પ્રકરણ - ૩૦/ત્રીસ
ગતાંકમાં વાંચ્યું.....
લાજુબાઈ પછી કાંતિના આકસ્મિક મૃત્યુથી જમના ભાંગી પડે છે. કાંતિની અંતિમયાત્રાના સમયે એના સાસુ અને નણંદ એની સાથે અપમાનિત વ્યવહાર કરે છે પણ સુજાતા જમનાનો સાથ આપે છે. અંતિમયાત્રામાં આવેલી ભીડમાં અનંતને ખીમજી પટેલ દેખાય છે.....
હવે આગળ....
કાંતિની અંતિમયાત્રામાં આવેલા સગા-સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછડતી ઝલક જોઈ એટલે એ ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલોપ થઈ ગયો અને અનંત અહીં-તહીં હવાતિયાં મારવા લાગ્યો પણ કંઈ હાથ ન લાગતા એ પણ અન્ય લોકોની સાથે અંતિમવિધિમાં જોડાઈ ગયો. બધી વિધિ પુરી થતાં સુધીમાં સાંજ પડી ગઈ.
સતત ઉજાગરા અને માનસિક થાકથી જમાનાનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. ફક્ત એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં એના પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. જેનું એ પ્રતિબિંબ હતી, જેનો પડછાયો હતી એવી માતાના મૃત્યુના આઘાતની કળ હજી વળી નહોતી ત્યાં જેની સાથે કદમથી કદમ મિલાવી સાથે ચાલવાના વચન સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા, જેની સાથે સુખી સંસાર વસાવવાના સપનાનું મીંઢળ હાથે બાંધ્યું હતું, જેના નામની મેંદીની સુવાસ હજી હાથોમાં અકબંધ હતી, જેના નામના સિંદૂરની લાલાશ આંખોની અશ્રુધારામાં બદલાઈ ગઈ હતી, જેના નામનું જરીયલ પાનેતર હવે સાદી શ્વેત સાડીમાં બદલાઈ ગયું હતું એવા પોતાના પતિ કાંતિની આકસ્મિક વિદાયથી જમનાના રહ્યાસહ્યા હોશકોશ પણ ઉડી ગયા હતા. એકસાથે બે પ્રિયજન ગુમાવ્યાનું દુઃખ એ સહન કરી શકે એમ ન હતી, એના નાજુક ખભા આટલો મોટો બોજ ઉપાડવા અસમર્થ હતા પણ અનંત અને સુજાતાએ એને સહકાર આપી, એનો ટેકો બની ઉભા રહ્યા. સાસરિયાં તરફથી અવગણના પામેલી જમનાને લઈને અનંત અને સુજાતા બીજા દિવસે વહેલી સવારે જ વડોદરા આવવા માટે નીકળી ગયા.
સમયની ધારા અવિરત વહેતી ગઈ. જમના ધીરે ધીરે રોજિંદી ઘટમાળમાં ઘડાઈ રહી હતી. સમયનો પ્રવાહ કેટલીય નાની-મોટી સુખ-દુઃખની ચટ્ટાનોમાંથી માર્ગ કાઢતો આગળ વધી રહ્યો હતો. લગ્નના અઢી વર્ષ બાદ સુજાતાએ પારેખનિવાસમાં ખુશીઓનું અજવાળું પાથરનાર રોશનીને જન્મ આપ્યો પણ એ રોશનીનો ખીલતો ચહેરો જોયા પહેલાં જ વલ્લભરાય પણ પ્રભુને પ્યારા થઈ ગયા અને બીજા બે વર્ષ પછી પારેખ પરિવારનો વંશ વધારનાર રાજીવનો જન્મ થયો. જમનાએ રોશની અને રાજીવ બંનેને પોતાના સગા બાળકો જેટલા હેતથી ઉછેર્યા. રોશની આઠ વર્ષની હતી અને રાજીવ છ વર્ષનો હતો ત્યારે પારેખ પરિવારે નિર્મળાની છત્રછાયા પણ ગુમાવી દીધી, ટૂંકી માંદગીનો ભોગ બની નિર્મળા પણ વલ્લભરાયની પાછળ અનંતની વાટે ચાલી નીકળી.....
*** *** ***
ખીમજી પટેલના કરચલીવાળા ચહેરા પર હૃદયનો બોજ હળવો થયાની શાંતિ પથરાઈ ગઈ. એકચિત્તે, એકમગ્ન બની એમના મોઢેથી આખી કથા સાંભળી રાજીવ અને રતનના દિલમાં પણ આગળ શું થયું એ જાણવાની ઉત્કંઠા વધી ગઈ પણ રાત બહુ વીતી ગઈ હતી પણ ખીમજી પટેલે બંડલમાં રહેલી આખરી બીડી સળગાવી ઉભા થઈ રાજીવ અને રતનને ઘરે પાછા જવાનો સંકેત આપી દીધો. રાજીવ પાછળ બેઠો એટલે રતને બુલેટને કિક મારી અને ઘર તરફ મારી મૂકી એટલે ખીમજી પટેલ પોતાની ઓરડીમાં જઈ એક મધ્યમ સાઇઝની પેટી લઈ બહાર આવ્યા અને પેટી પલંગ પર મૂકી પોતાના ગળે બાંધેલા સોનાના દોરામાં લટકતી ચાવી કાઢી એ પેટી ખોલી એમાંથી તરાનાએ છેલ્લી વખત પહેરેલી કપડાંની જોડ કાઢી આંગણામાં વચ્ચોવચ મૂકી નીતરતી આંખે દીવાસળી ચાંપી દીધી અને પોતાના હૃદયને અશ્રુઓની વાચા આપી અંદર ચાલી રહેલા મનોમંથનને વહેતું કરી મૂક્યું જાણે આગ અને પાણી એક થઈ રહ્યા હતા.
"ત......રા.....ના......" તરાનાની ઓઢણીનો છેડો હજી પકડી રાખી એમણે પોક મૂકી અને જ્યારે આગની જ્વાળા ઓઢણીને અડીને એમની હથેળીએ પહોંચી ત્યારે એમના હાથમાંથી તરાનાની છેલ્લી યાદગીરી પણ જ્વાળામાં સ્વાહા થઈ ગઈ. આખી રાત ખીમજી પટેલ આંગણામાં જ જાગતા બેસી રહ્યા. સવારે જ્યારે નોકરે આવીને ડેલીનો દરવાજો ખખડાવ્યો ત્યારે ઉભા થયા. એક રાતમાં તો એમની ઉમર દસ વર્ષ જેટલી વધી ગઈ, ખીમજી પટેલની ખુમારી આથમી ગઈ, એમનો ગરમ મિજાજ બરફ જેવો ઠંડો પડી ગયો. એમની અંદર ભભૂકતી બર્ફીલી આગ અચાનક જ જાણે ઓલવાઈ ગઈ, એમની જીવવાની જીજીવિષા જ ખતમ થઈ ગઈ હોય એમ બેવડ વળી ગયેલી કમરે પરાણે પગ ઘસડતા એમણે દરવાજો ખોલ્યો.
"તબિયત તો હારી છે ને બાપા? ને આંય આંગણમાં હું હળગાવ્યું હતું? આ તમારી લાલચોળ આંખોમાં આખી રાતનો ઉજાગરો વર્તાય છે." નોકરે આવતાંવેંત ચાપલુસીભરી જાસૂસી શરૂ કરી.
"કાંઈ નહીં, રાતે જરા ટાઢ વાતી'તી એટલે તાપણું કર્યું હતું અને પારકી પંચાત કર્યા વગર કામે લાગ," ખીમજી પટેલે એને તતડાવી નાખ્યો એટલે નોકર નીચી મૂંડીએ અંદર જતો રહ્યો.
રતન અને રાજીવ પણ આખી રાત ઉજાગરો કરી ખીમજી પટેલે વર્ણવેલી આખી કથામાંથી હજી ખૂટતી કડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ હજી કોઈ કડી જડતી નહોતી. સાંકળના બે છેડા તો મળી ગયા હતા પણ વચ્ચેની કડી જોડ્યા વગર આખી સાંકળ બનાવવી એ બંને માટે મુશ્કેલ બની ગઈ હતી. ખીમજી પટેલ હજી પણ એમનાથી કાંઈક છુપાવી રહ્યા હતા એવું એ બંનેને લાગતું હતું. હવે એ ખૂટતી કડી શોધવી ક્યાં અને કેવી રીતે એની ચર્ચામાં જ રાત વીતી ગઈ હતી.
સવારે અનન્યાનો ફોન આવ્યો ત્યારે રતન અને રાજીવ તૈયાર થઈ બુલેટ પર સવાર થઈ ખીમજી પટેલની ડેલીના દરવાજે ઉભા હતા. રતને ડેલીની સાંકળ ખખડાવી એટલે નોકરે આવીને દરવાજો ખોલ્યો, બંને અંદર ગયા ત્યારે ખીમજી પટેલ બારી પાસે બેસીને આકાશમાં તાકતા વિચારમગ્ન થઈ બેઠા હતા અને રાજીવ અનન્યા સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો.
"બોલ ડિયર, કેમ છે તુ? ઘરે શું હાલચાલ?"
"રાજીવ, ઓલ ઇઝ વેલ, ત્યાંના શું સમાચાર છે અને તું પાછો ક્યારે આવે છે? આપણી એંગેજમેન્ટ આડે માત્ર ચાર જ દિવસ બાકી છે અને તારી તૈયારી પણ કરવાની બાકી છે."
"ડોન્ટ વરી, એંગેજમેન્ટ પહેલા હું ત્યાં પહોંચી જઈશ અને મારે શું તૈયારી કરવાની જરૂર છે હું તો વગર તૈયારીએ પણ આટલો સ્માર્ટ અને હેન્ડસમ લાગુ છું જો તૈયાર થઈશ ને તો અનેક તિતલીઓ મારી આગળ-પાછળ, આજુબાજુ મંડરાયા કરશે જે તું જોઈ શકીશ?"
"રાજીવ, હમ ભી કિસી સે કમ નહિ, મારી આગળ પાછળ પણ ભમરાઓ ચક્કર મારતા રહેશે એ તું પણ જોઈ નહિ શકે અને ચાલ એ બધી વાત જવા દે, તને એક ખાસ વાત કરવા જ ફોન કર્યો છે." અનન્યાએ રાજીવને જે વાત કરી એ સાંભળી રાજીવની આંખો પહોળી અને મોઢું ખુલ્લું રહી ગયું પણ પોતાના ચહેરા પર કોઈપણ જાતના ભાવ દર્શાવ્યા વગર એ રતનની પાછળ પાછળ ડેલીમાં ગયો અને બંને ખીમજી પટેલની સામે આવી ઉભા રહી ગયા.
"પાછા આવી ગયા તમે બંને, તમને રાત્રે જ કીધું હતું કે મને જેટલી ખબર હતી એ બધી જ વાત તમને કરી ચુક્યો છું હવે શું કામ તમે મારી આગળ આવ્યા છો?" ખીમજી પટેલની આંખોમાં આછો રોષ દેખાઈ આવ્યો.
"બાપા...કોણ જાણે કેમ પણ હજી કાંઈક ખૂટી રહ્યું હોય એમ લાગે છે. વાતનો ક્યાંય તાળો નથી મળતો અને કમરપટ્ટાનો ભેદ તો હજી પટારામાં અકબંધ છે. હજી કડી ખૂટે છે તો જો તમને ખબર હોય તો અમને જણાવી દો જેથી અમારી આતુરતાનો અંત આવે."
"રતનીયા, બહુ લુચ્ચો છે તું, આખરે લોહી તો જોરાવરસિંહનું જ ને, મોરના ઈંડાને ચીતરવા ના પડે એ કહેવત તને બરાબર લાગુ પડે છે. મને તો એમ હતું કે હવે તમે પાછા નહિ આવો."
"બાપા, ઈચ્છા તો અમારીય નહોતી પાછા આવીને તમને હેરાન કરવાની પણ શું કરીએ જ્યાર આગળની વાતનું અનુસંધાન ન મળે ત્યાં સુધી તમને હેરાન તો કરવા જ પડશે." રતને ખીમજી પટેલની આંખોમાં આંખો પરોવી વાત ચાલુ રાખી.
"હમમમ.... મારા બેટાઓ બહુ ચાલાક છો તમે પણ શું છે કે હવે મારી ઉંમર થઈ છે એટલે મને વધુ કાંઈ યાદ નથી રહેતું અને યાદ કરવા માટે મારે મગજ કસવું પડે અને મગજ કસવા માટે........"
"સમજી ગયો બાપા....વધુ મગજ કસવાની જરૂર નથી, આ લ્યો," રતને કુર્તાના ગજવામાંથી નોટોની થપ્પી કાઢી ખીમજી પટેલના હાથમાં પકડાવી દીધી, "મને ખબર જ હતી એટલે તમારી યાદશક્તિ વધારવાની દવા હું સાથે લઈને જ આવ્યો છું. બાપા.... તમારો એક પગ કબરમાં લટકે છે તો પણ તમારા દિમાગમાં ખંધાઈનો કાનખજૂરીયો હજી સળવળે છે...હવે તો તમને દવા મળી ગઈ ને તો હવે યાદ કરીને અમને ખૂટતી કડી કહી દો એટલે અમે અહીંથી રવાના થઈએ અને પાછા તમને હેરાન ન કરવા પડે."
"બહુ સમજુ છે તું રતનીયા....પણ શું છે કે એક થપ્પીમાં એક જ કડી યાદ આવે, બીજી-ત્રીજી કડી પણ ખૂટે તો....."
"હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધેસીધી કહી દયો નહિતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો," રતને કમરે ખોસેલી રિવોલ્વર કાઢી ને ખીમજી પટેલના લમણે તાકી દીધી.
"રતનીયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો તો હવે શું ખાક ડરશે... ચાલ આ રમકડું એની જગ્યાએ મૂકી દે અને હમણાં તો હું તમને એક ખૂટતી કડીની માહિતી આપું છું પણ....આ રમત મારી સાથે ફરી ક્યારેય નહીં,સમજી ગયો?" ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર બહાર કાઢી એની અણી રતનની દાઢીએ દબાવી અને જે માહિતી આપી એનાથી રતન અને રાજીવ બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ.
વધુ આવતા અંકે.....
આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.