સપના!!! હા સપના વર્તમાન કે ભવિષ્યના નહિ, ભૂતકાળ નાં સપના. એવી ભૂતકાળ ની હકીકતો જે આજે મારા હૃદય નાં કોઈ ખૂણે સપના નાં રૂપે કંડારાઈ ને પડી છે, કે જેને હવે હું ફક્ત વિચારી શકું છું જીવી શકતો નથી.એ જિંદગી એ ખવરાવેલો એવો ખોરાક હતો કે જેના ક્યારેક તીખા તો ક્યારેક સંતુષ્ટિ નાં ઓડકાર હજી આવે છે.
સ્કૂલ ની હોસ્ટેલ નાં એ દિવસો એ પ્રસંગો ને જ્યારે હું મારા મન માં વાગોળતો તો હોવ ત્યારે એમ થાય કે મેં પૂરી જિંદગી હોસ્ટેલ નાં જીવન માં જીવી લીધી.તેના કઈંક એવા પ્રસંગો જે હોઠો ની કરચલી ખોલી નાખે અને મનમાં ને મનમાં હાસ્ય નાં ફુવારા છૂટે, તો કંઇક એવા કે જેના વિચાર માત્ર થી મારા સંઘર્ષ નું પાણી આંખ માંથી વછૂટી ઉઠે.
હોસ્ટેલ એવી જગ્યા છે કે જ્યાં પહોંચ્યા પછી ની રાતે કંઇક પોતાના ગુમાવ્યા નો આભાસ થાય અને પછી “ઘર" શબ્દ ની કિંમત સમજાય. અને પછી શું ? બસ થોડાક દિવસ તો છાત્રાલય વાસી વિદ્યાર્થી નાં મુખ વાટે એક જ ધ્વનિ નીકળે “ મારે ઘરે જવું છે, મને અહીંયા નથી ગમતું".પણ મારા કિસ્સા માં આવું નહતું, અને એવું પણ નોતું કે મને ઘર પાછું જવાનું મન નહતું થતું પણ જ્યારે પણ હું આ વિચાર ની છબી ને જોતો ત્યારે ઘર ની પરિસ્થિતિ નાં ઝળઝળીયા એ છબી ને સ્પષ્ટ થવા નાં દેતા. પણ થોડા દિવસો વીત્યા પછી જ્યારે વ્યસ્તતા એ માજા મૂકી ત્યારે બધી યાદો ભૂસાઈ ગઈ. મારા હોસ્ટેલ ની જિંદગી ની કંઇક અલગ જ મઝા હતી ,અને એમાંય જ્યારે અઠવાડિયે એક શનિવારે ઘરે વાત કરવા મળતી અને એ વાત કરવા માટે હું આખાય સપ્તાહ ની વાતો નું પોટલું મન લઈ જેમ નોટબાંધી વખતે એટીએમ અને બેન્કો ની આગળ કતારો હતી એવી કતારો માં બેસતો. મઝા તો ત્યારે આવતી કે જ્યારે આટલી મોટી લાઈન માં બેઠા હોય ને ઘરે થી સામેથી લેનલાઈન માં ફોન આવે અને મારું નામ બોલે,અને પછી શું! જેમ ચૂંટણી નું પરિણામ આવે અને હારેલા ઉમેદવારોના ટોળા માંથી જીતેલો ઉમેદવાર પોતાની જીત થી ફૂલેલી છાતી સાથે બહાર આવે એમ હું લાઈન ને ગોળી ની જેમ ચીરતો, બેઠેલા નાં મોઢા જોતો અને ગજબ નાં આંતરિક હાસ્ય સાથે ફોન પાસે પહોંચતો.
અને એમાંય મારા હોસ્ટેલ નાં નિત્યકર્મ ની તો વાત જ નાં કરશો….! આખાય આઠ હેવાનો નાં રૂમ માં માંડ એક એલાર્મ હોય અને એલાર્મ જેની પાસે હોય એ પાછો કુંભકર્ણ નો ભાઈ હોય. અને અમારા રૂમ ની વાત કરું તો, અમારા એલાર્મ નાં અવાજ થી બાજુ વાળા જાગી ને ઉઠાડવા આવે, કારણ કે અમે જગીએ તો અમારી ઊંઘ લજે વહાલા…! અરે એતો ખરું પણ રોજ રાત્રે અમારો નિશ્ચિત શપથ ગ્રહણ નો કાર્યક્રમ ચાલતો કે“હું ભગવાન ની શાક્ષી એ સવારે વહેલો જાગીશ”.પછી તો તમે જાણો જ છો જેમ સરકારી સેવકો પોતાની શપથ નું પાલન કરે તેમ અમે પણ કર્યું.પણ ખાલી ધારો કે જ્યારે રાત્રે વધારે પાણી પીવાય જાય અને કાતો રાત્રે કઈ ઊંધું ખવાય ગયું હોયને સવારે વહેલા સમાધિ તૂટે,પછી મારા શરીર ને પથારી નાં વશ માંથી છોડવાનું ખૂબ મુશ્કેલ પડતું કેમ કે એના માટે કોઈ હનુમાન ચાલીસા તો છે નઈ,શિયાળા ની વહેલી સવારે જ્યારે અમે ડોલ લઈને જાહેર સ્નાનગૃહ માં નહાવા જતા ,પછી એના નળ માંથી ટપકતા ઉત્તર ધ્રુવ નાં પાણી ને અડકી અમારો નહાવાનો વિચાર સમાધિ લઈ લેતો.પણ જો કોઈ સાથીદાર સાથે હોય અને એ પીઠ પાછળ આ પાણી નો વાર કરે પછી તો ખત્ત્તમ….!!પછી જે પાણી થી રમખાણો ચાલુ થઈ પણ કેવા સાંધા તોડિયા પાંજરા વાળા, હાકળે થી બાઘ છૂટ્યા……….એના જેવી હજી સુધી નહાવા ની મઝા નથી આવી.
પાછું અમને જે સવારે નાસ્તો આપતાં શું..નાસ્તો આપતાં .શું વાત કરું!! ચાલો બટાટા પૌંઆ તો ઠીક પણ સવાર સવાર માં દહીં,ગોળ,ભાખરી તો કોણ આપે યાર..અને પાછું ચા તો નઈ.અને સવાર સવાર માં ખાટું ભાવે!પછી શું દહીં રહેવા દઈ હું ભાખરી ને ગોળ ખાતો પણ કેવું લાગે ખબર . ..જ્યારે ગળા માંથી નીચે ઉતરે ત્યારે કોઈ લોખંડ નાં સળિયા નું ગૂંચળું ગાળતા હોય તેવું લાગતું. હવે આ પેટ તો પાપી ભર્યા સિવાય ચાલે નઈ પછી શું ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતી પાસે કોઈ પણ નો જુગાડ હોય જ . અમે આ કઠોર વસ્તુ ને પચાવવા માટે તેને ગેર કાયદેસર નવો રંગ આપ્યો, અમે તેમાં હોસ્ટેલ માં જેનો પ્રતિબંધ હતો તેવી લસણ ની ચટણી ઉમેરી અને અમારા સ્વાદ નાં ચસકા તો જુઓ જલજીરા વગર તો નાજ ચાલે પછી જે વાનગી બને એનું નામ તો હવે તમે ઘરે ટ્રાય કરી ને આપજો..બસ ખાલી આટલા ફેરફાર કરી એક અડધી નખવાતી ભાખરી પછી અમે ત્રણ ત્રણ ડાબી જતાં.પણ હવે ઘરે જ્યારે આવું બનાવીએ ત્યારે એટલી મઝા નથી આવતી.અમારે દર રવિવારે મીઠાઈ હોય પણ જો એમ કહેવા માં આવે કે આ રવિવારે ચા - ભાખરી ખાવી છે કે મીઠાઈ તો અમારો એક જ મત ચાને સંગ, આટલો પ્રેમ હતો અમને ચાનો.હા પાછું ચા ના આશિકો વધારે હોવાથી અમારા હાથ માં થાળી હોય તેને ચા માટે એક એપોઇન્મેન્ટ મળે , પણ અમે સીધા માણસો કોઈ દિવસ અમે અમારી પીરસવા વાળા ની ઓળખાણ નો ફાયદો નથી ઉપાડ્યો. ખાલી જમી એક વાર ચા આપે પી લેવા ની અને શાંતિથી થાળી મૂકી પાછું લાઈન માં આવતું રેવાનું….હવે ૧૫૦૦ ની સંખ્યા માં કોને ખબર પડવા ની કે કેટલી વાર આવ્યો. રાત નું એ સ્વાદ વગરનું પણ અમારા માટે સ્વાદિષ્ટ એવું બટાકા નું શાક ,ભાખરી….અરે એવી ભાખરી કે જેને ફર ફરતી ઘા કરું તો કેટલાય નાં માથા ફોડી નાખે…! અને એ ભાખરી અમારી કસરત નાં રૂપે ચોળાય જતી.
આ હોસ્ટેલ નાં તબક્કા માં મે દુનિયા દારી ત્યારે શીખ્યો કે જ્યારે મે મારી ફી માફી ની અરજી મૂકી. દરોજ શાળા એ થી છૂટી પહેલા સર ની રાહે બે બે કલાક રાહ જોવાની અને રાહ જોવાની આડ માં ક્યારક મારે જમવાનું પણ રહી જતું. આ વાત તો બહુ લાંબી છે પણ આટલું બધું કરવા છતાં પણ મારે જેટલી ઓછી કરાવવી હતી એટલી ફી તો નાજ થઈ, ત્યારે સત્તા ની કિંમત સમજાય. અને હા મને પૈસા ની કિંમત હોસ્ટેલ માં સમજાય, કે જ્યાં મારે ૧૦ રૂપિયા વાપરવા માટે પણ કેટલુંય વિચારવું પડતું. હોસ્ટેલ નાં તબ્બકા માં આવેલી હરએક ઠોકરે મને ઘણું જીવાડી દીધું હતું. હોસ્ટેલ ની મહિને એક વાત આવતી વાલી મીટીંગ માં આવતા બધાના વાલીઓ ને જોય મન માં બહુ મુંઝારો થતો પણ રોઈ શકાતું ન હતું,કારણ કે અમારા ઘર ની એક દિવસ ની રજા કોઈ નાનકડા દુષ્કાળ જેવી વર્તાતી.પણ પછી હવે એકલા રહેવાનો વસવસો રહી ગયો. અને ત્યાર થી હું આજ સુધી એકલો જ ફરું છું. અને હાલ નું મારું જીવન પેલા ભજન જેવું છે જે તમે સાંભળ્યું જ હશે કે
“ક્યાં જવાનું, ક્યાં રેવાનુ, ક્યાં મારું ઠેકાણું કઈ નાં જાણું,
હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય હું કઈ નાં જાણું”
આવી અનિયમિત જિંદગી માં હવે મને એ નિયમિત પણું યાદ આવે છે. અને નિયમિતતા ની વાત આવી ત્યારે મને એ હોસ્ટેલ માં બનાવેલા ઘરે પરત ફરવાના કેલેન્ડરો યાદ આવી ગયા. હેય હજી ઘરે થી આવ્યા નો એક દિવસ પણ નથયો હોય ને પાછું પાછા જવા માટે નાં બાકી રહેલા દિવસો ની ગણતરી ચાલુ. અને એમાંય નિયમો પાછા કેવા કે ચાલુ દિવસ નઈ ગણવાનો,જે દિવસે વળી મીટીંગ હોય એ દિવસ નઈ ગણવાનો, પછી જે દિવસે જવાનું હોય એ દિવસ નઈ ગણવાનો અને રવિવાર પણ નઈ ગણવાનો કેમ કે ત્યારે તો આખો દિવસ ઘરે થી ફોન આવે એટલે આવા ગજબ ગજબ નાં કોઈ પણ ખગોશાસ્ત્રીઓ ને ગોટાળે ચડાવે એવા નિયમો થી તો અમે કેલેન્ડરો બનાવતા. અને મારા હોસ્ટેલની એક ખાસ વાનગી હતી અને એ હતી … ચૌકી નાં જશો તો કહું એ હતી……“ભેળ”... હા ભેળ જેવી તેવી નહિ આ ભેળ માટે તો અમે કેટલાય મમરા નું દાન આપ્યું છે ખબર.આ ભેળ બનાવવાની અને ખાવાની રીત કોઈ ગુપ્ત મિશન જેવી રહેતી.કે જેની અંદર કુલ કેટલા એજન્ટ જોડાશે એનું નક્કી મિશન ચાલુ થાય પછી ખબર પડે, પણ જોડાનારા આઠ તો જાય જ . અમારા મિશન વાત સ્કૂલ નાં બ્રેક માં ગુપ્ત પણે નક્કી થાય પછી શું વાત લીક નાં થઈ જાય એટલે બધા સામસામી સોગંધો નાં પુલ બાંધે એમાંય જેમ “રામ ભૂત” ચોકડી નઈ પણ કેટલીક એના જેવી શરતો મુકાય. પછી સ્કૂલ છૂટ્યા પછી બધાની એક રૂમ માં જાહેર મિટિંગ થાય અને ત્યાં રૂમ નક્કી થાય . પછી શું મોડી રાત નાં અઘોર અંધારા સાથે મિશન ની શરૂઆત થાય. જેટલા ગૃહપતિ નામના સૈનિકો ને આવવાના રસ્તા ઓ પર એક એક જવાન હોય . અને રૂમ માં ભેળ બનાવવા વાળો એક જ પંડિત હોય જોકે આવડે બધાને પણ એના જેવું નઈ. અને પાછું એને બીજી જગ્યા એ પણ જવાનું હોય. પછી તો કપાસની ગાંસડી બાંધવા નાં કાપડ જેવું કાપડ પથરાય , એના ઉપર મમરા નો નાની ટેકરી જેવો ઢગલો થાય,પછી એમાં સ્વાદ નો રાજા મેગી મસાલો , ગામમાંથી માંથી આવતા છોકરા સાથે આવેલા ગેરકાયદેસર નાં ટામેટા, બપોરે જમતી વખતે ભોજનાલય માંથી સાચવેલી સલાડ ની ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું. આટલું બધું નાખી અને તે મિક્સ થાય ,આટલા સુધી તો સામાન્ય છે પણ હવે … ત્યાં અમારા માટે ચટણી તો હતી નહિ તો એની જગ્યા એ પાણી નો ઉપયોગ થતો લીંબુ વાળું,એટલે ભેળ ની ઢીલાશ અનુસાર તેમાં પાણી ઉમેરવામાં આવતું..!પછી તો ભેળ ની સુગંધ મોં માં પાણીના ફુવારા છોડાવી દે, પછી સાદ ખાવાનો પડે એટલે પછી પંડિતે બનાવેલો પ્રસાદ ઝડપે પેટ નાં અગ્નિ માં હોમાતો જાય. પણ જો એમાં ગૃહપતિ આવવાનો અણસાર મળે તો તો એવી રીતે બધું વિખાય જાય કે ખબર પણ નાં પડે , બનેલી ભેળ કોઈની નહાવાની ડોલ માં જતી રહે તો કોઈ નાં બેડ નીચે અને છેલ્લે કોઈ રસ્તો નહોય તો પછી બારી ની બહાર. અને છતાંય જો પકડાઈ ગાય પછી તો ભલા મોરી રામા ભલા તરી રામા…..!!!!આખાય હોસ્ટેલ નાં અડધી રાત્રે રાઉન્ડ મારવાના. પણ જે હતું તે મઝા બહુ આવતી.
ખરેખર એ ખાલી હોસ્ટેલ જ નહિ પણ આખી એક જિંદગી હતી જે હવે ખાલી એક સપનું બનીને રહી ગઈ છે. હું હાલ માં થોડી જ પળો નો ઉલ્લેખ કરી શક્યો પણ હકિકત માં તો આવી કેટલીય પળો છે કે જે મારા મન પટલ પર અંકાયેલી છે.
મારા આવા સપના ઓ ઉપર થી ધૂળ ખંખેરી એને ફરી થી સજાગ કરવા બદલ અને મારા વિતેલા સપના ની જિંદગી ફરીથી જીવવા માટે આપવા બદલ હું કવિ શ્રી અનિલ ચાવડા સર નો મારા હૃદય ધ્વનિ થી આભાર માનું છું……
લી. ધર્મેશ ખેર
મો. 9106876452