કુદરતના લેખા - જોખા - 36 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 36


આગળ જોયું કે મયુર અને મીનાક્ષી ના લગ્નમાં ભોળાભાઈ મીનાક્ષી ના ભાઈ બનીને જવતલ હોમે છે. કેશુભાઈ, સોનલ અને અનાથાશ્રમના દરેક બાળકોના અફાટ રુદન વચ્ચે મીનાક્ષી ની વિદાય કરવામાં આવે છે

હવે આગળ.........


* * * * * * * * * * * * * * *


ગામમાં પ્રવેશતાં જ મયુર અને મીનાક્ષી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેની અપેક્ષા મયુરે સ્વપ્ને પણ નહોતી વિચારી. ગામની દરેક વડીલ સ્ત્રીએ મીનાક્ષી ના દુખણાં લીધા. મીનાક્ષી ના માથા પર એક પછી એક હેતાળ હાથ આશીર્વાદ આપી રહ્યો હતો. અત્યાર સુધી ક્યારેય કોઈ સ્ત્રીનો હાથ માથા પર ફર્યો ના હતો. આજે એક સાથે આટલા બધા પ્રેમથી મીનાક્ષી પોતાની જાતને ભીંજાતા રોકી ના શકી. મીનાક્ષી માટે આ સમય અવિસ્મણનીય હતો.


ઘરે પહોંચતા જ ભોળાભાઈના પત્નીએ મીનાક્ષી ના ઓખણા પોંખણા કર્યા. મીનાક્ષી ને આખા બંગલાનું નિરીક્ષણ કરાવ્યું. ગોરબાપા એ પૂજા અર્ચના કરાવી અને વિટી શોધવાની રમત રમાડી. જેમાં મીનાક્ષીએ બધી બાજી જીતીને બતાવી. ત્યારે ગોરબાપા એ મજાક માં કહ્યું કે "મયુરભાઈ તમે એક પણ બાજી જીત્યા નથી એટલે હવે આ ઘરમાં મીનાક્ષી કહે એમ જ બધું ચાલશે."


મયુરે પણ મજાકમાં ઉતર આપ્યો કે "સારુને તો, મારા ઉપર તો જવાબદારી નહિ રહે."


બધી વિધિ પૂર્ણ કર્યા બાદ મયુરે ભોળાભાઈને આવતી કાલના આયોજન માટે અલગ રૂમમાં બોલાવ્યા. જેમાં મયુરે કહ્યું કે "કાલે ગામ ધવાડો બંધ રાખવાનો છે. ગામનો કોઈ વ્યક્તિ બાકી ના રહેવો જોઈએ. આજે જ તમે રૂબરૂ જઈ બધા ને આમંત્રણ આપી આવો. જો મારા પપ્પા હયાત હોત તો લગ્નના આગલા દિવસે જ આ જમણવાર ગોઠવાઈ ગયો હોત. જો કે મારી પણ ઈચ્છા આગલા દિવસની જ હતી પરંતુ કેશુભાઇએ મને ત્યાં રોકી લીધો એમાં એ ગોઠવી ના શકાણું. તમે આજે જ એ માટે જે તૈયારી કરવી હોય તે કરી નાખો. એ માટે તમે સાગર અને હેનીશને પણ સાથે લઈ જઈ શકો છો."


"તમે જેમ કેશો એ પ્રમાણે કાલનું આયોજન થઈ જશે. હું આજે જ મંડપવાળા અને રસોઈયા ને ઓર્ડર આપી દવ છું અને ગામ લોકોને આમંત્રણ પણ રૂબરૂ આપી આવીશ." ભોળાભાઈ એ કહ્યું.


* * * * * * * *


ભોળાભાઈ, સાગર અને હેનીશ આગળના દિવસે આયોજિત જમણવારની તૈયારીમાં લાગી ગયા જ્યારે મયુર મીનાક્ષીને પોતાના રૂમમાં બેસાડી બહારના આયોજનને જોવા બહાર આવ્યો. સાગર ઘરના આંગણે મંડપ બંધાવી રહ્યો હતો એમાં મયૂરે આવી ને સાગરને પૂછે છે કે" લાવ હું કંઇ મદદ કરાવું"


સાગરે મયૂર ની ટીખળ કરતા કહયું કે" અરે ભાઈ તું અહીંયા શું કરે છે તારે તો ભાભી પાસે હોવું જોઈએ ને આજે તો તારી સુહાગરાત છે. ખરો છે તું આજના દિવસે પણ તારે કામ કરવું છે તો પછી અમે મિત્રો શું કામના છીએ. જા જલ્દી ભાભી તારી રાહ જોતા હશે". મયૂરની આંખો શરમથી જુકી ગઈ ને તે ત્યાંથી રૂમ તરફ જવા નીકળી ગયો. આ બાજુ મીનાક્ષી પણ શણગાર સજી ને, આંખોમાં અઢળક શમણા રચીને મયૂર ની રાહ જોઈ રહી હતી. મયૂર પણ મીનાક્ષીને આવી રીતે રાહ જોતા જોઈને ખુબ આનંદ અનુભવે છે તેને તે બાબતથી રાહત થાય છે કે ચાલો હવે થી આ ઘરમાં મારું કોઈ તો એવું છે જે આટલી આતુરતાથી મારી રાહ જોતું હશે. મીનાક્ષી પણ મયૂરને જોઈને લાગણીઓથી ભીંજાય ગઈ અને અઢળક પ્રેમ વચ્ચે બંને એ પોતાની સુહાગરાત ને ઉજવી.


બીજા દિવસે ખૂબ જ ઉત્સુકતાથી આખા ગામને જમાડવામાં આવ્યું. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકોએ પોતાની હાજરી પુરાવી હતી. જ્યારે મયુરે પોતાના લગ્નની યાદગીરી રૂપે આવનાર દરેક વ્યક્તિને કપડાંની ભેટ આપી સત્કાર કર્યો હતો. ચાંદલા પ્રથા બંધ રાખી હોવા છતાં ગામના અમુક વડીલો મયુરના ખિસ્સામાં પરાણે પૈસા મૂકી પોતાના રિવાજને જીવંત રાખવાની પોતાની ઘેલછા પૂરી કરી હોય એવું મહેસુસ કરતા હતા.


બધું કાર્ય પૂર્ણ થવાના અંતે મયુરે મીનાક્ષીને ખેતર જોવા માટે લઈ ગયો. જ્યાં એક એક ફૂલ વિશે મયુરે સમજાવ્યું. ફૂલોના ઉછેરથી માંડીને તેના વેચાણ સુધીની બધી જ વાત વિગતે સમજાવી. મીનાક્ષી તો આટલા બધા ફૂલોને એકસાથે જોઈને ખુશ થઈ ગઈ હતી. એણે ક્યારેય આટલા ફૂલો એકસાથે જોયા નહોતા.


લગ્નનું બધું કાર્ય પૂર્ણ થયા પછી બધા કામ પર લાગી ગયા હતા. મીનાક્ષીને તો ફક્ત રસોઈ કરવાની હોય છે બાકી બધા કામ માટે નોકર રાખ્યા હોવાથી મીનાક્ષી વધારાનો સમય ઑફિસમાં જ પસાર કરતી. માટે ઓફિસ નું ઘણું કામ મીનાક્ષીએ શીખી લીધું હતું.

દિવસે દિવસે મયૂરને કામમાં વધારે સફળતા મળતી ગઈ. એણે ઘણા દેશોમાં પોતાનું વેચાણ શરૂ કરી દીધું. જે લોકો એની પાસેથી માલ લેતા તેને પણ ખુશ સંતોષ મળતો. મયુરે પોતાના ધંધામાં પોતાના અમુક નિયમો રાખ્યા હતા જેનાથી સામે વાળી પાર્ટીને ક્યારેય અસંતોષનો સામનો નહોતો કરવો પડતો.


મયૂરને જેમ જેમ ધંધામાં નફો થવાનો વધતો ગયો એમ મયુરે સામાજિક કાર્યોને વધુ વેગવંતા કર્યા. પ્રથમ પોતાના જ ગામને વિકસિત કરવાના હેતુથી ગામની શાળાને નવું બાંધકામ કરી આપ્યું, ગામમાં નવી ગટર લાઈન નખાવી આપી અને તેના પિતાના નામનો ગામમાં અંદર આવવાના રસ્તે મોટો ગેઈટ બનાવી આપ્યો. ધીરે ધીરે ગામમાં મયુરનો મોભો વધતો ગયો. ગામમાં કોઈ પણ નવા કામ માટે મયુરની સૂચના જરૂર લેવામાં આવતી. કોઈ પણ ગરીબ માણસ માટે મયુરના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા. ક્યારેય કોઈને ખાલી હાથે મયુરે પાછા નહોતા જવા દીધા.


મયુરના મિત્રોને પણ મયુર સાથે કામ કરવાની મજા આવતી. મિત્રોને પોતાના પગાર કરતાં પણ વધારે પૈસા મયુર આપતો. ઘણી વાર સાગર મયૂરને સમજાવતો કે "અમારો જે પગાર થાય છે એટલા જ પૈસા અમને ચૂકવ, શા માટે વધારે પૈસા આપી ખોટો પૈસાનો બગાડ કરે છે." ત્યારે મયુર જવાબ આપતો કે "તમે તો મારા પરિવાર જેવા છો. મને આમ તો તમને પગાર આપતા પણ જીવ અચકાઈ છે. ખરેખર તો તમને મારે નફામાં ભાગ આપવો જોઈએ. છતાં હું તમને વધારે પગાર આપી મારા જીવ ને મનાવી લવ છું. આમ પણ મને ખબર જ છે કે તમે નફામાં ભાગ નથી લેવાના માટે જ તમને પગાર પેટે વધુ ચૂકવી આપુ છું."


"બધી જ મહેનત તારી છે, બધું જ રોકાણ તારું છે અમે તો ફક્ત તું કહે એટલું કાર્ય કરી દઈએ છીએ એમાં અમે તારા નફાના હિસ્સેદાર ના થઈ શકીએ. છતાં તું અમને એને લાયક મૂલવે છે એ જ અમારા માટે મોટી વાત છે. બાકી અમને અમારા હિસ્સા નો પગાર મળે છે એ પણ અમારી હૈસિયત કરતા ઘણો ઊંચો છે." મયુરની મોટપના વખાણ કરતા સાગરે કહ્યું.

"એ તો તમારા હક્કના જ પૈસા છે ભાઈ. આમ પણ તમે કામમાં ક્યારેય પાછીપાની નથી કરી પછી ભલે એ દિવસ હોય કે રાત. તમને આ જે વધારાના પૈસા આપુ છું એના હકકદાર છો જ." મયુરે કહ્યું.


બરોબર બંને મિત્રો વાત કરી રહ્યા હતા એમાં સાગરના ફોનમાં કોઈનો ફોન આવતા બંનેની વાત માં ભંગ પડે છે. સાગર ફોનની સ્ક્રીન પર જોવે છે તો તેના પિતાનો ફોન હોઈ છે. ઘણા સમયથી સાગર તેના પરિવારને મળવા ગયો ના હોવાથી પિતાનો ફોન જોતા જ ઉત્સાહ માં ફોન ઉપાડે છે ને કહે છે " હા પપ્પા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા?"


" હા દીકરા અમે બધા ખૂબ ખુશી મજામાં છીએ. તારી મમ્મી તને ખૂબ યાદ કરે છે દીકરા. તને ખુશી સમાચાર આપવા માટે ફોન કર્યો છે"


" હા પપ્પા કહો ને શું સમાચાર છે?"


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


એવા તો શું ખુશીના સમાચાર હશે સાગર માટે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏