં પિતાજીનો ઘરનો દરવાજો ખટખટવા લાગી.

પિતાજીએ બહાર આવીને જોયું તો તેઓ નગ્માને એક વિચનાં હાથોમાં જોઈને ખૂબજ ગભરાઈ ગયાં. તેમણે નગ્માને અંદર લઈ લીધી. નગ્માનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. મારાં પિતાજી ખૂબજ રોવા લાગ્યાં. તેમનું આક્રંદ સાંભળીને તે અંદર આવી. તેણે મારાં પિતાજીને કહ્યું કે તે ચાહે તો નગ્મા અને તેની બચ્ચીને પુનઃજીવિત કરી શકશે પણ બદલામાં નગ્મા વિચ બની જશે અને સમય જતાં તેણે તેની બચ્ચીને પણ બનાવવી પડશે. મારાં પિતાજીને સમજ નહોતી પડતી તેમણે છેવટે તે વિચની વાત માની લીધી. નગ્માને પુનઃ જીવિત કરી દેવામાં આવી. નગ્માને થોડી જ વારમાં પીડા ઉપડી અને મારો જન્મ થયો. હું ખૂબજ સુંદર જન્મી હતી એટલી કે મને નગ્મા અને મારાં પિતાજીનું સંતાન પણ કોઈ કહી ન શકે!

મારાં પિતાજીએ અને નગ્માએ તે રેશ્માની સાથે ત્યાં આવેલી સુનયના વિચનો આભાર માન્યો. તે સ્ત્રીએ અમુક શરતો બતાવી. દર વર્ષની અમાસે નગ્માએ રેબીલોન દેવીને એક બાળકી અર્પણ કરવાની રહેશે. તેમજ તેણે દર અમાસે કોઈ યુવાન શરીરને નીચોવવું પડશે નહીં તો તે દિવસે ને દિવસે વૃદ્ધ થતી જશે. વિચનું આયુષ્ય માત્ર એકવીસ વર્ષનું જ હોય અને તે સમયે નગ્માની ઉંમર વીસ વર્ષ હતી. જો તેણે જીવતા રહેવું હોય તો તેણે ફરજીયાત યુવાન લોકોનો શિકાર કરતાં રહેવું પડે. નગ્મા તૂટી ગઈ હતી તેને સમજ નહોતું આવતું કે આ બધું તેની સાથે અચાનક શું થઇ ગયું. તે છેવટે રોઝને ત્યાં મૂકીને પાછી પોતાનાં ઘરે જતી રહી. તેની ભૂખરી આંખો હવે લીલી બની ચૂકી હતી. તેનાં કેશ પણ પહેલાં કરતાં સુંવાળા બની ગયાં હતાં. તેણે પોતાની અસલિયતને છુપાવવા ત્યારથી કાળા લીબાસને અપનાવી લીધો. તે પોતાની સુંદરતાને દુનિયાની નજરોથી છુપાવવા લાગી.

છ મહિના તેણે આમ જ મનોમંથનમાં પસાર કર્યા. તેણે છેવટે જીવવાનું પસંદ કર્યું. તે ફરી પિતાજી અને મને મળવા આવી. ત્યારબાદ થોડાં થોડાં સમયે તેઓ મળતાં રહ્યા. મારાં પિતાજીએ નગ્માને જીવ બચાવવાં શિકાર કરવાની સલાહ આપી. રેશમાં એક મકાનમાં રહેતી હતી. નગ્મા ત્યાં જઈને તેને મળી. તેણે નગ્માને સમજાવી. બીજા દિવસથી ગામમાં કોઈ ને કોઈ વ્યક્તિની ગુમ થયાની ખબરો ફેલાવવા લાગી. નગ્માએ જંગલમાં રહીને લોકોને રાહ ભટકાવી તેમનો પણ શિકાર કર્યો. તેણે પોતાની સુંદરતા જાળવવા એક પછી એક એમ લોકોનો શિકાર કર્યો પરંતુ એક દિવસ નગ્માને જાણવા મળ્યું કે રેશ્માએ નગ્માને કયારેય એમ નહોતું કહ્યું કે હું જયારે એકવીસ વર્ષની થશે ત્યારે નગ્મા અથવા મારે શક્તિઓ હાંસિલ કરવા બલિદાન આપવું પડશે. એ માટે મારું કુંવાળા હોવું જરૂરી હતું.

મારાં પિતાજીને આ વાતની ખબર પડી ગઈ હતી તેમણે કાગળમાં મરતા પહેલા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો જેથી નગ્મા જાણી શકે. નગ્મા હવે પહેલાં કરતાં ક્રૂર બની ચૂકી હતી. તેણે રેશ્મા સાથે બાથ ભીડી પણ નગ્માને તેમાં માત મળી. નગ્માએ બધું પૂર્વાયોજન કર્યું. તેણે આઝાદીની લડતનો લાભ લીધો. જંગલમાં આશરો લઈ તે બધું પોતાનાં ધાર્યા મુજબ કરવા લાગી. તમે અને સુલતાન કાંઈ પણ કરતાં એની ખબર નગ્માને કાયમ રહેતી. અત્યારે પણ તે જાણે છે કે આપણે બેઉ એકસાથે છીએ.

તને શું લાગે છે રૂકસાના?? સુલતાન પોતાની મરજીથી અહીંયા આવ્યા હતાં?? ના... તેમને અહીંયા લાવવા પાછળ એક મકસદ હતો જેથી હું કુંવારી ન રહું અને એ યોજના નગ્માની સફળ રહી. તેણે હાથે કરીને અર્શીની બલી દીધી જેથી અને રેબીલોન દેવીની ચહિતી રેશ્માનો ખાત્મો કરી શકે. તેમજ સુનયનાને પણ તેનાં પાક ઈરાદાઓની ભનક ન પડે. તમને તમારાં દરેક સવાલોનાં જવાબ હવે કદાચ મળી ગયાં હશે." રોઝે પોતાની આંખોનાં બાણ ખેંચતા પૂછ્યું.

રૂકસાના અવાકપણે આ બધું સાંભળી રહી. તેને આ બધું એક સ્વપ્ન સમાન લાગવા લાગ્યું. હકીકત અને કલ્પના વચ્ચેની પાતળી ભેદરેખા સમજવામાં તેને કષ્ટ થવાં લાગ્યો.

"તો હવે?? શું અમ્મી તને બચાવી લેશે એમ??"

"હા, પણ બદલામાં બીજી છોકરીનો જીવ તેણે અર્પણ કરવો પડશે." રોઝે રૂકસાના તરફ જોતાં કહ્યું.

"કોનો?" રૂકસાનાએ ભોળા બનતા પૂછ્યું.

"તારો..." રોઝનાં આટલું કહેતાં તેનાં ચહેરાં પર નિરાશા છવાઈ ગઈ.

***********************

તે ચહેરો સંપૂર્ણ બળી ચૂકેલો હતો. તેની ચામડીનાં છોતરાઓ કોઈએ ઉખાડી લીધા હોય એવા બિહામણાં હતાં. જેમાંથી રક્ત ટપકી રહ્યું હતું.

"નગ્મા, તારા બેટાને અર્પીને તે આજે મને ખૂબ ખુશ કરી દીધી છે. બદલામાં હવે હું રેશ્માની સુંદરતા અને તેની શક્તિઓ બધું જ છીનવી લઉં છું." તે કર્કશ અવાજ હસતાં હસતાં બોલી ઉઠ્યો.

"આપની મહેરબાની સદાય મારી બચ્ચી રોઝ પર રહેશે સુનયના. હું આપની અને રેબીલોન દેવીની વફાદાર કાયમ બની રહું એવી ગુઝારિશ કરું છું."

"બેશક. આપ રહેશો. આજથી રેશ્માની તમામ શક્તિઓ અને તેની સુંદરતા બધું જ હું તમને અર્પું છું નગ્મા. પણ હજુ રોઝનાં બદલામાં આપે એક યુવાન સ્ત્રી મને સોંપવાની છે."

"જી એ પણ હું હમણાં આજરાત સુધીમાં તમારી આગળ પેશ કરીશ." નગ્મા નીચું ઝુકીને બોલી આંખમાં એક આંસુ પાડી અને ત્યાંથી નીકળી ગઈ.

આમિર જોરજોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો.

નગ્માનાં જતાં જ તે સુનયનાએ આમિરનાં શરીરને પક્ડીને તેની યુવાની ખેંચી લીધી. તેનાં શરીરનો કશ જાણે આમિરમાંથી નીકળીને તેની તરફ જતો હતો. આમિરનાં શરીરમાંથી પ્રાણ ઉડતાં જતાં હતાં. તેનું શરીર મૃતપ્રાય બનતું જતું હતું. સુનયના પાછી જુવાન થવાં લાગી હતી.

સુનયના આમિરનાં શરીરને ત્યાંજ પડતું મૂકીને આગળ આવી. ત્યાંજ આસપાસ સફેદ પ્રકાશ ફેલાઈ ગયો.
તે જાદુઈ મિરર હતો એ રૂમમાં આવી. ત્યાં એક સ્ત્રીને પાંજરામાં પૂરી દીધી હતી. તે જોરજોરથી ચિલ્લાઈ રહી હતી.

"સુનયના, મને જવાં દો. નગ્માની બચ્ચી તમને જરૂર દગો દેશે. હું આટલાં વર્ષોથી આપની અને રેબીલોન દેવીની ખિદમત કરું છું. મારાં પર ભરોસો કરો." તે સ્ત્રી રેશ્મા જ હતી. તે હાથ જોડીને વિનંતી કરતી હતી.

"રેશ્મા, સમય બદલાય છે, નથી બદલાતી તો માત્ર સુંદરતા,
જેને મેળવવા લોકોનો વર્ષો જેટલો સમય જાળવી રાખવો પડે છે. નગ્માએ આટલાં વર્ષો પોતાનાં બાળકોને મોટા કરીને એને મારાં માટે સોંપી દીધા એ જ તેનું બલિદાન માંગી રહી છે. તે એનાં પ્રેમીને મારીને ઠીક નહોતું કર્યું, બદલો તો લેવો જ જોઈએ ને તો લીધો એણે." આટલું કહી સુનયના હસવા લાગી. તેનો અવાજ પણ કર્કશની જગ્યાએ મધુર થઇ ગયો હતો.

"પણ મેં આપના કહેવાથી તેનાં પ્રેમીને માર્યો હતો. મને શું મળત તેનાં પ્રેમીને મારવાથી!" રેશ્મા ગુસ્સે થઈને ચિલ્લાઈ ઉઠી.

"હાહાહા પાગલ વિચ. વિચમાં પણ એક બીચ હોય છે. મને જાદુઈ મિરરમાં દેખાઈ ગયું હતું કે તારા ઈરાદા પાક નથી. એટલે જ મેં આ બધું સુયોજિત કર્યું. નગ્માને ઉભી રાખીને જોયું તો તે પોતાનાં જ બાળકને મારવાં માટે બેઠી હતી. તે મને દગો નહોતી દેતી. સમજી." આટલું કહી સુનયનાએ રેશ્માના શરીરમાં રહેલાં પ્રાણ અને તેની શક્તિઓ ખેંચવા માંડ્યું.

રેશ્મા મૃતપ્રાય બનીને નીચે ઢળી પડી.

થોડીવારમાં સુનયના,નગ્મા, રોઝ અને રૂકસાના જંગલના મધ્ય ભાગમાં ઉભા હતાં. લાકડાંનો ભારો અગ્નિથી પ્રજ્વલિત હતો. અગનજ્વાળાઓ દરેકનાં ચહેરાં પર પડતાં બધાનાં ચહેરાઓ સોનાની માફક ચમકી રહ્યા હતાં. રોઝે રૂકસાનાને બાંધી રાખી હતી. રૂકસાના જોરજોરથી સુલતાનનાં નામની બુમો મારી રહી હતી.

"આપ ફિકર ન કરો રૂકસાના. સુલતાનને પણ હું પોતે ઇત્મિનનથી મારીશ." નગ્મા આટલું કહી હસવા લાગી.

"અમ્મી, શું કામ?? રોઝ આપની બચ્ચી છે તો હું પણ તો આપની બચ્ચી છું." રૂકસાના રડતાં રડતાં આટલું માંડ બોલી શકી.

"રોઝ મારી અને જેકની બચ્ચી છે. તું તારો ભાઈ આમિર અને અર્શી તમે ત્રણેય મારી પર રહીમ દ્વારા થતાં અત્યાચારનું પરિણામ છો. રહીમ તો મરી ગયો. ચાહત તો એને ક્યારનોય ખતમ કરી દીધો હોત પણ વિચ પોતાનાં જે તે મનુષ્ય સાથે બાંધેલા સમાગમના સંબંધને લીધે તેને ન મારી શકે. રહીમને આત્મહત્યા કરવા મજબુર જરૂર કરતી હતી જેનાં લીધે જ તે અતડો થઇ ચૂક્યો હતો પણ સાલો નામર્દ મરવાનું નામ નહોતો લેતો. આજે જઈને મને આ સફળતા સાંપડી છે."

"અમ્મી, આમિર અને અર્શી નાના બચ્ચા હતાં. સુલતાન આપને ખૂબ જ ચાહે છે. એમની સાથે ન કરશો આવું." રૂકસાના છૂટવાના પ્રયત્નો કરતી નગ્મા સામું જોતાં બોલી.

"મારી બચ્ચી. આમિર અને અર્શી મેં કહ્યું એમ રહીમની ઓલાદ હતી જેને હું નહોતી સાચવવા માંગતી. રહી વાત સુલતાનની તો એ તને અને રોઝ બેઉની સાથે સુખ સય્યા માણતો હતો. તેણે રોઝની જિંદગી બચાવવાં તેની સાથે સંબંધ જરૂર બાંધ્યો પણ તેણે કયારેય રોઝને પ્રેમભરી નજરોથી જોઈ જ નહોતી. તેની નજરોમાં વાસના ટપકતી હતી. મારી બચ્ચીને હું એવા જોડે કયારેય ન રહેવા દઉં." નગ્મા ઊંચા અવાજે બોલી રહી.

"નગ્મા, મને વિચ નથી બનવું." રોઝ નગ્માની પાસે આવીને આંખોમાં આંસુ લાવતાં બોલી.

"રોઝ, આપ ચૂપ રહો. આપને યોગ્ય અયોગ્યની સમજ નથી. હું આપના હિત માટે જ આ બધું કરું છું."

"પણ નગ્મા, હું આખી ઝીંદગી મારી સુંદરતા માટે માસુમ લોકોનાં જીવ નથી લેવા માંગતી. રૂકસાનાને અર્પી દેવાથી મારો જીવ તો બચી જશે પણ હું વિચ બનીને લોકોનાં કતલ કરવા નથી માંગતી. રૂકસાનાની મોતનો બોજ પણ હું કદાચ નહીં સહી શકું તો બીજા લોકોનો મોતનો બોજ??" રોઝ રડતાં રડતાં બોલી રહી.

"નાદાન છો આપ રોઝ. આપની ઉંમરે હું પણ આવી જ બાલિશ વાતો કરતી હતી. પણ આજે જુઓ હું હવે એ કરતાં જરાંય ખચકાટ નથી અનુભવતી."

"અમ્મી, પ્લીઝ સુલતાન અહીંયા જ આસપાસ છે. મને એમની સાથે જવાં દો. હું કયારેય પાછી નહીં આવું અને ભલે મારી સુંદરતા છીનવાઈ જતી."

ત્યાંજ પાછળથી દોડતો દોડતો સુલતાન આવ્યો.

"રૂકસાના, રોઝ, ખાલા આ બધું શું છે??" સુલતાને હેરાનીથી જોતાં પૂછ્યું.

નગ્મા સુલતાન પાસે આવી અને તેનાં મસ્તિષ્ક પર અડી. એ સાથે જ બે જ મિનિટમાં સુલતાનનાં આંખો બંધ કરતાં જ તેની આગળ બધા ચિત્રો એક પછી એક ફરવા લાગ્યાં.

નગ્માએ પોતાની આંગળી પાછી હટાવી દીધી. એ સાથે જ સુલતાન હવે બધું જોઈને સમજી ચૂક્યો હતો.

"ખાલા, રૂકસાનાને જવાં દો. તમારી બચ્ચી છે એ પણ. મારાથી પણ ભૂલ થઇ છે પણ હું પ્રાયશ્ચિત કરીશ." સુલતાન આંખમાં આંસુ લાવતાં બોલ્યો.

ત્યાંજ સુનયના બોલી, "મૂર્ખ, જો નગ્મા રૂકસાનાની બલી રેબીલોન દેવીને અર્પિત નહીં કરે તો નગ્માએ પોતાનાં વિચની શક્તિઓ ત્યાગીને મરવું પડશે."

"ખાલા, આપે અમારાથી વધુ દુનિયા જોઈ છે. પ્લીઝ રૂકસાનાને છોડી દો. રોઝનો જીવ બચાવવાં તમે તમારી જાતને અર્પી દો. મારી વાત માનો ખાલા. આપ એક માઁ થઈને એક બેટીનો જીવ બચાવવાં બીજી બેટીની બલી ના દઈ શકો." સુલતાન જોરજોરથી બોલી ઉઠ્યો. તેનો અવાજ જંગલમાં પડઘાઈ ઉઠ્યો.

નગ્માનું હૃદય સુલતાનની વાતોથી પીગળવા લાગ્યું. તે ઘડીક પોતાનાં વિચનાં રૂપમાં રહેતી તો ઘડીક સામાન્ય રૂપમાં ફેરવાઈ જતી.

"સુનયના, આ ક્ષણ મારાં માટે ખૂબજ અઘરી છે. શું મારાં બલિદાનથી રોઝનો અને રૂકસાનાનો જીવ બચી જશે??" નગ્મા સામાન્ય બનીને બે હાથ જોડતા બોલી.

"હા, નગ્મા. તું જે કહી રહી છું એ થઇ શકશે. તારો જીવ તારે રેબીલોન દેવીને અર્પિત કરવો પડશે. પણ તારી શક્તિઓ તારા મર્યા બાદ તારી એક બચ્ચીને મળશે. જે પણ આવતી અમાસે તારી કબર પાસે આવીને પોતાની રક્તની બૂંદો તારા કંકાલ ઉપર પાડશે એને તારી શક્તિઓ મળી જશે. તો બોલ તને શું મંજુર છે? હમણાં પૂર્ણ અમાસ થશે અને રેબીલોન દેવી પ્રકટ થશે. સમય ઓછો છે. જલ્દી જ નિર્ણંય લે." સુનયના પોતાનાં સુંદર અવાજે બોલી ઉઠી.

નગ્મા રોઝ પાસે આવી અને બોલી, "રોઝ, વિચ હોવું એક શક્તિ છે. એક ભેટ છે. તું એનો સ્વીકાર કરીશ મને એવી આશ છે. આવતી અમાસે તું આવીને આ શક્તિઓ હાંસિલ કરજે બેટા. તમારાં પિતાજીને મેં છેલ્લે એમ જ કહ્યું હતું કે હું રોઝને કાયમ ખુશ રાખીશ." આટલું કહેતાં નગ્માની આંખોમાં આંસુ આવી ગયાં.

ત્યારબાદ નગ્મા રૂકસાના પાસે આવી.

"રૂકસાના, આપ રોઝની સાથે રહેજો. તે આપ લોકોને ખૂબ પ્રેમ કરે એવી ડાહી બચ્ચી છે. આપ એનાથી ઉંમરમાં મોટા છો. રોઝનું ધ્યાન રાખજો."

રૂકસાનાએ આંખમાં આંસુ સાથે મોં ફેરવી લીધું.

નગ્મા સુલતાન પાસે આવી.

"સુલતાન, આ બનાવ બાદ આપ રૂકસાના યા રોઝ, આ બેમાંથી કોને પસંદ કરશો એ આપની પસંદ છે. બસ રોઝ અને રૂકસાનાનું ધ્યાન રાખજો." સુલતાને નગ્માનાં હાથમાં હાથ આપી ભીની આંખોએ ડોકું હલાવી હા કહી.

થોડીવારમાં જ પૂર્ણ અમાસ થતાં રેબીલોન દેવી આવી અને નગ્માએ પોતાનાં જીવની બલી દીધી. નગ્માનું ઘડીકમાં પ્રાણપંખેરુ ઉડી ગયું. આ ક્રિયા બાદ તેનાં મૃત દેહને સુલતાને ખુદ કબર ખોદીને દાટી દીધું.

(એક મહિના બાદ)

રોઝ અને સુલતાન બંને એક જ પથારીમાં સુતા હતાં.

"શામ થવાં આવી છે અને આપ હજુ સુતા જ છો." સુલતાન રોઝનાં ગાલો પર હાથ ફેરવતાં બોલ્યો.

"તમે થકવી ખૂબ દો છો એટલે મિયાં." રોઝ હસતાં હસતાં બોલી. અચાનક તે કંઈક વિચારવા લાગી.

"ક્યાં ખોવાઈ ગયાં? શું વિચારો છો??"

"સુલતાન, હું કાયમી આવી સુંદર નહીં રહું તો પણ આપ મને આમ જ પ્રેમ કરતા રહેશો??"

"ના... બેશક ખૂબજ કરીશ. ખાલાએ જતાં જતાં મને સાચા પ્રેમની પરિભાષા શીખવી છે." સુલતાન હસતાં હસતાં બોલી રહ્યો.

રોઝ સુલતાનને વળગી રહી. મનોમન વિચારી રહી, "નગ્માએ પિતાજીને વચન આપ્યું હતું કે તેઓ મને હંમેશા ખુશ રાખશે. મારી ખુશી આ મનુષ્ય દેહમાં જ છે." આટલું મનમાં વિચારતાં રોઝ મુસ્કુરાઈ.

બારી બહાર આ દ્રશ્ય જોઈને ઉભેલી રૂકસાનાની આંખોમાં આંસુ આવી ગયાં. તે કંઈક વિચારીને ત્યાંથી નીકળી ગઈ.

****************

રૂકસાના અમાસનાં અંધકારમાં પોતાનાં હાથની નસ પર ચાકૂ લઈને નગ્માની કબર પર ઉભી હતી.

સમાપ્ત

(વિચ one?? આપને પસંદ આવી હશે એવી આશા રાખું છું. બહુ જલ્દી પૂરી કરી દીધી એ બાબતે કદાચ ફરિયાદ હોઈ શકે પણ સ્ટોરી માત્ર આટલી જ વિચારી હતી.

કયારેક આપણી સાથે એવું થાય કે કોઈ સ્ટોરી આપણે આખી લખી નાંખીએ અને વાંચીએ ત્યારે એવું થાય કે આવું મેં કયારે લખી નાખ્યું! વિચ one સાથે મારે આમ જ થયું છે. મને ખરેખર એમ થઇ ગયું છે કે મેં આ કયારે લખી નાખી. આજે આખો દિવસ મેં માત્ર વિચ one નાં અંતિમ ભાગ માટે જ સમય આપ્યો છે. હોરર મારું ફેવરિટ જોનર હંમેશાથી રહ્યું છે એટલે જ મને પર્સનલી ઝોમ્બિવાદ કરતાં વિચ one વધુ પસંદ આવી. તમને પણ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ના ભૂલશો.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED