Kudaratna lekha - jokha - 29 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 29


આગળ જોયું કે મયુર તેની કંપની માથી રાજીનામું લઈ લે છે રાજીનામું સ્વીકારતાં કંપનીના માલિક અનેક સલાહ સૂચનો આપી મયૂરને ફરજ મુક્ત કરે છે. મયુર તેમના મિત્રોને અને મીનાક્ષીને રાજીનામાંની વાત કરે છે જેમાં બધા ના પ્રત્યુતર નકારાત્મક આવે છે. મયુર જ્યાં સુધી નવો બિઝનેસ શરૂ નહીં કરે ત્યાં સુધી મીનાક્ષી સાથે કોન્ટેક્ટ માં નહિ રહે તેવી વાત કરે છે.
હવે આગળ.........

* * * * * * * * * * * * *

પાંચ દિવસથી મયુર પોતાના નવા બિઝનેસ ની શોધ માટે પોતાના લેપટોપ મા રચ્યોપચ્યો હતો એ આ પાંચ દિવસમાં તેના મકાનની બહાર પણ નહોતો નીકળ્યો. એક એક બિઝનેસ ના લાભ અને ગેરલાભ ને પોતાની અંગત ડાયરીમાં નોંધ કરતો હતો. પરંતુ હજુ સુધી એ કોઈ એક બિઝનેસ ની પસંદગી કરી શક્યો નહોતો.

મયૂરને છઠ્ઠા દિવસે એવું લાગ્યું કે તેમના મિત્રો ગમે ત્યારે એને મળવા ઘરે આવી શકે એમ છે અને મયુર જ્યાં સુધી પોતાનો બિઝનેસ શરૂ ના કરી દે ત્યાં સુધી કોઈને મળવા માંગતો નહોતો માટે જ મયુરે તેમની બાજુની સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો.

મયુર તેના કાર્યની શોધમાં અર્ધ પાગલ થઈ ગયો હતો. એ કેટલાય દિવસો સુધી સ્નાન પણ નહોતો કરતો કે જમતો પણ નહોતો. મયૂરને જોતા કોઈ એવું ના કહી શકે કે આ જ વ્યક્તિ કોલેજમાં યુનિવર્સિટી પ્રથમ આવેલ હશે. અત્યારની હાલત જો મીનાક્ષી જોઈ જાય તો એ પારાવાર ચિંતામાં ગરક થઈ જાય. પરંતુ મયૂરને અત્યારે કોઈ ફરક નહોતો પડતો એ તો બસ પોતાના લેપટોપ મા નવા નવા બિઝનેસ ને પસંદગી કરી પોતાની ડાયરીમાં લખતો હતો.

સમય સરકતો ગયો મયુર પોતાની અર્ધ પાગલ જેવી હાલતમાં ૬ મહિના સુધી ભાડાના મકાનમાં પડ્યો રહ્યો. તેનું શરીર પણ સુકાઈને લાકડી જેવું થઈ ગયું. તેના વાળ અને દાઢી કોઈ બાવા સાધુ જેવા થઈ ગયા. ઘણા મહિનાઓથી સ્નાન ના કરવાના કારણે તેના શરીર અને વાળ માથી દુર્ગંધ આવી રહી હતી.

* * * * * * * * * *

સૌથી વધારે ખરાબ હાલત સાગર અને મીનાક્ષી ની હતી. તે બંનેએ કેટલીય વાર મયુરના ઘરે તપાસ કરી પરંતુ દર વખતે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ હાથ ના લાગ્યું. સાગરને તો મયુર ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો અને મીનાક્ષીને પણ કહેતો હતો કે આવું ગાંડપણ કરવાની ક્યાં જરૂર હતી. જો એનો ફોન શરૂ રાખ્યો હોત તો આપણે પણ એને નવા કામ શોધવામાં મદદ કરી શક્યા હોત. અત્યારે મયુર ક્યાં અને કેવી હાલતમાં હશે એ વિચારે જ મને ચિંતા થાય છે.

મીનાક્ષી સાગરને કોઈ પ્રત્યુતર ના વાળતી એ પોતાને જ કોસતી હતી. જ્યારે મયુર તેની પાસે નવા બિઝનેસ માટે પરવાનગી લેવા આવ્યો ત્યારે જ તેને કોન્ટેક્ટ શરૂ રાખવાની વાત કરવી જોઈતી હતી. એ મારી જ ભૂલ છે કે ત્યારે હું લાગણીવશ થઈને તેની કોન્ટેક્ટ બંધ રાખવાની વાતમાં પણ તેની હા માં હા મેળવી હતી. ત્યારે પણ મે કોઈ વિરોધ નહોતો કર્યો. જો ત્યારે મે કોઈ વિરોધ કરીને કોન્ટેક્ટ શરૂ રાખવાની વાત પર અડગ રહી હોત તો આજે આ હાલત ના હોત. પોતાને કોસતા જ મીનાક્ષી ભાંગી પડતી અને રડી પડતી. સાગર મીનાક્ષીને શાંત કરાવતો અને કહેતો પણ ખરો કે જરૂર મયુર કંઇક નવું કરીને જ આવશે તમે ચિંતા ના કરો બધું બરોબર થઈ જશે.

સાગર મીનાક્ષીને સાંત્વના તો આપી રહ્યો હતો પરંતુ પોતાની અંદર પણ એક ભય હતો જ કે મયૂરને નવો બિઝનેસ શરૂ કરવામાં આટલો સમય તો ના જ જાય. શું મયુર નાસિપાત થઈ ગયો હશે? નવા બિઝનેસ ના ટેન્શનમાં આત્મહત્યા તો............ ના ના મયુર એવું ના જ કરી શકે. મયુર આટલો ખોખલો માણસ તો નહોતો જ કે આવું પગલું ભરે! છતાં મયુરની પાક્કી તપાસ તો કરવી જ પડશે.

સાગરે તેમના મિત્રોને મયુર વિશે પૂછ્યું જ હતું પરંતુ તેમના મિત્રોના કોન્ટેક્ટ માં પણ મયુર નહોતો. મયુરની તપાસ કરવા સાગરે, હેનીશ અને વિપુલને પણ અમદાવાદ બોલાવી લીધા. ત્રણેય મિત્રો મયુરના ઘરે પહોંચે છે પરંતુ ત્યાં તાળું લાગેલું હોય છે. એક એક પાડોસી ને મયુર વિશે પૂછતા હતા પરંતુ કોઈ પાસે મયુર વિશે કોઈ જાણકારી નહોતી. તપાસ કરતા કરતા બીજી સોસાયટી સુધી પહોંચી ગયા. ભાગ્ય જોતા એ જ સોસાયટીમાં મયુરે ભાડે મકાન રાખેલું હતું. મયુરે ભાડે રાખેલ મકાનના દરવાજે ત્રણેય મિત્રો પહોંચી ગયા અને સાગરે તે દરવાજાની ડોરબેલ વગાડી છતાં દરવાજો ના ખુલ્યો. સાગરે બીજી વાર ડોરબેલ વગાડી છતાં દરવાજો ના ખુલ્યો. સાગર ત્રીજી વાર ડોરબેલ વગાડવા જતો જ હતો ત્યાં વિપુલે તેને રોક્યો અને કહ્યું કે ભાઈ આ બીજી સોસાયટી છે અહી મયૂરને કોઈ ઓળખતું પણ નહિ હોય શા માટે આપણે બીજા લોકોને હેરાન કરવા જોઈએ. સાગરને વિપુલની વાત સાચી લાગી અને કહ્યું કે વિપુલ તારી વાત સાચી છે આમ પણ શહેરમાં એક જ સોસાયટીમાં રહેતા હોવા છતાં એકાબીજા ઓળખતા નથી હોતા અને આપણે તો બીજી સોસાયટીમાં આવી ગયા છીએ. ચાલો આપણે કંઇક બીજે તપાસ કરીએ. ત્રણેય મિત્રો હજુ એ મકાન થી નીકળ્યા જ હતા ત્યાં મયુરે મકાનનો દરવાજો ખોલ્યો પરંતુ બહાર નજર કરતા કોઈ નહિ દેખાતા ફરી દરવાજો બંધ કરી મયુર મકાનમાં પુરાઈ જાય છે.

સાગર અને સાગરના મિત્રો અમદાવાદમાં ઘણી જગ્યાઓ પર મયુરની તપાસ કરે છે પરંતુ બધી જ જગ્યા પર તેમને નિષ્ફળતા મળે છે આખરે બધા નિરાશ થઈ ને પોતપોતાની નોકરીમાં લાગી જાય છે.

જ્યારથી સાગરે મીનાક્ષીને મયુરની બધી જ જગ્યા પર શોધખોળમાં અસફળ રહ્યો એ વાત કરી ત્યારથી મીનાક્ષી વધુ ચિંતાગ્રસ્ત રહેવા લાગી. મીનાક્ષી પણ બેશુદ્ધ અવસ્થામાં દિવસો પસાર કરવા લાગી. એને ક્યારેક એવા વિચારો પણ આવવા લાગ્યા કે મયૂર દર વખતે જો આવા જ સિદ્ધાંતોને વળગીને તેની જિંદગી જીવવા માંગશે તો પોતે પણ આખી જિંદગી બસ આવી રીતે જ પરેશાનીમાં જીવવી પડશે. કોઈ પણ વ્યક્તિ સફળતા મેળવવા માટે અથાગ પ્રયત્નો કરતો જ હોય છે પરંતુ તેમની સાથે રહેલ વ્યક્તિને આટલું દુઃખ તો નહિ જ પહોંચાડતો હોય! આટલા મહિનાઓ વિચલિત અવસ્થામાં પસાર કર્યા પછી જો મયુર સફળ થઈને આવી પણ જાય તો એ સફળતાં પણ શું કામની! જે વ્યક્તિ પોતાની સફળતામાં કે નિષ્ફળતામાં પોતાના પરિવાર કે મિત્રને સામેલ ના કરી શકે એ વ્યક્તિ સાથે મારું ભવિષ્ય હું કઈ રીતે સાર્થક કરી શકું! મયુર અત્યારથી મને આમ નિરાધાર છોડી ને જતો રહ્યો એને એક વાર પણ મારો વિચાર નહિ આવ્યો હોય કે મારી શું પરિસ્થિતિ હશે. શું ભરોસો કે ભવિષ્યમાં ફરી ક્યારેય એ આવું નહિ કરે!

મીનાક્ષી આખો દિવસ આવા બધા વિચારોથી ઘેરાયેલી રહેતી. ઘણી બધી અસમંજસ પરિસ્થિતિમાં રહ્યા પછી કઠણ હૃદયે મીનાક્ષી એક નિર્ણય લે છે. મીનાક્ષી પોતાનો નિર્ણય કેશુભાઈને કહેવા માટે ફોન કરે છે...

* * * * * *

અહી મયુરની હાલત દિવસે દિવસે વધારે ખરાબ થવા લાગી. હજુ સુધી એ કોઈ બિઝનેસ ની પસંદગી કરી શક્યો ના હતો. આટલા મહિનાઓ લુપ્ત અવસ્થામાં પસાર કર્યા હોવા છતાં એને કોઈ ની યાદ પણ આવી નહોતી. તેનું શરીર પણ તેનો સાથ છોડી રહ્યું હોવા છતાં તેના મગજમાં સવાર થયેલું બિઝનેસ નું ભૂત ઓછું થવાનું નામ નહોતું લેતું. તેના મગજમાં દિવસ અને રાત બસ બિઝનેસ ના જ વિચારો આવ્યા કરતા. એની પાસે પૈસાની કોઈ કમી નહોતી છતાં એ એક એવો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો જેને બંધ કરવાની નોબત ના ઊભી થાય. કદાચ એટલે જ મયુર કોઈ બિઝનેસ શરૂ કરવામાં ઉતાવળું પગલું ભરવા નહોતો માંગતો.

એક રાત્રે મયુર બેશુદ્ધ અવસ્થામાં સૂતો હતો જો કે મયુર આટલા મહિનાઓમાં એક પણ રાત સરખું સૂતો જ નહોતો. એવામાં અચાનક જ એ જાગીને બેઠો થઈ ગયો. અત્યાર સુધી એ પોતાના લેપટોપ માં ઈન્ટરનેટની મદદથી નવો બિઝનેસ શોધતો હતો પરંતુ અત્યારે એના મગજમાં એક નવા જ બિઝનેસ વિશે વિચાર આવતા ઝપકીને જાગી ગયો. એને મનોમન જ નક્કી કરી નાખ્યું કે આજ બિઝનેસ શરૂ કરશે. આઠ આઠ મહિનાઓની સખત મહેનત પછી આજે એનો ચહેરો નવા બિઝનેસ ની પસંદગીથી ઝળઝળી ઉઠ્યો હતો. આવેલ વિચારને સવારથી જ અમલમાં મૂકશે એવું નક્કી કરીને એ પાછો સૂઈ જાય છે.
ક્રમશ...
પ્રમોદ સોલંકી

મીનાક્ષી કેશુભાઈને શું કહેશે?

મયૂરને ક્યાં બિઝનેસ વિચાર આવ્યો હશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED