મારાં પરમ મિત્ર પુસ્તક,
તને આ વાંચીને નવાઈ લાગશે ને? તને એમ પણ થશે કે મને તો વળી કોઈ પત્ર લખતું હશે? પણ આજે હું તને પત્ર લખું છું મારાં પરમ સખા ! જેમ અર્જુનના પરમ સખા કૃષ્ણ હતા, તેમ તું પણ છે મારો પરમ મિત્ર. જેમ જેઠાલાલની મુસીબતનો ઉકેલ મહેતા સાહેબ પાસે છે, તે રીતે મારાં પ્રશ્નોના ઉકેલ પણ તારી પાસે છે. જેમ સૂરજનું કિરણ કાળા ડિબાંગ વાદળની આરપાર રસ્તો બતાવે છે તેમ તારું જ્ઞાન રૂપી કિરણ મને મુશ્કેલીમાં ઉકેલ બતાવે છે!
તને એમ થતું હશે કે,'મને તો લોકો માત્ર વાંચે અને મારી જગ્યાએ ફરી રાખી દે.' તો હું તને કહું છું તારું સ્થાન તો મારાં હૃદયાસને છે!
નાનપણથી જ વાંચવાનો શોખ. ધોરણ મુજબ વિષયોના પુસ્તક વાંચવા કરતા વધુ રસ હતો સાહિત્યમાં.મને આજે પણ યાદ છે આપણું પહેલું મિલન.એ અદ્ભૂત ઘડી.... જેમ કોઈ ભૂખથી પીડાતા વ્યક્તિના હાથમાં રોટલો આવી જાય, સૂકા ભઠ રણમાં આમતેમ પાણી માટે ભટકતા વ્યક્તિને એક નાનું ઝરણું મળી જાય ને જેવો આનંદ તેના ચહેરા પર જોવા મળે તેવું હળવું સ્મિત મારાં ચહેરા પર રેલાઈ ગયેલું! તારા વિના મારી ભૂખ અને તરસ નહીં છીપે દોસ્ત! તે દિવસે મોડી રાત સુધી વાંચતો રહ્યો, એ પણ ટ્રેનની સફરમાં.શરૂઆત થઈ મારા વાંચનની ને પછી વાંચવાનો શોખ વધતો ગયો.
ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. વેકેશન દરમિયાન તારી સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળ્યો. તારી સાથે વિતાવેલા દિવસો મારે માટે ખુબ યાદગાર છે.
તારી સાથે સફર કરવાની મજા પણ બહુ આવે. ક્યારેક ગીરના નેસડામાં ને ડુંગરગાળામાં, ક્યારેક વર્ષો જૂની ગુફા હોય કે રાજાઓના મહેલ અને ખંડેરોમાં. વળી આધુનિક સાયન્સ મારફત ગ્રહોની સફરે લઇ જાય,પાછુ વગર વિઝાએ વિદેશ પ્રવાસ પણ કરાવ!
તું મહાભારતના યુદ્ધ વચ્ચે કૃષ્ણકંઠે ગવાયેલ 'શ્રીમદ્દ ભગવદ્દગીતા'નો બોધપાઠ આપે તો વળી ભગવાનના અદ્ભૂત લીલાઓ થકી મોક્ષનો માર્ગ પણ તું જ બતાવે.ભૂતકાળના અમર ઇતિહાસને પણ તારી અંદર સંઘરી લોકોને તેના વડવાની વીરતાની વાતો પણ તું કહે ! તારી અંદર છે અખંડ અને ભવ્ય ભારતનો ઉજળો ઇતિહાસ અને ક્રાંતિકારી વીરપુરુષોની જીવનગાથા ને તેના વેદરૂપી વચનો!
તું કોને ના ગમે? બાળકોથી માંડીને વૃદ્વ સૌનો તું પ્રિય છે. એટલેતો કોઈએ કહ્યું છે કે "પુસ્તક વિનાનું ઘર સ્મશાન બરાબર છે." તું મા સરસ્વતીનુ સ્વરૂપ છો!... કેટલાય સાહિત્યકારોએ તારી સેવા કરી છે. તારા જ્ઞાન થકી જ કેટલાય વિદ્વાન થયા છે! તારા લીધે જ કેટલાય નામ અને દામ કમાયા છે. તું તો જ્ઞાનનો અખૂટ ભંડાર છો! તું જ્ઞાનની એવી ગંગા છે કે જેમાં ડૂબકી લગાવ્યા પછી કોઈ અજ્ઞાની રહેતું જ નથી! મિત્ર, તું અજ્ઞાન રૂપી મેલને ધોઈ જ્ઞાન રૂપી સુંદરતા આપનાર જ્ઞાની છો!
સમય બદલાયો ને તારી જગ્યા પણ બદલાઈ. આજે તું મોટી મોટી લાઈબ્રેરીના બદલે નાની અમથી વસ્તુમાં મોટી દુનિયા એટલે મોબાઈલમાં આજે તારું નિવાસસ્થાન થઈ ગયું છે. ભલે તારું સ્થાન બદલાયું પણ એ તારું અદ્ભૂત સ્વરૂપ તો લોકો ક્યારેય નહીં ભૂલે. ભલે દુનિયા બદલાઈ ગઈ હોય, પણ તું હજુ એમને એમજ છે .
તને ખબર છે હું તને શા માટે મારો પરમ મિત્ર માનું છું? તો સાંભળ. તારી અંદર મને અનેરો આનંદ મળે છે. આમપણ કહેવાય છે કે પુસ્તક જેવો વફાદાર મિત્ર નથી હોતો. " તું તો છે મારાં જીવનભરનો સાથી. ને નિવૃત્તિકાળનો બનીશ સંગાથી! " લોકો સમય આવ્યે એકબીજાનો સાથ છોડી દે, પણ મને ખબર છે તે ક્યારેય મારો સાથ છોડ્યો નથી ને છોડીશ પણ નહીં. જેમ કોઈ શ્વાસ વગર જીવી ના શકે તેમ હું પણ તારા વગર જીવી નહીં શકું. જેમ આજનો વ્યસની માણસ વ્યસન વગર અકળાય તેમ હું પણ તારા વિના અકળાઈ જઉં છું. કારણકે "હું લખ્યા કે વાંચ્યા વગર જીવી નહીં શકું, એજ છે મારું અનોખું વ્યસન." તારા વિશે કહું એટલું ઓછું છે. તારા વિશે કહેતા વર્ષોના વર્ષો ટૂંકા પડે ને લખતા તો શાહીઓ ખૂટી પડે તોય તારા ગુણગાન તો અધૂરા જ...! સમગ્ર માનવજાતી ઉપર તારો ઉપકાર છે. અમે સૌ તારા ઋણી છીએ!
બસ મિત્ર છેવટે એટલું જ કહીશ, " હું તને પ્રેમ કરું છું દોસ્ત "
છેલ્લે મને યાદ આવે છે " યારાના "મુવીમાં કિશોર કુમારના કંઠે ગવાયેલ એ ગીતના શબ્દો.....
तेरे जैसा यार कहाँ
कहाँ ऐसा याराना
याद करेगी दुनियां
तेरा मेरा अफसाना
मेरे दिल की ये दुआ है
कभी दूर तू न जाए
तेरे बिना हो जीना
वो दिन कभी न आये
तेरे संग जीना यहाँ
तेरे संग मर जाना
याद करेगी दुनियां
तेरा मेरा अफसाना
तेरे जैसा यार कहाँ
कहा ऐसा याराना
લી.
તારો પરમમિત્ર
સાગર
કોઈને કાંઈ પણ ભૂલ લાગે તો બેધડક કહી દેજો. મને ખોટું નહીં લાગે ઉલ્ટાનું મને કંઈક નવું શીખવાની પ્રેરણા મળશે. માટે પ્રતિભાવ આપજો. મારે માટે આપ સૌના પ્રતિભાવ મહત્વના છે. અસ્તુ 🙏🙏🙏