રાહુલ વોશરૂમમાંથી સામાન્ય થઈ પાછો બારમાં આવીને બેઠો જ્યાં કેશવ , નીરજ , ઋતવી તેમજ જેસિકા બેઠા હતા. વોશરૂમમાં થયેલી ઘટના બધાને કહેવી રાહુલને યોગ્ય નાં લાગ્યું જેથી તે આવી ટેબલ પર બેઠો અને બધાએ બિયર પીવાનું શરૂ કર્યું.
લગભગ રાતે નવ વાગે બધાએ જમી લીધું હતું અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા કારણ કે બીજા દિવસથી ફરવાનું હતું.
કેશવ અને રાહુલ બંને સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાહુલે તેની સાથે થયેલી ઘટના જણાવી.
"શું વાત કરે છે? મતલબ આ હોટેલમાં એક આત્મા છે એમ?" કેશવે રાહુલની ઘટના સાંભળી હસતા હસતા કહ્યું.
"યાર...ખબર નહીં પરંતુ તે ઘટના બાદ મારી હાલત ખરાબ છે"
"કશું નહીં...ખાલી એક ભ્રમ થયો હશે. સૂઈ જા"
***************************
બીજા દિવસે બધા નક્કી કરેલા સમયે રેડી થઈ હોટેલ નીચે મળ્યા અને ગન હિલ્સ તેમજ હેપ્પી વેલી જોવા માટે નીકળ્યા.
ધીમી ધારે બરફ વર્ષા શરૂ હતી પરંતુ વાતાવરણ એકદમ ઠંડુ સ્વર્ગ જેવું અનુભવાતું હતું. જૉન તેના કેમેરામાં બરફ સાથેની બધાની પળો ક્લિક કરી રહ્યો હતો.
હેપ્પી વેલીનો અદ્ભુત નજારો જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. ઊંચી પહાડીઓ પરથી નીચે બરફથી ઢંકાયેલો માર્ગ દેખાતો હતો સાથે સાથે વૃક્ષોના પાંદડા પર પડતો ધીમી ધારે બરફ સૌન્દર્યને વધારે સરસ બનાવી રહ્યો હતો.
"કેશવ ...એક પીક..." જેસિકાએ બૂમ પાડી કેશવને સાથે ફોટા પડાવવાની ઑફર કરી.
કેશવે હસતા હસતા ઑફર સ્વીકારી અને ઘણી બધી જગ્યાએ સાથે ફોટા પડાવ્યા. નીરજ પણ કેશવને જુદી જુદી બાબતનું બહાનું કે કારણ આપી તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ જેસિકા પોતે કેશવ તરફ આકર્ષાતી હતી એમાં નીરજ પણ શું કરી લેવાનો હતો.
એક જગાએતો નીરજ અને કેશવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી જે છેવટે મોનિકા મેડમે આવી શાંત કરાવી.
લગભગ ઘણાં પ્રયત્નો બાદ નીરજે મસૂરની ટ્રીપમાં જેસિકાને સમજાવવાનું છોડી દીધું.
**************************
લગભગ ચાર દિવસ બાદ જોવાલાયક સ્થળો ફરીને ખરીદી કરી ફરીથી તેઓ અહમદાબાદ આવવા દહેરાદુનથી ટ્રેનમાં બેસી ગયા.
ટ્રેનમાં વળતી વખતે એક કેબિનમાં કેશવ , રાહુલ , જેસિકા અને મોનિકા મેડમ બેઠા હતા. વાત વાતમાં કંઇક હોરરની વાત નીકળી હશે ત્યાંજ કેશવે રાહુલની વોશ રૂમવાળી ઘટના બધાને કહી દીધી.
" અરે યાર...મિત્ર થઈ વાતની જાણ કરી તને અને બધા સામે કહી દીધી " રાહુલે કેશવને કહ્યું.
" કંઈ નહીં બધા મિત્રો જ છે... એમાં શું ડર લાગે છે તો લાગે છે..."મોનિકા મેડમે હસતા હસતા કહ્યું અને બધા જોર જોરથી હસવા લાગ્યા.
મસૂરીની ટ્રીપ બાદ નીરજ અને જેસિકા વચ્ચે મતભેદ થવા લાગ્યા અંતે જેસિકા નીરજથી અલગ થઈ જાણે તે નીરજથી પહેલેથી અલગ જ થવા માંગતી હતી અને આ એક મોકો હતો તેનાથી અલગ થવાનો.
***************************
જેસિકાની ડાયરીમાં ફક્ત નીરજ અને તેના બ્રેક અપ સુધીની જ બાબત લખેલી હતી અને તેમાં પણ જેસિકાએ નીરજના ખિલાફ ઘણાં બધાં કારણો લખેલા હતા.
મોનિકા મેડમ વિરલ સાહેબ અને લ્યુકને પાછા વર્તમાનમાં લઇ આવી અને આખી ટ્રીપ પૂરી કરી અને જે ઘટના મોનિકા મેડમને દેખાઈ હતી અને જેટલી જેસિકાએ પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો ફક્ત તેટલી બાબતો હવે વિરલ સાહેબ સમક્ષ હતી.
"ઓહ...જબરદસ્ત ટ્રીપ હતી." વિરલ સાહેબે ચાનો છેલ્લો ઘૂંટ પિતા મોનિકા મેડમને કહ્યું.
મોનિકા મેડમ પણ ધીમી ધારે હસ્યા અને ઠંડા પવનના કારણે આગળ આવેલી લટ કાનની પાછળ લઈ ગયા.
"તમારી પાસે આ ટ્રીપના બીજા ફોટોઝ હશે?"
" નો સર...આટલા જ હતા બાકી અમુક ડિલીટ થઈ ગયા અને અમુક પહેલથી ન હતા પરંતુ જૉન પાસે બધા ફોટોઝ હશે. તેને શોખ છે એટલે તેના પાસેથી તમને મળી જશે."
વિરલ સાહેબે જૉન ,તેમજ નીરજ અને રાહુલની માહિતી લઈ લીધી અને મોનિકા મેડમનો નંબર પણ લઈ લીધો.
સાથે સાથે જેસિકાની અમુક માહિતી તેમજ તેના માતા પિતાની પણ માહિતી લીધી.
"સો ... આભાર આપનો... પોતાનો કિંમતી સમય ફાળવી અમને મહત્વની બાબત જણાવવા અંગે. જો જરૂર પડશે તો ફરીથી આવીશું." વિરલ સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થઈ મોનિકા મેડમનો આભાર વ્યક્ત કરતા કહ્યું.
"જરૂર સર..."
વિરલ સાહેબ અને લ્યુક ત્યાંથી નીકળી ગયા.
(ક્રમશ:)
- Urvil Gor