આગે ભી જાને ના તુ - 39 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 39

પ્રકરણ -૩૯/ઓગણચાલીસ

ગતાંકમાં વાંચ્યું.....

રતન અને રાજીવ રણપ્રદેશમાં આવેલા રેતીના તોફાનમાં અટવાઈ જાય છે તો બીજી તરફ બીજા મનીષ અને માયા પણ આઝમગઢ પહોંચવાની તૈયારી સાથે તંબુ તાણે છે પણ અચાનક ઉઠેલા રેતીના વંટોળિયામાં ફસાઈ જાય છે....

હવે આગળ......

"આટલી રાહ જોઈ છે તો થોડી વધારે....અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ કેમકે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી જણાય છે."

"હા.. મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું." માયાએ મનીષના ખભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા.

રતન અને રાજીવ ઝાડની ઓથે બેસી ગયા હતા અને બંને ઊંટને ઝાડના થડ સાથે કચકચાવીને બાંધી દીધા હતા. બેય જણ ઊંટ સાથે નખશિખ રેતીથી ખરડાઈ ગયા હતા. નસીબજોગે આંખો પર ગોગલ્સ પહેરેલા હોવાથી આસપાસના વાતાવરણનો વરતારો મેળવી શકતા હતા. આકાશમાં જાણે રેતીના વાદળો છવાઈ ગયા હતા. રેતીના ગોટેગોટા ઉડી રહ્યા હતા અને દસ ફૂટના અંતરે ઉભેલી વ્યક્તિ પણ ન દેખાય એવી સ્થિતિ હતી. ચાલીસેક મિનિટ સુધી રતન અને રાજીવ એકબીજાનો હાથ પકડી એમને એમ બેસી રહ્યા. બેય ઊંટ તો આ વાતાવરણથી ટેવાયેલા હતા એટલે એ તો નિરાંતે ઉભા હતા. ધીમે-ધીમે વંટોળ શમવા લાગ્યો અને આકાશમાંથી રેતીના વાદળો હટવા લાગ્યા. વાદળો પાછળથી સૂરજ ડોકિયાં કરતો દેખાવા લાગ્યો. રેતીના ઢુવા જાણે માઈલો દૂર પહોંચી ગયા હતા. ચારેતરફ ફક્ત રેતી અને રેતી.. અસીમ...અમાપ....

રતન અને રાજીવ કપડાં ખંખેરતા ઉભા થયા અને આજુબાજુ જોવા લાગ્યા. ચારેકોર સોનેરી ચમકીલી રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું. માથામાંથી રેતી ખંખેરી રહેલા રતનનું ધ્યાન અચાનક ડાબી તરફ છેટે લહેરાતી કેસરી ધજા પર પડ્યું.

"રાજીવ, જો... પેલી ધજા ફરફરતી દેખાય છે તને? લાગે છે આપણે આઝમગઢ પહોંચી આવ્યા છીએ. ત્યાં જો..." રતને રાજીવનું ધ્યાન દૂર લહેરાતી ધજા તરફ દોર્યું.

"હમ્મમમ... લાગે છે મંઝિલ હવે બહુ દૂર નથી. ચાલ જઈને જોઈએ ત્યાં શું છે. બની શકે કે આપણે જેની તલાશમાં અહીં સુધી આવ્યા છીએ એ કોયડાનો ઉકેલ આપણને મળી જાય."

"ચાલ.." બંને ઊંટના દોરડા છોડી, સવાર થઈ રતન અને રાજીવે લહેરાતી ધજાની દિશામાં પ્રયાણ કર્યું.

લગાતાર ત્રણ દિવસથી રણમાં ભટકતા રતન અને રાજીવને જાણે નવું જોમ મળ્યું. આશાનું કિરણ ચમકતાં જ મનમાં ઉઠેલા નિરાશાના વિચારોને ખંખેરી બેઉ આગળ વધ્યા. બંને ઊંટ મધ્યમ કરતા થોડી તેજ ગતિએ દોડી રહ્યા હતા. જેમ જેમ ઊંટ આગળ વધતા ગયા તેમ તેમ છુટાછવાયા આઝમગઢના અવશેષો નજરે ચડતા ગયા. સુંદર કોતરણી કરેલો કમાનાકાર તૂટેલો એન્ટ્રન્સ ગેટ જે પોતાના સમયની જાહોજલાલીની ચાડી ખાતો આડો પડ્યો હતો. ક્યાંક ક્યાંક રેતીમાં ખુપેલાં જાળીદાર ઝરૂખા અને બારીઓ વેરવિખેર પડ્યા હતા તો ક્યાંક ફુલવેલની સુંદર છટાદાર નકશીકામ કરેલા સ્તંભ એકબીજાને અઢેલીને પડ્યા હતા. એ જમાનામાં આઝમગઢ આર્થિક રીતે સધ્ધર અને આગવી સંસ્ક્રુતિ ધરાવતું નગર રહ્યું હશે એનો ખયાલ આ જીર્ણશીર્ણ અવશેષો પરથી આવતો હતો.

"આપણે કોઈ કાલ્પનિક દુનિયામાં આવી ગયા હોઈએ એવું ભાસે છે," રાજીવ ચોમેર નજર દોડાવી રહ્યો હતો.

"હા રાજીવ....અનોખી અને અજાયબ પણ, ક્યારેય સ્વપ્નેય ધાર્યું નહોતું કે આવી કોઈ જગ્યાએ આવવાનું થશે. ગામની કોઈપણ વ્યક્તિ ડુંગરો પાર કરીને રણપ્રદેશ તરફ જવાનો વિચાર નથી કરતી. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં અહીંયા આઝમગઢ હોવાની માન્યતા હતી. લોકો કહેતાં કાળની થપાટે એ રેતીના દરિયામાં ડૂબી ગયું હતું અને ક્યાંક ક્યાંક એના ખંડેર જેવા તૂટેલા અવશેષો પડ્યા હતા પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. કાળની કરામત કોઇ નથી સમજી શકતું. કેટલાક રહસ્યો કાળના પેટાળમાં સમાઈ જાય છે તો કેટલાક રહસ્યો કાળનો પરદો ચીરી સામે આવી જાય છે અને કોઈની જિંદગીમાં ઝંઝાવાત ફેલાવી દે છે."

જિંદગીના કેટલાક વળાંકો આપણને એવા અણધાર્યા મુકામે પહોંચાડી દે છે જ્યાં વીતેલા વર્ષો કાળની ગર્તામાંથી ઉભરીને બહાર આવે છે અને બાઝી ગયેલા સમયના પોપડા એક પછી એક ઉતરતા જાય છે...

"રતન... જયારે અહીંયા લોકો રહેતા હશે ત્યારે કેટલી જીવંતતા હશે નહિ??"

"હા... બાપુ કહેતા હતા કે એક જમાનામાં આઝમગઢ વિખ્યાત વ્યાપારી મથક હતું અને સાથે સાથે અમૂલ્ય સંસ્કૃતિનો વારસો ધરાવતું હતું. ખીમજીબાપાએ કહેલું એમ રાજા ઉદયસિંહ અને રાણી ચિત્રાદેવી પણ કુશળ રાજવી હતા."

"રતન... પણ આપણે શરૂઆત ક્યાંથી કરશું.. આ આડા-ઉભા પથ્થરોની વચ્ચે આપણે ક્યાં શોધશું એ જગ્યા?"

"રાજીવ...મેં તને પહેલાં પણ કીધું હતું ને કે ફિકર નોટ, મૈ હું ના......મૈ હું ના......" ગીત ગણગણતો રતન ઊંટ પરથી નીચે ઉતરી બંને હાથ ફેલાવીને શાહરુખ ખાનની અદામાં ઉભો રહ્યો.

"આવા ગંભીર વાતાવરણમાં પણ તને મજાક સુઝે છે..." રાજીવ પણ નીચે ઉતરી પોતાના મોબાઈલમાં નેટવર્ક છે કે નહીં એ ચકાસી રહ્યો હતો.

"અરે....આ જ તો લાઈફ-ફંડા છે આપણો. ખાઈ-પી જલસા કરી મજ્જાની લાઈફ જીવવાની. શું લાવ્યા હતા અને શું લઈ જવાના.. ખાલી હાથે આવ્યા'તા ને ખાલી હાથ જવાના..."

"બસ....બસ....રતનબાબા... જય હો તમારી.. હવે તમારું રતનપુરાણ પૂરું થયું હોય તો આપણે આગળ વધીએ?" માંડ-માંડ હસવું ખાળી રાજીવે રતનનો હાથ ખેંચ્યો અને બેઉ ઊંટનું દોરડું ઝાલી પગપાળા જ આગળ વધ્યા.

*** *** ***

"માયા બહાર તોફાન શમી ગયું છે.. હવે આપણે પણ અહીંથી નીકળી આગળ વધીએ," મનીષ પોતાના કપડાં અને સામાન પર ચોંટેલી રેતી સાફ કરી રહ્યો હતો.

"હમમમ.... મનીષ.... શું એવું ન બની શકે કે આ સમય અહીં જ થોભી જાય અને આપણે હંમેશા માટે એક થઈ જઈએ અને એટલા દૂર ચાલ્યા જઈએ જ્યાં કોઈ આપણને ઓળખતું ન હોય.. બસ તું અને હું.....અને....." માયાએ મનીષનો હાથ પકડી લીધો.

"આપણે પ્રેમપંથે આગળ વધીએ એ પહેલાં તો આપણા વડીલોએ આપણો કુંડળી મેળાપ અન્ય વ્યક્તિ જોડે કરી, એમના નામનું મીંઢળ કાંડે બાંધી આપણો હસ્તમેળાપ કરાવી આપ્યો. તારું ભાગ્ય તને રતનના નામનું મંગળસૂત્ર પહેરાવી રાજપરા લઈ આવ્યું અને મારા ભાગ્યે રોશનીની માંગમાં સિંદૂર ભરી એને મારી સાથે પૂના મોકલી આપી અને આ ભાગ્યએ જ ફરી આપણી અણધારી ઓચિંતી મુલાકાત કરાવી આપી અને આપણું એક થવાનું અધૂરું અરમાન ફરી દિલમાં સળવળવા લાગ્યું."

"મેં તો તને મળવાનો વિચાર અને આશા બેઉ છોડી દીધા હતા.... ક્યાં છેવાડે આવેલું નાનકડું ગોકળગાય જેમ ધીમી ચાલે ચાલતું શહેર રાજપરા અને ક્યાં શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી આધુનિકતાના લિબાસ ઓઢી નવા જમાના અને સમય સાથે કદમ મિલાવી દોડતું શહેર પૂના...!! સ્વપ્નેય નહોતું વિચાર્યું કે રાજીવ આપણને ફરી એક થવામાં આડકતરી રીતે મદદરૂપ થશે. જો કે કહ્યું છે ને જે થાય તે સારા માટે...."

"મને તો હજીય વિશ્વાસ નથી બેસતો કે અત્યારે તું મારી સાથે છે..... રાજીવ ઘણી વખત રતનની મિત્રતાની વાતો મને કહેતો અને એક દિવસ વાતવાતમાં જ એણે રાજપરા આવવાના ખબર આપ્યા અને રતનનો ફોટો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે રતન સાથે તને જોઈને પળભર તો હું ભૂતકાળમાં ખોવાઈ ગયો અને ભાગ્ય પર ભરોસો કરતો તને પામવાની દિલમાં દફનાવી દીધેલી અધૂરી ચાહત ફરી બહાર આવવા મચલવા લાગી અને તારો ફોન નંબર મેળવવા મેં કેટલા પાપડ વણ્યા, કેટલી મહેનત કરી એ તું શું જાણે માયા...."

"હવે જો આપણે બંને આમ જ ભાગ્ય-દુર્ભાગ્યની ભરતી-ઓટના મોજામાં ગોથાં ખાતા રહેશું ને તો ત્યાં રતન અને રાજીવ આઝમગઢ પહોંચી પણ ગયા હશે. હવે આપણે પણ મોડું ન કરતાં અહીંથી નીકળીએ નહિતર ફરી ક્યાંક ભાગ્ય આપણને હાથતાળી આપી છટકી ન જાય." માયા ઉભી થઈ અને એણે પણ પોતાના કપડાં ખંખેરી સ્કાર્ફ વડે ફક્ત આંખો દેખાય એ રીતે ચહેરો ઢાંકી દીધો અને ગોગલ્સ પહેરી લીધા.

એક ઊંટ પર પોતાનો સામાન લાદી બીજા ઊંટ પર માયાને આગળ બેસાડી પોતે એની પાછળ બેસી, પોતાની પાછળ પાછળ દોરવવા બીજા ઊંટનું દોરડું ઝાલી મનીષે ઊંટને બુચકારો આપ્યો એટલે બેય ઊંટ ઊભા થઈ ચાલવા માંડ્યા.

*** *** ***

"રતન...તો શું કહેતો હતો તું? ફિકર નોટ એમ ને. એવું શું છે તારી પાસે જે આપણને આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવામાં સહાય કરશે. કોઈ અલ્લાદ્દીનનો ચિરાગ હાથ લાગ્યો છે કે શું?"

"બસ...એમ જ સમજી લે રાજીવ...એક મિનિટ, બતાવું તને એ જાદુઈ ચિરાગ" રતને ઊંટ પરથી પોતાની બેગ ઉતારી અને એના આગળના પોકેટમાંથી એક ગડી વાળેલો કાગળ કાઢ્યો અને ખોલીને બેગ પર મૂકી ઉડી ન જાય એની તકેદારીરૂપે બંને હાથ વડે એને દાબી દીધો.

"આ....આ....શું છે અને તને આ ક્યાંથી, કોની પાસેથી, કેવી રીતે મળ્યું?"

"અરે.....અરે....શાંત.. શાંત....ધીરજ ધર... બધું કહું છું. આ આઝમગઢનો નકશો છે જે ખીમજીબાપાએ મને આપ્યો છે અને આ નકશા મુજબ આપણે અત્યારે અહીં છીએ," રતને નકશા પર એક જગ્યાએ પોતાની આંગળી મૂકી એટલે રાજીવ નજીક આવી ધ્યાનથી જોવા લાગ્યો.

"તું એક નંબરનો છુપો રૂસ્તમ છે દોસ્ત... તેં મને કીધું પણ નહીં."

"કેટલીક વાતો સમય આવ્યે ખુલે એ જ સારું છે કેમકે ઘરમાં દીવાલોને ય કાન હોય છે અને બહાર હવાને પણ ...ક્યારે કઈ વાત કોના સુધી પહોંચી જાય એ કહેવાય નહીં અને તું અત્યારે શું આ બધી પંચાત લઈને ઉભો છે, એ બધું છોડ હવે આપણે અહીંથી અહીં પહોંચવાનું છે." રતને બેગમાંથી પેન્સિલ કાઢી અને નકશા પર એક રેખા ખેંચી અને ફરફરતી ધજા તરફ આંગળી ચીંધી રાજીવનું ધ્યાન દોર્યું.

"પણ રતન.... એ ધજાવાળી જગ્યાએ આખરે છે શું એટલિસ્ટ એની તો મને જાણ કર."

"એ તો આપણે ત્યાં જઈને જાતે જ જોવું પડશે." કહી રતન ફરી કાગળની ગડી કરી બેગમાં મૂકી બેગને ઊંટ પર ગોઠવી દીધી અને પાણીની બોટલ કાઢી પાણી પીવા લાગ્યો.

"રતન.... ત્યાં જો...બે ઊંટ આવતાં દેખાય છે, તારી જમણી તરફ વળીને જો"

"ઊંટ.... કોઈ વટેમાર્ગુ હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમપણ આપણને કોઈની સાથે શું લેવાદેવા. ચાલ આપણે પણ જઈએ હવે. આ લે પાણી પી લે" રતને રાજીવને પાણીની બોટલ આપી.

રતન અને રાજીવને ખબર નહોતી કે આવનારા ઊંટ પર બેઠેલી બેય વ્યક્તિ થોડીવાર પછી એમની લગોલગ પહોંચી આવશે ત્યારે કેવો જ્વાળામુખી ફાટશે અને એમાંથી નીકળતો ધખધખતો લાવા કોને દઝાડશે.....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.