ઝોમ્બિવાદ - (અંતિમ ભાગ ) Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝોમ્બિવાદ - (અંતિમ ભાગ )

એસીપી અભય સિદ્ધાર્થ તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતાં.

"શું થયું અહીંયા?? એન્ડ શ્રુતિ ક્યાં છે?" સિદ્ધાર્થે હાંફતા હાંફતા સવાલ કર્યો.

"આ બધું તારા લીધે જ થયું છે. શ્રુતિને ક્યાંથી વાયરસ લાગી ગયો? આ બે ને પણ ઈનફેક્ટ થયું છે હેં ને? યુ ###" એસીપી અભય સિદ્ધાર્થનો કોલર પકડતાં ગુસ્સામાં બોલ્યાં.

"સર, શ્રુતિને મોહિતથી ઇન્ફેકશન થયું હશે. છેલ્લે તે જ હતી. રહી વાત આ બધી વાતોની તો એ પછી પણ થશે. જે કામ માટે હમણાં આપણે મોતને ભેટી પડ્યાં એ કામ કરીએ તો સારુ રહેશે. મોહિતને મેં નીચે બેડ જોડે બાંધી દીધો છે." સિદ્ધાર્થ આત્મવિશ્વાસપૂર્વક એસીપી અભયની આંખોમાં જોતાં બોલ્યો.

"સર, તમે શાંત થઇ જાઓ અને પ્લીઝ નીચે જાઓ અને આ બે છોકરીઓને પણ લઈ જાઓ. હું આ રૂમમાં પુરાઇ જઉં છું. થોડીવારમાં હું પણ ઝોમ્બી બની જઈશ." સબ ઈ. દીપેશ ચહેરા પર પારાવાર પીડા સાથે પોતાનો હાથ એસીપી અભયને બતાવતાં બોલ્યાં.

એસીપી અભયની આંખોમાં આંસુ આવી ગયાં. તેઓ નીચું મોઢું કરીને સ્તબ્ધ બનીને ઉભા રહી ગયાં.

"સર, તમારી આંખોમાં પહેલીવાર આંસુ જોઈ રહ્યો છું. પ્લીઝ સર રડશો નહીં. તમે તો અમને ધમકાવતા હોવ એવા જ સારા લાગો છો. બાયધવે તમને કંઈક સાજા કરવાની ટ્રીક વ્રિક ખબર પડે તો મને પહેલો સાજો કરજો હોં ને!" સબ ઈ. દીપેશ આંખમાં આંસુ સાથે હળવી મજાક કરતાં બોલ્યાં.

"તને કંઈજ નહીં થાય. હું જલ્દી જ કંઈક કરીશ. તું હિંમત ના હારતો. હું જલ્દી જ કંઈક કરીશ." આટલું કહી એસીપી અભય પાછા રડવા જેવા થઇ ગયાં.

"અરે, મને સારુ છે સર. તમે જલ્દી નીચે જાઓ. અને મને અહીંયા પૂરી દો બહારથી." સબ ઈ. દીપેશ કિયારા સામું જોઈને બોલ્યાં.

એસીપી અભય તેમનાં માથે ટપલી મારીને ત્યાંથી તરત આંસુ છુપાવીને સીડીઓ ઉતરીને નીચે આવી ગયાં.

"યુ આર સચ અ બ્રેવ ફાઈટર!" સિદ્ધાર્થ આંખમાં આંસુ લાવતાં સબ ઈ. દીપેશની સામું જોતાં બોલ્યો અને ત્યાંથી નીચે ઉતરી ગયો. ઇવા પણ ડૂસકું દબાવી નીચે સડસડાટ ઉતરી ગઈ. કિયારાએ સબ ઈ. દીપેશને રૂમ તરફ જવાનો ઈશારો કર્યો.

સબ ઈ. દીપેશ બાજુનાં રૂમમાં જતાં જ હતાં ત્યાં નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. તેઓ જે રૂમમાં શ્રુતિ હતી એનાં દરવાજાનાં કી હોલમાં જોવા લાગ્યાં. અંદરનું દ્રશ્ય જોઈને તેમને ખૂબજ ઝાટકો લાગ્યો. શ્રુતિ સંપૂર્ણપણે ઝોમ્બી બની ચૂકી હતી. તે પોતાનાં જ બાળકને બટકા ભરી ભરીને ખાવા લાગી હતી. બાળકનું રડવાનું ઘડીકમાં બંધ થઇ ગયું હતું. તેઓએ તરત પાછળ હટીને ધ્યાન હટાવી દીધું. તેઓ તરત બાજુના રૂમમાં જતાં રહ્યા અને કિયારાએ બહારથી સ્ટોપર મારી દીધી. કિયારાની આંખો પણ સહેજ ભીની થઇ. તે મન મક્કમ કરીને નીચે જવાં સીડીઓ ઉતરવા લાગી.

આ તરફ સબ ઈ. દીપેશ પોતે અંદર રૂમમાં પુરાઇ ગયાં. તેમણે લેપટોપ વડે નંબર ટ્રેસ કરીને પોતાની પત્નીને ફોન લગાવ્યો.

"હેલો, ડાર્લિંગ..." આંખમાં આંસુ સાથે તેઓ ખુશ થતાં બોલ્યાં.

"લો, શું ફોન કર કર કરો છો. કામ કરો કામ." તેમનાં પત્ની બોલ્યાં.

"તને યાર ટેંશન નઈ થતું મને ઝોમ્બી વાયરસ લાગી જશે એનું?" સબ ઈ. દીપેશે આંખમાં આંસુ સાથે બની શકે એટલી હળવાશ લાવતાં પૂછ્યું.

"તમને થતો હશે!" આટલું કહી તેમનાં પત્ની હસવા લાગ્યાં.

"કેમ, હું માણસ નથી." સબ ઈ. દીપેશ આટલું કહેતાં હસી પડ્યાં.

"અરે તમને હું આટલું મજાનું ખવડાવું છું. તો તમે ઝોમ્બી બનેલાં લોકોને ઊંચકી ઊંચકીને ફેંકી દેતાં હશો." તેમનાં પત્ની ફરીથી આટલું કહી હસી પડ્યાં.

"એક વાત કહું ગાંડી, હું મરી પણ જઉં ને તોય તું આમ જ હસતી રહેજે. તને રડતાં હું નથી જોવા માંગતો. અભય સર જલ્દી જ કોઈક રસ્તો શોધી લેશે."

"આવું ન બોલશો દીપુ, તમે જલ્દીથી ઘરે પાછા ફરશો જોઈ લેજો. મને વિશ્વાસ છે."

"સારુ. મૂક જલ્દી આવીશ. બાળકોનું ધ્યાન રાખજે." આટલું કહી સબ ઈ. દીપેશે આંખમાં આંસુ સાથે ફોન મૂકી દીધો. મનમાં જ તેઓ બોલી ઉઠ્યા, "આવીશ તો ખરો પણ કફન ઓઢીને."

તેમણે ઘડિયાળમાં જોયું. હજુ એક મિનિટની વાર હતી પણ તેમને અંદરથી ઝટકા વાગતાં હતાં. તેમને શરીરમાં બળતરા થવાં લાગી હતી. તેમ છતાં તેમણે કોરી દિવાલ પર લોહીથી જ કંઈક લખ્યું. લખીને તેઓ બેડ પર ચઢી ગયાં.. પોતાની કમરે ભરાવેલી પોકેટમાંથી તેમણે તેમની સર્વિસ ગન કાઢી.

********************

આ તરફ એસીપી અભય મોહિત પાસે આવ્યા. તે હજુ બેભાન અવસ્થામાં હતો. સિદ્ધાર્થ અને ઇવા જેવા નીચે ઉતર્યા ત્યાંજ ઇવા સિદ્ધાર્થને વળગીને જોરજોરથી રોવા લાગી.

સિદ્ધાર્થે તેને પંપાળીને દૂર કરતાં કહ્યું, "હિંમત રાખ. જલ્દી જ કોઈ સોલ્યુશન આવી જશે એવી હોપ રાખીએ." અને તે આટલું કહી મોહિત હતો એ રૂમમાં જતો રહ્યો. ઉપરથી કિયારા સીડીઓ ઉતરતા ઇવા અને સિદ્ધાર્થને જોઈ ગઈ. તેને ખૂબજ ખોટું લાગ્યું કારણકે તે પણ તો મનોમન સિદ્ધાર્થને ચાહવા લાગી હતી.

સિદ્ધાર્થ જેવો રૂમમાં પ્રવેશ્યો કે તરત નાક આગળ હાથ રાખી દીધો. રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. એસીપી અભય આગળ વધીને ચેક કરતાં હતાં કે ત્યાં જ તેમનાં ફોનમાં ફરી રિંગ વાગી. સ્ક્રીન પર જેમ્સ વાંચીને તેમણે પળનો પણ વિલંબ કર્યા વગર ફોન ઉપાડી લીધો.

"હા, બોલ જેમ્સ. કાંઈ ખબર પડી? પ્લીઝ યાર કંઈક કર. મારા નજીકનાં લોકોને પણ વાયરસ લાગી ગયો છે હવે તો." આટલું કહી એસીપી અભય નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યાં.

"સર, સાંભળો. ઈલાજ તો નથી જાણી શક્યો પણ દૂર કેમ કરવા એ જાણી ગયો છું. ઝોમ્બી વાયરસ ધરાવતાં લોકો બ્લુ લાઈટથી દૂર ભાગે છે. તેઓ તેનો પ્રકાશ સહન નથી કરી શકતાં. એ જ રીતે તે લોકો લાલ લાઈટથી વધુ આકર્ષાય છે. બસ આનાથી વિશેષ નથી જાણી શક્યો. તમે હિંમત રાખો સર. જો આપણને એન્ટિડોટ વિશે ખબર પડી તો હવે આ માહિતીથી વાયરસથી બચવાનું ઘણું સરળ થઇ જશે. તમે તમારી બુદ્ધિથી કામ લો તો ચોક્કસ કંઈક રસ્તો શોધી શકશો. ગુડ લક." આટલું કહી જેમ્સે ફોન મૂકી દીધો.

એસીપી અભય હવે પુરેપુરા તૂટી ગયાં હતાં. સિદ્ધાર્થ તેમની પાસે આવીને તેમને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"સર, અત્યારે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. ઉપર બે અને અહીંયા એક વ્યક્તિનાં જીવ આપણા હાથમાં છે. આપણે કંઈક કરીએ...તમે આમ હાર ના માનશો."

"શું ઘંટો કરીશ તું?? બોલ શું કરી લઈશું આપણે?? આપણી પાસે આવી ગઈ છે દવા તો આપણે બોટલ કાઢીને
આ લોકોને આપી દઈએ એટલે મટી જાય." એસીપી અભય રોતા રોતા એકદમ અકળાઈને બોલી ઉઠ્યા.

"સર, તમારું જ વાક્ય હતું ને જયારે કોઈ પરિસ્થિતિનો સામનો કરવા આપણે આપણી જાતને અસક્ષમ મહેસૂસ કરીએ ત્યારે એ પરિસ્થિતિની વિપરીત બાજુ વિચારવી જોઈએ, કદાચ કોઈ ઉપાય મળી આવે. એમ પણ અંત હી આરંભ હે." સિદ્ધાર્થે એસીપી અભયની આંખોમાં જોતાં જવાબ આપ્યો.

અચાનક એસીપી અભયને આ વાક્યથી કંઈક લાઈટ થઇ હોય એમ તેઓ પોતાનાં આંસુ લૂછીને તરત ઉભા થયાં. તેમણે તરત સિદ્ધાર્થ પાસે તેનો ફોન મંગાવ્યો. સિદ્ધાર્થે તરત ફોન બતાવ્યો. તેમણે ઇવા અને કિયારાના પણ ફોન ચેક કર્યા.

"આ બધું મને મારાથી જ શરુ થયું છે તો એનો અંત પણ કદાચ મારાથી જ થતો હોવો જોઈએ." એસીપી અભય કંઈક વિચારતાં બોલ્યાં.

"મતલબ?" કિયારાએ પૂછ્યું.

"તમારાં દરેકનાં ફોનમાં નેટવર્ક નથી આવતું બટ મારાં ફોનમાં ફૂલ નેટવર્ક આવે છે. હમણાં તો જેમ્સનો ફોન આવ્યો. અલયે જ આ બધું કર્યું હોય એવું બને. તેણે ફોન રાખતી વખતે પણ આ જ શબ્દો કહ્યા હતાં કે આ બધા માટે હું જ જવાબદાર છું અને બનીશ. એક કામ કરો કોઈની પાસે સેફટી પિન છે??"

"સેફટી પિન? એનું શું કામ?" સિદ્ધાર્થે નવાઈ પામતાં પૂછ્યું.

"અરે, જોઈએ તો સીરીન્જ છે પણ અહીંયા ક્યાંથી હશે એટલે સેફટી પિનથી કામ ચલાઈ જોઈએ."

"હું નર્સિંગમાં જ છું સર. મારાં પર્સમાં ઓલરેડી પાંચ છ સીરીન્જનાં પેકેટ પડ્યાં જ હશે." ઇવાએ ખુશ થતાં કહ્યું.

"વાઉં ગ્રેટ. લાવ જલ્દી એ મને આપ." એસીપી અભયે ખુશ થતાં કહ્યું.

"પણ સર તમે કરવાના શું છો એ તો કહો." સિદ્ધાર્થે પૂછ્યું.

"મારું બ્લડ ઇન્ફકેટેડ ઝોમ્બીસને લગાવી જોઉં છું. મેયબી આજ એન્ટિડોટ હોય." એસીપી અભયે ગંભીર થતાં કહ્યું.

"ચલો મેડમની કોઈક વસ્તુ તો કયારેક કામમાં આવી." કિયારા મોઢું બગાડતાં બોલી.

ઇવાએ તરત પાંચ પેકેટ એસીપી અભય સામે ધર્યા.

"તને નર્સિંગનું આવડે છે તો લે આ સીરીન્જ અને એમાંથી થોડું બ્લડ કાઢીને મોહિતની નસમાં ઇન્જેક્ટ કર." એસીપી અભયે એક સીરીન્જ ઇવા તરફ આપતાં કહ્યું.

"નો સર. મારાથી નહીં થાય. તમારામાંથી કાઢી તો લઈશ પણ આની નજીક જતાં બહુ બીક લાગે છે." ઇવાએ ગભરાતા જવાબ આપ્યો.

"ડોન્ટ વરી એન્ડ બી બ્રેવ. તું કરી શકીશ. પોતાનાં પર એટલો વિશ્વાસ રાખ." સિદ્ધાર્થે ઇવાની નજીક આવીને સમજાવતા કહ્યું.

ઇવામાં હિંમત આવી. તેણે તરત એસીપી અભયની નસમાં સીરીન્જ નાખીને બે ટીપાં જેટલું લોહી ખેંચી કાઢ્યું. તે ધ્રુજતા શરીરે મોહિત તરફ આગળ વધી. તે જેવી સોંય મોહિતનાં લોહીથી લથબથ હાથ પર નાખવા ગઈ કે ત્યાંજ મોહિતની આંખો પાછી ખુલી ગઈ. તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. ઇવા ડરીને પાછી થઇ ગઈ. તેને બાંધી દીધો હોવાં છતાં તેનું જોર વધતું જતું હતું. તેનાં બાંધેલા હાથ પણ ખુલી ગયાં હતાં. સિદ્ધાર્થ અને એસીપી અભય મોહિતનાં હાથ પકડવાં લાગ્યાં. કિયારાએ પણ આગળ વધીને મોહિતનાં પગ પકડી લીધા. ઇવાએ રડતાં રડતાં હિંમત કરીને આગળ આવીને મોહિતનાં હાથમાં નસ પકડીને ઇન્જેક્શન ભરાવી દીધું. એ સાથે જ બે મિનિટ વીત્યાં બાદ મોહિતનું છટપટાવાનું અચાનક શાંત થયું. તે બેડ પર સુઈ ગયો. સિદ્ધાર્થે તેનાં નાક પાસે હાથ રાખીને જોયું તો તેનો શ્વાસ હજુ ચાલતો હતો.

"હી ઇઝ અલાઈવ. યુ સક્સિડ સર." સિદ્ધાર્થે ખુશ થતાં કહ્યું.

"નો. વી સક્સિડ. તારા વગર કદાચ આ ઉપાય મારાં ધ્યાનમાં ના આવ્યો હોત." એસીપી અભયની આંખોમાં આટલું કહેતાં ખુશીનાં આંસુ છલકાઈ ગયાં.

મોહિતનું સફેદ શરીર પાછું પહેલાં જેવું થવાં લાગ્યું. તેણે આંખો ખોલી તો એની આંખોનો રંગ પણ પહેલાંની માફક ભૂખરો થઇ ગયો.

"સિડ, હું અહીં આમ કેમ છું? અને આ બધું શું છે યાર??" મોહિતે આસપાસ નજર કરતાં કહ્યું.

"તું આરામ કર. તારા સવાલોનાં જવાબ હું હમણાં આપું છું. હજુ ઘણું બધું કામ બાકી છે." સિદ્ધાર્થે મોહિતને આરામ કરવા કહ્યું.. ત્યાંજ મોહિત આગળ આવીને વોમિટ કરવા લાગ્યો. તેની વોમિટ જોઈને બધાને ઉબકા આવવા લાગ્યાં. બધા રૂમની બહાર આવી ગયાં.

"સર, આને વોમિટ -"

"ડોન્ટ વરી. હ્યુમન બોડી જેટલું માંસ ખાઈ શકે એટલું જ તે ખાઈ શકે, બાકીનું એણે બહાર કાઢી જ દેવું પડે. એને ટ્રીટમેન્ટ મળશે એટલે એ નોર્મલ થઇ જશે." એસીપી અભયે સિદ્ધાર્થને સમજાવતા કહ્યું.

"ઇવા, હજુ થોડું બ્લડ લઈ લે અને હવે થોડી સ્ટ્રોંગ બન. મોહિતને પકડેલો હતો તોય ડરી ગઈ હતી." સિદ્ધાર્થ હસતાં હસતાં બોલ્યો.

"નો આઈ હેવ એન આઈડિયા. મારું બ્લડનું એક એક ટીપું તમે તમારી બોડીમાં ઇન્જેક્ટ કરી દો એટલે તમને ઝોમ્બી બાઈટ કરશે તોય કોઈ અસર નહીં થાય. સમજ્યા."

"સર, એક મિનિટ." આટલું કહી સિદ્ધાર્થ કંઈક વિચારીને એસીપી અભયને સાઈડમાં લઈ ગયો.

"જો સર તમારું બ્લડ જ એન્ટિડોટ છે તો પછી શ્રુતિને શું કામ વાયરસ ઇન્ફેકટ થયો? એને પણ ના થવો જોઈએ ને?" સિદ્ધાર્થે હેરાનીથી પૂછ્યું.

"એ મારું લોહી નથી એટલે. આજથી પચીસ વર્ષ પહેલાં એક બાળકીને કોઈએ કચરાનાં ઢગલામાં નાખી દીધી હતી. મેં તેને અપનાવીને મારું નામ આપ્યું. લગ્ન કરત તો આવનાર સ્ત્રી કદાચ તેને પોતાની માનીને ન અપનાવત એટલે કયારેય લગ્ન પણ ન કર્યા. પ્લીઝ આ વાત શ્રુતિને હમણાં ના ખબર પડવા દઈશ. તે નથી જાણતી. ને હાલ આવી સ્થિતિમાં હું જણાવવા પણ નથી માંગતો." એસીપી અભયે હાથ જોડતા કહ્યું.

"અરે અરે સર. કેવી વાત કરો છો. તમારાં જેવી વ્યક્તિ આખા અમદાવાદમાં તો શું આખી દુનિયામાં નહીં મળે. યુ આર ધ બેસ્ટ." આટલું કહેતાં સિદ્ધાર્થની આંખોમાં પણ આંસુ આવી ગયાં.

ઇવાએ એક એક કરીને બધાની બોડીમાં બ્લડ ઇન્જેક્ટ કરી દીધું. તેઓ બધા દોડીને ઉપર પહોંચ્યા. દરવાજો ખોલતાની સાથે જ સામેનું દ્રશ્ય જોઈને બધાની આંખો પહોળી થઇ ગઈ. શ્રુતિ સંપૂર્ણ ઝોમ્બી બનીને બીજું માંસ ખાવા માટે અધીરી બની ચૂકી હતી. તેનો ચહેરો ખૂબજ ભયાનક બની ગયો હતો. ઇવા તો જોતાં જ ડરી ગઈ અને રૂમની બહાર નીકળી ગઈ. તેનાં બાળકનાં અમુક માંસનાં કટકા અને લોહીથી આખી ચાદર રક્તરંજીત થઇ ગઈ હતી. એસીપી અભયની આંખોમાં આ બધું જોઈને પાણી આવી ગયાં.

શ્રુતિ તે લોકો તરફ જ આવી રહી હતી. તેણે તેની પાસે રહેલાં એસીપી અભયનાં ખભે જોરથી બટકું ભર્યું પણ એસીપી અભયે તેને જોરથી પોતાનાં મજબૂત હાથોમાં પકડી રાખી.

"શ્રુતિની ડિલિવરી કયારે થઇ?" એસીપી અભયે સિદ્ધાર્થ સામું જોતાં પૂછ્યું.

"સર, એ ઝોમ્બી બનતા હતાં ત્યારે જ એમને પેઈન ચાલુ થયું." કિયારા બોલી ગઈ. તેને પણ ડર લાગવા લાગ્યો.

"આ વાત તારે અગાઉ કહેવાય ને! એની ડિલિવરી કરાઈને નીચે જાત. એનાં માથે હળવો દર્દ આપી દેતાં. આ બધું શું થઇ ગયું મારી બચ્ચી સાથે!" આટલું બોલતાં એસીપી અભય શ્રુતિને છોડીને ફરી દિવાલના ટેકે બેસીને રોવા લાગ્યાં.

ઇવાએ અંદર આવીને આગળ વધીને હિંમત કરીને સીરીન્જ શ્રુતિનાં ગળે ભરાવી દીધી. શ્રુતિ તરત નીચે જમીન પર પડી ગઈ. સિદ્ધાર્થે તેને ઊંચકીને સોફા પર બેસાડી. શ્રુતિ તરત આંખો ખોલીને વોમિટ કરવા લાગી. વોમિટમાંથી નીકળતા માંસનાં ટુકડાઓ જોઈને ઇવા ત્યાંથી બહાર નીકળી ગઈ. સિદ્ધાર્થ શ્રુતિની પીઠ પર હાથ પસવારતો રહ્યો. શ્રુતિએ ખાધેલું બધું માંસ વોમિટ વડે ઑકી નાખ્યું. તેને ભાન આવી જતાં તે આ દ્રશ્ય જોઈને આક્રંદ કરવા લાગી. તેનું હૈયાફાટ રુદન સાંભળીને કિયારા સહીત તમામની આંખો છલકાઈ ગઈ. ત્યાંજ બાજુમાંથી ઇવાની ચીસ સંભળાઈ.

સિદ્ધાર્થ દોડીને ત્યાં ગયો. સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો પણ પહોળી થઇ ગઈ. એસીપી અભય પણ રૂમમાં પ્રવેશ્યા ને તેઓ પણ જોઈને ચોંકી ગયાં. તેમણે દિવાલ તરફ જોયું તો લોહીથી લખ્યું હતું, " સર, ઝોમ્બી બનીને ન કરવાનું કામ કરું એની કરતાં ખુદનાં હાથોથી મરવું વધારે પસંદ પડશે." સબ ઈ. દીપેશે પોતાની ગનથી પોતાનાં માથે શુટ કરી દીધું હતું. તેમની ખોપરી ફાટીને નીચે જમીન પર પડી હતી. આખા રૂમમાં દિવાલ સાથે ઉડેલા લોહીનાં છાંટા જોઈને ઇવાને પણ વોમિટ થઇ ગઈ. સિદ્ધાર્થ એસીપી અભય પાસે જઈને તેમને સાંત્વના આપવા લાગ્યો. કિયારા ફાટી આંખોએ આ દ્રશ્ય જોઈ રહી હતી. ત્યાં રહેલાં દરેકનાં મગજ સુન્ન પડી ગયાં હતાં.

હજુ એસીપી અભય એક આઘાતમાંથી બહાર નહોતાં આવ્યા ત્યાંજ આ બીજો આઘાત પામીને તેમને પણ હૃદયમાં કોઈ શૂળા ભોકતું હોય એવું લાગવા લાગ્યું. તે ફરી દીવાલનું લખાણ વાંચીને ખૂબજ રોવા લાગ્યાં.

ઇવા વોમિટ બાદ સિદ્ધાર્થને વળગીને જોરજોરથી રોવા લાગી. કિયારાને પણ એક બીજો આઘાત લાગ્યો હતો એટલે તે ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ.

(5 દિવસ બાદ)

આખા શહેરને ઝોમ્બિમુક્ત કરવા માટે હું સ્ટેજ પર આમંત્રિત કરું છું આપણા શહેરનાં એસીપી અભયસિંહ રાઠોડ. જેઓ ટૂંક સમયમાં ડીસીપી બનવા જઈ રહ્યા છે. "એસીપી અભય આપ લોકોને આ માટે શું કહેશો?" અમદાવાદનાં ઝોમ્બિમુક્ત કોન્વોકેશનમાં રહેલ માનનીય મુખ્યમંત્રી એસીપી અભયને વધાવતા બોલ્યાં.

એસીપી અભયનાં મુખ પર ફરી તેજ પાછું ફર્યું હતું તેમ છતાં તેમનાં ચહેરાં પર પહેલાં કરતાં નરમાશ દેખાતી હતી.

"થેન્ક્યુ ફોર ધ રિસ્પેક્ટ. આપ લોકોનાં માન સમ્માનનો સદાય ઋણી રહીશ. ઝોમ્બી વાયરસે ઘણાં લોકોનાં જીવ લીધા. ઘણાં પરિવારોને પરિવાર વગરના કર્યા. મારી ખુદની બે નજીવી વ્યક્તિઓ આજે મારી સાથે નથી. એક મારાં ડિપાર્ટમેન્ટનાં હોનહાર અને ખુશમિજાજી ઓફિસર સબ ઇન્સ્પેક્ટર દીપેશ પંડ્યા. તેઓ એવા વ્યક્તિ હતાં જે કોઈપણ દુઃખના સમયમાં પણ તમારાં ચહેરાં પર હાસ્ય લાવી દે. તેમને શૌર્ય કિતાબ આપવામાં આવ્યો પણ અફસોસ કે તેઓ આપણી સાથે આજે હાજર નથી. તેઓ ખુદ ઝોમ્બી બનવાનું પસંદ ન કરીને પોતાનાથી બનતા પ્રયાસો તેમનાં અંતિમ શ્વાસ સુધી કર્યા. મને તેમની ઉપર સદાય ગર્વ રહેશે.

બીજો એક એવો જીવ મેં ગુમાવ્યો છે જેનો ચહેરો સુદ્ધા હું નથી જોઈ શક્યો. આ આઘાતમાંથી બહાર આવતાં મને થોડો સમય લાગશે પણ શહેર પર ફરી કયારેય કોઈ પ્રકારની હાનિ નહીં થાય એનું પણ હું સંપૂર્ણ ધ્યાન રાખીશ.

એક વાત બીજી કહેવા માંગીશ કે આ વાયરસનો એન્ટિડોટ ભલે મારાં લોહીથી મળ્યો પણ એ વિચારવાની શક્તિ મને મિસ્ટર સિદ્ધાર્થ નાયકે આપી છે. મિસ ઇવા સોનેજી કે જેમણે એ પરિસ્થિતિમાં પોતાની ચતુરાઈ વાપરીને તેનો સામનો કર્યો. આ લોકો વગર ઝોમ્બિવાદ બનેલ અમદાવાદ આજે ઝોમ્બિમુક્ત અમદાવાદ બન્યું છે.

શહેરમાં વાયરસનાં લીધે ટોટલ 1800 લોકોનાં મૃત્યુ થયાં, તેમજ 2524 લોકો હોસ્પિટલાઈઝ છે. આશા કરું છું કે એ 2524 લોકો જલ્દી સાજા થઈને પોતાનાં પરિજનો પાસે જઈ શકે." આટલું કહી એસીપી અભય સ્ટેજ પરથી નીચે આવ્યા.

તેઓ આગળ બેઠેલા સિદ્ધાર્થ અને ઇવા પાસે પહોંચીને તેમને પણ શુભેચ્છા પાઠવવા લાગ્યાં. ત્યાંજ તેમનાં મોબાઈલની રિંગ રણકી.

સ્ક્રીન પર તે વ્યક્તિનું નામ વાંચતા જ ફરી એસીપી અભયનાં ચહેરાં પર ગમગીની છવાઈ ગઈ. તેમ છતાં તેમણે સાઈડમાં જઈને ફોન ઉપાડ્યો.

"હેલો...."

"ગ્રેટ ભાઈ. આખરે તમને પણ માન સમ્માન મળી જ ગયું. જોયું મેં ટીવીમાં. વેલ ડન. ખેર આ તો મેં ઈશારો કર્યો ત્યારે તમે આ બધું કરી શક્યા છો.

"તારે શું કામ છે હવે?? આજ પછી મારાં શહેર પર તારી ગંદી નજર પણ નાખી છે તો હું તને ખરેખર શુટ કરી દઈશ." એસીપી અભય ગુસ્સે થઈને બોલ્યાં.

"ચીલ બ્રો. હું પણ કાંઈ નવરો નથી. એક અદ્ભૂત વસ્તુ ઇનવેન્ટ કરવાની છે મારે. યુ નો એક છોકરી આવી છે મારી પાસે જેનાં દુશ્મન પણ અમદાવાદમાં જ છે. તે ઈચ્છે છે કે હું તેને દુનિયાની સ્ટ્રોંગ ગર્લ બનાવી દઉં. બનાવી દઉં ને??? પછી મારે તમારાં શહેરમાં નજર નાખવાની જરૂર જ નઈ પડે. હાહાહા " આટલું કહી ડોક્ટર અલયે અટ્ટહાસ્ય કરતાં ફોન નીચે મૂકી દીધો.

એસીપી અભય ગળે લાગતા સિદ્ધાર્થ અને ઇવાને જોઈ રહ્યા.

******સમાપ્ત******


(ઝોમ્બી શબ્દ મારાં માટે તદ્દન ન ગમતો શબ્દ છે. હું ઝોમ્બી વાયરસની થિયરીમાં બિલકુલ પણ બીલીવ નથી કરતી. એથી જ જે વસ્તુમાં હું બીલીવ જ નથી કરતી એની ઉપર જ લખવાનું સાહસ કરવાનું મેં મન બનાવી લીધું. વાર્તામાં એક એક પાત્રો ઉમેરતી ગઈ અને મારી કલ્પનાથી ઝોમ્બી વાયરસ કેમ ફેલાય અને કેવી રીતે ફેલાયો તેમજ કેવી રીતે નાશ પામી શક્યો એનાં વિશેનું વર્ણન કર્યું. આશા રાખું છું આપ લોકોને ગમ્યું હશે. લખવાં માટે તો ઘણું બધું લખાઈ શકાત પણ વાર્તાનું મનોરંજન ક્યાંક અટવાઈ પડત અને વાંચક કંટાળી પણ જાય એથી જલ્દી જ પૂરી કરી છે.

ઝોમ્બી વાયરસ વિશે મુવી કે સિરીઝમાં તે ફેલાઈ ગયો એની જ માહિતી આપેલી હોય છે પણ કેવી રીતે ફેલાયો એનાં વિશે કોઈ જાણકારી મારાં ખ્યાલથી તો નથી આપતાં. એટલે જ વાર્તામાં મારે એ ખાસ દર્શાવવું હતું.

વાયરસ ઝોમ્બી હોય કે કોરોના... આપ સૌ હંમેશા સ્વસ્થ રહો અને તેનો સામનો કરો. કોઈ પણ વાયરસથી ડરવું એની કરતાં પોતાનાં ડરેલા મનથી લડવું જોઈએ એટલે આપોઆપ આપ કોઈને પણ માત કરી શકશો.👍