ઝોમ્બિવાદ - (ભાગ 1) Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝોમ્બિવાદ - (ભાગ 1)

(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક જીવનનો કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.)

અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત માણસ ઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ બનાવેલું આલીશાન શહેર પણ આ શહેરને ક્યાં ખબર હતી કે અમદાવાદ ટૂંક સમયમાં ઝોમ્બિવાદ બનાવા જઈ રહ્યું હતું. લોકો એક તરફ ફાર્મહાઉસમાં પાર્ટીની મહેફિલ જમાઈ રહ્યા હતાં તો એક તરફ બે જીવ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતાં...........

"આઈ એમ સોરી બેબી.... બટ હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી. તારી સાથે આઠ મહિના ક્યાંય જતા રહ્યા એ ખબર ના રહી બેટા, પણ જો તને આ દુનિયામાં હું લાવી દઈશ તો તારા બાપને લઈને જો તું મને સવાલ કરીશ તો હું તને કોઈજ જવાબ નહીં આપી શકું! આઈ એમ સોરી ડેડ, હું તમારાં કડક વલણમાં તમારી મારી માટેની ચિંતા કયારેય ન સમજી શકી. ફરી તમારી સામે આવવાનું સાહસ કયારેય કરી પણ નહીં શકું એટલે જ કદાચ સવારે જો મારાં આત્મહત્યાનાં સમાચાર તમારાં સુધી પહોંચે તો આઈ હોપ કે તમે મને અને મારી પરિસ્થિતિને સમજી શકો." શ્રુતિ રડતી રડતી પોતાનાં પંખે લટકાવેલ દુપટ્ટાને પોતાનાં ગળામાં ભરાવતાં ભરાવતાં છેલ્લે છેલ્લે પોતાનાં પેટમાં રહેલ જીવ સાથે વાર્તાલાપ કરતી હતી.

નયનોમાંથી નીકળતાં અશ્રુઓ તેનાં ચહેરાં પરનાં પ્રસ્વેદબિંદુઓ સાથે ભળી જતાં હતાં. મોતનો ડર તેનાં ચહેરાં પર પણ સાફ ઝલકતો હતો. એકસાથે ઠંડી - ગરમીનાં ભાવો તે અનુભવી રહી હતી. એક તરફ ચહેરાં ઉપર પરસેવો વળ્યો હતો તો નીચે હાથ પગ આ કૃત્ય કરવાનાં ડરથી ઠંડા થઇ ગયાં હતાં. હાથમાં રહેલો પરસેવો દુપટ્ટાથી લુછાવાની જગ્યાએ લસરી પડતો હતો. પોતાનાં ગાઉન પર છેલ્લી વખત પરસેવો લૂછીને મનને મક્કમ કરવા તે સજ્જ થઇ અને દુપટ્ટાને ગળામાં ફાંસો બનાવવા નાનો કરતી જતી હતી અને આંખો બંધ કરીને તે મોતને ભેટવાં તૈયાર થઇ કે ત્યાંજ તેનાં ઘરની ડોરબેલ રણકી.......

*******************

(24 કલાક પહેલાં )

ચાર બાય ચારનાં રૂમમાં ત્રણ છોકરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતાં. એક છોકરો પોતાનાં બેડ પર સૂતો સૂતો મોબાઈલમાં ધ્યાન લગાવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યો હતો.

"ભાઈ, સિડ લાસ્ટ ટાઈમ હવે પૂછું છું. કમ એન્ડ જોઈન વિથ અસ!" એક છોકરાએ દારૂનો ગ્લાસ બેડ પર સુતેલા સિદ્ધાર્થ તરફ ધરતાં કહ્યું.

"મૂક ને મોહા, આ ટટ્ટુ એક સિગરેટ નથી પીતો એનું શરીર દારૂ જેવો માલ તો કાયથી ઉતારી શકવાનો!" દીપે મોહિત નામક છોકરાનો સિદ્ધાર્થ તરફ ધરેલો હાથ પાછો કર્યો અને મોહિતનાં હાથમાં રહેલ ગ્લાસને ખેંચીને આખો ગ્લાસ પોતે જ એકધારો ગટગટાવી ગયો.

સિદ્ધાર્થની આંખોમાં એક જુનુન ચઢ્યું હતું જે સાફ ઝલકતું હતું. તે ગુસ્સામાં ઉભો થયો અને સામે ટેબલ પર રહેલી સ્કોચની બોટલ હાથમાં પકડીને મોંઢે ઉંધી માંડીને પીવા લાગ્યો.

"વાઉં, બ્રો! વ્હૉટ એ કિક યાર! સાલા તે તો મને શરમમાં મૂકી દીધો." મોહિત ચહેરાં પર આશ્ચર્ય સાથે ફાટી આંખોએ સિદ્ધાર્થની હરકત જોઈ રહ્યો.

બોટલનાં ઘૂંટડા પીને સિદ્ધાર્થ મોઢું બગાડી નીચે બેસી ગયો.

"ભાઈ, આ કોઈ કોમ્પિટિશન નથી લાગી કે તે આખી બોટલ ઉંધી કરી દીધી. કઈ વાતનો નશો ચઢયો છે?" દીપે સિદ્ધાર્થની સામું જોતા પૂછ્યું.

મોહિત તેની જોડે રહેલાં ત્રીજા છોકરાને ઉઠાડતો બોલ્યો, "ખુશિયાં, જો જલ્દી સિડલાએ આખી બોટલ નીટ મારી દીધી, ઉઠ ને બે સાલા, પી પી ને શું સુઈ જતો હોય છે ઓલવેઝ!" મોહિત બિન બેગ પર સુતેલા ખુશાનને લાતો મારતાં બોલ્યો.

"હું કંટાળી ગયો છું હવે લાઈફથી." સિદ્ધાર્થ ભીની આંખોએ બોલ્યો.

મોહિતનું ધ્યાન સિદ્ધાર્થ તરફ ગયું. સિદ્ધાર્થનાં ભીના સ્વરને સાંભળીને તેણે તેની પાસે બેસતાં પૂછ્યું, "શું થયું ભાઈ??"

દીપે ખિસ્સામાંથી સિગરેટ સળગાવતા કહ્યું, "એનું એક્ટર બનવાનું સપનું ચકનાચુર થઇ ગયું છે. હેંગોવરની જેમ ડાહ્યો બાબુ બનીને હવે આ એક્ટર વેક્ટરનું ભૂત ઉતાર અને અમારી જેમ જલસા કર! દરેક ગુડલુકિંગ છોકરો એક્ટર નથી બની શકતો." દીપે આટલું કહી સિદ્ધાર્થ તરફ સિગરેટ ઓફર કરી.

"દીપભાઈ, બસ બસ હવે આની ટેવ ના પાડશો. બહુ સીધો છોકરો છે." મોહિત સિદ્ધાર્થ તરફ પોતાની ચિંતા દર્શાવતાં બોલ્યો.

"ચૂપ મર! મોહુડી, એને પણ વેવ પાર્ટીની ટેવ પડવા દે." દીપ આંખ મારીને મોહિતની વાત કાપતાં બોલ્યો.

સિદ્ધાર્થે કંઈપણ વિચાર્યા વગર સિગરેટ હાથમાં લઈ લીધી અને એક ઊંડો કશ માર્યો પણ પીતા ન આવડતા તરત તેને ખાંસી ઉપડી.

"લાય લાય, નામર્દ તારી ઓકાત બહારની વસ્તુ છે." દીપ હાથે કરીને સિદ્ધાર્થને વધુ પીવા માટે હાથ લાંબો કરતાં બોલ્યો.

સિદ્ધાર્થે હાર ના માની અને ફરી સિગારેટનાં એક પછી એક કશ ખેંચવા લાગ્યો. મોહિત તેને રોકતો રહ્યો પણ સિદ્ધાર્થ હવે રોકાય એમ નહોતો. દીપ એકધારું સિદ્ધાર્થનું પાગલપન જોતો રહ્યો અને ચહેરાં પર બત્રીસી દેખાડતો રહ્યો. પાંચ છ કશ ખેંચીને સિદ્ધાર્થને બધું ગોળગોળ ભમવા લાગ્યું. દીપ અને મોહિતનો અવાજ તેનાં કાનોમાં સામાન્ય અવાજથી નીચો પડવા લાગ્યો. સિદ્ધાર્થને બધું હલતું ફરતું હોય એવું લાગવા લાગ્યું. તે ઉભો થવાં જાય એ પહેલાં જ તે સોફા પર ઢળી પડ્યો.

"સિડ, સિડ, શું થયું?" મોહિત સિદ્ધાર્થને જગાડવા લાગ્યો.
દીપ આ જોઈને જોરજોરથી હસવા લાગ્યો.

"ભાઈ, આને શું થયું? કેમ અચાનક પડી ગયો? મરીવરી તો નઈ ગયો ને?" મોહિતે ગભરાહટમાં ચિંતા કરતાં પૂછ્યું.

"અરે ચૂપ થા બે ###... મારી સિગરેટ છે આ... કોઈ નોર્મલ થોડી હોય. નસીબદાર છે સિડલીની બચ્ચી બિકોઝ હું કોઈની સાથે આ કયારેય શેર નથી કરતો." દીપ પોતાની સિગરેટ બતાવતાં બોલ્યો.

"તો ભાઈ શું હતું આ સિગરેટમાં?" મોહિતે ડરતાં ડરતાં પૂછ્યું.

દીપે મોહિતને નજીક બોલાવ્યો અને તેનાં કાનમાં કહ્યું, "ગાંજો!' આટલું કહી દીપ ફરી જોરજોરથી હસવા લાગ્યો.

*********************

સોલા રોડ પાસે આવેલ પોલીસ સ્ટેશનમાં એસીપી અભયસિંહ રાઠોડ ઉંધી ખુરશી કરીને કંઈક વિચારી રહ્યા હતાં. ચહેરાં પર સૂર્યને પણ શરમાવે એવું તેજ તેમનાં મુખ પર ઝળકતું હતું. તેમની સિંઘમ જેવી રુવાબદાર મૂંછો તેમનાં વ્યક્તિત્વ પર વધુ નીરખી રહી હતી. વગર જિમથી કસરત વડે કસાયેલું શરીર તેમની વર્દી ઉપર ખીલીને ધ્યાન ખેંચતું હતું. આંખોમાં કાયમી એક આત્મવિશ્વાસ સદાય છલકતો રહેતો હતો. તેમનાં માટે તેમની નોકરી ભગવાનથી પણ વિશેષ હતી. આખા અમદાવાદનાં ભાગ્યેજ કોઈ પોલીસ સ્ટેશનમાં તેમની વાહવાહી નહીં થતી હોય! તેમનાં લીધે જ છેલ્લાં દસ વર્ષમાં ખૂબજ ઓછી ચોરીઓ અને બળાત્કાર જેવી ઘટનાઓ નહિવત માત્રામાં સર્જાઈ હતી. આવાં બાહુ પૌરુષત્વ ધરાવનાર વ્યક્તિનાં ચહેરાં પર કોઈ વાતે નિરાશા છવાઈ હતી. ચેર પાછળ કરીને ઇન્સ્પેક્ટર અભયસિંહ રાઠોડ પોતાનાં મગજની નસોને ખેંચીને ઊંડા વિચારોમાં ગરકાવ હતાં.

"સર, તમે ઘરે જાઓ. હું અને દીપેશ સંભાળી લઈશું." કોન્સ્ટેબલ રાજુએ એસીપી અભયને સમજાવતાં કહ્યું.

"ક્યાંથી જઉં રાજુ, આપણી જાણ હોવાં છતાં અમદાવાદની બોર્ડર પાર થઈને ડ્રગ્સ આજે આવી ગયું અને
રાત થઇ હોવાં છતાં હજુ સુધી એક પણ લીડ નથી મળી કે ડ્રગ્સ આખરે ગયું તો ક્યાં ગયું!" એસીપી અભય ગુસ્સામાં એક એક શબ્દ પર ભાર પાડતાં બોલ્યા.

"હા, સર પણ આજની રાતમાં તો ડ્રગ્સ પૂરું વપરાઈ જવાનું નથી. આપણી ટીમ પણ એલર્ટ જ છે. જેવી કોઈ પણ ખબર આવશે કે પહેલો ફોન હું જ તમને કરીશ." કોન્સ્ટેબલ રાજુએ કહ્યું.

"સર, હું હમણાં છોટુ ભગતનાં રિમાન્ડ લઉં છું એ નક્કી કંઈક તો ઉગલી દેશે." સબ ઇન્સ્પેક્ટર દીપેશ પંડ્યા બોલ્યાં.

"એનાં રિમાન્ડ લેવામાં આપણા સવારે રિમાન્ડ લેવાઈ જશે અને એ હરામખોર ગમે તેટલો માર મારશું તોય બોબડી બંધ જ રાખશે. એમ પણ આ વખતે એની વાતમાં મને સચ્ચાઈ લાગે છે. એને આ ડ્રગ્સ વિશે ખરેખર કોઈ માહિતી નથી લાગતી. તો ખબર નહીં કોણ માઈનો લાલ બનવા જઈ રહ્યો છે?!" એસીપી અભયે ગુસ્સાની લકીરો ખેંચતા કહ્યું.

સબ. ઈ. દીપેશ જવાબમાં નીચું જોઈ ગયાં.

"છોટુને કહીને ચા મંગાય. માથું ફાટી ગયું છે મારું તો!" એસીપી અભયે ઓર્ડર આપતાં કહ્યું અને તેમની સામે રહેલી એલઈડીનું રિમોટ લઈને ટીવી ચાલુ કર્યું.

કોન્સ્ટેબલ રાજુ સલામી ભરીને ત્યાંથી નીકળી ગયો. એસીપી અભયે ન્યુઝ ચેનલ ગોઠવ્યા અને પોતાનાં ફોનમાં કંઈક જોવા લાગ્યાં.

".....મા....ધુરી!" દીપેશનાં મોંઢામાંથી ટીવી પરનાં ન્યુઝ સાંભળીને શબ્દ સરી પડ્યો.
"સર, આ જોવો તો ખરા જરાં!" દીપેશે ગભરાતા સૂરમાં કહ્યું.

એસીપી અભયે માથું ઊંચું કર્યું અને ટીવીની સ્ક્રીન તરફ નજર કરી.

કેરેબીયન પ્રદેશમાં ફેલાયો ઝોમ્બી આતંક!

જી હા, આપે બરાબર વાંચ્યું. ઝોમ્બી એક એવો શબ્દ જે આજ સુધી આપણે માત્ર ફિલ્મો અને વેબ સિરીઝોમાં જ જોયો અને સાંભળ્યો છે પણ હવે આ શબ્દ એક પ્રદેશમાં આતંક મચવતો ફેલાઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર કેરેબીયન પ્રદેશમાં આ વાયરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો એની કોઈ જ માહિતી હજુ સુધી જાણકારીમાં નથી. હવે આપણે જોઈશું કે આખરે ઝોમ્બી કોને કહે છે?? અને આ વાયરસ કેવી રીતે ફેલાતો જાય છે?

"શું આ ફાલતુનાં ન્યુઝ જોવે છે. અહીંયા મરી પડી છે ને તું આવાં બકવાસ ન્યુઝ જોઈને મારું પણ ડોફરાવે છે." એસીપી અભયે તરત રિમોટ લઈને ટીવી બંધ કર્યું.

"સર, મને તો લાગે છે ઝોમ્બી વાયરસ અહીંયા પણ ફેલાવવા મંડ્યો છે, તમને જ જોઈ લો પહેલાં તો કેટલા પ્રેમથી વાત કરતાં હતાં અને હવે તો તમે પણ જાણે અમુક લોકોનું લોહી પીવા બેબાકળા થઇ ગયાં છો." સબ ઇન્સ્પેક્ટર દીપેશ મજાકમાં બોલી તો ગયા પણ બોલાઈ ગયાં બાદ પોતાનાં બોલેલા શબ્દો કરતાંય વધુ ડર તેમને એસીપી અભયને જોતાં લાગ્યો.

"દીપે... છોડ એક વાત સમજી લે. આ ન્યુઝવાળા લોકોને ચેનલ નંબર વન બનાવવા ફાલતુનું પણ કંઈક ને કંઈક પીરસવું પડે છે પણ આપણામાં બુદ્ધિ હોય તો આવી વાતોમાં ધ્યાન આપ્યાં વગર પોતાનાં કામમાં બુદ્ધિ લગાવવી. જે તું થોડું પણ કરી લે ને તો આપણો કેસ તરત સોલ્વ થઇ જશે." એસીપી અભયે સબ. ઈ. દીપેશને સમજાવતાં કહ્યું.

દીપેશનો ચહેરો કરમાયેલા ગુલાબની જેમ મુરઝાઈ ગયો. તેનાં ચહેરાં પર ડર અને ભૂલનાં બે ભાવો દેખાયા. તે "જય હિન્દ" કહીને કેબિનની બહાર જવાં જતો હતો કે એસીપી અભય તરફ જોતાં પૂછ્યું, "સર, જો ન્યુઝ ચેનલની વાત ખરેખર સાચી નીકળી તો?"