પાસપોર્ટ થી એરપોર્ટ સુધી.... Keyur Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસપોર્ટ થી એરપોર્ટ સુધી....

નમસ્કાર મિત્રો,

મારા પ્રથમ અંકમાં મેં તમને બાલાજીના પ્રવાસના અનુભવો વિશે વાત કરી હતી આજે હું તમને મારા પહેલા પાસપોર્ટ વિષેનો અનુભવ તથા તે દરમિયાન થયેલી રોમાંચક ઘટનાઓનો સાક્ષી બનાવવાનો પ્રયત્ન કરીશ, તો પછી ચાલો મારી સાથે પાસપોર્ટ થી એરપોર્ટ સુધી.

હું મારા શરૂઆતના દિવસોમાં એક ફ્રેન્ચાઇઝીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ ની જોબ કરતો હતો, તે જોબ મારા કેરિયરની બીજી જોબ હતી, મારા માટે એક તદ્દન અલગ પ્રકારની જોબ હતી, પણ થોડાક જ દિવસમાં મને તેમાં ફાવટ આવી ગઇ હતી, મારું કામ કનેક્શન લેવાનું હતું અને સામાન્ય રીતે જે monthly ટાર્ગેટ પૂરા કરવાના હોય તે રીતનું જ રહેતું ક્યારેક પૂરા થાય અને ક્યારેક પૂરા ન પણ થાય, પણ મારા KP સર નો હું માનીતો હતો, KP સર ફ્રેન્ચાઇઝીના માલિક હતા, તે એકદમ હાઈફાઈ લાઈફ જીવતા હતા, હું તેમની જે ફટા કેદાર અંગ્રેજી બોલવાની છટા વાત કરવાની કળાથી અંજાઈ ગયો હતો , KP સર ને મારા ઉપર ખૂબ જ ભરોસો હતો, આખા સ્ટાફને ખબર હતી કે હું તેમનો માનીતો હતો, તેમની ગેરહાજરીમાં તેમના કામો હું જ સંભાળતો હતો.

હવે ઓળખાણ કરાવું તમને અનુરાગ સર ની તે ટાટા ના CMG હતા, એકદમ સરળ મૃદુભાષી અને શાંત મગજ વાળા, મારે તેમની સાથે બહુ સારું બનતું હતું તે પણ મારાથી ખૂબ જ પ્રભાવિત હતા મને પુષ્કળ કામનું દબાણ આપતાં પણ મને કાયમ મોટીવેટ કરતાં, હંમેશા મારી સાથે જ ઊભા રહેતા, અમે બંને હંમેશા મિત્રોની જેમ સાથે રહેતા.

દરેક કંપનીઓ પોતાના ક્ષેત્રના લોકોને મોટીવેટ કરવા માટે કોઇને કોઇ સ્કીમ મુક્તિ જ હોય છે, એવી જ એક સ્કીમ ટાટાએ મૂકી હતી આખા ગુજરાતમાં જે પણ SALES EXECUTIVE ટોપ-૨૦માં આવશે તેને મલેશિયાનો અઠવાડિયા નો પ્રવાસ કરવા મળશે, જ્યારે આ EMAIL ની વાત KP સરે મને કરી ત્યારે તેમણે કહ્યું કે તું પણ પ્રયત્ન કરી શકે છે, મેં પણ એ વાતને સામાન્ય રીતે લીધી કારણ કે આખા ગુજરાતમાં ટોપ એટલે આમ તો સરળ નહોતું તે છતાં સામાન્ય રીતે હું મારું કામ કરતો હતો.

આ વાતને અઠવાડિયું થયું હશે અચાનક એક દિવસ સવારે અનુરાગ સર નો ફોન આવ્યો મારા મોબાઇલ પર તેમણે મને સીધું પૂછ્યું તેમની યુપી વાળી હિન્દીમાં કેયુર પાસપોર્ટ રેડી હૈ? એકદમ જ આવું પૂછવાથી હું આશ્ચર્યમાં મુકાઈ ગયો મેં તેને કહ્યું નહીં સર તેમણે ભાર મૂકીને કહ્યું આજે ને આજે પાસપોર્ટ માટે એપ્લાય કરી દે , YOU ARE IN TOP FIVE NOW! હું તો એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો હતો તેમણે કહ્યું કે YOU HAVE A CHANCE TO GO TO MALAYSIA.

તેમના ફોન મુકતાની સાથે જ મેં KP સર ને વાત કરી તેમણે કહ્યું અત્યારે જ તું જા અને પ્રોસિજર ચાલુ કરી દે, મારી ખુશીનો કોઈ ઠિકાનો નહોતો, હું ઘરે ગયો અને ઘરે બધાને આ વાત જણાવી બધા એકદમ ખુશ થઈ ગયા, હજી તો એક અઠવાડિયા ની જ વાત હતી પણ આશાઓ બંધાઈ ગઈ હતી અને તાત્કાલિક મારા એક અંકલ પાસેથી એક પાસપોર્ટ એજન્ટ ડિમ્પલ બેન નો નંબર લીધો અને તેમણે કીધેલા બધા ડોક્યુમેન્ટ લઈને તેમના ઘરે બીજા દિવસે પહોંચી ગયો હતો, મને હતું મારે ફોર્મ પર સહી કરીને નીકળી જવાનું હશે અને બાકીની પ્રોસિજર ડિમ્પલબેન કરી લેશે ડિમ્પલ બેને મારી પાસે ફોર્મ ભરાવ્યું અને બધા ડોક્યુમેન્ટ અટેચ કરીને તેમની ફી લઇ લીધી , ત્યાંથી અમે બંને પાસપોર્ટ ઓફિસ ગયા, પાસપોર્ટ ઓફિસથી તેમનું ઘર નજીક જ હતું, અમે 15 મિનિટમાં પાસપોર્ટ ઓફિસ પહોંચી ગયા.

પાસપોર્ટ ઓફિસની બહાર એક લાંબી લાઈન લાગેલી હતી, મને હતું કે મેં એજન્ટ રાખ્યો છે તો મારે લાઇનમાં ઊભું રહેવું નહિ પડે પણ ડિમ્પલ બેને મને કહ્યું કે લાઈનમાં ઊભા રહેજો અને તમારો નંબર આવે એટલે જતા રહેજો, મેં એમને કહ્યું કે જો મારે જ ઊભું રહેવાનું હોય તો કમિશનના પૈસા શેના તેમણે કીધું ફોર્મ ભરવાના, હવે મારા માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો લાઈનમાં ઉભા રહેવા સિવાય, હવે તો જો કે પાસપોર્ટ એપ્લિકેશન ઓનલાઈન થાય છે પણ પહેલા તો એજન્ટો રીતસરની લૂંટ જ મચાવતા હતા.

મેં તરત જ KP સર ને ફોન કર્યો અને આજે ઓફિસ નહીં આવવાની વાત કરી અને રજા લીધી તેમણે કહ્યું આજે પતાવી દેજે, સવારનો અગિયાર વાગ્યાનો હું લાઈનમાં ઊભો હતો આશરે 3:00 વાગ્યે મારો નંબર આવ્યો. સવારનો ખાલી ચા નાસ્તો કરીને આવેલો એકદમ ભૂખ્યો થઈ ગયો હતો પણ આ કામ પતાવું પણ જરૂરી હતું , અંદર ફોર્મ આપીને બધી પ્રોસિજર માં આગળ વધતા આશરે સાડા ત્રણ વાગ્યે પીઆર ઓફિસના રૂમમાં પ્રવેશ કર્યો, તેમણે મને વેરિફિકેશન માટેનાં સવાલો શરૂ કર્યા,એ સમયે પાસપોર્ટ બહુ મોડા મળતા હતા તો મેં એમને વિનંતી કરી કે મારે એક મહિનાની અંદર જ જોઈએ છે, તેમણે મને સવાલ કર્યો કે કેમ આટલો જલદી મેં તેમને મારી મલેશિયાના પ્રવાસ ની વિગત જણાવી અને થોડું ઈમોશન ઉમેરીને કહ્યું સર આ ટૂર મારા માટે ખૂબ જ મહત્વની છે , હું મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું અને આ ટૂર મારા કેરિયર માટે એક મહત્વની ટૂર સાબિત થશે અને જો પાસપોર્ટ ના કારણે હું ચૂકી ગયો તો મને ખૂબ જ અફસોસ થશે.

ઐયર સાહેબ મારી પરિસ્થિતિ પામી ચૂક્યા હતા, એકદમ સરળ અને ભલા માણસ દેખાઈ આવતા થોડા કડક હતા, પણ મને એકદમ મૃદુ ભાષામાં કહ્યું થઈ જશે ચિંતા ન કરતો, તેમણે મારી સામે જ કોમ્પ્યુટરમાં વિગત ભરી અને કોઈને ફોન કરી કંઈક સૂચન આપ્યું અને મને કહ્યું ALL THE BEST. તેમનો આભાર વ્યક્ત કરીને હું તેમની કેબીનની બહાર નીકળ્યો, કામ સરળતાથી પૂરું થઈ ગયું તેની એક ખુશી હતી અને શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ હતી.

પછીના દિવસથી હું કામ પર પાછો લાગી ગયો હતો, અઠવાડિયા પછી ઘરે પોલીસ ઇન્ક્વાયરી પણ આવી ગઈ હતી તેથી મને થયું કે પાસપોર્ટ ટાઈમ સર આવી જશે , એક ચિંતા હળવી થઈ ગઈ હતી.

પંદર દિવસ સુધી મારો નંબર ટોપ ટેનમાં આગળ પાછળ થતો રહેતો હતો તેથી હું નિશ્ચિંત થઈ ગયો હતો કે મારો નંબર તો લાગી જશે પણ આજે અચાનક 15 દિવસ પછી પહેલી વાર નંબર નીચે આવવા લાગ્યો હતો અને છેલ્લા પાંચ દિવસ બાકી હતા ત્યારે હું 16 માં નંબર પર હતો, મારું ટેન્શન વધી ગયું હતું છેલ્લા પાંચ દિવસમાં દરેક લોકો આ ટિકિટ માટે પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું હતું, છતાં મારા CMG અનુરાગ સરે કહ્યું કે વાંધો નહીં આવે પણ દિલમાં ગભરામણ થતી હતી, એક-એક દિવસ વધતો અને મારી ચિંતા વધતી જતી હતી, એક દિવસ બાકી હતો અને હું ઓગણીસમા નંબર પર હતો, મારા કેપી સર નો પણ સપોર્ટ ખૂબ જ હતો અને તે ઇચ્છતા હતા કે મારી મહેનત રંગ લાવી જોઈએ છેલ્લા દિવસે અચાનક તેમનો ફોન આવ્યો અને મને કહ્યું 20 નવા કનેક્શન આવી ગયા છે & NOW YOU ARE AGAIN IN TOP - 10 ! મને ખબર પડી ગઈ હતી કે મારા મલેશિયા જવાના ડગલા પર હું એક કદમ આગળ વધી ચુક્યો હતો.

સાંજે અનુરાગ સર નો ફોન આવ્યો હતો, તેમણે કહ્યું કે કેયુર સોરી યાર તુ એક નંબર કે લિયે ગયા મલેશિયા જાને સે, જાણે આભ તૂટી પડ્યું હોય તેવો અનુભવ થયો હતો અને અચાનક તેમણે કહ્યું કે તે મારી સાથે મસ્તી કરી રહ્યા હતા, Yes. I was in TOP 10. તેમણે મને અભિનંદન આપ્યા અને મલેશિયાની તૈયારી કરવાનું કહ્યું.

હું આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયો હતો અમદાવાદ થી બહાર ના નીકળેલો સીધા મલેશિયાની સફર મારા માટે આ એક સપના સમાન હતું, સીધો ઘરે પહોંચ્યો અને બધાને આ ખુશીના સમાચાર આપ્યા, બધા એકદમ ખુશ થઈ ગયા ,ખરેખર મારા માટે આ અકલ્પનીય હતું, મારી મહેનત રંગ લાવી તેની ખુશી હતી, હવે તો બસ એ દિવસની કાગડોળે રાહ જોવાની હતી.

આ વાતને દસ દિવસ વીતી ગયા અચાનક એક દિવસ સવારે અનુરાગ સર નો ફોન આવ્યો અને કહ્યું તેરા પાસપોર્ટ કહા હૈ ? મેં તેમને કહ્યું હજી આવ્યો નથી, તેમણે કહ્યું ત્રણ દિવસની અંદર પાસપોર્ટ જમા કરાવવાનો છે તો જમા નહીં થાય તો you will be disqualified for this tour , આ સાંભળી હું એકદમ સુન્ન થઈ ગયો મને તે દરમિયાન એક અકસ્માત થયો હતો તો પગ મચકોડાઈ ગયો હતો અને હું ઘરે જ હતો, ગુલાબી પાટો બાંધેલો હતો, હું જમીને તાત્કાલિક પાસપોર્ટ ઓફિસ જવા નીકળ્યો, લગભગ 3 વાગ્યે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યો હતો, ત્યાં લગભગ સાડાચાર વાગ્યે ઇન્કવાયરી ઓફિસમાં પહોંચ્યો, ત્યાં તેમણે મને કહ્યું કે અહીં કંઈ સ્ટેટસ દેખાતું નથી, મેં એમને ઓફિસરને મળવાની વિનંતી કરી તેમણે તેમની સાથે વાત કરી અને મને જવાનું કહ્યું.

હું જેવો જ ઐયર સર ની કેબિનમાં એન્ટર થયો તેવા તરત જ મારા આશ્ચર્ય વચ્ચે તે મને ઓળખી ગયા અને કહ્યું કે you got your passprt? મેં કહ્યું સર હું એના માટે જ આવ્યો છું ,હજી સુધી મને પાસપોર્ટ નથી મળ્યો અને તેમણે કોમ્પ્યુટર માં જોયું અને કહ્યું તમારો પાસપોર્ટ ગઈકાલે જ dispatch થયો છે સ્પીડ પોસ્ટ દ્વારા, તમે સ્પીડ પોસ્ટ ની ઓફિસ જઇને તપાસ કરો, હું ખુશ થઈ ગયો હતો, ખુબ જ ભાર પૂર્વક આભાર માનીને બહાર નીકળ્યો, તેમણે મને જતાં જતા All The Best કહ્યું, હું થેન્ક યુ કહીને આગળ વધ્યો, અત્યંત ખુશ હતો કે જેની કોઈ સીમા ન હતી હવે હું થોડો સામાન્ય થયો અને સ્પીડ પોસ્ટ ઓફિસ આશ્રમ રોડ પર છે ત્યાં જવા રવાના થયો.

લગભગ પાંચ વાગ્યે અને પંદર મિનિટ પર હું સ્પીડ પોસ્ટ ની ઓફિસે પહોંચ્યો, ત્યાં તપાસ કરતાં ખબર પડી કે જે ભાઈ પાસપોર્ટ ની ડિલિવરી કરે છે તે છ વાગ્યા પછી આવે છે, આજે નક્કી કર્યું હતું કે ગમે તે થાય પાસપોર્ટ લઈને જ ઘરે જવું છે, ઘડિયાળ ની સામે નજર કરી ને ત્યાં બેસી ગયો 06:00, 07:00 ,07:30 થઈ ગયા પણ તે ભાઇ ના આવ્યા, મારા હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યાંથી પછી ઓફિસમાંથી કહ્યું હવે તે નહીં આવે કોઈ કારણસર એક કામ કરો કાલે સવારે સાત વાગ્યે આવી જાઓ તમને તે ભાઈ મળી જશે, હું નિરાશ થઈને પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળ્યો અને ઘરે જવા રવાના થયો.

ઘરે પહોંચીને કોઈપણ પ્રકારનો મૂડ હતો નહીં, જો કાલે પાસપોર્ટ જમા નહીં થાય તો મારા બધા સપનાઓ ની ઉપર પાણી ફરી જવાનું હતું, ઘરે જઈને જમીને, થોડું ટીવી જોઈને હું મારા રૂમમાં જતો રહ્યો હતો, આખી રાત ઊંઘવાનો પ્રયત્ન કર્યો હતો પણ બીજે દિવસે સવાર ની કાગડોળે રાહ જોતો હતો, સવારે સાડા પાંચ વાગ્યે ઊઠી ગયો હતો, સવારની લગભગ બધી ક્રિયાઓ પતાવી લગભગ સાડા છ વાગ્યાની આસપાસ હું ઘરેથી ભગવાનના દર્શન કરીને પોસ્ટ ઓફિસ જવા નીકળ્યો, મારા ઘરેથી પોસ્ટ ઓફિસ નો રસ્તો અડધો કલાક નો હતો પણ વહેલી સવારે ટ્રાફિક ન હોવાના કારણે ૨૦ મિનિટમાં જ પહોંચી ગયો હતો.

હું પોસ્ટ ઓફિસ પહોંચી પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને પોસ્ટ ઓફિસમાં અંદર પ્રવેશ કર્યો ,બધા જ પોસ્ટમેન ત્યાં જ હતા, નીચે ટપાલો નો ઢગલો કરી એરિયા પ્રમાણે અલગ કરતા હતા, અંદર પ્રવેશીને તરત જ મેં પેલા ટપાલી વિશે પૂછપરછ કરી, તેમણે મને ત્યાં સોફા પર બેસવાનું કહ્યું તો હું બેઠો ,અને તરત જ અંદરથી એક ભાઈ બહાર આવ્યા અને મને જોયું ને કહ્યું કે કેયુર શાહ ? મારા આશ્ચર્યનો પાર ન હતો તેમણે કહ્યું તમારો પાસપોર્ટ મારી પાસે જ હતો, કાલે મોડું થઈ ગયું તો પછી આજે ડિલિવરી કરવાનો જ હતો અને તમે આવી ગયા, મારી ખુશીનો કોઈ ઠીકાનો નહોતો, તેમણે આવીને પાસપોર્ટ મારા હાથમાં મૂક્યો અને મને અભિનંદન આપ્યા અને બક્ષિશ માગી, મેં તરત જ સોની નોટ કાઢીને આપી દીધી, તે ખુશ થઈ ગયા અને હું પણ સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ હતો.

હું સીધો પાસપોર્ટ લઈને પોસ્ટ ઓફિસની બહાર નીકળ્યો અને તરત ફોન કરીને ઘરે સમાચાર આપી દીધા, તે સાંભળીને તે લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા, પાસપોર્ટ લઈને સીધો ઘરે પહોંચ્યો મેનેજર ને ફોન કર્યો અને આ ખુશીના સમાચાર આપ્યા તેઓ પણ ખૂબ ખુશ થઈ ગયા અને મને કહ્યું કે ઓફિસમાં જઇને પ્રેમને પાસપોર્ટ આપી દેજે, હું કોર્પોરેટ ઓફિસમાં ગયો અને પ્રેમને પાસપોર્ટ આપીને તેની પાસે જમા કરાવી દીધો અને આ મલેશિયા જવાનું મારું પહેલું સ્ટેપ પૂરું થયું અને તમે એવું માનતા હોય કે અહીં વાર્તા પૂરી થઈ તો થોભી જાવ હવે ખરી વાર્તા શરૂ થાય છે, મારા જીવનમાં કંઇ પણ સરળતાથી નથી મળતું મને.

પાસપોર્ટ જમા થઇ ગયો હતો ,ઘરમાં પણ બધા ખુશ હતા ,હવે મને મલેશિયા જવાના સપના પૂરા થતા હોય તેવું લાગવા માંડ્યું હતું, લગભગ એક મહિના પછી મારી સિંગાપુર એરલાઇન્સ ની ફ્લાઇટ હતી, અમદાવાદ થી બહાર પણ ના નીકળેલો હું મારી પહેલી એકલા અમદાવાદની બહાર ની મુસાફરી હતી મલેશિયા અને એ પણ સિંગાપુર એરલાઇન્સ માં મારા માટે આ એક સપના સમાન હતું!

લગભગ પંદર દિવસ પછી અમારે મલેશિયા જવાનું હતું, આખી itinerary આવી ગઈ હતી, છ દિવસ અને પાંચ રાત્રિનું પેકેજ હતું, દિવસો ઝડપથી પસાર થઈ ગયા હતા, અઠવાડિયું જ બાકી હતું, અમારા કુટુંબીજનોને પણ મળવા આવવાની શરૂઆત થઈ ગઈ હતી, મારું એવું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું કે હું મલેશિયા જઈ શકું, એટલે મારા પરિવાર વાળાના લોકોને પણ જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું હતું ,બધા આવીને શુભેચ્છાઓ આપતા હતા અને સલાહ સૂચનો પણ, ઘણા લોકોને વિશ્વાસ નહોતો થતો તો itinerary પણ જોતા હતા, વાંક તેમનો પણ નહોતો કોઈને પણ આ ઉંમરે આ achivement કઈ રીતે લીધું તેનું આશ્ચર્ય હતું, મારા ફેમિલીને પણ ગર્વ હતું, મેં મારી બેગ પેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું મગજમાં અનેક વિચારો અને ભાવનાઓની ઉમટી પડી હતી ,અઠવાડિયું તો પલકવારમાં નીકળી ગયું અને આખરે એ દિવસ આવી પહોંચ્યો, સવારથી જ મગજમાં વિચારો ચાલતા હતા, વિમાન ને ક્યારેય પણ મેં નજીકથી નહોતું જોયું, હંમેશા આકાશમાં અવાજ આવતો અને બાલ્કની ની બહાર આવી ને જોતો હતો, આજે પહેલી વાર ફ્લાઈટમાં બેસવાનું હતું અને તે પણ ઇન્ટરનેશનલ!

રાત્રે લગભગ બાર-પંદર ની ફ્લાઈટ હતી અમારો ટુર મેનેજર દીપેશ હતો તેણે રાત્રે આઠ વાગ્યે એરપોર્ટ પર પહોંચી જવાનું કહ્યું હતું, છેલ્લો દિવસ હોવાથી કુટુંબીજનોના ફોન સતત ચાલુ હતા, મારા કાકા મને એરપોર્ટ પર મૂકવા આવવાનાં હતા, તેમને લગભગ છ વાગે આવવાનું કીધું હતું, તેઓ છ વાગે આવી પહોંચ્યા હતા ,મારું પેકિંગ પતી ગયું હતું અમારા ઘરે થી એરપોર્ટ અડધો કલાકનો રસ્તો હતો અને લગભગ સાત વાગ્યે એરપોર્ટ જવા માટે નીકળ્યા એ વખતે તો બધા પાડોશીઓ પણ નીચે સુધી મુકવા આવ્યા હતા, બધાને આવજો કરી અમે કારમાં બેસી ગયા અને એરપોર્ટ ની સફર શરૂ થઈ, ટ્રાફિકના કારણે લગભગ 7 45 એરપોર્ટ પહોચ્યા ઘરે થી એરપોર્ટ હતા દરમિયાન પણ કારમાં બધાના ફોન ચાલુ હતા .

અમે ઍરપોર્ટ પહોંચ્યા ત્યારબાદ મેં દીપેશ કે જે મારો ટૂર મેનેજર હતો તેમને ફોન કર્યો તેમણે એક જગ્યા બતાવી અને ત્યાં ઊભા રહેવાનું કહ્યું, તે દસ મિનિટમાં પહોંચે છે તેવું કહ્યું અમે તેની રાહ જોતા ઊભા રહ્યા, 10 મિનિટમાં તે પહોંચી ગયો અને ધીરે ધીરે બાકીના બધા જ લોકો પણ આવી ગયા હતા.

દીપેશ એક પછી એક બધાને પાસપોર્ટ આપવાનું શરૂ કર્યું, એક પછી એક બધાને પાસપોર્ટ આપતો જતો હતો અને મારા હૃદયના ધબકારા વધતા જતા હતા, અને આ શું?! તેની પાસે પાસપોર્ટ પતી ગયા અને મારા અને બીજા ચાર જણાના પાસપોર્ટ નહોતા તેણે કહ્યું કે પાસપોર્ટ તો તમારી પાસે છે ને મેં કહ્યું ના મેં તો સબમિટ કરાવ્યા છે , તો તેણે કહ્યું કે મારી પાસે નથી!!!

મેં તરત જ મારા મેનેજરને ફોન લગાવ્યો અને તેમણે ફોન ઉપાડ્યો અને કટ થઈ ગયો , સતત ફોન ચાલુ રહેવાને કારણે મોબાઈલ નું ચાર્જિંગ ઉતરી ગયું હતું, મારી પાસે અનુરાગ સર નો નંબર મોબાઈલ માં જ હતો પણ બીજા પાસેથી નંબર લઈને તેમને મોબાઈલ કર્યો તેમને બધી વિગત જણાવી તેમણે કહ્યું કે મેં પ્રેમને સબમીટ કર્યો હતો પાસપોર્ટ, ઓફિસ તેમણે કહ્યું કે પ્રેમ ને કોલ કરીને તને પાછો કોલ કરું છું. મારા પપ્પા,મમ્મી, કાકા બધા જ ટેન્શનમાં આવી ગયા હતા અને પપ્પા ને મે એક જગ્યાએ શાંતિથી બેસવાનું કહ્યું અને મગજ શાંત રાખવાનું કહ્યું, પાંચ મિનિટ પછી અનુરાગ સર નો ફોન આવ્યો એમણે કહ્યું પાસપોર્ટ પ્રેમ પાસે છે અને પ્રેમ અત્યારે બરોડા છે અને અત્યારે તે કારમાં પાસપોર્ટ લઈને નીકળે છે!

અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઈવે છે તો લગભગ કલાક થી દોઢ કલાકમાં તે એરપોર્ટ પહોંચી જાય તે લગભગ રાત્રે આઠ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે નીકળ્યો હતો, તેથી લગભગ રાત્રે દસ વાગ્યા સુધીમાં તે પહોંચી જશે, જે લોકોના પાસપોર્ટ હતા તે બધા જ એરપોર્ટની અંદર જતા રહ્યા હતા, અમે પાંચ જણ અને દીપેશ જ બહાર હતા, બાર-પંદર વાગ્યાની ફ્લાઇટ હતી તો દસ વાગ્યા સુધીમાં તો અંદર જતું રહેવાનું હતું.

લગભગ ૯:૪૫ વાગ્યે અમે પ્રેમને કોલ કર્યો, તેણે કહ્યું તે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક માં ફસાઈ ગયો છે અને ટ્રાફિક આગળ જતો જ નથી, મારા હૃદય ના ધબકારા વધતા જતાં હતાં, જાણે સપનું રોળાઇ ગયું હોય તેવી અનુભૂતિ થતી હતી, જાણે મોઢે આવેલો ઘૂંટડો જતો રહ્યો હોય તેવું લાગતું હતું, એક એક મિનિટ જાણે કલાકોની જેમ પસાર થતી હતી અને આખરે લગભગ ૧૦.૩૦ વાગ્યે પ્રેમ કારમાંથી ઉતરીને દોડતો દોડતો આવ્યો અને બધાને એક પછી એક પાસપોર્ટ આપ્યા અને તેમાં પણ છેક છેલ્લો મારો પાસપોર્ટ આવ્યો, ત્યારે દિલમાં ટાઢક વળી, મગજમાં શાંતિ થઇ, પાછો ઉત્સાહ આવી ગયો, મમ્મી, પપ્પા, કાકા બધા જ ખુશ થઈ ગયા અને તેમના આશીર્વાદ લઈને અને પ્રેમ નો આભાર વ્યક્ત કરીને મારી મલેશિયાની સફર તરફ આગળ વધ્યો.

કહેવાય છે ને કંઈક સારું થતાં પહેલાં ભગવાન આવી અડચણ જરૂર ઊભી કરે છે પણ છેલ્લે તો તમારું લક્ષ્ય પ્રાપ્ત થઈ જ જાય છે, તો મિત્રો આ હતી મારી પાસપોર્ટ થી એરપોર્ટ સુધીની સફર !

તમને કેવી લાગી જરૂરથી જણાવજો આપની શુભેચ્છાઓ તથા કોમેન્ટ્સ મને લખવા માટે વધુ ઉત્સાહિત કરે છે , મારો આ અનુભવ વાંચવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ અનુભવ સારો લાગ્યો હોય તો આપના મિત્રોને તથા આપના ગ્રુપમાં અચૂક થી શેર કરજો. ચાલો ત્યારે ફરીથી મળીશું એક નવા અનુભવ સાથે, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.