કુદરતના લેખા - જોખા - 33 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 33


આગળ જોયું કે મયુર તેના કામમાં સફળતા મળ્યા બાદ મીનાક્ષીને મળવા જાય છે. બંને વચ્ચે ઘણા મહિનાઓના વિરહ બાદ એક લાગણીશીલ મુલાકાત થાય છે. બંને કેશુભાઈ પાસે છે જ્યાં ગોરબાપા ને બોલાવીને ૨૦ દિવસ પછીની લગ્નની તારીખ લેવાય છે. કેશુભાઈ આ ૨૦ દિવસ સુધી મયૂરને અનાથાશ્રમમાં જ રહેવાનું ફરમાન કરે છે

હવે આગળ..........


* * * * * * * * * * * * * * *


કેશુભાઈની વાતને અનુસરવા સિવાય મયુર પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે અત્યાર સુધીમાં આટલા અધિકારથી કેશુભાઇએ ક્યારેય કીધું નહોતું. એટલે મયુરે કેશુભાઈનું માન જાળવવા માટે પોતે તેની સાથે જ ૨૦ દિવસ રોકાશે તેવું જાહેર કર્યું.


જો કે મયુરે અહી રોકાશે તે જાહેર કરી દીધું હતું પરંતુ તેનું મન તો અત્યારે પણ તેના ગામડે જ હતું. હજુ નવી શરૂ કરેલી ખેતીમાં આવતા ફૂલોના વેચાણ માટે તેની ગેરહાજરીમાં વેચાણ કરી શકે એવી વ્યક્તિ ત્યાં કોઈ હતી નહિ. માટે મયુર વધુ ઉચાટ અનુભવતો હતો. અચાનક જ મયૂરને કંઇક વિચાર આવ્યો તેણે તરત જ પોતાનો મોબાઈલ કાઢી સાગર, હેનીશ અને વિપુલને બને એટલી જલ્દી અનાથાશ્રમ આવવાનું કહ્યું.


આમ પણ મયુરનો પહેલેથી જ એવો વિચારો હતો કે તેમના મિત્રો તેનાથી ક્યારેય અલગ ના થાય. એટલે જ સાગરને તે દિવસે કહ્યું હતું કે ' એવું કંઇક વિચાર કે આપણા બધા વચ્ચે ક્યારેય સ્થળની દુરી ના આવે.' આ એક સારો મોકો હતો જેમાં બધા મિત્રો સાથે રહીને કામ કરી શકે એમ હતા. મયુરનું કામ વિશાળ હોવાથી તેમના મિત્રોને સારો પગાર આપીને પોતાને ત્યાં રાખી શકવું મયૂરને પોસાઈ તેમ હતું. હવે એ જોવાનું હતું કે તેમના મિત્રો આ કામ માટે રાજી છે કે નહિ.


સાગર તો મયૂરને મળવા તલપાપડ હતો જ એમાં અચાનક આવેલા મયુરના ફોનથી મયૂરને મળવા અધીરો બન્યો. બધું જ કામ પડતું મૂકી મયૂરને મળવા અનાથાશ્રમ દોડી ગયો. અનાથાશ્રમ પહોંચતા સુધીમાં તો કેટ કેટલા વિચારોએ સાગરને ઘેરી લીધો. સાગરને ખબર જ હતી કે અનાથાશ્રમ પહોંચતા જ તેના બધા વિચારો શમી જવાના હતા.


કૃષ્ણ સુદામા વચ્ચે જેવું મિલન થયું એવું જ મિલન મયુર અને સાગર વચ્ચે થયું હતું. સાગર હજુ અનાથાશ્રમના દરવાજે પહોંચ્યો જ હતો તો દરવાજે મીટ માંડીને બેઠોલો મયુર, સાગરને જોતા જ દરવાજા તરફ દોડી ગયો હતો અને પોતાના મિત્રને ભેટી પડ્યો હતો. બંને વચ્ચે કેવો લાગણીશીલ સબંધ હશે તે ત્યાં હાજર બધાએ અત્યાર સુધી વ્યાકુળ મને બેઠેલા મયૂરને ઉત્સાહથી તેના મિત્રને ભેટતા જોઈનેજ અંદાજો લગાવી શકે એમ હતા.


બંનેની પ્રેમભરી મુલાકાતના અંતે સાગરે અત્યાર સુધી પોતાની અંદર દબાયેલો ઉભરો મયુર સામે ઉપરાં ઉપરી પ્રશ્નોના મારા દ્વારા ઠાલવી દીધો. કેમ તું આટલા સમયથી અમારી સાથે સંપર્કમાં નથી? શું તને એક વાર પણ અમારી સાથે સંપર્ક કરવાનો વિચાર ના આવ્યો? તારે નવું કામ જ શોધવું હતું તો અમને કહીને પણ જઈ શકતો જ હતો ને? અમે કઈ તને રોકત નહિ. જો આ સમય ગાળામાં અમારા સંપર્કમાં રહીને તે કામ શોધ્યું હોત તો પણ અમે કઈ તારા કામમાં વિક્ષેપ કરાવવાના નહોતા. ઉલ્ટાનું અમે તને મદદરૂપ થવાના પ્રયત્નો જરૂર કરત. અમે તને કેટ કેટલી જગ્યાઓ પર શોધ્યો હતો પરંતુ તારો ક્યાંય પતો લાગ્યો નહિ. એ પરિસ્થિતિમાં અમારા પર શું વીતતી હતી એનો અંદાજો છે તને?


મયુરે સાગરને જ્યાં સુધી બોલે ત્યાં સુધી બોલવા દીધો. આખરે લાલઘૂમ થયેલો સાગર થોડો શાંત થયો એટલે મયૂરને પણ થોડી શાંતિ થઈ. પરંતુ સાગરને બધા પ્રશ્નોના જવાબ આપવા જ પડશે એ મયૂરને ખબર હતી એટલે સાગરને પાણી આપતા મયુરે કહ્યું કે ' શાંત થા ભાઈ હું તારા બધા પ્રશ્નોના જવાબ આપું છું તું પહેલા આ પાણી પિય લે.'


બંને મિત્રો એકલા વાત કરી શકે એ માટે મીનાક્ષી અને કેશુભાઇ ચા બનાવવા માટે રસોડા તરફ જતા રહે છે. મયુરે સાગરને પાણી પાયને એક ખુરશી પર બેસાડે છે પછી શાંત ચિતે અને સહજતાથી સાગરને સમજાવતા કહે છે કે ' જો ભાઈ મારે તને દુઃખી કરવાનો કોઈ ઉદ્દેશ નહોતો પરંતુ મારા સિદ્ધાંતો વિશે તો તને ખબર જ છે ને. હું મારા કામની શોધમાં કોઈ લાગણીના પ્રવાહમાં આવવા નહોતો માંગતો એટલે જ તો હું તને કીધા વગર જતો રહ્યો હતો. તને તો ખબર જ છે કે એ સમયે હું મીનાક્ષી ના સંપર્કમાં પણ નહોતો. અને જો મારા દિલમાં તારા પ્રત્યે કોઈ એવો ભાવ ના હોત તો આજે તને સામે ચાલીને ફોન પણ ના જ કર્યો હોત. એક વાત તો તને મારી ખબર જ છે ને કે જ્યાં સુધી હું લક્ષ્ય હાંસિલ ના કરું ત્યાં સુધી મને બીજું કંઈ દેખાતું નથી. એટલે એ બધી વાતનું મહેરબાની કરીને કંઈ ખોટું ના લગાડ.' પોતાની વાતની અસર સાગર પર કેટલી પડી છે એ જોવા મયુર, સાગરની આંખોમાં આડકતરી નજર કરીને થોડી વાર બોલતા અટકી ગયો.


સાગરની આંખો જોતા મયૂરને લાગ્યું કે સાગર પોતાની વાત સમજી રહ્યો છે એટલે વાતને બીજા માર્ગે વાળવાના હેતુથી મયુરે અત્યાર સુધીની પોતાની દાસ્તાન સંભળાવી દીધી જે થોડી વાર પહેલા જ મીનાક્ષી અને કેશુભાઈને સંભાળવી હતી. સાગર મયુરની વાત સાંભળી થોડો હળવો થયો કે તરત જ મયુરે સાગરને પોતાના ૨૦ દિવસ પછી લગ્ન રાખ્યાના શુભ સમાચાર આપ્યા. એ વાત જાણતા જ સાગર ઝુમી ઉઠ્યો અને મયૂરને ગળે લગાડી અભિનંદન પાઠવ્યા.


મયુરે પોતાની વાત આગળ ચલાવતા સાગરને કહ્યું કે ' તને ખબર છે ને મારું એક સ્વપ્ન હતું કે આપણે બધા મિત્રો સાથે રહીએ. મારું એ સ્વપ્ન હવે તારે પૂરું કરવાનું છે. આપણે બધા મિત્રો સાથે મળીને મારા ગામડે સાથે કામ કરીશું. હેનીશ અને વિપુલને પણ મે અહી બોલાવ્યા છે કદાચ એ લોકો કાલે આવી જશે. એ લોકોને સમજાવવાની જવાબદારી હું તારા પર છોડું છું.'


' ભાઈ હું તારી સાથે કામ કરવાની ના તો ના પાડી શકું પરંતુ અત્યારે હું ચાલુ નોકરી પર રજા લઈને તને ફક્ત મળવા આવ્યો છું અને એ નોકરીને છોડવા માટે તો મારે ૩ મહિના પહેલા કંપનીને જાણ કરવી પડે એ પહેલાં તો હું તારી સાથે નહિ આવી શકું.' પોતાની સ્થિતિને વાકેફ કરાવતા સાગરે કહ્યું.


' તારે આજથી જ એ નોકરી છોડી દેવાની છે અને કાલે હેનીશ અને વિપુલને સમજાવી તારે કાલે જ ગામડે જવું પડે એમ છે. કારણ કે મને કેશુભાઇએ વીસ દિવસ અહીં જ રહેવાની ફરજ પાડી છે અને ત્યાં આટલા દિવસ કામ સંભાળી શકે એવો મારી સમકક્ષ કોઈ વ્યક્તિ ત્યાં નથી માટે જો તું ત્યાં જતો રહીશ તો મને ત્યાંની કોઈ ચિંતા નહિ રહે.' મયુરે પોતાની મુંજવણ રજૂ કરતાં સાગરને કહ્યું.


સાગર હજુ કોઈ જવાબ આપે એ પહેલાં જ મીનાક્ષી અને કેશુભાઇ ચાની ટ્રે લઇને આવી ગયા. આવતાની સાથે જ કેશુભાઇએ મજાકના સ્વરમાં બંનેને કહ્યું કે ' ક્યારના બંને મિત્રો શાની ગપશપ કરી રહ્યા છો.'


' ગપશપ તો શું કરીએ કેશુભાઈ! આ તો ઘણા સમય પછી મળ્યા એટલે વાતો થોડી ખૂટે. જો કે સાથે રહેતા ત્યારે પણ ક્યાં વાતો ખૂટતી હતી? શું કેવું મયુર? સાગરે કેશુભાઇની વાતનો પ્રત્યુતર વાળી પોતાની વાતને સમર્થન આપવા મયૂરને પ્રશ્ન કર્યો.


' હમમ...' મયુરે એકાક્ષરી શબ્દથી સાગરની વાતને સમર્થન આપ્યું.


' ચાલો વાતોતો થતી જ રહેશે પહેલા ગરમાં ગરમ ચા પી લો.' મીનાક્ષીએ બધાને રકાબીમાં ચા આપતા કહ્યું.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


શું સાગર મયુર સાથે કામ કરવા તૈયાર થશે?


જો સાગર કામ કરવા તૈયાર પણ થાય તો શું ૩ મહિના પહેલા મયુર સાથે કામ કરી શકશે?


શું વિપુલ અને હેનીશને મયુર સાથે કામ કરવા સાગર સમજાવી શકશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏