કુદરતના લેખા - જોખા - 35 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 35


આગળ જોયું કે મયૂરને પોતાના પરિવારની યાદ આવતા તે કલ્પાંત કરવા લાગે છે ત્યારે કેશુભાઈ અને મીનાક્ષી તેને સાત્વના આપે છે.

હવે આગળ........


* * * * * * * * * * * * *


મીનાક્ષીની વાતથી મયુર વિહવળ અવસ્થામાંથી બહાર આવે છે. તેને પોતાને પણ એવો અહેસાસ થવા લાગે છે કે મારા કરતા મીનાક્ષી નું દુઃખ વધુ છે. મે તો આટલો સમય પરિવાર વચ્ચે જ વિતાવ્યો છે પરંતુ મીનાક્ષીએ તો પોતાનો પરિવાર જોયો પણ નથી. આથી વધારે દુઃખની વાત બીજી હોય પણ શું હોય શકે!


મીનાક્ષી ની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. છતાં એ પોતાના આંસુને બહાર આવતા રોકી શકી હતી. એને ખબર હતી જો પોતે તૂટી જશે તો મયૂરને આશ્વાસન નહિ આપી શકે. માટે આ સમયને પારખીને પોતાના આંસુઓને પી ગઈ.


ભગવાને આ જોડી કેટલી સરસ બનાવી છે શરૂઆતથી જ એકાબીજાના દુઃખને ખૂબ સારી રીતે સમજીને આશ્વસ્થ કરાવતા હોય તો આગળની જિંદગી કેટલી સરસ વીતાવશે.


મંડપ મુહૂર્તનો સમય થવા જઈ રહ્યો હતો માટે કેશુભાઇએ મયુર અને મીનાક્ષીને જલ્દી મંડપમાં પહોંચવા સૂચના આપી. મયુરે પોતાના કપડા બદલાવી મંડપમાં પોતાનું સ્થાન લીધું. જ્યારે મીનાક્ષી હજુ મંડપમાં પહોંચી નહોતી.


મયુરની નજર તે રૂમ તરફ સ્થિર હતી જ્યાંથી મીનાક્ષી આવવાની હતી. જેવો રૂમનો દરવાજો ખૂલ્યો મયુર આભો બની ને મીનાક્ષી ના રૂપમાં અંજાતો ગયો. મીનાક્ષીએ સુંદર મજાનું પાનેતર પહેર્યું હતું. ખૂબ જ સાદા શણગારમાં તૈયાર થઈ હોવા છતાં તેણે પહેરેલા આભૂષણો તેના શરીર પર શોભી રહ્યા હતા. મીનાક્ષીના ગુલાબની પાંદડી જેવા હોઠ, અણિયાળી આંખો અને સોના જેવી ચમકતી નિર્મળ કોમળ ચામડી જોઈ મયૂર મંત્રમુગ્ધ થઈ ગયો. સહેલીઓથી ઘેરાયેલી મીનાક્ષી ધીમે પગલે આગળ ચાલી રહી હતી. કેશુભાઇની જેવી નજર મીનાક્ષી તરફ ગઈ એટલે તરત જ એની પાસે દોડી ગયા અને મીનાક્ષી નો હાથ ઝાલી મંડપ સુધી લઈ આવ્યા. મંડપમાં પ્રવેશતા જ બંનેની નજર એક બીજા સાથે મળતા જ જાણે બંનેના દિલ એક થઈ ગયા. મીનાક્ષી મયૂરને જોઈને શરમથી લાલ થઇ ગઇ. કેશુભાઈ એ હળવેકથી મીનાક્ષીને મયુરની બાજુમાં બેસાડી. મીનાક્ષી બાજુમાં બેસતા જ મયૂરને તેના હાથ નો સ્પર્શ થયો. તેના મુલાયમ સ્પર્શ થી મયુરના શરીરમાં ધ્રુજારી નું એક લકલખું પસાર થઈ ગયું.


ગોરબાપા એ ગણપતિ પૂજા કરી લગ્ન વિધિ શરૂ કરાવી. પ્રથમ ફેરો પૂર્ણ કર્યા પછી સાગર જવતલ
હોમવા માટે આગળ આવી રહ્યો હતો ત્યાં અચાનક જ ભોળાભાઇ એ તેને રોકી લીધો અને કહ્યું કે "મયુરના પિતાનું મારા પર ઘણું ઋણ છે આજે ભગવાને એ ઋણ નો થોડો હિસ્સો ઉતારવાનો મોકો આપ્યો છે હું આ મોકાને જતો કરવા નથી માંગતો. માટે મને મીનાક્ષી ના ભાઈ બનીને જવતલ હોમવા જવા દો."


સાગર કશો જવાબ ના આપી શક્યો પરંતુ આંખોથી જ મીનાક્ષી પાસે જવાની પરવાનગી આપી.


જેવા ભોળાભાઈ મીનાક્ષી ની સામે જવતલ હોમવા આવ્યા એટલે તરત જ ત્રણેયની આંખોમાં આંસુ ધસી આવ્યા. મીનાક્ષીને તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જેની સાથે પહેલી વાર મુલાકાત થઈ એ વ્યક્તિ પોતાનો ભાઈ બનીને જવતલ હોમવા આવશે! જ્યારે મયૂરને ભોળાભાઈ પર ગર્વ મહેસૂસ થઇ રહયો હતો કે ખરા સમયે તેની પડખે ઊભા રહી પરિવાર જેવું હૂંફ પૂરી પાડતા હતા.

"બહેન, હવે તું ક્યારેય એકલી છો એવું નહિ માનતી આ તારો ભાઈ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તારા દરેક સુખ દુઃખમાં સાથ આપશે." ભોળાભાઈ એ કહ્યું.


"તમારા જેવા ભાઈ હોય પછી મારે શેની ચિંતા હોય. અને મને તો એ વાતની ખુશી છે કે સાસરિયામાં મને ભાઇ સાથે રહેવાનો પણ મોકો મળશે." મીનાક્ષીએ ભોળાભાઈને પગે લાગતાં કહ્યું.


ભોળાભાઈ એ આશીર્વાદ આપી જવતલ હોમ્યા. ત્યાં હાજર બધા આ નવા બંધાયેલા સંબંધથી પુલકિત થયા હતા. કેશુભાઈને વધારે ખુશી થઇ હતી. થોડી વાર માં જ તેને ભોળાભાઈ નો સારો પરિચય કેળવી લીધો હતો. તે હવે મીનાક્ષી ની બાબતે નિશ્ચિંત હતા.


આખરે લગ્ન વિધિ પૂર્ણ થઈ. વસમી વિદાય ના સમયે કેશુભાઈ અને મીનાક્ષી ચોધાર આંસુ એ રડ્યા. અનાથાશ્રમ નું એક એક બાળક મીનાક્ષીને વળગીને રડતું હતું. એ બાળકોને ખબર નહોતી કે લગ્ન શું કહેવાય પરંતુ મીનાક્ષી ના વર્તન થી એ વાત તો જાણી જ ગયા હતા કે એ અહીંથી વિદાય લે છે. એટલે જ દરેક બાળક પોતાના આંસુથી વિનવણી કરતું હતું કે અમને છોડીને ક્યાંય ના જાવ. જન્મથી લઈને અત્યાર સુધી જેણે ખંભે ખંભો મેળવીને ચાલતી આવી છે એવી મિત્ર સોનલની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આમ પણ સોનલ માટે મીનાક્ષી જ પરિવાર હતો. બંને બહેનપણીઓ ગળે વળગીને ખૂબ રડી. ત્યાં હાજર બધા વ્યક્તિઓ આ દૃશ્ય જોઈ ને દ્રવી ઉઠ્યા. ત્યાં હાજર બધામાંથી આ બંને બહેનપણીઓને છૂટા પાડવાની હિંમત પણ નહોતા કરી શકતા.


સાગરથી વધારે જોઈ શકાય તેમ નહોતું તેણે બંનેને અલગ કરી બંન્નેને પાણી આપ્યું. પરંતુ કોઇએ પાણી ના લીધું. ભોળાભાઈ એ પણ વધારે લાગણીશીલ સમયને પારખીને બધાને સાત્વના આપી. અને મીનાક્ષીને લઈને ગાડીમાં બેસાડી.


કેશુભાઈ મયૂરને વળગીને રડવા લાગ્યા હીબકા ભરતા ભરતા જ કહેવા લાગ્યા કે "મારી મીનાક્ષી નું ધ્યાન રાખજો. એ બહુ ભોળી છે. જો કે તમને ક્યારેય કોઈ ફરિયાદ કરવાનો મોકો નહિ આપે પણ જો એનાથી કંઇ ભૂલ થઈ જાય તો માફ કરજો."


"તમારો ભરોસો હું નહિ તૂટવા દવ. તમે હવે એની કોઈ ચિંતા ના કરતા."


મયુરે ઇશારાથી સાગરને કશું લાવવા કહ્યું. સાગર એક મોટી બેગ અને એક નાનું પર્સ લાવ્યો. નાના પર્સમાંથી મયુરે એક ચેક્બૂક બહાર કાઢી એમાંથી એક ચેક પર પાંચ લાખની રકમ લખી એ ચેક પર સહી કરીને કેશુભાઈને આપ્યો. કેશુભાઇએ એ ચેક લેવાની ના પાડી છતાં મયુરની જીદ પર કેશુભાઈને એ ચેક લેવો પડ્યો.


બીજી મોટી બેગમાં સોનાના ગ્લાસ હતા. આ લગ્ન પ્રસંગે હાજર રહેનાર દરેક વ્યક્તિને મયુરે ગિફ્ટ તરીકે આપ્યા. મીનાક્ષી અને મયુરના મિત્રો આ ગિફ્ટ મળવાથી ચોંકી ઉઠ્યા. ત્યાં દરેક વ્યક્તિ આ ગિફ્ટ વિશે અલગ અલગ વાત કરી રહ્યા હતા.


"આટલી મોંઘી ગિફ્ટ થોડી આપવાની હોય"......

"જે માણસ આવી ગિફ્ટ આપી શકતો હોય એ કેટલો ધનાઢય હશે".......

"જે માણસ મીનાક્ષી ના મિત્રોને આટલી મોંઘી ગિફ્ટ આપી શકતો હોય એ માણસ મીનાક્ષીને તો સોનેથી મઢી દેશે......

એ તો ભગવાનની કૃપા કે મીનાક્ષીને આટલો હેતાળ પતિ મળ્યો"......


જેટલા લોકોને આ ગિફ્ટ મળી એ લોકો અંદરથી ખૂબ જ ખુશ હતા.


આખરે વિદાયનો સમય થયો. મયુર, મીનાક્ષી, ભોળાભાઈ અને હેનીશ ગામડે જવા માટે નીકળી ગયા. વિપુલ જ્યાં સુધી નોકરી કરવાનો હતો ત્યાં સુધી કેશુભાઈ પાસે જ રહેવાનો હતો.


મયુર નવા શમણાંઓ સજાવી મીનાક્ષીને લઈને ગામડે જવા આગળ વધી રહ્યો હતો. મીનાક્ષીને પોતાની ધર્મપત્ની બનાવવાની ઉત્સુકતા તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. પરંતુ એ વાતથી અજાણ મયુર એક એવા ઝંઝાવાતમાં સપડાવવાનો હતો જેનો વિચાર મયુરે સ્વપ્ને પણ નહોતો વિચાર્યો.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


એવી તો કંઈ મુશ્કેલી મયુરના જીવનમાં આવશે?


લગ્નગ્રંથિથી જોડાય બાદ મયુર અને મીનાક્ષી નું જીવન કેવું રહશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏