લાગણીઓ નું સરનામું : હ્રદય Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓ નું સરનામું : હ્રદય

લાગણીઓ નું સરનામું : હ્રદય

અમદાવાદ ના અસારવા વિસ્તાર માં આવેલી સિદ્ધિ સોસાયટી ના ઘર નં 48/2 ના દરવાજા માંથી બહાર નીકળતા નીકળતા અને હાથ માં બેટ લઈ ક્રિકેટ રમવાની ઉત્સુકતા સાથે વિહંગે ઘર માં રહેલી પોતાની મમ્મી ને સાદ પાડીને કહ્યું “મમ્મી , હું ક્રિકેટ રમવા જાઉં છું, આવતા મોડું થશે, તું જમી લેજે, હું આવી ને જમીશ.”

“હા પણ બેટા જરા જલ્દી આવી જજે” માં એ પણ ચિંતાતુર ચહેરે પ્રતિસાદ આપ્યો. હજુ વિહંગ થોડો જ દૂર ગયો હશે ત્યાંજ એ જમીન પર ફસડાઈ પડ્યો. તાત્કાલિક વિહંગ ને નિકટ માં આવેલી સિવિલ હોસ્પિટલ ના ઇમર્જન્સિ વિભાગ માં દાખલ કરવામાં આવ્યો.

**********************

“ભઈલુ, આજે મમ્મી નો જન્મ દિવસ છે, ચાલ આપણે બધા સાથે આઇસક્રીમ ખાઈએ” ખુશી ભર્યા અભિભાવ સાથે તારિકા એ પોતાના મોટા ભાઈ નભ ને કહ્યું.

“ હા, કેમ નહીં ? હું બાઇક લઈ ને હમણાં જ આઇસક્રીમ લઈ આવું છું અને સાંજે આપણે બધા સાથે ક્યાંક બહાર જમવા સાથે જઈશું.” એટલા જ ખુશી સભર સ્વરે નભ એ પ્રત્યુત્તર આપ્યો અને એ જલ્દી માં બાઇક લઈ નીકળી ગયો.

મમ્મી એ રસોડામાંથી જ સાદ પાડીને કહ્યું “બેટા જરા સાચવીને જજે” મમ્મી ના શબ્દો હજુ કાને પડ્યા ના પડ્યા એ બાઇક ને જોર થી કીક સ્ટાર્ટ આપી સોસાયટી ની બહાર ઓઝલ થઈ ગયો. હજુ એ સોસાયટી ની બહાર જ નીકળ્યો જ હશે કે જોર થી એક ટ્રક જોડે અથડાઇ ગયો. શું બન્યું એની એને કઈંજ ખબર ના પડી. રસ્તા માં પડેલા ખાબોચિયા નભ ના લોહી થી તરબતર થઈ ગયા. આજુ બાજુ ના રાહદારીઓ એ તાત્કાલિક બોલાવેલી 108 એમ્બ્યુલન્સમાં લોહી થી ખરડાયેલા નભ ને લઈ જવામાં આવ્યો.

*************************

નભ ને મગજ ની અતિ ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ના ટ્રૌમા વિભાગ માં દાખલ કરવા માં આવ્યો. MRI અને CT સ્કૅન જેવા પરીક્ષણો પછી નભ ને આઇસીયુ વિભાગ માં વેંટીલેટર (કૃત્રિમ શ્વાસોશ્વાસ નું યંત્ર) પર રાખવામાં આવ્યો. નભ ની પથારી પાસે બેસેલી પોતાની નાની બહેન ના બંને આંખ માંથી આંસુ દડ દડ વહી રહ્યા હતા અને એ અશ્રુભર્યા સ્વરે બબડતી હતી “ ભઈલુ, તું જલ્દી સાજો થઈ જા, પછી આપણે સાથે આઇસક્રીમ ખાઈશુ અને સાંજે સાથે જમવા જવાનું છે.”

*******************

વિહંગ ના તમામ પરીક્ષણો ના અંતે નિદાન થયું કાર્ડિયોમાયોપથી (Cardiomayopathi). એક એવી બીમારી જેમાં હ્રદયનું ધીમે ધીમે ધબકવાનું કાર્ય થંભી જાય અને પોતાની સાથે ધબકતી જિંદગીનો પણ અંત આણી દે. ભાગ્યેજ થતી બીમારી એક પિતા વગર ના વિહંગ ના ભાગ્ય માં કદાચ લખાયેલી હશે. વિહંગ હવે બસ થોડાજ દિવસો નો મહેમાન હતો.

“મમ્મી મને સારું તો થઈ જશે ને? આવતા સપ્તાહે મારે ફાઇનલ મેચ રમવા જવાનું છે. અને પછી રણજી ટ્રોફી માં પસંદગી પામી મારે ઇંડિયન ક્રિકેટ ટીમ માં મજબૂત સ્થાન બનાવવાનું છે.”

વિહંગ ની મમ્મી સઘળું જાણતી હોવા છતાં ચહેરા પર છવાયેલી દર્દ ની રેખાઓ અને અને આંખો માં આવેલા અશ્રુઓ ને છુપાવતા પ્રત્યુત્તર આપ્યો “ હા બેટા તને સારું થઈ જશે, અને તું રોજ રમી ને આવે ને પછી જ હું તારા સાથે જમીશ.”

***********************

એમબીબીએસ નો અભ્યાસ ક્રમ તાજેતર માંજ પુર્ણ કાર્ય પછી ઇન્ટર્નશીપ નો ઉત્સાહ, તરવરાટ અને ઉમંગ ડૉ. નિશીથ ના મન માં સમાતો નહોતો. પરંતુ આ શું ? પોતાના ઇન્ટર્નશીપ ના પ્રથમ જ દિવસે વિહંગનામાં ના અને નભ ની બહેન ના સંવાદે નિશીથ ને લાગણીશીલ બનાવી દીધો.કેમ કે દર્દી ની લાગણીને વશ થઈ લાગણી શીલ ના બનવું એ હજુ સુધી એમબીબીએસ ના કોઈ પુસ્તક માં શિખવાડવામાં નહોતું આવ્યું.

ઇન્ટર્નશીપ નો ઉત્સાહ, તરવરાટ અને ઉમંગ બસ એક જ ઝટકા માં ઓસરી ગયો. મેસ માં એ જમવા આવેલો નિશીથ વિહંગ અને નભ ના વિચારો સાથે અને હાથ માં કોળિયા સાથે જ શૂન્યમનસ્ક બની ગયો. નિસિથ ના માનસપટ પર પોતાની મમ્મી અને પોતાની નાની બહેન ના સંવાદો છવાઈ ગયા.

જ્યારે પણ પોતે બાઇક લઈ ને બહાર નીકળતો ત્યારે મમ્મી “બેટા સાચવી ને બાઇક ચલાવજે” એવા શબ્દો અચૂક કહેતી અને પોતે એના સહેજ ગુસ્સા સભર પ્રત્યુત્તર રૂપે “ હવે હું મમ્મી નાનો નથી તો રોજ રોજ મને સલાહ આપે છે.”

પોતાની નાની બહેન નું ફૂલ રેકેટ લઈ એને ખીજવતો ત્યારે પોતાની નાની બહેન “ભઈલુ, જા હવે હું તારા સાથે નહીં બોલું, મમ્મી ભઈલુ ને કહી દે કે મને ખીજવવાનું છોડી દે.”

પોતાની મમ્મી ની દરેક સૂચના માં વર્ષાતો પ્રેમ અને નાની બહેન ના દરેક વાક્ય માં છલકતા હેત નો આજે નિસિથ ને અહેસાસ થયો. વિહંગ ને મમ્મી ની અને પોતાની નાની બહેન ની યાદ આવી ગઈ. આંખમાંથી આંસુ નું એક ટપકું જ્યારે પોતાના હાથ પર પડ્યું ત્યારે અચાનક યાદો થી બહાર આવેલા નિશીથ એ પોતાના પાસે રહેલા મોબાઇલ માં પોતાની મમ્મી ને કોલ લગાવ્યો.

“હેલ્લો મમ્મી, હવેથી હું સાચવીને બાઇક ચલાવીશ”

“પણ બેટા કેમ આજે આમ અચાનક?” મમ્મી એ પોતાના દીકરાની આમ અચાનક બદલાયેલી પ્રકૃતિ જોઈ અચરજ સાથે પૂછ્યું.

“મમ્મી તારી અને બહેન ની અચાનક યાદ આવી ગઈ. ખુશી સ્કૂલ થી ઘરે આવે એટલે એને કહે જે કે આ વખતે ઘરે આવીશ ને એટલે એના માટે નવું ફૂલ રેકેટ લઈ આવીશ અને હવે એનો ભઈલુ એને ક્યારેય નહીં પજવે.” ગળગળા સ્વરે નિસિથ એ મોબાઇલ મૂક્યો.

આજે જમવાનું ગળે નહોતું ઉતરતું. એ વિચારતો હતો કે એવી જાદૂ ની છડી મળી જાય તો હાલ એ વિહંગ અને નભ ને એક પળ માં સાજા કરી એક માં ને પોતાનો દીકરો અને એક બહેન ને પોતાનો ભાઈ પાછો આપી દે. અચાનક નિસિથ ના માનસપટ પર બંને ની કેસ ફાઇલ આવી. બંને ના બ્લડ ગ્રુપ પર નજર ગઈ અને એ હાથ માં જમવાનો લીધેલો કોળિયો છોડી હોસ્પિટલ માં દોડી ગયો. હાંફળો ફાંફળો થતો એ કેસ ફાઇલ લઈ પોતાના સર પાસે ગયો. સર પણ કેસ ફાઇલ લઈ જરા ગંભીરતા પૂર્વક વિચારવા લાગ્યા. નિસિથ અને સર કેસ ફાઇલ લઈ નભ ના મમ્મી પપ્પા જોડે ગયા અને ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરી. નભ હવે બ્રેઈન ડેડ જાહેર થયો. નભના મમ્મી પપ્પા અને બહેને ધ્રુસકે ધ્રુસકે રડી ને પણ ઓપરેશન ની મંજૂરી આપી.

કેટલાક પરીક્ષણો ના અંતે નભ ના હ્રદય નું વિહંગ માં સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. વિહંગે ઓપરેશન પછી આંખો ખોલી તો સામે પોતાના દેહ ને જન્મ આપનારી પોતાની મમ્મી અને એ દેહ ને ધબકતો રાખવા માટે જરૂરી હ્રદય ને જન્મ આપનારી બીજી મમ્મી તથા લાગણીઓ થી રસ તરબોળ હ્રદય માં સ્થાન પામેલી નભ ની બહેન હતી.

નભ ની મમ્મી ના હવે પછી જન્મ દિવસે બારણે ડોર બેલ વાગી. પોતાના ભાઈ ની યાદો માં ખોવાયેલી તારિકા એ બારણું ખોલ્યું તો બાઇક લઈ ને આઇસક્રીમ લઈ ને આવેલો વિહંગ ઊભો હતો.

તારિકા એ ખુશી ભર્યા સ્વરે પોતાની મમ્મી ને બૂમ પાડી “ મમ્મી, ભઈલુ આઇસ ક્રીમ લઈ ને આવી ગયો છે, ચાલ સાથે બેસી ને આઇસ ક્રીમ ખાઈ લઈએ.”

“હા, મમ્મી સાંજે આપણે સાથે બહાર જમવા ક્યાંક જઈશું.” એટલા જ ખુશી ભર્યા અવાજ સાથે વિહંગે કહ્યું.

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર