દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયુકે મિસિસ મહેતા પાઠક સાહેબ અને રાજપૂત સાહેબ પાસે બધા જ ખુલાસા કરી નાખે છે. પરંતુ હજુ પણ સૃષ્ટિ અને આલયના ગુમ થવાનું રહસ્ય અકબંધ હોય છે.પૂરતા વિશ્વાસ સાથે અવિશ્વસનીય ઘટનાને ત્રણેય જણા સાંભળી રહ્યા હોય છે.પાઠક સાહેબ અને મિ. રાજપૂત તથા મોક્ષા અવઢવમાં આવી ગયા હવે આગળ..
"આંટી, સૃષ્ટિ હોસ્પિટલમાં શું બોલતી હતી.આપ થોડો ફોડ પાડો તો ખબર પડે....તમે અત્યાર સુધીમાં એને ના પૂછ્યું હોય એવું તો ના જ બને??વાત કહો છો તો પૂરેપૂરી કહો... જેથી તમને અમે મદદ કરી શકીએ." મિ. રાજપૂત ફરીથી કહે છે મૃણાલિનીબેનને.
"સર, સૃષ્ટિના અને આલયની કારને એકસિડેન્ટ થયો ત્યારે સૌથી પહેલો ફોન મેં રિધમને કર્યો હતો મને ખબર નહોતી કે એને મેસેજ મળી ગયો હશે...
હું ઘરેથી નીકળી ગઈ કારણ કે બીજો કોઈ વિકલ્પ જ નહોતો મારી પાસે.અડધા રસ્તે પહોંચી ત્યારે રિધમના ડ્રાઈવરનો કૉલ આવ્યો "મેડમ સૃષ્ટિ મેડમને એકસિડેન્ટ થયો છે અને એમની પાસે ઘણો સામાન અને કેશ છે અને સાથે બીજા બે જણ પણ છે હું અને સર નિકળીશું હમણાં...એમનો ફોન કારમાં ભૂલી ગયા હતા અને એકદમ જ ખૂબ રિંગ વાગી અને અજાણ્યો નંબર હતો એટલે મેં ઉપાડ્યો.હું મિટિંગ માં જાઉં જ છું એમને કહેવા...તમે નીકળી ગયા મેડમ...?"
એની વાત સાંભળીને મને એકદમ જ ધ્રાસકો પડ્યો કે આલય અને સૃષ્ટિને મેં જ સામાન સાથે ભગાડ્યા હતા એ ખબર પડશે તો આવી જ બનશે.તેથી પરિસ્થિતિ સંભાળી લેવી ખૂબ જ જરૂરી હતી .તેથી તાત્કાલિક સ્વસ્થ થઈને મેં બાજી સંભાળી લીધી અને એમને કીધું કે હું પહોંચી ગઈ છું અને બાજી કંટ્રોલ માં છે સાહેબ ને મિટિંગ એટેન્ડ કરવા દે.કંઈ હશે તો કહીશ.
તાત્કાલિક મેં મારી ખાસ દોસ્તને કૉલ કર્યો અને આખી ઘટના કીધી.અકસ્માત જ્યાં થયો હતો ત્યાંથી એક કિલોમીટર દૂર જ એનું ઘર હતું.અને બસ એ થોડી વારમાં જ ત્યાં પહોંચી ગઈ.
"એટલે તમારી મિત્ર ત્યાં પહોંચી ત્યારે આલય ત્યાં હતો બરાબરને?"પાઠક સાહેબ ખૂબ જ સાવચેતીપૂર્વક પૂછી જ લીધું.
"હા સાહેબ, મેં એને એટલે જ મોકલી કે ત્યાં શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવે".
"તો આંટી મને એમનો નંબર આપો અમારે એમનું સ્ટેટમેન્ટ લેવું છે."
"પણ સર, હું કહું છું ને એને શા માટે વચ્ચે લાવો છો?"
"સાક્ષી આંટી... સાક્ષી માટે.."કહીને પાઠક સાહેબ ઘરની બહાર સ્મોક કરવા જતાં રહ્યાં.
મિ. રાજપૂત હસીને મૃણાલિની બહેન સામું જોઈ રહે છે અને એમની એ ખાસ દોસ્તનો નંબર માંગે છે.
થોડાક જ સમયમાં મોબાઇલમાંથી જોઈને મૃણાલિની બહેન નંબર આપે છે.
"સાહેબ અત્યારે કૉલ ના કરતા એના હસબન્ડ અને દીકરો ઘરમાં હશે પછી વાત કરજોને પ્લીઝ."
સ્મોક કરીને પાઠક સાહેબ પાછા આવે છે.
મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગે છે .મનોજભાઈ ઉઠીને મોક્ષાને આમતેમ શોધતા શોધતા જ છેવટે તેને ફોન કરે છે.મોક્ષા તેમને 'મૃણાલિની આંટી પાસે છું આવું છું' કહીને ફોન મૂકે છે.
" મોક્ષા, આપ અંકલ પાસે જાઓ.તેઓ હમણાં જ હોસ્પિટલથી આવ્યા છે એમનું બ્લડ પ્રેશર ચેક કરો."
મોક્ષાને ત્યાંથી નીકળીને કોટેજ તરફ જતી જોઈને પાઠક સાહેબ મૃણાલિનીબહેનને હવે થોડા કડકાઈ પૂર્વક પૂછવાનું ચાલુ કરે છે.
"આંટી, જુવો અત્યાર સુધીની તમારી બધી વાત સાંભળી અને અમે તમને આ પ્રોબ્લેમમાંથી સો ટકા બહાર કાઢીશું.પણ પહેલા એ કહો કે આલય ક્યાં છે??બાકીની વાત પછી કરીશું
"મારી દોસ્ત મારા કહેવાથી તાત્કાલિક ઘટનાસ્થળે ગઈ ત્યારે ત્યાં જઈને જુવે છે તો આ ભયાનક એકસિડેન્ટ માં સૌથી વધુ સૃષ્ટિ ઘાયલ થઈ હતી પણ આલય અને એનો ફ્રેન્ડ બચી ગયા હતા..થોડી ઘણી ઇજા ચોક્ક્સ કહી શકાય એમને. પરંતુ ગંભીર ઇજા નહીં. હા, આલયને જે ઇજાઓ છે તેમાંથી બહાર આવતા વાર લાગશે પરંતુ ઓલ ઇઝ વેલ થઈ જશે".
"આંટી ,આલય ક્યાં છે હવે કહેશો મને?"
"કાલે સવારે 10 વાગે તૈયાર રહેજો બધા મારી સાથે આવવા પરંતુ હા, જો પોલીસને બોલાવવાનો પ્રયત્ન પણ નહીં કરતા કારણ કે આલયનું આટલા દિવસ મેં જીવની જેમ જતન કર્યું છે. મારી સૃષ્ટિની જેટલી જ સેવા મેં એની પણ કરી છે.અને સૌથી મોટી વાત રાજપૂતસહેબ મેં એમને બંનેને રિધમથી બચાવીને રાખ્યા છે..." (ખૂબ જ આજીજી સાથે એમણે હાથ જોડ્યા).
બીજા દિવસે નીકળવાની વાતની સહમતી આપીને તેમ જ બધી જ ઔપચારિક વાતો પુરી કરીને પાઠક સાહેબ અને ઇન્સ્પેક્ટર રાજપૂત એક ઠસ્સા સાથે ઉભા થાય છે.એક માણસાઈભર્યા પોલીસવાળા કાયદાકીય વાત અને કેસને બિનકાયદાકીય રીતે ઉકેલી મિસિસ મેહતા અને સૃષ્ટિની મદદ કરવા માંગતા હતા અને મક્કમ મને આલયને સહીસલામત રીતે મનોજભાઈ અને મોક્ષાને સોંપવા માંગતા હતા.
મિસિસમહેતા પાસેથી છુટા પડ્યા બાદ કોટેજ તરફ ચાલતી વખતે બંને પોલિસ ઇન્સ્પેક્ટર પોતાના તરફથી બહેતરીન વફાદારી કરવા તૈયાર હતા...પરંતુ સૌથી મોટો પ્રશ્ન અત્યારે એક જ હતો કે આલય સલામત છે તો હજુ સુધી એણે પોતાના પરિવારનો સંપર્ક કેમ ના કર્યો..??
અનેક વિચારો વચ્ચે કોટેજમાં આવી પહોંચે છે.. પરંતુ મનોજભાઈની તબિયત નો વિચાર આવતા જ ઇન્સ્પેક્ટર રાજપૂત પાઠક સાહેબને એમની હોટેલ તરફ જવાની વિનંતી કરે છે જેનો સ્વીકાર કરી પાઠક સાહેબ ત્યાંથી વિદાય લે છે.
પાઠક સાહેબના ગયા પછી અનેક દ્વિધા વચ્ચે ઘેરાયેલા ઇન્સ્પેક્ટર રાજપૂત મનોજભાઈના રૂમમાં એમને મળવા માટે જાય છે..
ઘણી તંદ્રામાંથી જાગેલા હોય એવા ચેહરા પરના ભાવને લીધે મનોજભાઈ થોડા અસ્વસ્થ લાગતા હોવા છતાં પણ ખૂબ જ ઉમળકાપૂર્વક રાજપૂત સાહેબને ઇશારાથી જ પોતાની બાજુમાં બેસવા વિનંતી કરે છે..આ બાજુ રાજપૂત સાહેબ પણ યુનિફોર્મના બોજમાંથી મુક્ત થઈ એક સામાન્ય માણસની જેમ સ્વસ્થતાપૂર્વક મનોજભાઈની બાજુમાં બેસી ગયા ...અને એમનો હાથ પોતાના હાથમાં લઈને એક જ વાક્ય બોલ્યા,"અંકલ, ઓલ ઇઝ વેલ."
મનોજભાઈની આંખમાંથી નીકળતા અશ્રુબિંદુમાં જાણે રાજપૂત પોતે ડૂબી ગયા..
આટલા વર્ષોની કેરિયરમાં અનેક ગુનેગારો સાથે હથોડાતોડ લમણાઝીંક કરેલી હોવા ઉપરાંત કેટલાય ગુનાઓ ચપટીમાં જ ઉકેલ્યા હોવા છતાં કોઈ આરોપી કે ફરિયાદી સાથે કદી આટલી આત્મીયતા નહોતી બંધાઈ...
તો પછી શું હતું આ... લાગણીઓનો ઘૂઘવતો દરિયો અહીંયા કેમ???શું મનોજભાઈ તરફ પિતાતુલ્ય માનસન્માન કે આલયની ચિંતા, કદાચ આ કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ કે પછી દરવાજે ઉભી રહીને બંનેને ચુપચાપ સાંભળતી મોક્ષા એનું કારણ હતી એ તો કદાચ આવનારા દિવસો જ કહી શકશે..એ માટે વાંચતા રહો..ચેકમેટ..
ક્રમશઃ