પ્રતિક્ષ - 3 Krutika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષ - 3

પ્રતિક્ષા

પ્રકરણ-૩

“Arjun….Will you Marry me…!?” -પ્રતિક્ષા

બિલ પે કરવાના બ્રાઉન ફોલ્ડરમાં નાની ચોરસ ચબરખીમાં લખેલું વાંચીને અર્જુન ચોંકી ગયો અને પ્રશ્નભાવે સામે બેઠેલી પ્રતિક્ષા સામે જોઈ રહ્યો. તે મલકાઈ રહી હતી.

“સરપ્રાઈઝ....!” ત્યાંજ અર્જુનની પાછળથી ગ્રૂપનાં અન્ય મિત્રો રેણુ વગેરે અચાનક બૂમ પાડીને બહાર આવ્યાં.

ચોંકીને અર્જુને પાછાં ફરીને જોયું. રેણુએ એક સરસ મજાની કેક તેની આગળ ટેબલ ઉપર મૂકી. બધાં તાળીઓ પાડી રહ્યાં હતાં.

“પ...પણ અચાનક...!?” હજીપણ હતપ્રભ થયેલો અર્જુન પ્રતિક્ષા સામે જોઈને માંડ બોલ્યો.

“હાં....અચાનક...! મને ભરોસો નથી...!” પ્રતિક્ષા સ્મિત કરીને ખભાં ઉછાળીને બોલી.

“તને મારી ઉપર ભરોસો નથી..!?” અર્જુનને હવે વધુ આઘાત લાગ્યો.

“મારાં પપ્પાંની વાત કરું છું હવે...!” પ્રતિક્ષા બોલી.

“મને કશું સમજાતું નથી...શું કે’વાં માંગે છે તું...!?” અર્જુન મૂંઝાઈને બોલ્યો.

“અરે યાર અજ્જુડા...!” પાછળથી રોહન અર્જુનની જોડે એક બીજાં ખાલી ટેબલ નીચેથી ચેયર ખેંચીને બેસતાં બોલ્યો “તું સમજતો કેમ નથી...! પ્રિક્ષુના (પ્રતિક્ષાના) પપ્પાં જૂની ફિલ્મોના અમીર બાપ જેવાં છે...!”

રોહને અર્જુન અને પ્રતિક્ષાને તેમનાં ગ્રૂપના પેટ નેમ્સથી બોલાવ્યાં.

“એટ્લે...!?” અર્જુન વધુ મૂંઝાયો.

“એટ્લે એમ ભાઈ...!” હવે રેણુ રોહનની પાછળ આવીને ઊભી રહીને બોલી “કે પ્રિક્ષુના પ્રપ્પાને તમારાં લફડાની ખબર પડશે તો એજ જૂની મુવીના અમીર બાપની જેમ તને મોઢા ચેક બૂક ફેંકીને કે’શે....” યે રહા બ્લેન્ક ચેક... આપની ઔકાત સે બઢકર ...જીતનાં ચાહે પૈસાં લીખદો....! ઉઠાઓ ઓર દફાં હો જાઓ મેરી બેટી કી જિંદગી સે...!”

“હાં....હાં....હાં....!” અર્જુન સિવાય બધાંજ હસી પડ્યાં.

અર્જુન હજુપણ મૂંઝાઇને બધાંની સામે જોઈ રહ્યો હતો.

“હાં યાર...!” ચેયરમાં બેઠેલો રોહન બોલ્યો “કાશ મનેય આવાં સસરાઓ મળતાં હોત...! તો હું તો ચેકમાં દસ-વીસ કરોડ લખીને પૈસાં લઈને દફા થઈ જાત અને ફોરેન જઈને મસ્ત ભૂરી જોડે સેટ થઈ જઈને જલસાથી પૈસાં વાપરત...!”

“એ રોહનડાં...!” પ્રતિક્ષાએ હસીને રોહનને ચેયરની નીચે લાત મારી “મારો અજજુ એવો નથી ઓકે...!”

બધાં ફરી હસ્યાં.

“અર્જુન....!” પ્રતિક્ષાએ હવે પાછું અર્જુન સામે જોયું “મેં બધુ પ્લાન કરી લીધું છે...! કાલે સવારે આપડે કોર્ટમાં મેરેજ કરી લઈશું..! પછી હું અને તું બંને પપ્પાંને કઇશું...! કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ હશે તો મારાં પપ્પાં કશું નઈ કરી શકે....!”

“એક મિનિટ કાલે સવારે એટ્લે...!?” અર્જુન હવે ચોંકયો “કાલે સવારે છેલ્લું પેપર છે...! એનું...!”

“અને કાલે કોર્ટનો છેલ્લો દિવસ પણ...!” પ્રતિક્ષા વચ્ચે બોલી “પરમદિવસથી કોર્ટમાં ઉનાળું વેકેશન પડે છે...! પછી કશું નઈ થાય...! મેં જે વકીલ જોડે વાત કરી છે એણે આવતી કાલે સવારનો ટાઈમ આપ્યો છે...બપોર પછી એ પોતે પણ બાર જાય છે અને જજ પણ …!”

“તો એક્ઝામ...!?” અર્જુન એજરીતે બોલ્યો.

“ભાડમાં ગઈ એક્ઝામ યાર....!” પ્રતિક્ષા ચિડાઈ “ટોપર થઈને તું શું ઉકાળી લેવાનો છે....! માર્કેટમાં બીકોમવાળાંની કોઈજ વેલ્યૂ નથી તને ખબર છે...!? દસ-બાર હજાર માંડ પગાર મલે છે...! મારાં પાર્લરનો ખર્ચો મહિને અઢાર હજાર છે યાર...!”

“તો પછી તું તારાં પાર્લરનો ખર્ચો અફોર્ડ કરી શકે એવાં કોઈને શોધીલે પ્રતિક્ષા...!” ચેયરમાંથી ઊભો થતાં-થતાં અર્જુન શાંત સ્વરમાં બોલ્યો.

ખીસ્સાંમાંથી વોલેટ કાઢીને અર્જુને પાંચસો-પાંચસોની ત્રણ નોટો કાઢીને બિલના લેધર ફોલ્ડરમાં મૂકી. તેનું આખું વોલેટ ખાલી થઈ ગયું. પાછો ફરીને ચેયર ખસેડીને અર્જુન ત્યાંથી જવાં લાગ્યો.

“એટ્લે તું ....મને ના પાડે છે એમ...!?” હતપ્રભ પ્રતિક્ષા ઊભી થઈ ગઈ અને રડમસ સ્વરમાં બોલી “આપડે ફિઝિકલ થયાં ત્યારે તો તું મોટી-મોટી વાતો કરતો’તો...! મેરેજનું વચન...! સાત જનમ જોડે રેવાનું વચન....આમતેમ...એ બધુ શું હતું તો..!?”

પ્રતિક્ષા ચિડાઈ. રોતી આંખે તે આગળ બોલી.

“ખાલી મારી જોડે સેક્સ કરવું હતું..એટ્લે બધી ડાંફશો મારતો’તો એમ...!?”

બધાં ફ્રેન્ડ્સ આજુબાજુ ઊભા રહીને જોઈ રહ્યાં.

“હું મેરેજ કરવાની ક્યાં ના પાડું છું...!?” અર્જુન બોલ્યો “હું ખાલી એટલું કહું છું...કે મને ભણવાનું પૂરું કરી લેવાંદે અને એક સારી જોબ...થોડું સેટ થવાય પછી હું...!”

“તો તું કેટલાં વર્ષે સેટ થઈશ...કેહ તો મને...!?” ભીની આંખે પ્રતિક્ષા વેધક સ્વરમાં ટોણો મારતી હોય એમ બોલી અને બે ડગલાં અર્જુન તરફ આગળ આવી.

અર્જુન ઢીલું મોઢું કરીને નીચું જોઈ રહ્યો.

“દસ-પંદર હજારની નોકરીમાં જો તું બધો પગાર એક પણ રૂપિયો વાપર્યા વગર સેવ પણ કરીશને તો પણ આપડા મેરેજના પૈસાં ભેગાં કરવામાં તારે દસ વર્ષ નીકળી જશે...!” પ્રતિક્ષા ચિડાયેલાં સ્વરમાં બોલે જતી હતી.

“હું દસ વર્ષ બેસી રહું તારાં માટે...!? બોલ...!?”

“મારા પપ્પાં મને કુંવારી બેસાડી રાખશે એમ...!?”

અર્જુન કશું પણ બોલ્યાં વગર નીચું જોઈ રહ્યો. શું જવાબ આપવો તે તેને સમજાયુંજ નહીં.

“અને તું CA કરવાનું કે’તો ‘તોને...!?” પ્રતિક્ષાએ પૂછ્યું અને પછી બોલી “કોચિંગ માટેની ફી ખબર છે કેટલી હોય છે..!? લાખોમાં...!”

પ્રતિક્ષા અર્જુન સામે જોઈ રહી.

“દસ-પંદર હજારની નોકરીમાં તું ફી ભરીશ કે ઘર ચલાવીશ...!? બોલ...!?”

“પણ પ્રતિક્ષા....મારાં કરિયરનું શું...!?” થોડીવાર પછી છેવટે અર્જુન બોલ્યો “એક્ઝામ નઈ આપું તો...!

“પણ હું ક્યાં કહું છું કે તું ભણવાનું છોડીદે...!” પ્રતિક્ષા ફરીવાર વચ્ચે વાત કાપીને બોલી “એક પેપરની એક્ઝામ તું પછી પણ આપી શકે છે ને...!?”

“પણ માર્કશીટમાં લખાઈને આવશે...કે હું લાસ્ટ પેપરમાં એબ્સંટ હતો...!” અર્જુન દલીલ કરતાં બોલ્યો.

“માર્કશીટ કોઈ નથી જોતું અર્જુન...! સર્ટિફિકેટ જોવે છે લોકો....!” પ્રતિક્ષા બોલી “અને તું મારુ પૂરું પ્લાનિંગ તો સાંભળીલે એકવાર...!”

પ્રતિક્ષા બોલી અને અર્જુનના ચેહરા ઉપરના હાવભાવ જોવાં અટકી પછી બોલી.

“આપડે કોર્ટ મેરેજ કરી લઈએ...! પછી પપ્પા છેવટે તો તને અપનાઈજ લેશે...! આપડા મેરેજ પછી હું તને પૈસાં આપીશ CA કરવાના...!” પ્રતિક્ષા ભાવથી બોલી “મેરેજ વિના પપ્પાં તારી ફી ભરવાં માટે કેમના હા પાડે...!? અને રહી વાત છેલ્લાં પેપરમાં એબ્સંટ રહેવાની તો પપ્પાંની ઓળખાણથી હું બધું જોઈ લઇશ...!”

અર્જુન મૂંઝાઈ ગયો.

“તું પૂરેપુરું દિલ લગાવીને મહેનત કરજે CA કરવા માટે...! હું છુ તો ખરી...!” પ્રતિક્ષા અર્જુનને વિશ્વાસ અપાવતી હોય એમ તેનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને બોલી “મને ખબર છે તારાંમાં ટેલેન્ટ છે...! ટ્રસ્ટ છે મને તારી ઉપર....! પણ અર્જુન સમજ...હું છોકરી છું…! ભલે ગમે તેટલી મોડર્ન હોવ...અમુક વાતે મજબૂરજ છું...!”

“તો હવે એમ પણ કહીજ દેને કે મેરેજ પછી મારે ઘર જમાઈ બનીનેજ રહેવાનુ છે...!” અર્જુન ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “આ તો મારાં સ્વભાવ વિરુદ્ધ છે...!”

એટલું બોલીને અર્જુને મોઢું ફેરવી લીધું

“ફિઝિકલ થવું મારાં સ્વભાવની પણ વિરુદ્ધજ હતું અર્જુન...!” પ્રતિક્ષા વેધક સ્વરમાં બોલી.

તેણીની આંખમાંથી સરીને નીચે પડ્યું.

“હું મોડર્ન છું..! પણ એટલી પણ નઈ કે મેરેજ પે’લ્લાં સેક્સમાં બિલિવ કરતી હોવ...! તો પણ...મેં મારાં સ્વભાવની અગેન્સ્ટ જઈને પણ તારી વાત માની ...અને ફિઝિકલ થઈ...! અને રહી વાત ઘર જમાઈની....!”

પ્રતિક્ષા વધુ એક ડગલું અર્જુનની નજીક આવીને બોલી –

“તો કઈં વાંધો નઈ...! હું તારી જોડે તારાં ઘરમાં રહીશ...બોલ હવે...!?”

“કઈ દુનિયામાં જીવે છે યાર અર્જુન તું...!?” રેણુ મોઢું બગાડીને બોલી “એકવીસમી સદીમાં શું ઘર જમાઈ જેવું હોય...! અને તારે ક્યાં મફતમાં રહેવાનુ છે...!? CA થઈ ગ્યાં પછી તું ઘરમાં પૈસાં ખરચજેવળી...!”

“હાં યાર...!” હવે શીતલ પણ સૂર પુરાવીને બોલી “આ છોકરી આટલી બધી હિમ્મત કરે છે...મેરેજ પહેલાં તારી જોડે ફિઝિકલ થઈ ગઈ... અને હવે પોતાનાં સગાં પપ્પાને કીધાં વગર તારી જોડે મેરેજ કરવા તૈયાર છે...!”

“તો શું...!?” રોહન પણ માથું ધૂણાવીને બોલ્યો “યાર કરિયર બનાવા આખી ઉમ્મર પડી છે...!”

રોહન બોલ્યો પછી પ્રતિક્ષા સામે જોઈને મજાક કરવા લાગ્યો-

“અજજુ ના પાડે તો મારું કઈં સેટિંગ થશે..!? મને ઘર જમાઈ બનવામાં કોઈ પ્રોબ્લેમ નથી..!”

અર્જુન અને પ્રતિક્ષા સિવાય બાકીનાં ફ્રેન્ડ્સ હળવું હસ્યાં.

“બોલ અર્જુન...!” અર્જુનની સામે જોઈ રહેલી પ્રતિક્ષાએ ભારપૂર્વક પુછ્યું.

“તે મને પૂછ્યું પણ નઈ...! અને બધું પ્લાન કરી પણ લીધું...!? કોર્ટ મેરેજ સુધીનું...!?” અર્જુને ફરીવાર વેધક સ્વરમાં કહ્યું.

“ટાઈમ ઓછો છે અર્જુન....!” પ્રતિક્ષા બોલી “મારાં ઘરે મેરેજની વાત ચાલે છે...! કાલે પેપર પૂરું થાય પછી તને મળવા માટે મારે બહાના ગોતવાં પડશે...!”

અર્જુન ફરીવાર આડું જોવાં લાગ્યો.

“હું ભલે પૈસાંવાળી ફેમિલીમાંથી આવું છું...! મોડર્ન છું...પણ મારી ઉપર ઘણાં રિસ્ટ્રીક્શનો છે...!” પ્રતિક્ષા ખિન્ન સ્વરમાં બોલી “દર વખતે...જ્યારે પણ કોલેજ સિવાયના સમયે હું તારી જોડે ક્યાંય પણ આવી છું...! મારે કેટલુંય જુઠ્ઠું બોલ્યું છે...! જે રાત્રે આપડે ફિઝિકલ થયાં એ રાત્રે પણ હું જુઠ્ઠુંજ બોલીને આઈ હતી...! મારી ના છતાય તે અનપ્રોટેકેટેડ સેક્સ માટે મને ફોર્સ કર્યો...! હું માની પણ ગઈ...! મેં તારાં માટે લીધેલું એ સૌથી મોટું રિસ્ક હતું...! જસ્ટ ઈમેજીન...! હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ હોત તો...!?”

પ્રતિક્ષાએ પૂછ્યું અને અર્જુન સામે જોઈ રહી. અર્જુન છતાંપણ અર્જુન આડું જોઈ રહેતાં પ્રતિક્ષાની આંખ વહેવાં લાગી.

“હું આ બધું તને ગણાવતી નથી અર્જુન...!” પોતાની આંખ લૂંછતા પ્રતિક્ષા બોલી “ખાલી એટલું સમજાવું છું કે પ્રેમ કરો...તો કેટલાંક રિસ્ક લેવાં પડે...!”

થોડીવાર સુધી પ્રતિક્ષા મૌન રહીને અર્જુનને જોઈ રહી.

“આમ છતાંય....! હું ફોર્સ નઈ....!”

“હાં....!” હવે અર્જુન વચ્ચે બોલી પડ્યો “મારી હાં છે...!”

પ્રતિક્ષાની ભીની આંખમાં ખુશી છલકાઈ ગઈ. તેનું ખુલ્લાં મોઢે મલકાઈને અર્જુન સામે જોઈ રહી.

“અર્જુન...! અમ્મ...!” બધાંની હાજરી છતાંય પ્રતિક્ષા ઉછળીને અર્જુનને વળગી પડી અને તેનાં હોંઠ ઉપર પોતાનાં હોંઠ મૂકી દીધાં.

“યેય....!” બધાંએ તાળીઓ પાળીને બેયને વધાવી લીધાં.

“અરે બધા છે...!” પ્રતિક્ષાને અળગી કરીને અર્જુન સ્મિત કરીને બોલ્યો.

“અરે આપડેજ છીએ બીજું કોઈ નથી ટેન્શનના લઈશ...!” રોનક સ્મિત કરીને બોલ્યો.

“હાં...! તને સરપ્રાઈઝ આપવાં પ્રતિક્ષાએ બધાં ટેબલ બૂક કરાઇ લીધાં હતા...!” રેણુ બોલી અને પછી આજુબાજુ જોઈને અર્જુનને કહેવા લાગી “એટ્લેજ રેસ્ટોરન્ટમાં આપડા સિવાય કોઈ નથી...! જો...!”

“હેં...!?” અર્જુને ચોંકીને પહેલાં રેસ્ટોરન્ટમાં આજુબાજુના ખાલી ટેબલો જોયાં પછી પ્રતિક્ષા સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.

“તારાં માટે કઈંપણ....!” પ્રતિક્ષાએ અર્જુનના ગાલ ખેંચ્યાં.

મલકાઈને અર્જુન માથું ધૂણાવી રહ્યો.

“પ્રોમિસ કર....! હવે છેલ્લી ઘડીએ કોઈ ડખો નઈ કરે...!?” પ્રતિક્ષાએ અર્જુનની ગરદન ફરતે તેનાં હાથ વીંટાળીને કહ્યું.

“અરે પાકકું પ્રોમિસ...! હવે તો જજને એટેક આવી જાય તોય એ મેરેજ સર્ટિફિકેટ પર સહી કરે પછીજ એને મરવા દઇશું બસ...!” અર્જુન બોલ્યો.

“હી...હી...ડંફાસીઓ...!” પ્રતિક્ષાએ ફરી એકવાર બધાંની સામે અર્જુનનાં હોંઠ ચૂમી લીધાં.

“ચલ હવે મેરેજની શોપિંગ કરી લઈએ...!” અર્જુનનો હાથ પકડીને પ્રતિક્ષા બોલી.

“શોપિંગ કેમ...!?” અર્જુને મૂંઝાઇને પૂછ્યું.

“અરે મેરેજ સર્ટિમાં આપડાં બેયનો સજોડે ફોટો લગાડવો પડશેને...!” પ્રતિક્ષા અર્જુનનાં કપાળે ટપલી મારીને બોલી “એટ્લે તારાં માટે શેરવાની અને મારાં માટે પાનેતર...!”

“અને જાનૈયાઓ માટે...!?” રોહન પૂછ્યું .

“એમને એમની વ્યવસ્થા જાતે કરવાની...!” પ્રતિક્ષા મજાકમાં મોઢું મચકોડીને બોલી.

મજાક મસ્તી કરતાં-કરતાં બધાં છેવટે ત્યાંથી નીકળી રતનપોળ ગયાં. કોર્ટ મેરેજ માટે જરૂર પૂરતી શોપિંગ કરીને સાંજ પડતાં બધાં કોલેજ પાછાં આવ્યાં.

“મેં વકીલને કઈ દીધું છે...!” કોલેજનાં કમ્પાઉન્ડમાં પોતાની કાર પાસે ઊભેલી પ્રતિક્ષાએ બધાં સામે જોઈને કહ્યું “સવારે સાડાં દસે આપડે પહોંચી જવાનું છે...! અગિયાર વાગે કોર્ટ ખૂલે એ પહેલાં આપડે ત્યાં હાજર રહેવાનુ છે..! મેં ફોટોગ્રાફરને પણ કહી દીધું છે...! એ પણ આઈ જશે...!”

પ્રતિક્ષાએ પછી અર્જુન સામે જોયું.

“હું નઈ આવું તો નઈ ચાલે...!?” અર્જુને મજાક કરતાં કહ્યું.

“વિચારીલે..! હું રોહન જોડે પરણી જઈશ પછી....!” અર્જુનનો મજાક પામી ગયેલી પ્રતિક્ષા સામું મજાક કરતાં બોલી.

“તો હુંય શેરવાની ખરીદી લઉં...!?” રોનક પણ બોલ્યો.

બધાં હસી પડ્યાં.

“અર્જુન...! બી સિરિયસ....!” પ્રતિક્ષા સહેજ ગંભીર સ્વરમાં બોલી.

“હું ટાઈમે આઈ જઈશ...! આઈ પ્રોમિસ...!” અર્જુન પ્રતિક્ષાને વળગીને બોલ્યો “તારે પ્રતિક્ષા નઈ કરવી પડે....! પ્રતિક્ષા….!”

અર્જુને સ્મિત કરીને કહ્યું. પ્રતિક્ષા પણ હસી પડી.

ચાલો...! હવે નિકળીશું..!?” પ્રતિક્ષા કારનું લોક ખોલતાં બોલી “બાય અર્જુન....!”

સ્મિત કરીને પ્રતિક્ષા બોલી અને કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગઈ.

વારાફરતી બધાં ત્યાંથી છૂટાં પડ્યાં.

***

બીજાં દિવસે

“હાશ પહોંચી ગયો...!” સવા દસની આજુબાજુ સિટી સિવિલ કોર્ટ પહોંચી ગયેલાં અર્જુને હાશકારો અનુભવ્યો.

“અરે રોનક...! તું મારાંથી પણ પહેલાં આઈ ગ્યો..!” કોર્ટની બહાર પ્રાંગણમાં રોનકને જોઈને અર્જુન બોલ્યો.

“તું એક્ઝામ આપવાં તો ન’તો ગ્યોને...!?” રોનકે પૂછ્યું “અમે બધાંએ તારાં માટે એક્ઝામ સ્કીપ કરી છે ભાઈ...!”

“નાં રે બાપા...! હું ઘેરથી આવું છું...!” અર્જુન બોલ્યો પછી પૂછ્યું “બાકીનાં બધાં ક્યાં છે...! પાંચ વિટનેસ તો જોઈશેને સિગ્નેચર કરવાં...!”

“આવેજ છે બધાં....!” રોનક બોલ્યો.

“અરે તમે લોકો અહિયાં શું કામ ઊભાં છો...!?” ત્યાંજ કાળો કોટ પહેરેલો એક વકીલ તેમની જોડે આવીને બોલ્યો “અંદર જજની કેબિન જોડેજ ઊભાં રો’….! ત્યાં લાઇન થઈ જશે તો આપડો નંબર નઈ આવે...!”

“તમે કોણ...!?” અર્જુને પૂછ્યું.

“અરે મને હું વકીલ છું તમારો...! પ્રતિક્ષા મેડમે મને કીધું હતું...!” તે વકીલ બોલ્યો “અજય ચૌહાણ...!”

તેણે અર્જુનને પોતાની ઓળખ આપી.

“હું બધાં ડોક્યુમેંટ્સ તૈયાર કરીને લાવ્યો છું...!” વકીલ અજય ચૌહાણ બોલ્યાં “તમે લોકો મારી જોડે આવો...જલ્દી...! જજ સાહેબ આજે અડધો પોણો કલ્લાક માટેજ આવવાંનાં છે...!”

એટલું બોલીને વકીલ કોર્ટની બિલ્ડીંગ તરફ જવાં લાગ્યો. રોનક અને અર્જુન પણ તેમની પાછળ જવા લાગ્યાં.

“ભીડ વધારે થઈ ગઈ તો આપડો નંબર નઈ આવે...! પછી ગઈ વાત વેકેશન પછી..!” ચાલતાં-ચાલતાં વકીલ બોલ્યો.

ત્રણેય જણાં છેવટે કોર્ટમાં જજની કેબિન સામે આવીને ઊભાં રહ્યાં.

“હજી જજ સાહેબ આયાં નથી...!” દરવાજા સામે જોઈને વકીલ બોલ્યો “હું આવું છું..! તમે લોકો અહિયાંજ બેસજો...! હું આવું છું..!”

બંનેએ માથું ધૂણાવ્યું.

“હું પ્રતિક્ષાને ફોન કરું છું...!” શેરવાનીનાં ખીસ્સાંમાંથી મોબાઈલ કાઢતાં-કાઢતાં અર્જુન બોલ્યો “મને ટાઈમે પહોંચવાનું કહીને એજ હજી સુધી નઈ આઈ...!”

“The number you have dialled is currently switched off…!”

“સ્વિચ ઓફ બોલે છે...!” અર્જુન બોલ્યો અને ફરીવાર પ્રતિક્ષાનો નંબર ડાયલ કર્યો “અમે રાત્રે મોડાં સુધી વાત કરી હતી...કદાચ એનાં ફોનની બેટરી ઉતરી ગઈ હશે...!”

“હાય...!” ત્યાંજ રેણુ સહિત અન્ય ફ્રેંડ્સ પણ આવી પહોંચ્યા.

“વાહ... શેરવાની જામે છે હોં બાકી...!” રેણુ અર્જુન સામે જોઈને બોલી.

બધાં વાતોએ વળગ્યાં. અર્જુને ફરીવાર પ્રતિક્ષાને કૉલ લગાડ્યો.

“The number you have dialled..!” ફરી એજ રિસ્પોન્સ.

“ફોન ચાર્જ નથી કર્યો લાગતો...! થોડીવાર પછી ટ્રાય કરું...!” અર્જુન સ્વગત બબડ્યો.

***

“અરે...પ્રતિક્ષા મેડમ હજી નથી આયા...!?” લગભગ વીસેક મિનિટ પછી જજની કેબિન આગળ ટોળુંવળીને ઉભેલાં અર્જુન અને તેનાં ફ્રેંડ્સ જોડે આવીને વકીલ અજયે કહ્યું.

“આપડો નંબર આવાની તૈયારી છે હવે...!”

અર્જુન સહિત બીજાં બધાં એકબીજાંનાં મોઢા તાકી રહ્યા.

“આવેજ છે સર...!” રેણુ બોલી “એ કદાચ ટ્રાફિકમાં ફસાઈ હશે...!”

“અરે આ બીજાં કપલ્સ આપડા પછી આયેલાં એ લોકો આગળ જાય છે...!” વકીલ બોલ્યો “પછી જજ સાહેબ અકળાશે...! મેં સ્પેશલ રિકવેસ્ટ કરી છે એમને રોકવા માટે...!”

“બસ થોડીવાર એ આવતીજ હશે...!” રેણુ ફરીવાર બોલી.

આજુબાજુ બીજાં સાત-આઠ કપલ્સ તૈયાર થયેલાં સજોડે ઊભાં હતાં.

દોઢ વાગવાં આવ્યો.

લગભગ બધાંજ કપલ્સનું રેજિસ્ટ્રેશનનું કામ પૂરું થઈ ગયું હતું. છતાંય પ્રતિક્ષા હજી સુધી નહોતી આવી. ટેન્શનમાં આવી ગયેલાં અર્જુન સહિત વારાફરતી બધાંએ તેનો નંબર ડાયલ કરી જોયો. આમ છતાં, તેનો નંબર સ્વિચઑફજ આવતો હતો.

વધુ એક કલ્લાક વીતી ગયો. પ્રતિક્ષાની કોઈજ ખબર નાં આવી. ના ફોન લાગ્યો કે નાં મેસેજ. અર્જુન સહિત બધાં હવે વધુ ટેન્શનમાં આવી ગયાં.

“અરે અજય...!” ત્યાંજ વકીલને ઓળખતાં જજ સાહેબે અંદર કેબિનમાં બેઠાં-બેઠાં ઘાંટો પાડ્યો.

“અરે પ્રતિક્ષા મેડમનો કોન્ટેક કરો...! અઢી વાગવાં આવ્યાં....!” એટલું કહીને વકીલ અંદર કેબિનમાં દોડી ગયો.

“અરે તારાં ક્લાયન્ટ આવે છે કે નઈ...! મને બેસાડી રાખ્યો છે...!” વકીલ અંદર જતાંજ જજનો ઘાંટો પાડીને વાત કરવાનો અવાજ બધાંને બહાર સંભળાયો.

બધાં એકબીજાંનાં મોઢાં તાકવાં લાગ્યા.

અર્જુને એક ઊંડો ની:શ્વાસ નાંખ્યો.

“હવે જજ સાહેબ અડધો કલ્લાકથી વધારે નઈ રાહ જોવે...!” થોડીવાર પછી વકીલે બહાર આવીને કહ્યું “મેડમને જલ્દી કૉલ કરો...!”

એટલું કહીને વકીલ જેંટ્સ ટોઇલેટ તરફ ચાલ્યાં ગયાં.

વીસેક મિનિટ પછી જજ તેમની કેબિનમાંથી નીકળીને ઉતાવળા પગલે ત્યાંથી જતાં રહ્યાં. જતાં-જતાં તેમણે ગુસ્સાભરી નજરે અર્જુન અને તેમના ફ્રેન્ડ્સ તરફ જોયું.

“હવે શું કરશું યાર...!?” રેણુ અર્જુન તરફ દયામણું મોઢું કરીને બોલી.

“તમે લોકો જાઓ...!” અર્જુન ઠંડા સ્વરમાં બોલ્યો “હું પ્રતિક્ષા કરું છું.....!”

***

instagram@krutika.ksh123